ગોળકેરીનો આચાર મસાલો – અથાણું બનાવવા માટે હવે ઘરે જ બનાવો અથાણાંનો મસાલો…

ગોળકેરીનો આચાર મસાલો

સામગ્રી


1 વાટકી રાઈના કૂરિયા

½ વાટકી મેથીના કૂરિયા

¼ વાટકી ધાણાના કૂરિયા (ઓપ્શનલ)

¼ વાટકી લાલમરચુ (કાશ્મીરી અને તીખુ મરચું મીક્સ કરી શકો છો)

½ વાટકી સીંગ તેલ

¼ વાટકી વરિયાળી

¼ વાટકી હિંગ

¼ વાટકી મીઠું

¼ વાટકી હળદર

બનાવવાની રીત


મિક્સરનો એક જાર લેવો તેમાં રાઈના કૂરિયા નાખવા તેને અધકચરા વાટી નાખવા. અધકચરા વાટવા માટે મિક્સરને એકધારુ નહીં ચલાવવું. તેમ કરવાથી જીણું વટાઈ જશે. પણ મિક્સરની સ્વિચને ઉંધી દિશામાં ફેરવવી. માત્ર બેથી ત્રણ વાર જ વાટવું. આમ કરવાથી અધકચરુ વટાશે.


મેથીના કુરતિયા પણ રાઈના કુરિયાની જેમ જ અધકચરા વાટી લેવા.


જેમ જેમ વટાતું જાય તેમ તેમ એક પહોળું પાત્ર લેવું તેમાં સૌ પ્રથમ રાઈના કુરિયા એડ કરવા તેમાં વચ્ચે જગ્યા બનાવી તેમાં અરધી વાટકી મેથીના અધકચરા વાટેલા કુરિયા એડ કરવા ત્યાર બાદ તેમાં વચ્ચે થોડી જગ્યા કરી તેમાં પા વાટકી હિંગ ઉમેરવી.


હવે ધાણાના કુરિયા પણ અધકચરા વાટી લેવા.

તેવી જ રીતે વરિયાળી પણ અધકચરી વાટી લેવી.


હવે એક નાની તપેલી લો તેમાં અરધી વાટકી તેલ લેવું. તેલમાંથી થોડી વરાળ આવશે એટલે તપેલીને નીચે ઉતારી લેવી. અને તેને હુંફાળુ થવા દેવું. બહુ ઠંડુ ન થવા દેવું પણ હુંફાળુ થવા દેવું.


હવે જે બોલમાં રાઈ, મેથી, હિંગનું મિશ્રણ લીધું હતું તેમાં આ તેલ ઉમેરી દેવું. તેમાં હળદર, લાલ મરચુ પાવડર, અધકચરા વાટેલા ધાણાના કુરિયા અને વરિયાળી ઉમેરી દેવા. મરચાના પ્રમાણને તમે વધારે ઓછું કરી શકે છે. તેવી જ રીતે જો તમને વરિયાળી ન ભાવતી હોય તો તમે તેને પણ રેસિપિમાંથી બાદ કરી શકો છો.


આ ઉપરાંત ધાણાના કુરિયા પણ ઘણા લોકો પ્રિફર નથી કરતા તો તેને પણ તમે રેસિપિમાંથી બાદ કરી શકો છો.


હવે મીઠાને હળવું શેકી લેવું. તેમ કરવાથી મસાલો વધારે લાંબો સમય સારો રહે છે. આમ કરવાથી મીઠું સુકુ થઈ જશે એટલે કે ભેજ રહિત થઈ જશે.

હવે આચાર મસાલામાં આ ગરમ કરેલું મીઠું એડ કરી દેવું.


મીઠાનું પ્રમાણ આટલું જ રાખવું કારણ કે ગોળ કેરી માટે જ્યારે કેરીને હળદર મીઠામાં રાખશો ત્યારે તેમાં ઓલરેડી ખારાશ આવી જશે માટે તમારે માત્ર મસાલા પુરતું જ મીઠું રાખવું.


તૈયાર થયેલો આ મસાલો 200થી 225 ગ્રામ જેટલી કોન્ટીટીનો થઈ ગ. હશે. જો ગ્રામ પ્રમાણે જોવા જઈએ તો 100 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ દાણાના કુરિયા, બાકી બધાનું માપ આપણે જણાવી દીધું છે અને આ બધું ભેગુ થઈને 225-250 ગ્રામ વજન થયું. તો આટલા પ્રમાણમાં તૈયાર થયેલા ગોળકેરીના મસાલાને તમે એક કીલો કેરીનું અથાણું બનાવવા માટે વાપરી શકો છો.

આમ જો તમારે એક કીલો કેરીનું અથાણું બનાવવું હોય તો તમને ઉપર જે પ્રમાણ બતાવ્યું છે તે રાખવું. પછી તમે ગ્રામ તરીકે પણ લઈ શકો છો અને સામાન્ય વાટકીના માપ પ્રમાણે પણ તમે લઈ શકો છો. જો તમારે વધારે અથાણું બનાવવું હોય તો તમે તે પ્રમાણે ઉપર જણાવેલા પ્રમાણમાં ફેરફાર કરી શકો છો.

હવે તેમાંથી ગોળકેરીનું અથાણું બનાવવા માટે તમારે 1 કીલો કાચી કેરી, 1 કીલો ગોળ, 500 ml સીંગ તેલ લઈ ગોળકેરીનું અથાણું બનાવી શકો છો.

આ ઉપરાંત તમે આ મસાલો માત્ર ગોળકેરીમાં જ નથી વાપરી શકતા પણ તેને સામાન્ય ઉપયોગ એટલે કે દાળ તેમજ કેટલાક પ્રકારના શાક કે પછી ખાખરા, ખીચા સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો.


આ મસાલો તમે લગભગ એક વર્ષ સુધી સાંચવી શકો છો. તેને રૂમ ટેમ્પ્રેચર પર જ રાખવાનો હોય છે. ઘરના બનાવેલા મસાલાની ખાસીયત એ હોય છે કે તે સો ટકા શુદ્ધ હોય છે અને પૌષ્ટિક હોય છે. તેમ જ તેને તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખો-ખારો કરી શકો છો. આ ઉપરાંત જો તમને લવિંગ અને તજ ગમતા હોય તો તેને પણ તમે અધકચરા વાટીને ઉમેરી શકો છો.

આ ઉપરાંત જો તમે ખાટી કેરીનો મસાલો બનાવવા માગતા હોવ તો તમારે રાઈ અને મેથીના પ્રમાણને ફ્લિપ કરી લેવાનું છે એટલે કે અહીં રાઈના કૂરિયા 1 વાટકી લેવામાં આવ્યા છે અને મેથીના કૂરિયા અરધી વાટકી લીધા છે તો ખાટી કેરીના અથાણામાં 1 વાટકી મેથીના કૂરિયા લેવા અને અરધી વાટકી રાઈના કુરિયા લેવા. બીજું બધું પ્રમાણ સરખું જ રહેશે.

સૌજન્ય : યુટ્યુબ (ફૂડ ગણેશા)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
- તમારો જેંતીલાલ