ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આવેલા આ રેલવે સ્ટેશન વિશેની હકીકત જાણીને તમને પણ થશે આશ્ચર્ય

ભારતના રેલવે તંત્રની ગણના વિશ્વના સૌથી વ્યસ્ત રેલવે તંત્ર પૈકી એક તરીકે થાય છે. ભારતીય રેલવેના એવા અનેક રોચક તથ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે અમે આપને એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવાના છીએ જે બે રાજ્યો વચ્ચે વહેંચાયેલું છે. તો ચાલો જરા વિસ્તારથી જાણીએ એ રેલવે સ્ટેશન વિશે.

image source

આ સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સરહદોને અડકેલું ભારતનું બીજું રેલવે સ્ટેશન છે. સ્ટેશન પર એક એવી બેસવાની બેન્ચ પણ છે જેનો અડધો ભાગ ગુજરાતમાં જ્યારે બાકીનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં સ્થાન ધરાવે છે. એટલે કે આ બેન્ચ પર બેસનાર એક જ સેકન્ડમાં બીજા રાજ્યમાં પહોંચી શકે છે.

image source

સૌથી નવાઈની વાત તો એ છે કે અહીં ટીકીટ બારી મહારાષ્ટ્રમાં છે જ્યારે સ્ટેશન માસ્તર ગુજરાતમાં બેસે છે. એટલું જ નહીં અહીં રેલવે એનાઉન્સમેન્ટ પણ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં કરવામાં આવે છે. જેથી ગુજરાત અને મહારાષ્ટ્રના યાત્રીઓને એનાઉન્સમેન્ટ સમજવામાં સરળતા રહે.

image source

સ્ટેશનમાં ટીકીટ બારી, સ્ટેશન માસ્તરની ઓફીસ, રેલવે પોલીસ સ્ટેશન અને કેટરિંગ વિભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે. જ્યારે વેઇટિંગ રૂમથી લઈ પાણીની ટાંકી અને સુલભ શૌચાલય ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલમાં આવે છે.

બે રાજ્યોમાં વહેંચાયેલું હોવાના કારણે નવાપુર રેલવે સ્ટેશન પર બન્ને રાજ્યોના કાયદાઓ પણ લાગુ પડે છે. ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે જ્યારે મહારાષ્ટ્રમાં પાન-મસાલા અને ગુટખા પર પ્રતિબંધ છે. માટે અહીં આવનાર વ્યક્તિએ આ સ્ટેશન પર પોતાના રાજ્યની છૂટનો ઉપયોગ પણ ધ્યાન રાખીને કરવો પડે છે.

image source

નવાપુર રેલવે સ્ટેશનની લંબાઈ 800 મીટર છે જે પૈકી 300 મીટરનો ભાગ મહારાષ્ટ્રમાં પડે છે જ્યારે બાકીનો 500 મીટરનો ભાગ ગુજરાત રાજ્યમાં પડે છે. વિચિત્ર વાત તો એ કે અહીં આવતી ટ્રેનોનો એક ભાગ ગુજરાતમાં તો બીજો ભાગ મહારાષ્ટ્રમાં હોય છે. એટલે જો ટ્રેન મહારાષ્ટ્ર તરફથી આવી રહી હોય તો તેનું એન્જીન ગુજરાતમાં હોય છે અને ગુજરાત તરફથી આવતી ટ્રેનનું એન્જીન મહારાષ્ટ્રમાં રહે છે.

નવાપુર રેલવે સ્ટેશનનું આમ બે રાજ્યો વચ્ચે વહેંચાવવા પાછળ પણ એક કારણ છે. અસલમાં જ્યારે આ સ્ટેશન બન્યું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ રાજ્યો નહોતા. એ સમયે નવાપુર સ્ટેશન સંયુક્ત મુંબઇ પ્રાંતમાં ગણાતું. પછી જ્યારે પહેલી મે 1961 માં મુંબઇ પ્રાંતના ભાગલા પડ્યા ત્યારે આ સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વહેંચાઈ ગયું. અને ત્યારથી તેની આ અલગ ઓળખ ઉભી થઇ.

image source

જો કે નવાપુર એ એકમાત્ર રેલવે સ્ટેશન નથી જે બે રાજ્યોની સરહદ પર સ્થિત હોય. આ સ્ટેશન સિવાય ભવાની મંડી પણ એવું રેલવે સ્ટેશન છે જે બે રાજ્યો વચ્ચે વહેંચાયેલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ