ડર – લગ્નજીવનમાં એ ખુશ હતી અને અચાનક આવ્યો એક ફોન, તેના જીવનમાં ઉભું થયું વાવાઝોડું…

સાડા દસ થયા એટલે અવનીના દિલના ધબકારા વઘી ગયા. કામ કરતાં કરતાં કાન સતત મોબાઇલની રીંગ પર હતાં. ત્યાં તો પાંચ જ મિનિટમાં મોબાઇલની રીંગ વાગી. અવનીના હાથમાંથી વાસણ પડી ગયા. ધ્રૃજતા ધ્રૃજતા મોબાઇલમાં નજર કરી તો તે જ નંબર…તેણે કોલ ઉપાડયો નહી. એક મિનિટ પછી રીંગ પુરી થઇ, અવનીને હાશ થઇ. ત્યાં તો ફરીથી રીંગ વાગી. સતત વાગતી જ રહી. અવનીએ ફોન ઉપાડયો… એ જ અવાજ…


“અની… તું મારો ફોન કેમ ઉપાડતી નથી ? મારી વાત કેમ માનતી નથી ..? હું છેલ્લા પાંચ દિવસથી તને કહું છું… રોજ તારો પતિ ઉદય ઓફિસે જાય તેની રાહ જોઈને તને ફોન કરું છું.. એકવાર મને મળ…”

ફોનમાં મોહિતનો અવાજ સંભળાયો. અવનીએ કંઇ બોલ્યા વગર ફોન મૂકી દીઘો. પછી કયાંય સુઘી તે બેસી રહી. તેને થયું કે મોહિત કેમ બદલાય ગયો ..?? તે આવો તો ન હતો ??


મોહિત અને અવની એક સમયે પ્રેમમાં હતાં. લગ્નના સપના જોયા હતાં. મોહિત બહુ સારો પ્રેમી હતો. અવનીને ખૂબ પ્રેમ કરતો. બન્નેએ એકબીજાને ઢગલાબંઘ પત્રો લખ્યાં હતાં, સાથે ફોટા પાડયાં હતાં. કેટકેટલા દિવસો સાથે વિતાવ્યા હતા. કલાકોના કલાકો એકાંતમાં સિનેમાના અંધારામાં, લોંગ ડ્રાઈવની ઝડપમાં વિતાવ્યા હતા. પણ કયારેય મોહિતે કોઇ છુટ લીઘી ન હતી. અવની તેના આ ગુણ પર જ ફિદા હતી.


બન્ને સાથે બેસીને ભવિષ્યના સપના ગુંથતા રહેતા… પણ ભવિષ્ય કયાં કોઇને કશું કહે છે ?? કેટલાય પ્રેમીઓના સપના તૂટી ગયા.. માતા – પિતાની ઈજજત ખાતર, સમાજની બીકને કારણે તેમના પ્રેમનું બલીદાન લેવાય ગયું. અને અવનીને મોહિતને રડતો છોડીને ઉદય સાથે લગ્ન કરવા પડયા. લગ્ન વખતે અવનીએ મોહિતના બધા જ પત્રો ફાડી નાખ્યાં. મોહિત પાસેથી પત્રો અને ફોટા પાછા લેવાનો વિચાર જ ન આવ્યો.


લગ્નના ચાર વર્ષમાં ઉદયના પ્રેમમાં ઘીમે ઘીમે મોહિત ભુલાતો ગયો. અવની ખુશ હતી, ઉદય સાથે સુખી હતી, પણ ત્યાં અચાનક તેના સુખના સરોવરમાં મોહિતના ફોને વમળ પેદા કર્યા. ચાર દિવસ પહેલા મોહિતનો ફોન આવ્યો, તેણે અવનીને કહ્યુ, ” આપણે છૂટા પડયાને ચાર વર્ષ થઇ ગયાં, મેં કયારેય તને મળવાનો પ્રયત્ન નથી કર્યો… પણ હમણાં હું તારા શહેરમાં છું, હોટલમાં ઉતર્યો છુ , મારે તને મળવું છે.”


અવનીએ મળવાની ના પાડી ફોન મૂકી દીધો હતો., પણ મોહિતે ફરીથી તેને કહ્યુ કે, “અની તારા પત્રો અને ફોટા મારી પાસે છે તે તને યાદ છે ને..? મારૂ મન બહું જ અશાંત છે, તું મને મળ, તું જ મારૂ મન શાંત કરી શકીશ.”

અવની ધૃજી ગઇ . મોહિતની વાતમાં છૂપાયેલી ઘમકી તે સમજી ગઇ. “મન અશાંત છે અને તું જ શાંત કરી શકે છે” આ વાકયનો અર્થ તે સમજી ન શકે તેવું ન હતું.


તેને નવાઇ લાગતી હતી કે આ એ જ મોહિત છે કે જેને તે પ્રેમ કરતી હતી..??? તે મોહિત તો સરળ હતો, ધમકી, બ્લેકમેલીંગ જેવું કંઈ જ વિચારી જ ન શકે. આટલા વર્ષના પ્રેમમાં તેણે કયારેય કોઇ છુટ લીઘી ન હતી. તો હવે પરિણીત અવની પાસેથી તે શું ઈચ્છે છે…? અવની ચિંતામાં હતી. લગ્ન પછી ઉદયને દગો કરવાનું તે વિચારી શકતી ન હતી, પણ મોહિતનું શું કરવું?? તે રોજ ફોન કરીને બોલાવતો હતો અને તેની પાસેના પત્રો અને ફોટાની યાદ અપાવતો.


આજે પાંચમો દિવસ હતો. ઉદય ઓફિસે જાય પછી મોહિતના ફોન શરૂ થતાં. દર કલાકે – બે કલાકે તે ફોન કરતો. અવનીને ચિંતા થઇ કે મોહિત કયાંક પત્રો અને ફોટા ઉદયને બતાવશે તો ..?? તેને પોતાની દુનિયા ફરતી લાગી, પોતાનો સંસાર તૂટતો લાગ્યો. તેણે હિંમત કરીને મોહિતને મળવાનું વિચાર્યુ. આખો દિવસ વિચારીને તેણે નકકી કર્યુ કે તે મોહિતને મળીને પત્રો અને ફોટા લઇ આવશે. જરૂર પડશે તો મોહિતનો સામનો કરશે, પણ તેની એકપણ માંગણીને તાબે નહી થાય.


ખૂબ હિંમત કરીને બીજે દિવસે તે મોહિતને મળવા ગઇ. મોહિત તેને જોતો જ રહી ગયો. મોહિતની આંખમાં પ્રેમ જોઇને એક ક્ષણ માટે તે તેમાં ખેંચાઇ ગઇ, પણ બીજી ક્ષણે મોહિતના ફોન યાદ આવી ગયા. તે ગુસ્સામાં તેની સામે બેઠી અને બોલી, “બોલ, શું કામ બોલાવી છે …?”

મોહિતે તેની પાસે બઘા પત્રો અને ફોટાનું બંડલ મુકયુ, અને અવની સામે જોઇને બોલ્યો, અની… તારા પત્રો તારી યાદ રૂપે મેં રાખ્યા હતા. ચાર વર્ષમાં મેં તેને હજારો વખત વાંચ્યા છે, પણ હવે મને મારો ડર લાગે છે, કયારેક માનવસહજ નબળાઈ કે ક્ષણિક આવેગમાં આ પત્રો અને ફોટાનો દૂરઉપયોગ થઇ જાય અને તને મેળવવા માટે તેનો ઉપયોગ કરવાની ઈચ્છા થઇ જાય તેના કરતાં તું લઇ જા… આ મારી પાસે હશે ત્યાં સુઘી હું અશાંત રહીશ..

તું લઇ જા..”


આટલું કહીને મોહિતે પત્રોનું અને ફોટાનું બંડલ તેને આપી દીઘું. અવનીને પોતાના પર ગુસ્સો આવ્યો. તે રડી પડી. આટલા વર્ષોમાં પહેલીવાર તે મોહિતને ભેટી પડી અને તેના પર શંકા કરવા માટે માફી માંગતી રહી..

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ