આજની પોઝિટિવ સ્ટોરી: ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશીની માનવતાઃ ખેડૂત દંપતીને દાહોદથી રાજકોટ પહોંચાડ્યું…

ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશીની માનવતાઃ ખેડૂત દંપતીને દાહોદથી રાજકોટ પહોંચાડ્યું…

15મી મે, 2020, શુક્રવારે દાહોદમાં એક એવી ઘટના બની જે સંવેદનશીલ વ્યક્તિની આંખો ભીની કરી દે. મામલતદાર કચેરીમાં કાળુભાઈ નામના ખેડૂત-શ્રમિક ધર્મપત્ની સાથે આવ્યા. તેમના ચહેરા પર પારાવાર પીડા હતી. તેઓ રાજકોટની બાજુના કોઈ ગામમાં વાડીમાં પરિવાર સાથે રહેતા હતા. લોકડાઉન પહેલાં તેઓ પત્ની અને એક પુત્ર સાથે મામાજીના ઘરે કોઈ સામાજિક કામથી મીનાક્યાર આવ્યા હતા. તેમના ત્રણ દીકરા વાડી પર એકલા હતા. અહીં આવે બે મહિના થઈ ગયા હતા. વાડીમાં રહેલા ત્રણમાંથી બે પુત્રો બિમાર પડ્યા હતા. તેમને શરદી-તાવ હતાં. આ શ્રમિક દંપતીને વાડી પર જવું હતું, પણ મેળ પડતો નહોતો.

image source

તેમને દઢ સંકલ્પ સાથે તેમની વાડી સુધી પહોંચાડનારા ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશી પંદરમી મેના રોજ ગરબાડા મામલતદાર કચેરીના ઓપરેટર ભૌતિકભાઈ પ્રજાપતિ સાથે બેઠા હતા. ત્યાં આ દંપતી આવ્યું. તેમની પાસે પૈસા નહીં ને ખાવાનું પણ નહીં. પતિ-પત્ની ખૂબ રડ્યાં. હાર્દિકભાઈએ તેમને ધ્યાનથી સાંભળ્યાં. સાંત્વના આપી. નાસ્તો કરાવ્યો. તેમનાં આંસુએ હાર્દિકભાઈને વિચલિત કરી નાખ્યા. તેમની આંખમાં પણ આંસુ આવી ગયાં. તેમણે સંકલ્પ કર્યો કે હું કોઈ પણ સંજોગોમાં તેમને મોકલી આપીશ. તેમણે પોતાના ગજવામાંથી થોડી રકમ આપી. ગરબાડા ગામના અગ્રણી અને સુખી ગોપાલભાઈ અગ્રવાલને વાત કરી. તેમણે રાશન અને 1000 રૂપિયા આપ્યા. હાર્દિકભાઈના ડ્રાયવર વાઘજીભાઈએ પણ સહયોગ કર્યો. તેમના સાથી મિત્ર ઋષિભાઈએ અનાજની બે કીટ આપી.

image source

એ પછી હાર્દિકભાઈએ તેમને રાજકોટ પહોંચાડવાનું ઓપરેશન શરૂ કર્યું. હાર્દિકભાઈએ કાળુભાઈના પરિવારને રસ્તામાં કોઈ તકલીફ ના પડે તે માટે ગાડીનો ટ્રાવેલિંગ પાસ બનાવી આપ્યો હતો. તાલુકાના આરોગ્ય અધિકારી ડો. ડાભી સાહેબની મદદથી મેડિકલ ટેસ્ટ કરાવીને સર્ટી આપ્યું. ચા મંગાવી બધાંએ ચા પીધી. જતી વખતે કાળુભાઈ ખૂબ જ રડ્યા. તેમનાં પત્ની રડ્યાં અને હાર્દિકભાઈ સહિત હાજર તમામની આંખોમાં પાણી આવી ગયાં. એ એક સંવેદનશીલ દૃશ્ય હતું. જો કોરોનાની એ દશ્ય પર નજર પડી હોત તો તેણે આત્મહત્યા કરી હોત…

હાર્દિકભાઈ જોશી અને તેમની ટીમના સભ્યો શ્રમિક પતિ-પત્નીને લઈને બોર્ડર પર ગયા. ત્યાં હાજર પોલીસ કર્મચારી દિનેશભાઈ રાઠોડને કહ્યું કે રાજકોટ તરફ જતું કોઈ પણ વાહન રોકે. મધ્યપ્રદેશમાં રહેતો એક ભાઈ રાજકોટમાં ફસાયેલા પોતાના પરિવારજનોને લેવા જતો હતો. તેમનું વાહન (ક્રુઝર) મળી ગયું. કાળુભાઈ, તેમનાં પત્ની અને પુત્રને તેમાં બેસાડવામાં આવ્યાં. દરમિયાન 26 વરસના ડ્રાયવર સંજય બામણિયાએ હાર્દિકભાઈને કહ્યું કે સાહેબ, રસ્તામાં ચા-નાસ્તાનો ખર્ચ મારા તરફથી. હાર્દિકભાઈ તેમને જોતા જ રહ્યા. છેવટે બધું પાર પડ્યું.

image source

કાળુભાઈ પરિવાર સાથે 16મી મે, 2020ના રોજ રાજકોટ પાસેની કોઈ ચોકડીએ ઉતર્યા. ત્યાંથી એક રીક્ષામાં થોડે આવ્યા અને પછી ચાલતાં નવ વાગ્યે વાડી પર પહોંચી ગયા. ત્રણેય દીકરાઓ કાગડોળે માહ જોતા હતા. દીકરાઓ માતા-પિતાને જોઈને રાજી થયા. કાળુભાઈ સાથે ફોન પર વાત કરતાં તેમણે કહ્યું કે દીકરાઓની તબિયત સારી છે. તાવ ઉતરી ગયો છે. તેમણે કહ્યું કે હાર્દિકભાઈ તો અમારા માટે ભગવાન બન્યા. તેમનો પાડ કદી ભૂલી નહીં શકાય અને ઉતારી પણ નહીં શકાય.

કાળુભાઈની સાથે જે દીકરો હતો એ તેમનો સગો દીકરો નહોતો. એ તેમના સાળાનો દીકરો છે. તેમના સાળા અને સાળાવેલી ગયા વર્ષે કોઈના બારમામાં રાજકોટથી દાહોદ તરફ જતાં હતાં ત્યારે એક અકસ્માત થતાં બન્નેનું મૃત્યુ થયું હતું. આ દીકરો તેમની સાથે નહોતો એટલે બચી ગયો. એને કાળુભાઈ અને તેમનાં પત્ની સાચવે છે. આવી હોય છે કહેવાતા નાના લોકોની ઉદારતા અને મોટાઈ !

ખરેખર હાર્દિકભાઈ જોશીએ મોટું કામ કર્યું. હું તેમને વર્ષોથી જાણું છું. તેઓ સંવેદનશીલ અને સેવાભાવી છે. અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુંબઈમાં વસતા ઉદ્યોગપતિ સવજીભાઈ બેરા નામના કચ્છીમાડુ આદિવાસી બાળકો માટે નવાં કપડાં દાનમાં આપે છે. એ પ્રવૃતિના તેઓ સંયોજક છે.

હાર્દિકભાઈ જોશીને માનવતાને ઉજાગર કરવા માટે 11 દરિયા ભરીને અભિનંદન. તેમનો સંપર્ક નંબર 9924505857 છે. કાળુભાઈનો સંપર્ક નંબર 9904940839 છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ