હું એ જ છું… – પતિ જે પોતાની સામજિક અને પારિવારિક જવાબદારીના લીધે કરી રહ્યો છે અન્યાય પોતાની પત્નીને…

દીક્ષાના લગ્નને આઠ વર્ષ થયા. દિયર-દેરાણી, સાસુ-સસરા અને બંને દિયરની એક એક દિકરીઓ સાથે એક વડ સાસુ. આવો હર્યો ભર્યો પૂરો પરિવાર. બધા ઘરના સભ્યો વચ્ચે ખૂબ જ મનમેળ અને પ્રેમભાવ છે પણ દીક્ષા આજે પણ પોતે પરણીને રાજકોટ આવી ત્યારની પરિસ્થિતિ ભૂલી નથી શકતી.

દીક્ષાના પપ્પાને ખૂબ સારો બિઝનેસ હતો આથી ખૂબ સારી રીતે ઊછરીને મોટી થઈ હતી. અભ્યાસ પણ ખૂબ સારો હતો. જ્યારે દીક્ષાના સંબંધની વાત આવી ત્યારે દીક્ષાની માત્ર એક જ ઈચ્છા હતી કે તેનો જીવનસાથી ખૂબ શિક્ષિત હોય કારણ કે શિક્ષિત વ્યક્તિ સમયની સાથે દરેક પરિસ્થિતિમાં સેટ થઈ શકે છે. જીવનમાં જરુરી બીજી બધી જ જરુરિયાત શિક્ષણ સાથે મળી જાય છે એવો મત દીક્ષાનો હતો. આથી જ્યારે દીક્ષા માટે ધ્રુવની વાત આવી ત્યારે ના પાડવાનો વિચાર દીક્ષા ન કરી શકી. કારણ કે ધ્રુવમાં આ બધી જ લાક્ષણિકતાઓ હતી સાથે તેની પાસે પ્રાઇવેટ નોકરી હતી અને મધ્યમ વર્ગનો પરિવાર હતો. કદાચ થોડીક આર્થિક સંકડામણનો અનુભવ થાય પણ ધ્રુવના અભ્યાસ પ્રમાણે તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે એવા વિચારે દીક્ષાએ અને તેના પરિવારે ધ્રુવ પર પસંદગી ઉતારી.

સંબંધ નક્કી થઈ ગયો પણ દીક્ષાના સાસરીયામાં થોડી રૂઢીચુસ્ત પરિવારની વિચારસરણી આથી દીક્ષા અને ધ્રુવનું લગ્ન પહેલા વાત કરવું, મળવું, હરવું-ફરવું પસંદ ન હતુ આથી લગ્ન પહેલાં જેમ દરેક છોકરીના મનમાં પોતાના જીવનસાથીને જોવાના, મળવાના, એની સાથે જીવનભર સાથ આપે એવી યાદો હ્રદયમાં કંડારીને રાખી શકાય એવા પળોની ગાંઠડી બાંધવાના સપના દીક્ષાના પણ હતા પરંતુ રુઢિચુસ્ત સાસરીના વિચારો આગળ દીક્ષાના સપના રુંધાયા. કોઈ સારો વાર-તહેવાર હોય કે કોઈ પ્રસંગ કે પછી કોઇ પણ કપલ માટે તહેવારથી કમ ન હોય તેવા વેલેંટાઇન ડે, ફ્રેંડ્શીપ ડે કે પછી દીક્ષાનો બર્થડે દરેક સમયે દીક્ષાની આંખો માત્ર ધ્રુવની રાહમાં જ પથરાયેલી રહેતી પણ ધ્રુવ ન આવતો તે ન જ આવતો અને લગ્ન પહેલાંનો ગોલ્ડન પિરીયડ દીક્ષા માટે માત્ર વેઇટીંગ પિરીયડ બનીને રહી ગયો.

આવી અધૂરી આશાઓનો કરયાવર લઈ દીક્ષા ધ્રુવ સાથે પરણી. લગ્ન પહેલાનો સમય ભૂલી તેણે લગ્ન પછીના જીવનમાં ખુશીઓ છલકાવવાનું નક્કી કર્યુ. તે સમજતી હતી કે હવે તો તેના અને ધ્રુવના દાંપત્યજીવનમાં મઘમઘતા ફૂલોની સુવાસ રાત દિવસ ફેલાશે અને તેનું જીવન ધ્રુવ સાથે પ્રફુલ્લિત બની જશે પણ તેની એ આશા પણ ઠગારી નીવડી. સંયુક્ત કુંટુંબમાં નવોઢા બનીને આવેલી દીક્ષાને આવતાની સાથે જ ઘરના કામ, વ્યવહાર અને જવાબદારીની નેક જાણે મુહ દિખાઈમાં મળી ગઈ. તેનાં ઘરમાં સાસુનું એક્ચક્રી શાસન ચાલતું હતું. ઘરની દરેક વ્યક્તિના મનમાં તેના સાસુનું વાક્ય બ્રહ્મવાક્ય બનીને કંડારાઈ જતું જેમાંથી દીક્ષા પણ બાકાત ન થઈ શકી.

ભણેલી ગણેલી હોવાં છતા ફક્ત ઘરકામ માટે તેને પોતાના નોકરી કરવાનાં અભરખા પણ સમેટી લેવા પડ્યાં. આજના આધુનિક જમાનામાં પણ ફરજિયાત સાડી પહેરવાનુ ફરમાન થયુ એ પણ દીક્ષાએ આંખ માથા પર લીધુ. લગ્નનાં ત્રણ મહિના થયાં ત્યાં તેના સસરાને બીમારીને કારણે કામ છોડી સંપૂર્ણ આરામ કરવાની સલાહ મળી. આથી ઘરની સંપૂર્ણ જવાબદારી ધ્રુવ અને તેના ભાઈ પર આવી. નાના ભાઈ બહેનોનો અભ્યાસ હજી ચાલુ હતો. ધ્રુવ અને દીક્ષાનું લગ્નજીવન તાજા મહેકતા ફૂલોની જેમ સુવાસિત થવાને બદલે આર્થિક ભીંસમાં ભીસાવા લાગ્યું.

ઘણીવાર દીક્ષા ધ્રુવ પાસે બહાર જવાનો, ફિલ્મ જોવા જવાનો, બહાર જમવા જવાનો, ફરવા જવાનો વિચાર જણાવતી પણ દરેક વખતે ધ્રુવની સીધી જ ના પાડી દેવાની ટેવને લીધે દીક્ષા ખુબ જ દુખી થતી. ઘણી વખત દીક્ષા દલીલ કરતી આ ઘર પર, તમારા પર કે તમે કમાવ છો તે રુપિયા પર મારો કોઈ અધિકાર છે કે નહિ? ધ્રુવે તેને એક જ વાર જવાબ આપેલો, “ મારા પર, મારા ઘર પર અને મારા જીવનની પૈસા સિવાયની દરેક બાબત પર તારો પૂરેપૂરો અધિકાર છે.” ધ્રુવનો આ જવાબ સાંભળી દીક્ષા પોતાના જીવનની હકીકત કળી ગઈ ત્યાર બાદ કોઈ દિવસ સ્વમાની દીક્ષાએ પોતાની મહેચ્છાઓની પૂર્તિ માટે કે પૈસા માટે ધ્રુવ પાસે ક્યારેય હાથ લાંબો ન કરવાનો નિર્ણય લીધો.

ધીમે ધીમે દીક્ષાની નજરમાં ધ્રુવ પોતાનું સ્થાન ગુમાવવા લાગ્યો પોતે જાણે એક ભણેલ ગણેલ “અભણ” વ્યક્તિ સાથે જીવન વીતાવતી હોય તેવો અહેસાસ દીક્ષાને થવા લાગ્યો જેને ન કોઇ શોખ છે કે ન પોતાના જીવનસાથીની લાગણીની કદર. તેના મતે ધ્રુવ એક એવી વ્યક્તિ છે કે જે ફ્ક્ત પોતાના ઘર, માતાપિતા અને જવાબદારી સિવાયની કોઇ પણ વાત કે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તે ફક્ત મુક શ્રોતા બની રહે છે. દીક્ષાએ ધ્રુવને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો પણ ધ્રુવમાં જેણે કાયમ પોતાનો પ્રેમી કે પોતાનો ઓલ ટાઇમ બેસ્ટ ફ્રેંડને શોધવાની ખોજ આદરી હતી તેને પુર્ણવિરામ આપી દીધું. દીક્ષાએ પોતાની સઘળી આશાઓને આગ ચાંપી, અપેક્ષાઓ ઓલવી નાખી, લગ્નજીવનને લઈને મનમાં સંગ્રહેલા અભરખાઓને ધ્રુવની નાલેશી ભરખી ગઈ. ટૂંક્માં દીક્ષાની પોતાના પતિનો પ્રેમ મેળવવાની ઝંખનાઓ જવાબદારીની હોળીમાં હોમાઇ ગઈ.

કોઈ પણ પ્રસંગ હોય, બર્થ ડે હોય, એનીવર્સરી હોય, કે પછી સારો વીક એન્ડ હોય દીક્ષા માટે 365 દિવસ એક જ સરખાં હતાં તેમાં માત્ર વાસણ, કપડાં, સાફ સફાઈના ઘરનાં કામ સિવાય કોઈ નાવીન્ય નહોતું. ધીમે ધીમે જાણે દીક્ષા પોતાનું અસ્તિત્વ જ ગુમાવવા લાગી. પપ્પાને ત્યાં ખીલતી કળી જેવી માસુમ અને ઝરણાની જેમ ઉછળતી કુદતી, હરવા ફરવાની શોખીન, નવા નવા કપડા અને શોપીંગની દીવાની દીક્ષા જાણે ઘરમાં માત્ર એક શો પીસ બનીને રહી ગઈ.

લગ્ન પહેલાં નાના પ્રસંગમાં કે માત્ર રવિવારે પણ દીક્ષા કદી તેલવાળા વાળ પસંદ ન કરતી. ખુલ્લા વાળે સુવા ટેવાયેલી દીક્ષા કાયમ માથામાં તેલ નાખી વાળ બાંધતી થઈ ગઈ. જાણે તેના બંધાયેલા વાળ તેનાં જીવનને બાંધનાર એ અણદીઠા બંધનનું પ્રતીક હતાં. ધીમે ધીમે પોતાના દરેક શોખ, પસંદ-નાપસંદ અને ગમતી આદતો દીક્ષા છોડવા લાગી અને એક ફુલ ટાઈમ ગૃહિણી બની ગઈ.

ત્રણ વર્ષ પછી ઘરમાં દેરાણી આવી. બીજા ત્રણ વર્ષ પછી નાના દિયરના લગ્ન થયા નણંદ પણ સાસરે ગઈ ઘરમાં આર્થિક સંક્ડામણ થોડી ઓછી થઈ પણ લગ્નનાં કિંમતી છ વર્ષ માત્ર ઘરની જવાબદારી પૂરી કરવામાં વીતી ગયાં.

હવે ધ્રુવનો પગાર પણ ખૂબ સારો હતો. હવે બંનેની જવાબદારીઓ પણ ઓછી થઈ હતી પણ જ્યારે જે ઈચ્છાઓ દીક્ષાએ પોતાના હાથે કચડી હતી તેની પીડામાંથી પોતાની જાતને બહાર લાવી શકી ન હતી. ન ક્યારેય કોઈ નવા કપડાં પહેરવા, ન ક્યારેય બહાર જવું, ન ક્યારેય કોઈ શોખ કરવાં. બસ, સવારથી સાંજની ચોક્કસ કામની દિનચર્યા પતાવી રાત્રે સૂઈ જવું એ જ દીક્ષાનું નીરસ જીવન બની ગયું હતું. આથી આવા નીરસ જીવનમાં માતા બનવાનું સુખ પણ જાણે પાછળ રહી ગયું. લગ્ન પહેલાંનો અને લગ્નની શરુઆતનો સમય જે દરેક વ્યક્તિ માટે યાદગાર હોય છે તે સમય દીક્ષા માટે આજીવન પીડા આપનાર બની રહ્યો.

આઠ વર્ષ થયાં ત્યારે ખૂબ સારા અનુભવને કારણે ધ્રુવને વડોદરા શહેરની એક સરકારી સંસ્થામાં નોકરી મળી ગઈ. આથી ધ્રુવ અને દીક્ષા વડોદરા શિફ્ટ થઈ ગયાં. અહીં પણ દીક્ષા પોતાને અગાઉ વીતાવેલ જીંદગીમાંથી બહાર કાઢી ન શકી. જે પહેલા કરતી એ જ રીતે અહીં પણ તેણે પોતાનું નીરસ જીવન ચાલું રાખ્યું. કારણે કે તેને હવે ધ્રુવ પાસેથી કોઈ અપેક્ષા જ ન હતી.

શિફ્ટ થયાને એક મહિનો થયો હશે ત્યાં અચાનક એક શનિવારે ધ્રુવ વહેલો ઘેર આવી ગયો અને બોલ્યો, “ દીક્ષા ! સાંજે તૈયાર થઈ જાજે સાંજે આપણે મુવી જોવા જવાનું છે જો ટિકિટ પણ લાવ્યો છું.” અચાનક ધ્રુવના આવા શબ્દો સાંભળી દીક્ષાને નવાઈ થઈ પણ પછી બોલી,” એમાં તૈયાર શું થવાનું બસ ફક્ત કપડા બદલવા છે હમણાં સાડી પહેરી લઈશ.” દીક્ષા ચેંજ કરવા જાય છે તેને રોકીને હાથ પકડીને ધ્રુવ બોલ્યો,” દીક્ષા ઘણાં સમયથી તને ડ્રેસમાં નથી જોઈ. જો પેલી બેગમાં તારાં માટે એક કુર્તી લાવ્યો છું ટ્રાય કર અને કહે કેવી છે? આજે સાંજે તું એ જ કુર્તી પહેરજે અને હાં… આ તેલવાળા વાળ વોશ કરવાનું ભૂલતી નહી આપણે મૂવી જોવા જઈએ છીએ મંદિરે નહિ એટલે જરાં ટીપટોપ તૈયાર થજે.”

જવાનો સમય થયો દીક્ષા કુર્તી પહેરીને તૈયાર થઈને બહાર આવી અને ધ્રુવને જવાનું કહે છે. ધ્રુવે દીક્ષા તરફ એક નજર કરી અને નજીક જઈને દીક્ષાએ માથામાં વાળેલી પોની છોડી અને કહ્યું, “ દીક્ષા તું ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગે છે એટલે તારે ખુલ્લાં વાળમાં જ આવવાનું છે અરે ! લોકોને પણ ખબર તો પડે કે મારી પત્ની કેટલી સુંદર છે.” ધ્રુવનું આમ બદલાયેલું વર્તન, વિચાર અને વાતો સાંભળી દીક્ષાના અચરજનો પાર ન રહ્યો.

મૂવી જોઈને દીક્ષા ઉતાવળ કરતાં બોલી હવે જલ્દી ચાલો ઘરે જઈને રસોઈ પણ બનાવવાની છે. એને અટકાવતા ધ્રુવે કહ્યું, “ શું ઉતાવળ કરે છે. આજે આપણે ઘરે જમવાનાં નથી આજે આપણે બરોડાની હોટલમાં ડીનર લઈશું જોઈએ અહીંનો ટેસ્ટ કેવો છે…!” દીક્ષાના મનમાં કઈંક ગડમથલ ચાલી રહી છે આ વિચારની સાથે જ તેને આખો દિવસ સુંદર રીતે પૂરો થયો.

બીજા દિવસે રવિવાર હતો આથી સુતા પહેલા ધ્રુવે દીક્ષાને કહ્યું,” દીક્ષા કાલે રવિવાર છે હો, કાયમ તું જ સુરજને જગાડે છે… કાલે સુરજને પણ મોકો આપજે કે તે પણ તને જગાડે…” દીક્ષા ધ્રુવનો કહેવાનો મતલબ સમજી ગઈ કે ધ્રુવ તેને કાલે મોડે સુધી સુવાની વાત કહી રહ્યો હતો.

રવિવારે સવારમાં ધ્રુવે દીક્ષાને ચા તૈયાર કરી જગાડી. દીક્ષા તો ધ્રુવનું વર્તન જોઈ બસ નવાઈ જ પામી રહી છે. રોજબરોજનાં કામમાં નાની નાની વાતમાં ધ્રુવ દીક્ષાને મદદરૂપ થવાનો, તેને ખુશ કરવાનો એક પણ મોકો છોડતો નથી. દીક્ષાને અમુક કપડાં પર ટોકે છે, અમુક કલર પહેરવાની ના પાડે છે, વાળ તો ક્યારેય બાંધવા જ નથી દેતો. સમય અને પરિસ્થિતિ જોઈ દીક્ષાની પ્રશંસા કરે છે, ક્યારેક લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે.

ક્યારેક એમ જ કારણ વગર હગ કરી દે છે તો ક્યારેક એમ જ કોઈ ને કોઈ ગીફ્ટ લાવે છે. ત્યાં એક દિવસ ધ્રુવે દીક્ષાનાં હાથમાં દસ હજાર રુપિયા મુકી કહ્યુ કાલે પગાર થયો છે થોડા રુપિયા રાખ ઘરખર્ચ અને તારા પર્સનલ ખર્ચમાં કામ લાગશે. દીક્ષાના હોઠથી અળગું થઈ ગયેલું સ્મિત જાણે ધીમે ધીમે દીક્ષાનાં હોઠનું સરનામું શોધી ટકોરા દેવા લાગ્યું. ક્યારેક ક્યારેક વાચવાની શોખીન દીક્ષા પુસ્તક, પેપર પર નજર ફેરવવા લાગી, ઘરકામ કરતાં કરતાં હોઠ પર મનપસંદ ગીતોનો ગણગણાટ આવવા લાગ્યો. લગ્નનાં આઠ વર્ષે જાણે જીવનમાં કોઈ છૂપા આનંદનો સંચાર થવા લાગ્યો.

આજે ઘરનાં કામમાથી પરવારીને દીક્ષા સૂઈ ગઈ છે રાતના બાર વાગ્યા અને દીક્ષાનાં કાન પાસે જોરથી “હેપ્પી બર્થ ડે ” બોલીને ધ્રુવ દીક્ષાને વીશ કરે છે અને સરપ્રાઈઝ આપતાં ગોઠવેલી કેક દીક્ષા પાસે કટ કરાવે છે. આ એ ક્ષણની ખુશી હતી જેના સપના દીક્ષાએ લગ્ન પહેલાના બર્થ ડે થી લઈને લગ્ન પછીના પોતાના બર્થ ડે પર જોયા હતા. જે આજે લગ્નનાં આઠ વર્ષ બાદ મળી આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત સાથે તે ધ્રુવને ગળે લગાડી લે છે અને કહે છે કે, ”આ મારી જીંદગીનો સૌથી યાદગાર બર્થ ડે છે ધ્રુવ, જેને તમે સેલીબ્રેટ કર્યો…” ધ્રુવ હું તમને ઓળખી નથી શકતી. આ ધ્રુવ મારા પતિ જ છે જે મારી સામે ઊભા છે કે એ ધ્રુવ મારા પતિ છે જે રાજકોટ મારી સાથે રહેતા હતા. આ જ સુધી તમારો આ પ્રેમ, આ વર્તન, આ કાળજી આ બધું ક્યાં હતું? પહેલા ક્યારેય તમે કેમ તમારા આ પ્રેમાળ વર્તનને મારી પાસે વ્યક્ત ન કર્યું ? કોણ છો તમે હું તમને ઓળખી નથી શકતી. મા-બાપનો લાડકો દિકરો એકાએક મારો પતિ કેમ બની ગયો? અને મારો પતિ કેમ હવે લગ્નના આઠ વર્ષે મારો પ્રેમી બનવાની કોશીશ કરી રહ્યો છે? પ્લીઝ, ધ્રુવ મને કહો, “ શું તમે એ જ ધ્રુવ છો?”

અરે જાનું… પહેલી વાત તો એ કે જ્યારથી મેં તને જોયેલી ત્યારથી આ જ સુધી મેં તને અને માત્ર ખૂબ જ પ્રેમ કર્યો છે. હું એ જ ધ્રુવ છું જે તને જોવા આવ્યો હતો , હું એજ ધ્રુવ છું જેનાં શિક્ષણ અને સમજદારીએ મારા પ્રત્યે આકર્ષી હતી. હું એ જ ધ્રુવ છું જે રાજકોટમાં તારો પતિ ઉપરાંત એક ઘરનો મોટો દિકરો, મોટોભાઈ અને પછી ઘરની સૌથી જવાબદાર વ્યક્તિ બની ગયો હતો.

દીક્ષા તને તો યાદ જ હશે કે તું પરણીને આવી ત્યારે અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી તંગ જ હતી. એક વ્યક્તિ કમાવા વાળી અને ઘરના એટલા લોકોનો ખર્ચ મારી નોકરી પછી ઘરમાં થોડો ટેકો થયો. પણ હજી પાછળ ભાઈઓ બહેનોના અભ્યાસ અને લગ્નનો મસમોટો ખર્ચ બાકી હતો આથી પહેલેથી જ જીવનમાં કયારેય બિનજરુરી ખર્ચા કરવા અંગે વિચારતો જ નહિ. નવા લગ્ન અને પ્રેમના જોશમાં ઘરની પરિસ્થિતિ ભૂલી ન શકાય. તારી સાથે લગ્ન કર્યા પછી તો ઘરમાં પાછળ રહેલ દરેક વ્યક્તિ સામે મારે અનુકરણીય ઉદાહરણ મુકવાનું હતું.

હું જે રીતે વર્તન કરતો તે બધું જ મારા ભાઈ બહેન પણ ઇચ્છત જે કદાચ યોગ્ય ન હોત. હું હંમેશા તારું દુ:ખ, દર્દ, ફરિયાદો માત્ર સાંભળવનું કામ જ કરતો એનો મતલબ એ ન હતો કે હું તારી તકલીફ ન્હોતો સમજતો પણ એ સમયે તને કેળવવાનો મને જે રસ્તો યોગ્ય લાગ્યો તે મેં અપનાવ્યો. સાથે ઘરની અમુક રૂઢિ રિવાજ અપનાવવાથી ઘરનાં વડીલોને આનંદ મળતો હોય તો તે અપનાવવામાં કોઈ ખોટ નથી એવો મારો મત હતો. તને સાડી પહેરવાથી મારાં વિચારો જુનવાણી અને ડ્રેસ પહેરવાથી આધુનિક નથી બની જતાં. સાચુ શિક્ષણ સારાં કપડાં કે સારી નોકરીમાં નહિ પણ પોતાની સુઝબુઝ અને સમજણથી પોતાના પરિવારને સારી રીતે સંભાળી લેવું તેમાં જ શિક્ષણની સાચી સમજદારી છે એવુ હું માનુ છું.

સાચો પ્રેમ, આદર અને લાગણી વ્યક્તિનાં રીત રિવાજ, નોકરી કે વિચારોમાં નહીં પણ વ્યક્તિનાં હ્રદયમાં તમારા સ્થાનથી હોય છે. જે સ્થાન તારું મારાં હ્રદયમાં છે તે અનન્ય છે અને હું ઋણી છું તારો કે તારાં પિતાને ત્યાં ખૂબ જ છૂટછાટમાં ઉછરીને પણ તે મને પરિવાર સહ અપનાવ્યો અને એ દરેક પરિસ્થિતિમાં તારી આશા, અપેક્ષા અને સપનાઓ છોડીને ઘરની ઘરેડમાં ઘડાઈ ગઈ. હું ગુનેગાર છું તારે એ દરેક પીડાનો જે તને મારા લીધે મળી ત્યારે જો હું તારી વાતો સાંભળી ઘરમાં વર્તન કરત તો અત્યારે જે પ્રેમ, આદર આપણાં માટે છે તે હોત કે નહિ એ એક પ્રશ્ન છે. પણ છતાંય તારાં રોળાયેલાં દરેક અરમાન માટે કાયમ હું જ જવાબદાર હતો પણ જે તે સમયે મને જે યોગ્ય લાગ્યું ત મેં કર્યું.

ફરીથી દીક્ષા હાર્ટલી સોરી ફ્રોમ યોર ધ્રુવ.. હાં…. દીક્ષા.. હું એ જ છું જેને તે પસંદ કર્યો હતો, ચાહ્યો હતો, ધિક્કાર્યો હતો પણ સોરી હું ત્યારે પણ તને જ ચાહતો હતો અને આજે પણ તને જ….. હાં.. હવે અહીં આપણાં સિવાય કોઈ નથી એટલે એ ધ્રુવ બની તને તારે જીંદગીમાં પાછી લાવવા માગું છું. તારો એ પ્રેમી બનવા માગુ છું જેના સપના તે જોયાતા. બીલીવમી દીક્ષા હજી કંઈ મોડું નથી થયું તું મન ખોલીને મને તારી દરેક ઈચ્છા, અપેક્ષા કહી શકે છે કારણ કે અહીં “હું એ જ છું.” માત્ર તારો ધ્રુવ….

લેખિકા : નિશા રાઠોડ

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર. વાર્તા માટેનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ