ગુજરાતનું રસુલપરા ગામ બન્યું સોલર વિલેજ…

આવતા 25 વર્ષ સુધી ગ્રામપંચાયતને કોઈ જ લાઈટ બિલ નહીં આવે

ગીર પ્રદેશમાં આવેલા રસુલપરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ બન્યું છે. સૌરાષ્ટ્રના આ ગામમાં એવી સોલર સિસ્ટમ નાખવામાં આવી છે કે આવતા 25 વર્ષ સુધી ગ્રામપંચાયતને કોઈ જ ઇલેક્ટ્રિસીટી બીલ આવશે નહીં.

રસુલપરા ગામને મફત વિજળી મળી રહે તે ઉદ્દેશથી વન વિભાગ અને રાયચુરા કંપનીએ ગામમાં સોલર સિસ્ટમ ઉભી કરી છે.

આ ગામ ભારતનું પ્રથમ ગામ છે જ્યાં ગ્રામપંચાયતની કચેરી તેમજ ગામની શેરીઓની લાઇટ સોલર ઉર્જાથી ચાલશે. ગ્રાપંચાતને આવતા 25 વર્ષ સુધી કોઈ જ વિજળી ખર્ચ ભરવો નહીં પડે.

ગીરની સીમા પર આવેલા રસુલપરા ગામમાં વનવિભાગ તેમજ રાયચુરા એનર્જીના સહકારથી સોલર ઉર્જાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ડો. રામરતન નાલા કે જે ગીર વન વિભાગના અધિકારી છે તેમના કહેવા પ્રમાણે આ એક નવતર પહેલ છે અને આવનારા દિવસોમાં ગીર જંગલમાં સ્થિત જે ગામોમાં વિજળીની સમસ્યા છે ત્યાં પણ આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રાયચુરા એનર્જીના અધિકારી મિહીર રાયચુરા જણાવે છે કે રસુલપરા ગામમાં 3 કે.વીની સોલર સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

આ સિસ્ટમથી સમગ્ર દિવસ દરમિયાન સોલર ઉર્જાનું ઉત્પાદન થશે. અહીં ઉત્પાદિત સૂર્ય ઉર્જાને પીજીવીસીએલમાં સપ્લાય કરવામાં આવશે અને રાત્રિના સમયે ગામની 50 જેટલી સ્ટ્રીટ લાઈટ તેના દ્વારા ચાલુ કરવામાં આવશે અને બચેલી ઉર્જાનું વળતર પણ પીજીવીસીએલ ગ્રામપંચાયતને ચૂકવી આપશે.

આવતા 25 વર્ષ સુધી સૌર ઉર્જાની આ સિસ્ટમ કાર્યરત રહેશે માટે રસુલપરા ગ્રામપંચાયતને ત્યાં સુધી કોઈ જ વિજળી ખર્ચ થશે નહીં.

બીજા ગામડાઓ માં પણ આવિ સિસ્ટમ સ્થાપવામાં આવે તે માટે રાયચુરા એનર્જિના મિહીર રાયચુરા પોતે જ અંગત રસ લઈ રહ્યા છે અને રસુલપરા ઉપરાંત આવનારા સમયમાં 100થી પણ વધુ ગામોને સોલર સિસ્ટમથી સજ્જ બનાવવામાં આવે તેવો અંદાજો છે.

ભારતના આ પહેલા સોલર વિલેજના પ્રોજેક્ટને તાજેતરમાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાયચુરા કંપનીના અધિકારીઓ દ્વારા રસુલપરા ગામમાં ગ્રામજનો સમક્ષ પ્લાન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ