મૃત્યુ પછીની ઉઘરાણી ! આવી કેવી ઉઘરાણી હતી કે પિતાના મૃત્યુ પર દિકરીને કરવું પડ્યું અનોખું કામ…

“બચારા રવજીદાદાના સોકરાવ.!! કેવા પોક મૂકીને રડે સે..! બાપ માવતર ગિયું સે.. કઈ વાત્યુ થોડી સે..! પાંચેયને બાપ બહુ વહાલો હતો. જીવીડોશીના ગિયા પછી તો જતનથી હાઈચવા છ રવજીદાદાને..!” ગામને પાદરે આવેલા બંધ ડેલીના મોટા મકાનમાં ગમગીન વાતાવરણ છવાયેલું હતું.


રવજીદાદા ગામના સરપંચ હતા એટલે આખું ગામ એના મરણે આવેલું. સ્મશાન યાત્રામાં જોડાવા લોકો છેક દૂર શહેરથી પણ આવેલા.. ને કેમ ના આવે..! રવજીદાદા હતા જ એટલા હેતાળ કે શહેરમાં જઈને વસેલા લોકોના હૃદયમાંય એમની જગ્યા તો અકબંધ જ હતી.. પોતાની જુવાનીમાં જ્યારે તેઓ સરપંચ બન્યા ત્યારે કાંઈ કેટલાયના જીવ ઠારેલા.. જરૂર પડ્યે એમની ડેલીએ આવતા લોકોને તેઓ તેમની જરૂરિયાત કરતા બે ગણા વધારે પૈસા આપતા. ખેતીવાડી હતી ને બીજા ઘણાય કમાણીના સાધનો. પૈસાની તેમને ક્યારેય અછત નહોતી.


જીવીડોશીએ એક પછી એક એમ પાંચ દીકરાને જન્મ આપ્યો.. ને છઠી દીકરી આવી ત્યારે દાદા બોલ્યા હતા કે “મારા પાંચ પાંડવોની” લાડકી બેનડી હશે આ તો..! દીકરાઓ મોટા થતા ગયા એમ એ બધાંયને ધંધામાં સેટ કરવા રવજીદાદા એક પછી એક ખેતર વેંચવા લાગ્યા.. ને પાંચેયને જુદો ધંધોય કરી દીધો.. છોકરાઓ સેટ થયા એ પછી પાંચેયના લગ્ન નાતની સારામાં સારી દીકરીઓ જોડે કરાવ્યા.. ને દીકરીને ગઈ સાલ સાસરે વળાવી. દીકરીના ગયા પછી બે જ મહિનામાં જીવીડોશી મોટા ગામતરે ગયા.. એ પછી દાદા સાવ એકલા થઇ ગયેલા..! છોકરાઓ સાચવતા પણ તોય એમને જાણે કઈ ખૂટતું હોય એવું લાગતું.. ને બસ એ એકલતાનો પનારો વધારે સહન ના કરી શક્યા ને જીવીડોશીના ગયાના આઠ મહિનામાં જ ભગવાને રવજીદાદાને તેડાવ્યા..!


આજે વહેલી સવારે તેમની મોટી વહુ તેમને ચા આપવા ગઈ તોય તેઓએ હોંકારો ના ભણ્યો.. થોડી વારમાં તો બધા દીકરા ને શહેરમાં સાસરે વળાવેલી દીકરી પણ આવી ગઈ.. ડોકટરે કહ્યું કે ઊંઘમાં જ દાદાને હ્રદયરોગનો હુમલો આવી ગયેલો.. આ સાંભળીને ત્યાં હાજર સૌએ પોક મૂકી.. પાંચેય દીકરાઓ તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા! વહુઓ ને દાદાના પૌત્ર-પૌત્રીઓ પણ ગુમસુમ થઇ ગયેલા.. બસ રવજીદાદાની દીકરી ગોમતી સાવ ચૂપ થઇ ગઈ હતી.. ના હાલે કે ના બોલે.. હોલમાં લગાવેલી તેની અને રવજીદાદાની તસ્વીરને એકટશે જોયા કરે.. એને એટલો આઘાત લાગ્યો હતો કે તેની આંખમાંથી આંસુય નહોતા નીકળતા.

જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ લોકો ડેલીએ આવતા ગયા.. પાંચ વાગ્યે મૃત્યુ પામેલા રવજીદાદાને અગિયાર વાગ્યે સ્મશાને લઇ જવાનું નક્કી થયું! ત્યાં હાજર લોકો તો એમના પાંચેય દીકરાઓને પોક મૂકીને રડતા જોઈ લાગણીશીલ થઇ ગયેલા.


ગોમતી એક ખૂણામાં જ બેઠી હતી.. ત્યાંથી હલી પણ નહોતી. બધી તૈયારીઓ થઇ ગઈ.. રવજીદાદાને ચંદનના લાકડા પર અગ્નિદાહ દેવાનું નક્કી થયું.. દાદાના ઘરથી પાંચ કિલોમીટર દૂર આવેલા સ્મશાને લોકો ચાલ્યા. આગળ રવજીદાદાની નનામી ઊંચકીને તેમના ચાર દીકરાઓ ચાલતા હતા.. ને પાછળ આખા ગામના બીજા બધાય મરદ.

સ્મશાને પહોંચીને દાદાને દાહ દેવાની તૈયારીઓ કર્યા બાદ રવજી દાદાના શબને ચિતા પર મૂકીને તેમનો મોટો દીકરો લાકડું લેવા ગયો.. કે અચાનક જ દોડતા આવેલા એક અજાણ્યા આધેડ વયના ભાઈને પોતાના પિતાની ચિત્તા આગળ ઉભેલા જોઈને તે સહેજ સહેમી ગયો.. પ્રશ્નાર્થસૂચક નજરે એ ભાઈની સામે મોટાએ જોયું.. એ અજાણ્યા આધેડ વયના પુરુષે ચહેરા પર સહેજ રોષ સાથે બોલવાનું ચાલુ કર્યું, “તમારા બાપા પાસેથી મારે રૂપિયા લેવાના થાય છે.. છેલ્લા ચાર વર્ષથી હું માંગુ છું.. “આપી દઈશ”, “આપી દઈશ” વાત કરીને તેઓ ટાળ્યા કરતા હતા.. આજે એ પૈસા હું તમારા પાંચેય પાસેથી વસુલ કરીશ..!” સ્મશાનમાં હાજર દરેક લોકો આ સાંભળીને સુન્ન થઇ ગયા..


પોતાની વાત આગળ વધારતા એ ભાઈ બોલ્યા, “જ્યાં સુધી તમે મને એ રૂપિયા નહિ આપો ત્યાં સુધી હું તમારા બાપાને દાહ નહિ દેવા દઉં..!! અહીં એમ ને એમ ચિત્તા આગળ ઉભો રહીશ.” પોતાની વાત પુરી કરીને એ આધેડ વયના ભાઈ ત્યાં જ ખોડાઈ ગયા.

પાંચેય દીકરાઓને શું કરવું તે કઈ ના સુજ્યું.. એમ ને એમ એ પાંચેયની વાતોમાં અડધી કલાક વીતી ગઈ.. રવજીદાદાનો નિષ્પ્રાણ દેહ ચિત્તા ઉપર જાણે ખડકી દીધો હોય તેવો લાગી રહ્યો હતો.. એ નિસહાય શબ પણ હવે ચિત્કાર કરી રહ્યું હતું.. આ બધા સમય દરમિયાન મોટાનો નાનો દીકરો ઘરે જઈને બધી સ્ત્રીઓને વાત કરી આવ્યો.. પાંચેય પુરુષો સ્મશાનમાં ભૂતની જેમ ઉભા હતા. શુ કરવું તે ના સુજતા માથે હાથ દઈને બેસી ગયા.. મોટો દીકરો થોડી વાર વિચારીને તે ભાઈની નજીક આવ્યો અને બોલ્યો,

“જો ભાઈ.. અમે તમને ઓળખતા નથી તો તમારી વાત સાચી છે કે નહીં એ કેમ ખબર પડે..” વચેટ દીકરો પણ આવીને બોલ્યો, “હા ભાઈ.. અમે તમને રૂપિયા નહીં આપીએ.” સ્મશાનમાં હાજર બધા જ આ સાંભળીને ચોંકી ગયા.. કોઈ વચ્ચે કાંઈ બોલવા જાય એ પહેલાં રવજીદાદાની દીકરી ગોમતી દોડતી દોડતી આવી.. તેના મુખ પર વિષાદ હતો પરસેવાથી નીતરતો ચહેરો રડમસ થઈ ગયેલો.. હજુયે તેણે આંસુ તો નોહતા જ સાર્યા..


પોતાના ઘરની સ્ત્રીને આ રીતે સ્મશાનમાં આવેલી જોઈ પાંચેય ભાઈઓના ચહેરાની રેખા અચાનક તંગ થઇ ગઈ.. ગોમતી તો એ બધાને નજરઅંદાજ કરી સીધી દોડીને આગળ આવી.. પેલા આધેડ વયના ભાઈ પાસે આવીને હાંફતી ઉભી રહી.. એ ભાઈને પણ આ રીતે એકલી સ્ત્રીને સ્મશાનમાં જોઈ નવાઈ લાગી.. “નાનકો ઘરે આવ્યો હતો.. કૈંક રૂપિયાની વાત કરતો હતો.. તો શું થયું છે ભાઈ??” પેલા આધેડ વયના ભાઈની સામે જોઇને ગોમતીએ પૂછ્યું. “તમે કોણ છો બેન??” જવાબ આપતા પહેલા તે ભાઈએ ગોમતીને સામે સવાલ કર્યો.. “આ તમે જેની ચિત્તા પાસે ઉભા છો ને એની દીકરી છું હું..!” સહેજ નવાઈભર્યા ચહેરે તે છોકરીને જવાબ આપતા એ આધેડ વયના ભાઈ બોલ્યા,


“તારા પપ્પા પાસેથી મારે રૂપિયા લેવાના થાય છે.. છેલ્લા અમુક વર્ષોથી એ રૂપિયા આપવાનું ટાળતા જ આવ્યા છે. આજે એના મોતની ખબર પડી એટલે અહીં આવ્યો.. ને તારા આ ભાઈઓ પાસેથી પૈસા માગ્યા.. જ્યાં સુધી મને મારા પૈસા નહીં મળે ત્યાં સુધી હું તારા બાપને દાહ નહિ દેવા દઉં.!!” ને આ સાંભળતા જ તરત જ ગોમતી પોતે પહેરેલા સોનાના ઘરેણાં ઉતારવા લાગી.. ગળામાં પહેરેલી સોનાની ચેઇન, કાનમાં પહેરેલા લટકણ, હાથમાં પહેરેલા જાડા સોનાના પાટલાને પગમાં પહેરેલા ચાંદીના પાયલ.. એક મંગળસૂત્ર અને નાકની ચૂંક સિવાય પોતે પહેરેલા દરેક ઘરેણાં ઉતારીને તે ભાઈ પાસે ગઈ અને બોલી,


“મારા પપ્પાને અગ્નિદાહ દેવા દ્યો.. એમના જીવની સદ્ગતિ થવા દ્યો.. અહીં છેલ્લી એક કલાકથી એમની લાશ લાચાર થઈને ખોડી દેવામાં આવી છે.. આટલા ઘરેણામાંથી તમારા પૈસા ન વસુલ થાય તો હું મારી એફડી તોડીને કાલે જ પૈસા ચૂકવી આપીશ.! અત્યારે બસ મારા પપ્પાને દાહ દેવા દ્યો.. ને ત્યાંથી હટી જાવ..!” સ્મશાનમાં હાજર દરેક પુરુષ ગોમતીની વાત સાંભળી મોંમાં આંગળા નાખી ગયા..

આ દીકરી ક્યાં જન્મનું ઋણ ચૂકવી રહી હશે તે કોઈને ના સમજાયું. તેના પાંચ ભાઈઓ તો બહેનની આ નિસ્વાર્થ ભાવના જોઈ કંઈ બોલવાની સ્થિતિમાં પણ નહોતા.. ગોમતીની વાત સાંભળી તે આધેડ વયના ભાઈ ભીની આંખે બોલ્યા, “વાહ દીકરી.. વંદન છે તને.. મારે તારા પપ્પા પાસેથી કોઈ રૂપિયા નોહતા લેવાના.. બલ્કે મારે તો એમને 15 લાખ રૂપિયા આપવાના છે.. મને અવઢવ હતી કે એ રૂપિયા હું કોના હાથમાં આપું.. આજે, અત્યારે મને એનો સાચો હકદાર મળી ગયો..!”


આ વાત સાંભળતા જ રવજીદાદાના પાંચેય દીકરાના મોં જોવા જેવા થઈ ગયા.. એ બધાને નજરઅંદાજ કરી, તે ભાઈની વાત સાંભળી ના સાંભળ્યા જેવી કરી ગોમતી આગળ વધીને અને તેના પિતાની ચિતાને તેણે પોતાના હાથે દાહ આપ્યો..!! સ્મશાનમાં હાજર દરેક વ્યક્તિની આંખો આ દ્રશ્ય જોઈ પહોળી થઇ ગયેલી..તે સમયે પોતાના પિતાને દાહ આપ્યા બાદ ગોમતીની આંખમાંથી તેમના મૃત્યુ પછીના પહેલી વારના આંસુ સર્યા.

કુદરત પણ તે આંસુ જોઈને રડી પડી.. જાણે તેને વિચાર આવી રહ્યો હોય કે થોડી વાર પહેલા આંસુ સારતા એ પાંચ છોકરાઓના આંસુ સાચા હતા કે અત્યારે રડતી આ દીકરીના.!!

લેખિકા : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ