દીકરાઓના ત્રાસથી 80 વર્ષના માજી તૈયાર થયા ઝેર પીવા, ડીવાયએસપી વણઝારાએ લીધા દત્તક…

પુત્રોએ જ્યારે લાઠી બનીને માતાને સહારો આપવાનો હોય ત્યારે માર મારી ઘરમાંથી બહાર કાઢ્યા. વૃદ્ધ માતા એટલા ત્રસ્ત થઈ ગયા કે તેમણે મહિલા સહાયતા કેન્દ્રના દરવાજા ખટખટાવવા પડ્યા.

સાચે જ જ્યારે પોતાનું પેટ જ પોતાનો અંત કરવાનો નિર્ધાર કરી લે ત્યારે માતાની શું હાલત થાય તે દુઃખ તો એક માતાથી વિશેષ કોઈ ન જાણી શકે. મહેસાણાના વિજાપુરના દેવડા ગામના 80 વર્ષીય સીતાબા બારોટની કથની પણ કંઈક આવી જ છે.

ચાર વર્ષ પહેલાં પતિનું મૃત્યુ થયું અને બસ તેમના માથા પરથી હંમશ માટેની છત જ છીનવાઈ ગઈ. પતિના મૃત્યુ બાદ તેઓ સદંતર એકલા થઈ ગયા પુત્રો પણ તેમની કોઈ ખબર નહોતા પુછતાં ઉલટાનું ઢોર માર મારવા લાગ્યા. પતિની અંતિમ ક્રિયા પણ તેમણે પોતાના હાથની છેલ્લી બંગડીઓ વેચીને કરાવવી પડી.

કપાતર પુત્રોની નજર પહેલેથી સીતાબાના નામે રહેલી 6 વીઘા જમીન પર છે. તેને પડાવી લેવા પુત્ર નીતનવા નુસખા અજમાવતા જેમાં તેમને ઢોર માર મારવાનો પણ સમાવેશ થાય છે. તેમના મહત્ત્વના દસ્તાવેજો પણ પુત્રોએ તેમની પાસેથી છીનવી લીધા છે. તે હવે જીવનથી એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેઓ હવે પછી ક્યારેય પોતાના ઘરે પાછા જવા નથી માગતા કે પુત્રોના મોઢા જોવા નથી માગતા.

તેમણે પોલીસ સ્ટેશન જઈ અરજ કરી છે કે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવી આવે. પણ બીચારા માજીની કઠણાઈ એ છે કે તેમની પાસે વૃદ્ધાશ્રમમાં જીવન વ્યતિત કરવા માટે એક રૂપિયો પણ નથી. છેવટે પુત્રો દ્વારા થતો આ અત્યાચાર આ માર સહન ન થતાં તેમણે મહિલા સહાયતા કેન્દ્રનો સહારો લીધો અને પેતાનું દુઃખ વ્યક્ત કરતાં અરજ કરી કે કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં મુકી આવો કાં તો તેમને ઝેર આપી દો. તેમને હવે ભય છે કે તેમના પુત્રો જેને કપુતો પણ કહી શકાય તેઓ તેમને ઢોર માર મારીને મારી નાખશે.

થોડા દિવસ પહેલાં જ અમદાવાદ રહેતો પુત્ર તેમને ઢોર માર મારીને જતો રહ્યો હતો. અને તેની ફરિયાદ તેમણે વસઈ પેલીસસ્ટેશનમાં નોંધાવી હતી. મહિલા સહાયતા કેન્દ્રએ તેમને પોલીસ સ્ટેશને જવા સલાહ આપી જ્યાં પણ તેમની ફરિયાદ ન સાંભળવામાં આવી છેવટે તેમને એવી સલાહ આપવામાં આવી કે તે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાને મળે. છેવટે તેઓ ગમે તેમ કરીને ડીવાયએસપી વણઝારાને મળ્યા. તેમણે તેમની આપવીતી જણાવી અને મંજીતા વણઝારાએ બીજો કશો જ વિચાર કર્યા વગર તેમને વૃદ્ધાશ્રમ દાખલ કરવાની વ્યવસ્થા કરી આપી.

અને આમ કરીને ડીવાયએસપી મંજીતાએ સીતાબાને દત્તક લીધા

image source

સીતાબા કોઈ પણ સંજોગોમાં દીકરાઓ પાસે જવા નહોતા માંગતા અને જ્યાં તે જવા માગતા હતા એટલે કે વૃદ્ધાશ્રમમાં ત્યાં જવા માટે તેમની પાસે રૂપિયા નહોતા. તેમણે પોતાના દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજ પણ કરી.

પણ તેમની વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાની જવાબદારી ડીવાયએસપી મંજીતા જેવી પારકી દીકરીએ ઉઠાવી લીધી. તેમણે એક સાથે જ સીતાબાનો આખા વર્ષનો વૃદ્ધાશ્રમનો ખર્ચો ભરી દીધો અને તેમની મરજી પ્રમાણે તેમને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી લીધા.

એકબાજુ પેટના દીકરાઓ માતાને ઢોર માર મારે છે તો બીજી બાજુ પારકા મુસ્લિમ દીકરાઓ પિતાના હીંદુ મિત્રની અંતિમ વિધી પુરા વિધિવિધાનથી કરી રહ્યા છે. સાવરકુંડલાનો ઓ કિસ્સો પણ જરુર વાંચો

એક બાજુ સીતા બાને પોતાના પુત્રો જ લાત મારીને બહાર કાઢી રહ્યા છે તો બીજી બાજુ આ મુસ્લિમ પરિવારે પોતાના પિતાના બ્રાહ્મણ મિત્રને માત્ર આખી જિંદગી સાચવ્યા જ નહીં પણ તેમના અંતિમ સંસ્કાર પણ હીંદુ વિધીથી કર્યા.

મૃતકનું નામ છે ભાનુશંકર પંડ્યા અને તેમના એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મિત્રનું નામ હતું ભીખાભાઈ કુરેશી એક હીંદુ બ્રાહ્મણ તો એક મુસ્લિમ. અંતિમ સંસ્કાર પણ મિત્રના દીકરાઓએ જ કર્યો.

ભાનુશંકર પંડ્યાને કુટુંબમાં કોઈ જ નહોતું તેઓ વર્ષોથી પોતાના મિત્ર ભીખાભાઈ કુરેશી અને તેમના પરિવાર સાથે રહેતા હતા. એકાદ વર્ષ પહેલાં જ ભાનુશંકર પંડ્યાના જીગરજાન મિત્ર ભીખાભાઈ કુરેશી જન્નત પામ્યા હતાં. અને તેના એક વર્ષ બાદ એટલે કે થોડા દિવસ પહેલાં જ ભાનુશંકર પોતે પણ સ્વર્ગ પામ્યા.

તેમના પરિવારમાં તેમની અંતિમ વિધિ કરનાર કોઈ નહોતું. જો કે તેમનો પરિવાર તો તેમના મુસ્લિમ મિત્રનો જ પરિવાર હતો. સાવરકુંડલાનો આ કિસ્સો ખરેખર ભાઈબંધી, કોમી એકતા અને માનવતાનું એક અનેરુ મિલન સમાન હતો.

image source

વર્ષો સુધી ભાનુશંકર પોતાના મુસ્લિમ મિત્ર સાથે જ રહ્યા હતા તેમના મિત્રનો પરિવાર પણ તેમનો પોતાનો જ પરિવાર હતો. તેમની અંતિમ વિધિ માટે મુસ્લિમ મિત્રના દીકરાઓએ પણ જનોઈ ધારણ કરીને તેમની સંપુર્ણ વિધિવિધાનથી અંતિમ વિધિ કરી હતી.

ભાનુશંકર પંડ્યા અને ભીખાભાઈ કુરેશીની પાંચ દાયકાની પાક્કી ભાઈબંધી

ભાનુંશંકર પંડ્યા અને ભીખાભાઈ કુરેશી છેલ્લા પચ્ચાસ વર્ષથી એકબીજાના મિત્ર હતા અને આખાએ વિસ્તારમાં તેમની મિત્રતા વખણાયેલી હતી. ભાનુશંકરની અંતિમ વિધિમાં ભીખાભાઈ કુરેશીના દીકરાઓ પોતાના પિતા મૃત્યુ પામ્યા હોય તેવો વિલાપ કરતા જોવા મળ્યા હતા.

image source

આ બન્ને મિત્રો એક સાથે કામ કરતાં હતા. ભાનુશંકરનો કોઈ પરિવાર નહોતો એટલે કામે જાય ત્યારે ભીખાભાઈ તેમના માટે પણ ટીફીન લઈ જતાં આમ ધીમે ધીમે તેમની મિત્રતા ગાઢ થતી ગઈ. મજુરી કરતા એક દિવસ ભાનુભાઈનો પગ ભાંગી ગયો અને ભીખાભાઈએ મિત્રધર્મ નિભાવતા ભાનુશંકરની સેવા કરવા તેમને પોતાના ઘરે લઈ આયા. બસ ત્યારથી જ આ બન્ને મિત્રો જોડે જ રહ્યા હતા. જે ભીખાભાઈ કુરેશીનો પરિવાર તે જ ભાનુશંકર પંડ્યાનો પરિવાર.

ખરેખર એક લીટીના બે છેડા જેવા આ બે પ્રસંગો છે એક ને પોતાના જણ્યા ઢોર માર મારીને ઘરની બહાર કાઢીને વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડે છે તો એકનો પારકા દીકરાઓ સંપુર્ણ વિધિવિધાનથી અંતિમ સંસ્કાર કરીને પોતાના મૃત પિતાની મિત્રતા, પોતાના ધર્મ અને સૌથી ઉપર માનવતાને નિભાવી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ