વધી રહી છે ગુજ્જુ સ્ટાઈલના છોગાળા અને રંગીલા ગીતોની બોલબાલા બોલિવૂડ સોન્ગસમાં…

નવલી નવરાત ચારેય દિશાએથી પૂરજોશથી ઊજવાઈ રહી છે ત્યારે રોજેરોજ સૌને સંગીતના સૂરે અને ઢોલના તાલે નીતનવા ગરબાઓ પર ઝૂમવાનું મન હોય. રૂઢીગત જૂના એટલે પ્રાચિન ગરબાઓ તો મુખ્યત્વે ધીમા અને ફકત તાલીઓના તાલે રમી શકાય એવા હોય છે. જેમાં ઘેરદાર ચણીયાંચોળી અને બલૂન અને ધોતી સ્ટાઈલના બોટમ પેન્ટ્સ પહેરીને ફ્રિ સ્ટાઈલ ગરબા તો ન રમી શકાય. એના માટે તો ઢોલ નહીં જોઈએ ઢ્રમ! ફાસ્ટ બીટ્સમાં વાગતાં વાજિંત્રો અને ઊંચે સાદે ગવાતાં ગીતોની બોલબાલા વધુને વધુ પ્રચલિત થતી જાય છે. ત્યારે સૌ અવનવા સંગીત માટે પ્રયાણ કરે છે બોલિવૂડ સોન્ગ્સ પર. આ ગીતોને તો અર્વાચિન ગરબા પણ ન કહી શકાય કેમ કે એમાં માતાજીની સ્તુતિ નહિવત હોય છે. હોય છે, પ્રેમી યુગલોના દિલડાં ધડકે એવાં ગીતો.

છેલ્લા એકાદ વર્ષમાં વધી રહી છે ગુજ્જુ સ્ટાઈલના છોગાળા અને રંગીલા ગીતોની બોલબાલા બોલિવૂડ સોન્ગસમાં…

ખરેખર તો આ શૃંખલામાં સૌ પ્રથમ ગીતને યાદ કરીએ તો એ છે, “મૈં તો ભૂલ ચલી બાબૂલ કા દેશ, પીયા કા ઘર પ્યારા લગે…” સન ૧૯૬૮માં હિન્દી ફિલ્મ સરસ્વતીચંદ્રમાં આવેલ નૂતન પર પિક્ચરાઈઝ્ડ આ ગીત એ સમયની પરિણીત સ્ત્રીઓને ખૂબ જ ગમતું હતું. ગોળ ફરતા હાથની ધીમેધીમે લેવાતી તાળીઓ અને ગુજરાતી ઢબે પહેરાયેલ સાડીમાં દેખાતી સ્ત્રીઓ એ સમયની સંસ્કૃતિની ઝલક આજે પણ જોઈ શકાય છે.

એ પછી છેક ‘હમ દિલ દે ચૂકે સનમ’ના બધાં જ ગીતો, જે સંગીતકાર ઇસ્માઈલ દરબારની ગુજરાતી ધૂનોને લઈને ખૂબ જ લોકપ્રિય થઈ હતી તેમાંય ખાસ કરીને ‘ઢોલી તારો ઢોલ વાગે…’ ‘કાઈપો છે’ અને ‘લીંબુડા’ સૌને હૈયે અને મોઢે ચડીને ગવાતાં થઈ ગયાં હતાં. હાલમાં પણ ગુજરાતી પરિવારના લગ્ન પ્રસંગોના સંગીત ગરબામાં આ ગીતોમાંથી જ કોઈ એક તો વાગે જ.

ફિલ્મ ‘કાઈપો છે’નું ગીત સુભારંભ પણ આ શ્રેણીમાં ચોક્કસ લઈ શકાય. શુભ લગ્ન પ્રસંગોમાં આ ગીતથી જ શરૂઆત કરવાની છેલ્લા ચાર – પાંચ વર્ષમાં ટ્રેન્ડ ચાલ્યો છે. ગરબાની ધૂન પણ છે અને શબ્દો પણ એવા છે કે તહેવારો કે પ્રસંગોમાં હોંશભેર સામેલ કરી જ શકાય એવું છે.

દિપિકા પદુકોણ અને રણવીર સિંહને આગવી ઓળખ અપાવનાર એ બહુ ચર્ચિત ફિલ્મ એટલે ‘રામલીલા’. આખી વાર્તાનો ઓપ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર હોય એવું લાગતું હતું. બોલી, છટા અને સેટ્સની સાથે આ ફિલ્મમાં દિપિકાએ પહેરેલ ચણીયાંચોળી અને રણવીરની બંડી ધોતી ખૂબ જ પસંદ કરાયાં હતાં. ‘લહૂ મું લગ ગયા…” “નગાડા સંગ ઢોલ વાગે…” “તતડડ તતડડ…” અને સૌથી વધુ લોકપ્રિય એવું, ગુજરાતી ગીત સાહિત્યને શીરમોર એવું

“મોરબની થનગાટ કરે” જે હિન્દી ફિલ્મ સંગીતમાં ખૂબ જ ઉમળકાભેર વધાવાઈ ગયું હતું.

ગોવિંદાનું એમની લાક્ષણિક અદામાં ભજવાયેલ ગીત, “ઉસને બોલા કેમ છે…” એ પછી આવેલ ઋત્વિક રોશન અને અમીશા પટેલનું આપ મુજે અચ્છે લગને લગેમાં “મીલન ઋત આઈ રે” ગીતમાં ડાંડિયા અને ગરબાનું દ્રશ્ય જોવા મળ્યું હતું પણ એણે દર્શકોનું મન મોહ્યું નહોતું. “શું છે, શું છે, મને કહી દો, મનમાં શું છે?” આ ગીત છે, પ્રિયંકા ચોપડાની મલ્ટી રોલવાળી ફિલ્મ વ્હોટ્સ યોર રાશીનું. જે પણ બહુ પ્રચલિત નહોતું થઈ શક્યું પણ એ ગીતમાં ઘણાંખરા શબ્દો ગુજરાતીમાં ગવાયા હતા.

એજ શ્રેણીમાં આગળ વધીએ તો લગાનનું “રાધા કૈસે ન જલે” ખૂબ જ પસંદ કરાયું હતું. જેમાં રાધાકૃષ્ણની રાસલીલાને કેન્દ્રમાં રાખીને ડાંડિયાની ધૂન ખૂબ કર્ણપ્રિય બનાવી હતી. સલમાન ખાન પર ફિલ્માવેલું જય હો ફિલ્મનું ગીત ફોટોગ્રાફિ ગીતમાં અચકો – મચકોની ટેગ લાઈન અને ‘ચાલશે’ શબ્દ સાથે લખાયેલ ગીત ખૂબ હિટ ગયેલું. લગ્નપ્રસંગે ધમાલ અને છેડછાડ કરવામાં આ ગીતની પ્રસંગોએ પહેલી પસંદગી પામે એવું છે. રઈશ ફિલ્મનું “ઊડી ઊડી જાય… દિલ કી પતંગ…”માં શાહરૂખને ગરબાની ધૂને નાચતો ગાતો જોવાની દર્શકોને મજા પડી હતી એવું ચોક્કસ કહી શકાય. કુલ મળીને બોલિવૂડના ત્રણેય ખાનોએ ગરબાની ધૂને રમઝટ જમાવી લીધી છે એમ કહી શકાય.

નેવુંના દાયકામાં ઇન્ડિપોપ પ્રચલિત હતું ત્યારે ‘અરર, અરર આયો રે મારોઢોલના…” અને ફાલ્ગુની પાઠકના ગીતો, “મૈને પાયલ હૈ છનકાઈ” જેવાં ગીતો સાંભળીને આપણે ઝૂમી ઊઠતાં. એમાંય, “દિલ લાગી કૂડી ગુજરાતની” જસ્સીનું અને હથેળીને મસળતાં પંજાબી મુંડા વાળું ગીત… તમને ચોક્ક્સ યાદ હશે બરાબરને? પણ હવે જરા હવા બદલી હોય એવું લાગે છે. બોલિવૂડ સોન્ગ્સમાં હિન્દી સાથે ગુજરાતી શબ્દો અને ધૂન પણ મિક્ષ થતી સંભળાવવા લાગી છે. જે ખરેખર ગુજરાતીઓ માટે રાજીપો દર્શાવીને રમઝટ બોલાવી લેવા જેવી વાત છે.

હાલમાં, રીલિઝ થયેલ બે ફિલ્મોએ ખૂબ ધ્યાન ખેંચ્યું છે એ છે, મિત્રોં જેમાં પેથલ પૂરમાં… શબ્દ સાથે ‘ગમ્મરીયા’નો શબ્દ પ્રયોગ ગુજરાતી સ્ટાઈલ બોલિવૂડ સંગતીને ગમી રહ્યું છે એમ ચોક્ક્સ માની લઈ શકાય. જેમ પંજાબી ગીતોના શબ્દો, શાવા – શાવા અને બલ્લે બલ્લે આવે એમ હવે ગમ્મરીયા ધૂન મચાવી રહ્યા છે! છે, છોગાળા – રંગીલા એટલે રોકિંગ ગાઈઝ, મોજીલા છોકરા – પંજાબી મુંડા… જેવા શબ્દો હિન્દી સંગીત સ્વીકારી રહ્યું છે એ માણી લેવાનો મજાનો હવે આવી ગયો છે. હજુ એક ગીત કેમ ભૂલાય? લવયાત્રીનું ગીત…! છોગાળા તારા… ગુજરાતી લોકગીતની જો આમ બોલબાલા બોલીવૂડમાં વધતી રહી તો રંગ જામતો જશે, દરવર્ષે નવરાત્રીમાં… બરાબર ને? તો હાલો, આ વાંચતાં તમેય નક્કી કરી લીધું હશેને કે તમારું ફ્ફેવરીટ બોલીવૂડ ગુજ્જુ સ્ટાઈલ સોન્ગ કયું છે? આમાં બીજું કોઈ રહી તો નથી ગયુંને? કોમેન્ટમાં લખશો…

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’