એક પહેલી – જેને મારા વગર જરાય ચાલતું નહોતું તેણે આટલો મોટો નિર્ણય કરી લીધો, દરેક પ્રેમીના હૃદયને અડી જશે આ વાર્તા..

“પ્રેમમાં સંભારણા જેવું હવે શું છે બીજું..?

એ તને ભૂલી ગયા છે એટલું બસ યાદ કર”

છ મિત્રોનો નિયમ .. રાત્રે થોડીવાર ભેગા થવાનું જ.. નિરજ, રાહુલ, વિરલ, રોહિત, ધવલ અને મિતેષ… સાથે જ મોટા થયા, સાથે જ ભણ્યા, હવે પોતપોતાની નોકરીમાં લાગી ગયા. પણ રોજ રાત્રે થોડીવાર મળવાનું પાકકુ જ.. આજે પણ બધા આવી ગયા.. મિતેષ સમય કરતા થોડો મોડો આવ્યો… તેનું હસુ હસુ થતું મોઢું જોઇને બધા સમજી ગયા કે આજે પણ તેની પ્રેમિકા રૂત્વીને મળીને આવ્યો હશે. આવતાની સાથે જ બોલી ઊઠયો.. “સ્ત્રી એટલે સ્ત્રી… યાર સમજી જ ન શકાય.. પ્રેભ કરવાનું તો તેમને જ આવડે.. આપણે પુરુષો તો તે બાબતમાં સાવ ભોટ છીએ”

“હા.. હા.. સમજાય ગયું. આજે પાછું તારી રૂત્વીએ કંઇક કર્યુ હશે.. એટલે જ તું આમ આખી સ્ત્રી જાતિને જશ આપવા બેઠો છે…” નિરજનું વાકય પૂરું થયું ત્યાં જ રાહુલે મિતેષની ગાડીને ધકકો મારતો સવાલ પૂછયો…”પણ આજે થયું શું..?” સાંભળો… કહીને મિતેષે રૂત્વી સાથેની મધુર મુલાકાતને શબ્દ દેહ આપ્યો.. આ બધાનો હમેંશાનો પ્રોગ્રામ હતો.. મિતેશ જયારે રૂત્વીને મળીને આવતો ત્યારે મુલાકાતની ક્ષણે ક્ષણ બધા આગળ વર્ણવતો. બધાને સંભળાવવા માટે તે ભારે ઉત્સુક રહેતો.

મિતેષ અને રૂત્વી… છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં હતા.. મિતેષનું કોલેજનું છેલ્લુ વર્ષ હતુ અને રૂત્વીનું પ્રથમ વર્ષ.. કામદેવના અવતાર જેવો મિતેષ અને રતી જેવી રૂત્વી… પ્રેમમાં ન પડે તો જ નવાઇ… બન્ને વચ્ચે ગજબનો પ્રેમ હતો.. કોલેજમાં કલાસના સમય પછી સાથે જ હોય.. કોલેજ છુટયા પછી પણ સાથે જ… શહેર આખાના બગીચા.. મંદિર… થિયેટર… હોટલ… તેમના પ્રેમના સાક્ષી હતાં. અને મિતેષના દોસ્તો પણ… મિતેષનું ભણવાનું પત્યું એટલે તરત નોકરી સ્વીકારી લીઘી. ઓફિસના સમય પછી બે-ચાર દિવસે બે કલાક બધ્ધે મળતા. રૂત્વીનું ભણવાનું પતે પછી ઘરમાં વાત કરવી એમ મિતેષે નકકી કર્યુ હતુ. રૂત્વીને મળીને આવ્યા પછી મિત્રોની મહેફિલમાં મુલાકાતનું આબેહુબ દ્રશ્ય ઉપજે એ રીતે શરૂ થતી મિતેષની વાતો …

” અરે… યાર.. આજે તો ભારે થઈ.. રૂત્વી રિસાઇ ગઇ… પછી તેને મનાવવામાં આખી સાંજ ગઇ. ” વાત કરતા કરતા મિતેષના ચહેરા પર પ્રેમનો નશો છવાય ગયો. ” પણ શું થયું..? અચાનક કેમ રિસાઇ ગઇ ..?” ” અરે યાર.. સ્ત્રીને કોણ સમજી શકે ? બે દિવસ પછી તેના ઘરમાં કોઇ પ્રસંગ છે. તેને ડ્રેસ લેવા જવું હતું. મને સાથે આવવાનું કહ્યું.. મેં ના પાડી કે મને ન ફાવે… બસ એ વાત પર રિસાઇ ગઇ… પછી તો તેને મનાવવામાં બે કલાક થયા… “પણ પછી મનાવવા તારે શું કરવું પડયું ..?”

“અરે… તમે દોસ્તો છો એટલે કહી શકાય… તેને મનાવવા શું ન કર્યુ એ પૂછો.. હાથ જોડયા.. કાન પકડીને ઉઠકબેઠક કરી.. તેને કેટલા ચુંબન કર્યા.. પછી મારી રાણી માની.. પછી ડ્રેસ લેવામાં બીજા બે કલાક.. ડ્રેસ પણ મારી પસંદનો જ લીધો.. બસ યાર… સ્ત્રીને કોઇ ન સમજી શકે..” મિતેષનો ચહેરો રૂત્વીના પ્રેમને કારણે પૂનમના ચાંદ જેવો ખીલી ઊઠયો. રોહિતથી બોલી જવાયું… “યાર આટલી જીદ …?”

“ના..ના.. આ જીદ ન કહેવાય… આ પ્રેમ કહેવાય.. તે તેની જિંદગીની બધી વાતમાં મારો સાથ માંગે છે.. મને નાની નાની બધી વાત કરેછે.. તેના ઘરમાં શું રસોઇ બને છે તે પણ મને કહ્યા વગર તેને ચાલતું નથી.. મને ન ભાવતી વાનગી તે પણ નથી ખાતી.. તેની સાથે ખરીદીમાં હું જાઉ તેવો તેનો આગ્રહ એ પ્રેમ છે…પણ તને નહી સમજાય..” પ્રેમમાં પાગલ મિતેષ બોલતો રહ્યો. મિત્રોની મહેફિલમાં વાતો ચાલતી રહેતી… કલાક-બે કલાક મળીને બધા છુટા પડતા.. પણ મિતેષની વાતો સાંભળવી બધાને ગમતી. બન્નેનો પ્રેમ અદભુત હતચ. રૂત્વી નાની નાની વાતોમાં મિતેષની સલાહ લેતી.. સાથ લેતી…

એકવાર તો હદ થઇ ગઇ. સવારમાં રૂત્વીનો ફોન મિતેષને આવ્યો કે કામ છે.. મળવા આવ.. પણ ઓફિસના કામમાં હોવાથી મિતેષ ન જઈ શકયો.. સાંજે ખબર પડી કે રૂત્વીના ચંપલ તૂટી ગયા હતા… નવા લેવાના હતા… અને મિતેષ વગર કેમ જાય ??? આખો દિવસ ચંપલ વગર ફરી… તેના પગમાં પડેલા છાલાં મિતેષે પોતાના આંસુથી ધોયા અને તેને બે હાથમાં ઊંચકીને ચંપલની દુકાને લઇ ગયો. તે રાત્રે મિતેષ કંઇ ખિલ્યો છે.. ખિલ્યો છે… શબ્દકોશમાં જેટલો ઉપમા… જેટલા વિશેષણ હતાં તે બધા રૂત્વીના નામે કરી દીઘા. તેનું ચાલે તો ડિક્ષનેરીમાં ‘લવ’નો અર્થ ‘પ્રેમ’ ને બદલે રૂત્વો લખી નાખે… સ્ત્રીને બનાવીને ભગવાને હાથ ધોઇ નાખ્યા છે.. સ્ત્રી એટલે સ્ત્રી… સ્ત્રીને સમજી ન શકાય… તેવા વાકયો મિતેષના મિત્રો એ પણ સ્વીકારવા પડયા.

મિતેષ દર વખતે બોલતો.. યાર આ રૂત્વીને હું આખી જિંદગી નહીં સમજી શકું.. તેના જેટલો પ્રેમ કરવા માટે મારી આખી જિંદગી ઓછી પડે… પણ મિતેષને આખી જિંદગીની જરૂર જ ન પડી. રૂત્વીની કોલેજ પૂરી થઇ.. વેકેશનમાં તેની બેનના ઘરે બોમ્બે ગઇ… તેટલો સમય બન્ને વચ્ચે સંપર્ક તૂટી ગયો. પંદર દિવસ બેનના ઘરે જઇને આવી અને મિતેષને મળી.. મિતેષે લગ્નની વાત ઘરમાં કરવા કહ્યું .. તો.. “ના એવી જરૂર નથી.. બેનના ઘરે એટલે જ.. અમેરિકાથી આવેલો છોકરો.. મમ્મી પપ્પાને પસંદ છે… બધુ સારુ છે… મને પણ ગમી ગયો… તને તો ખબર છે મારૂ અમેરિકાનું સપનું..

દસ દિવસ પછી સગાઇ… તું આવજે…” તૂટક તૂટક વાકયોમાં મિતેષને આધાત આપીને ચાલી ગઇ. … અને ત્યારપછી મિતેષ એક જ વાકય કહે છે… ” આ રૂત્વીનો પ્રેમ..? નાની નાનો વાતમાં મને સાથે રાખતી અને આજે જિંદગીનો આવડો મોટો નિર્ણય કરી લીઘો ??? મને પુછયું પણ નહી ?? સાચે જ સ્ત્રી એક પહેલી છે… તેને કોઇ ન સમજી શકે…

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ