હકીકત – કોઈએ સાચું જ કહ્યું છે ધારવું અને અનુમાન લગાવવું એના કરતા પૂછી લેવું વધુ સારું.

નિરીક્ષણ મારા સ્વભાવ માં વણાઈ ગયું છે એટલે રોજ કંઇક તો એવું દેખાઈ જ જાય જે મને વિચારતી કરી મૂકે..

આજે એક એવા સ્ત્રી પુરુષ ની વાર્તા લઈને આવી છું જે પોતાની રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છે….અશોક ભાઈ સરકારી નોકરી માં સારી એવી પોસ્ટ પર હતા..અને એ નોકરિયાત જીવન માંથી એકાદ વર્ષ પૂર્વે જ રિટાયર્ડ થઈ લાઈફ જીવી રહ્યા હતા…એમના પત્ની સરિતા બેન એક ગૃહિણી તરીકે અશોક ભાઈ નું ઘર ખૂબ જ સારી રીતે સંભાળતા…પણ સ્વભાવ થોડો ગરમ..એટલે એમના ઘરમાંથી રોજ કાંઈક ને કઇંક કચકચ સંભળાયા જ કરતી… 2 પુત્રી ના માતા પિતા અશોકભાઈ અને સરિતા બને બંને પુત્રી ને લગ્ન કરાવી સાસરે વળાવી ચુક્યા હતા એટલે પાછલી જિંદગી બસ એકબીજા ના સહારે જ જીવવાની હતી..

અશોકભાઈ ખૂબ ભલા માણસ..ક્યારેય કોઈ ફરિયાદ એમને ના એમના જીવન પ્રત્યે દાખવી ના પરિવાર ના સભ્યો પ્રત્યે..અને એનાથી તદ્દન ઊલટું સરિતા બેન પાસે તો જાણે ફરિયાદો નું પોટલું હતું…એમને દરેક વ્યક્તિ માટે ફરિયાદ હતી પછી એ પડોશી હોય…શાક વાળો હોય કે કુટુંબ નું કોઈ સભ્ય હોય….એમનો સ્વભાવ જોઈને ભલભલા ને અશોકભાઈ પર દયા આવે..એમ થાય કે એમને આટલા વર્ષો કેવી રીતે સરિતા બેન સાથે કાઢ્યા હશે….

* * * * *

એક દિવસ ની વાત છે..રાત્રે અશોકભાઈ અને સરિતા બેન વચ્ચે બરાબર નું યુદ્ધ જામ્યું હતું..સરિતા બેન આદત મુજબ હાથ લાંબા કરી કરીને અશોક ભાઈ ને કહી રહ્યા હતા. “સાવ મૂંગા ને મૂંગા જ….ક્યાં થી મારે પનારે પડ્યા” અશોકભાઈ હજી મૌન જ હતા એટલે બમણા ગુસ્સા સાથે સરિતાબેન ફરી તાળુક્યા

“જતી જિંદગી એ તમારા ઘરના ઢસરડા કરી ને હું થાકી છું… મારાથી આમ નહિ જીવાય” અશોકભાઈ એ એમને શાંત કરવા સરિતા બેન ના બન્ને ખભા પર હાથ મૂક્યા પણ આવેશમાં આવી સરિતાબેને એ હાથ ફંગોળી દીધા…. વાત વધારે વણસી સરિતાબેન નો ગુસ્સો સાતમા આસમાને હતો એમને અશોકભાઈ નો કોલર પકડી જાણે ચેતવણી આપતા હોય એમ ફરમાન જાહેર કરી દીધો “હું હવે અહીંયા નહિ રહી શકું..હું જાઉં છું”


એટલું બોલતા સરિતાબેન ગુસ્સામાં ઘરમાંથી નીકળી ગયા.. એમની પાછળ પાછળ લાચાર બનેલા અશોકભાઈ પણ એમને રોકવા બહાર દોડીએ આવ્યા.. પણ સરિતાબેને અશોકભાઈ ની કાંઈ જ પરવા કર્યા વગર ઘર છોડી દીધું. સરિતાબેન ના ગયા પછી એકલા પડી ગયેલા અશોકભાઈ ને એ જ રાત્રે હૃદયરોગ નો હુમલો થયો અને એમને રાત્રે ને રાત્રે જ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા… એક નિવૃત વ્યક્તિ ને એની પત્ની પણ સાથ આપવા તૈયાર ન હોય તો એની આ જ હાલત થાય એ સ્વાભાવિક જ છે….

* * * *

આ સમગ્ર ઘટના મેં મારા ઘર ની બારી માંથી જોયેલી..અશોકભાઈ અને સરિતાબેન ના હાવભાવ પર થી મેં અંદાજો લગાવી લીધો હતો કે એમની વચ્ચે આવુ જ કઈક બન્યું હશે.. પણ હકીકત ઘણી અલગ હતી… એમની પુત્રી અવની મારી ખાસ સહેલી.. પિતાના હૃદયરોગ ના હુમલાની વાત સાંભળી એમની ખબર જોવા એ સાસરે થી દોડી આવેલી…. અને એના પિતાના ખબર અંતર પૂછવા હું એને મળવા ગયી હતી ત્યારે એના મોઢે જે સાંભળ્યુ એ પછી મને મારી જાત પર ઘૃણા ઉદભવી…. તે રાત્રે સરિતાબેન અને અશોકભાઈ વચ્ચે યુદ્ધ જમેલું એનું ખરું કારણ અશોકભાઈ નો સતત વધી રહેલો છાતી નો દુખાવો હતો….


ફક્ત બારીમાંથી દેખાતા એ દ્રશ્ય ના ખરા સંવાદો તદ્દન જુદા જ હતા. સરિતા બેન ચિંતાવશ થઈને અશોકભાઈ ને કહી રહ્યા હતા “આવી બેદરકારી તો કઈ ચાલે.. તમને કાલ નું છાતી માં દુઃખે છે અને તમે મને હમણાં જણાવો છો?” છાતી માં થતા અસહ્ય દુઃખાવા ના કારણે અશોકભાઈ કોઈ જવાબ ન આપી શક્યા.. એટલે સરિતાબેન ફરી જરા જોશ માં બોલ્યા


“આ શું બાળહઠ કરીને બેઠા છો… ચાલો ને ડોકટર પાસે જઈ આવીએ” અશોકભાઈ સરિતાબેન ની ચિંતા સમજી શકતા હતા એટલે એમને સરિતાબેન ના બન્ને ખભા પકડી ને બસ એટલું જ કહ્યું “ગાંડી તું ચિંતા ન કર મને કાઈ નહિ થાય” આવા શબ્દો સાંભળી સરિતા બેન પોતાના લાગણી અને ચિંતાના અવેશો પર કાબુ ગુમાવી સીધા જ અશોકભાઈ ના કોલર પકડી ને બોલ્યા

“હું તમને કઈ થવા પણ નહીં દઉં… તમારે ન આવવું હોય તો કઈ નહિ હું ડોકટર ને ઘરે બોલાવી આવીશ” અને સરિતાબેન ડૉક્ટર ને બોલાવવા માટે નીકળી પડ્યા… દવાખાને પહોંચી ત્યાંથી એમ્બ્યુલન્સ લઇ સીધા ઘરે અશોકભાઈને લેવા આવી પહોંચ્યા… દુઃખાવો વધી ગયો હતો… એટલે અશોકભાઈને સત્વરે દવાખાને લઇ જવાયાં.. ડોકટરે નિદાન કર્યું કે “અશોક ભાઈ ને હ્ર્દય રોગ નો હુમલો ઉપડ્યો હતો. સારુ થયું સરિતાબેને સમયસૂચકતા દાખવી ને અમને જાણ કરી.. નહિ તો અશોકભાઈ નો જીવ જોખમ માં હતો”

* * * * *

કેટલી ભિન્નતા હતી ને ધારણા અને હકીકત માં?.. માણસના બાહ્ય હાવભાવ થી આપણે કેટલું બધું અનુમાન લગાવી દઈએ છે.. પણ અમુક વાર એ અનુમાન તદ્દન ખોખલા નીકળે એવુ પણ બને.. જેમ સરિતાબેન માટે મારુ અનુમાન ખોખલું સાબિત થયું બિલકુલ તેમ જ.


લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ