ગોવા જવું છે તો ભૂલી જાવ ટ્રેન અને પ્લેનથી કરો મુસાફરી ક્રુઝની એ પણ ફક્ત ૪૦૦૦ રૂપિયામાં…

તમે બસ, ટ્રેન અને પ્લેનની તો સફર કદાચ કરી જ હશે પણ શું તમે ક્યારેય ક્રુઝની મુસાફરી કરી છે? ક્રુઝની મુસાફરી એ ફક્ત તમને રોમાંચિત કરશે એટલું જ નહિ તેની સફર એ તમારા જીવનની સૌથી યાદગાર સફર બની રહેશે અને એ તમને એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે. જરા વિચારી તો જુઓ એક એવી જગ્યા હોય જ્યાં ચારે તરફ પાણી જ પાણી હોય, દૂર દૂર સુધી જ્યાં નજર ફેરવો ત્યાં ફક્ત સમુદ્રનું બ્લ્યુ પાણી જ દેખાય. આહા.. વિચારીને જ આનંદ આવી જાય. ક્રુઝ એ એક પેસેન્જર જહાજ હોય છે જેમાં તમારી સુવિધા માટે લકઝરી વસ્તુઓ અને આરામની દરેક સુવિધાઓ રાખવામાં આવી હોય છે. આ ક્રુઝમાં તમારા માટે રેસ્ટોરન્ટ, બાર, સ્પા વગેરેની સાથે સાથે ડીજેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આજે અમે તમને અહિયાં એજ માહિતી આપવાના છીએ કે આપણા દેશમાં સસ્તામાં ક્યાં તમે આ ક્રુઝનો આંનદ માણી શકશો.

તમને જાણીને નવાઈ લાગશે પણ તમે ફક્ત ૪૦૦૦ રૂપિયામાં આપણા દેશના સૌથી આલીશાન ક્રુઝની મુસાફરી કરી શકશો. તેના માટે તમારે મુંબઈ જવાનું રહેશે. આ ક્રુઝ તમને મુંબઈથી ગોવા સુધી લઇ જશે. આ ક્રુઝમાં ટિકિટ એ ૪૩૦૦ રૂપિયાથી ૧૨૦૦૦ સુધીની છે. આપણે ગુજરાતીઓને માટે સૌથી અગત્યનું છે ખાવાનું. ક્યાંક ફરવા જઈએ અને આપણને યોગ્ય અને મનભાવતું ભોજન મળી જાય તો તેની વાત જ નિરાળી છે. બસ તો પછી આ ક્રુઝ પર તમને ભોજનની પણ અનેક વેરાયટી જોવા મળશે.

આધુનિક સુવિધાથી ભરપુર આ ક્રુઝનું નામ છે અંગરીયા. આ એક લકઝરી ફીલિંગ આપતું ક્રુઝ છે. આ મુંબઈથી ગોવા સુધી ચાલે છે. તમને જો હજી સુધી આ વિષે માહિતી ના હતી તો તમને જણાવી દઈએ કે આ ક્રુઝની શરૂઆત ઓક્ટોબર ૨૦૧૮થી થઇ ગઈ છે. અંગરીયા ક્રુઝ એ ઓક્ટોબર ૨૦૧૮થી પોતાની સર્વિસ શરુ કરી દીધી છે. જો તમે આ આંનદદાયી મુસાફરીનો ભાગ બનવા માંગો છો તો તમારે અંગરીયાની વેબસાઈટથી આ ક્રુઝની મુસાફરી કરવાની ટિકિટ બુક કરાવી પડશે.

જેમ એક હોટલમાં અલગ અલગ કેટેગરીના રૂમ હોય છે તેવી જ રીતે અહિયાં આ ક્રુઝમાં પણ અલગ અલગ અલગ કેટેગરીના એટલે કે ટોટલ ૮ કેટેગરીના રૂમ છે. આ ક્રુઝ પર તમે ૧૪ કલાકનો સમય ગાળી શકશો. આ ૧૪ કલાક દરમિયાન તમે ત્યાં ક્રુઝ પર ડાન્સથી લઈને સ્વિમિંગ અને બીજી ઘણીબધી પ્રવૃત્તિ કરી શકશો. આ ક્રુઝ પર ડાન્સ ફ્લોર પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે સ્પા, રેસ્ટોરન્ટ, પુલ અને ડીલક્સ રૂમ પણ આવેલ છે.

એકવારમાં આ ક્રુઝ પર ૩૯૯ પેસેન્જર એ આ સમુદ્રની મુસાફરી કરી શકે છે. આ ક્રુઝ મુંબઈથી સાંજે ૪ વાગે ઉપડે છે અને તમને આ ક્રુઝ ગોવા બીજા દિવસે સવારે ૯ વાગે પહોચાડે છે. આ ક્રુઝ પર કૂલ ૧૦૪ રૂમ આપેલ છે. જો તમે ઈચ્છો છો કે તમારા પાર્ટનર તમારાતી ખુશ થઇ જાય તો પછી આપો તેમને આવી સરપ્રાઈઝ કે જેમાં ૧૪ કલાક તમે તેમની સાથે એક ક્રુઝ પર, દરિયાની વચ્ચે ખુલ્લા આકાશની નીચે. સમય વિતાવી શકશો. અને આ ક્રુઝ તમને પહોચાડે છે પણ ક્યાં તો એ સ્થળ છે ગોવા. ગોવા એ લગભગ દરેક કપલનું એક સપનું હશે કે જીવનમાં એકવાર તો ગોવા જવું જ છે. તો જો તમે પણ ગોવા જવા માંગો છો તો પછી ટ્રેન કે પ્લેન છોડો આ ક્રુઝમાં જ ઉપડો. ૧૪ કલાક સમય વધારે છે પણ એ સમય દરમિયાન તમે ક્રુઝ પણ ઘણી મસ્તી કરી શકશો.

ગોવા એક એવી જગ્યા છે જ્યાં પ્રવાસીઓ પોતાના બજેટ પ્રમાણે ફરી શકે છે. અહિયાં તમે ૫ થી ૧૦ હજાર લઈને પણ ફરી શકો છો અને ૫ લાખ રૂપિયા પણ કોઈવાર તમને ઓછા પડી શકે છે. અહિયાં સસ્તી હોટલની સાથે સાથે મોંઘા રિસોર્ટ પણ આવેલ છે. જો તમારે બજેટની કોઈ પ્રોબ્લેમ નથી તો પણ અને જો ઓછું બજેટ હોય તો પણ તમારે ત્યાં ફરવા જવા માટે પહેલાથી બુકિંગ કરેલ હોવું જોઈએ. છેલ્લા સમયે બુકિંગ કરાવવાથી તે તમને મોંઘુ તો પડશે પણ સાથે સાથે તમને જોઈએ તેવી રૂમ્સ કે પછી જગ્યા ના મળે એવું પણ બની શકે છે. ગોવા ગમે ત્યારે જાવ થોડી ભીડ તો અહિયાં હોય જ છે.

ગોવામાં જોવાલાયક જગ્યાઓમાં પણજી, વાસ્કો ડી ગામા, મડગાવ, માપુસા, પોંડા, ઓલ્ડ ગોવા, છાપોરા, બેનાલિમ અને દૂધ સાગર આટલી જગ્યાઓ તો તમારે જોવી જ રહી. આ જગ્યાઓ જોયા વગર તમારી ગોવાની મુસાફરી અધુરી ગણાશે.

ગોવાના ફેમસ બીચ : ડોના પોલા, મીરમાર, બોગ્માલો, અંજુના, વેગાટોર, કોલ્વા, કેલનગુટ, બાંગા, પલોલેમ, આરામ બોલ અને અંજુના. આ દરિયા કિનારા ગોવામાં જોવાલાયક અને માણવાલાયક છે.

તમે કોઈપણ બીચ પર જશો તમને બનાના રાઇડ્સ, પૈરાસૈલીંગ, બંપર રાઈડ, જેટસ્કી, બોટ રાઈડ વગેરે જેવી રાઇડ્સની મજા તમે લઇ શકશો.

કૈલગ્યુટ અને બાગા બીચ પર જયારે સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે સમુદ્રમાં ડોલ્ફિન ક્રુઝમાં બેસીને તમને દરિયામાં ડોલ્ફિન પણ જોવા મળી શકે છે.

તો રાહ કોની જુઓ છો થઇ જાવ તૈયાર અને કરાવી દો બુકિંગ. અને હા ટેગ જરૂર કરજો એવા મિત્રોને જેમની સાથે તમે જવાનો પ્લાન બનાવી રહ્યા છો.