ઈંગ્લેંડની લાખોની કમાણી અને હાઈફાઈ લાઈફ છોડી ભારતી બની ગુજરાતી ગોરી

ભારતની મહાન સંસ્કૃતિ અને વિરાસત અમૂલ્ય છે. જો કે આધુનિક સમયમાં યુવાધન આ વિરાસતથી દૂર થતું હોય તેવું ઘણીવાર જોવા મળે છે. આપણું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે નમેલું જોવા મળે છે. તેવામાં કેટલાક લોકો એવા છે જે આ સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. મોટાભાગના યુવાનોને જીવનમાં આગળ વધવા, પૈસા કમાવા વિદેશ જવાનો શોખ હોય છે. દર વર્ષે અનેક યુવાનો વિદેશ સ્થાયી પણ થાય છે પરંતુ આજે આપણે જેની વાત કરીએ છીએ એ કપલ એવું છે જે વર્ષો સુધી વિદેશમાં રહ્યું પરંતુ તેમને તક મળતાં જ તે વતન પરત ફર્યા અને શરુ કરી ખેતી.

આ વાત છે ગુજરાતના પોરબંદરની રહેવાસી ભારતી ખુંટી અને રામદેવ ખુંટીની. ભારતી ખુંટી અને તેના પતિ ઈંગ્લેંડમાં વસતા હતા અને લાખો રૂપિયાની કમાણી કરતા હતા. બંને દંપતિ સારા એવા પગાર સાથે નોકરી કરતા હતા પરંતુ તેઓ આ બધું જ છોડી અને હવે વતનમાં સ્થાયી થયા છે અને અહીં તેમણે પશુપાલન અને ખેતી શરુ કરી છે.

ખાસ વાત એ છે કે વિદેશમાં સ્ટાઈલમાં અને ઠાઠ માઠમાં રહેતી ભારતી અહીં વતનમાં પશુપાલનના અને ખેતીના તમામ કામ જાતે કરે છે અને તે વાતનો તેને ગર્વ છે. ઈંગ્લેંડમાં નોકરી છોડી વતન આવી ખેતી અને પશુપાલન કરતું આ કપલ અન્ય યુગલો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ગયું છે.

રામદેવ ખુંટી પહેલીવાર વિદેશ 2006માં ગયા હતા. અહીં તેમણે 2 વર્ષ નોકરી કરી અને રામદેવ ભારત પરત ફર્યા. 2009માં રામદેવના લગ્ન ભારતી સાથે થયા. ભારતીએ એરપોર્ટ મેનેજમેંટ અને એર હોસ્ટેસનો અભ્યાસ કર્યા છે. વર્ષ 2010માં બંને ફરી ઈંગ્લેંડ ગયા. અહીં ભારતીએ ઈંટરનેશનલ ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેંટનો અભ્યાસ કર્યો અને બંને સારી નોકરી પણ કરી રહ્યા હતા.

ત્યારબાદ બંનેએ પોતાના વતન પોતાના માતા-પિતા પાસે પરત ફરવાનો નિર્ણય કર્યો. ખાસ વાત એ છે કે જે દંપતિ ઈંગ્લેંડમાં લાખોના પગારની નોકરી કરતાં, મોર્ડન લાઈફ જીવતા તેમણે વતન પરત ફરી કોઈપણ જાતની શરમ અને સંકોચ વિના ખેતીવાડી અને પશુપાલન કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય વિશે જાણી તેના ગામના લોકો પણ અવાક થઈ ગયા.

પરંતુ ભારતી અને રામદેવ માને છે કે આ કામ પણ મહત્વનું છે અને તે એક સારો બિઝનેસ પણ છે. તેમનું માનવું છે કે યોગ્ય રીતે ખેતીવાડી કરવામાં આવે તો સારી એવી કમાણી કરી શકાય છે. આ વાત તેમણે સાબિત પણ કરી બતાવી છે. બસ આ વિચાર સાથે તેમણે વર્ષ 2015માં વતન પરત ફરી અને પશુપાલન અને ખેતીકામ શરુ કર્યું. આજે તેઓ ઓર્ગેનિક ખેતી અને દૂધનો વ્યવસાય કરીને લાખોની કમાણી કરે છે. તેઓ ખેતીની સાથે એક યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે અને સારી એવી કમાણી કરે છે. સાથે તેઓ પરિવાર સાથે રહેવાનું સુખ પણ માણે છે.