લાગણીસભર અનુભવો છે આ વ્યક્તિના પણ હાય રે કિસ્મત આ યાદોનું શું… અંત ચુકતા નહિ…

શું થયું ? ચોંકી ગયા ? એક નિવૃત્ત સૈનિકને આમ યુ ટ્યુબ નિહાળી કેક તૈયાર કરતા જોઈ ! આપનું ચોંકવું સ્વભાવિક છે પણ વાંધો નહીં, હું સમજાઉં છું.

મારી પત્ની પ્રતિભા એની બહેનને ઘરે ગઈ છે.બધુજ અમારી પૂર્વ છુપી યોજના અનુસાર પાર પડી રહ્યું છે. પ્રતિભા માટે એક નાનકડું સરપ્રાઈઝ ગોઠવ્યું છે . જીવનમાં એના માટે બહુ ખાસ કઈ કરી શક્યો નહીં . જે કઈ પણ કર્યું એ એણેજ . મારા માટે પણ અને મારા વતી પણ. હવે મારો વારો. આજે અમારા લગ્નની ૫૦મી વર્ષગાંઠ છે .૨૦ વર્ષનો હતો જયારે ૧૯ વર્ષની પ્રતિભા જોડે મારા લગ્ન થયા હતા. એ સમયમાં અરેન્જ મેરેજ એજ લવ મેરેજ . હા , પ્રતિભા જેવી પ્રેમાળ અને સમજુ પત્ની મળવી એ મારા પ્રારબ્ધનીજ વાત !

લગ્ન પહેલાજ તમે જાણતા હોવ કે તમારો ભાવિ પતિ એક સૈનિક છે. એના સમય , એના પ્રેમ અને એના જીવન ઉપર ફક્ત અને ફક્ત માતૃભૂમિનો અધિકાર છે . તમારું જીવન તમારે એની જોડે છતાં એના વિનાજ પસાર કરવાનું છે . પોતાની ફરજો તો નિભાવવાનીજ છે એ સાથેજ પતિના દરેક કર્તવ્યો પણ એના વતી નિભાવવાના છે. દરરોજ રાત્રે ન એની પરત થવાની રાહ જોવાની છે . ન એના તરફથી કોઈ દૈનિક મદદની અપેક્ષા રાખવાની છે . જીવન અને મૃત્યુની અનિશ્ચિતતા વચ્ચે અટવાતા જીવો જોડે જીવન નિભાવવું એલોખંડના ચણા ચાવવા જેવું છે . બહુ સખત કાળજું જોઈએ સાહેબ !

મારી પ્રતિભાનું કાળજું પણ કેવું સખત , એક બહાદુર સિંહણ જેવુંજ તો. લગ્નના આ પચાસ વર્ષોમાં અમારો લગ્ન સંબંધ એણે જ તો નિભાવ્યો છે . એના તરફથી પણ અને મારા તરફથી પણ . હું તો હંમેશનો એક રેફ્યુજીજ રહ્યો . છાવણી માટે પણ અને આ ઘર માટે પણ. મોંઘેરા ચન્દ્ર સમો ક્યારેક મુખ દર્શન દઈ જતો એજ.

પ્રતિભાએ દરેક દિવાળીઓ મારા વિનાજ દિવા પ્રગટાવી આ ઘરને પ્રકાશિત રાખ્યું. મારી બાળકીને ફટાકડાઓ ફોડતા એણેજ તો શીખવાડ્યું. એના હોળીના વસ્ત્રો મારી ગેરહાજરીથી સદા સુકાજ રહ્યા . દરેક નવા વર્ષનું એણે એકલા હાથે સ્વાગત કર્યું.

મારા ઘરની દીવાલો એણેજ રંગાવી . ઘરના તૂટેલા નળ જાતેજ રીપેર કરાવ્યા. બેન્કના ચક્કરો અને બજારના ધક્કાઓ બન્ને જ સંભાળ્યા . મારી નાનકડી બાળકીએ ક્યારે પહેલો શબ્દ ઉચ્ચાર્યો , ક્યારે પહેલું ડગ માંડ્યું હું જાણીજ ન શક્યો . હું હતોજ ક્યાં એની જોડે ?મારી દીકરીનો શાળાનો પ્રથમ દિવસ પ્રતિભાએ જ સાચવ્યો . વાલી દિવસે એજ માતા અને એજ પિતા બની શાળાએ પહોંચી. એની બારખડીથી લઇ એમ.એ .ની ડિગ્રી સુધી, એના ડરાયવિંગ લાઇસેન્સથી લઇ એની નોકરીના પ્રથમ દિવસ સુધી , એના કમ્યુટર કોર્સથી લઇ લગ્નની કંકોત્રી સુધી , એના લગ્નથી લઇ એના પોતાના બાળકના જન્મ સુધી ,મારા પરિવારને પ્રતિભાએ જ તો સાચવ્યો , જાળવ્યો અને એક દોરામાં પુરી રાખ્યો.

સરહદ ઉપર નીડર , નિશ્ચિન્ત ઉભેલા મારા ડગ પાછળ પ્રતિભાનો સ્નેહ ,પ્રેમ , હિમ્મત , વીરતા અને અડગ ટેકો હતો. પ્રતિભાએ ઘરની દરેક કાળજી પોતાના ખભે ઉપાડી તોજ તો હું દેશની કાળજી લઇ શક્યો. ન કદી એનો જન્મ દિવસ ઉજવ્યો , ન કદી લગ્નની વર્ષ ગાંઠ ,ન કદી એની કોઈ સેવા કરી શક્યો , ન એની માંદગીઓ માં એની પડખે રહી શક્યો . પણ હવે મારો વારો .

એની દરેક કાળજી , દરેક જતન , દરેક સંભાળ અને પંપાળ મારા હૃદય પર ઉધાર છે . એને સહ -હૃદય વ્યાજ જોડે ચુકવીશ . જીવનની વધેલી દરેક ક્ષણ એને ખુશ રાખવા પાછળ ખર્ચીશ . મારા સમય ઉપર , જીવનની શેષ દરેક મિનિટ ઉપર ફક્ત અને ફક્ત પ્રતિભાનોજ અધિકાર છે . હવે એ આરામ કરશે અને હું એની સેવા .

આ લો , કેકતો સરસ તૈયાર થઇ ગયું . હવે ઝટઝટ શણગારી લઉં . પ્રતિભા આવતીજ હશે . મીણબત્તીઓ ક્યાં મૂકી દીધી ? હા , રસોડામાં છુપાવી હતી . લઇ આવ છું . લો મળી ગઈ . શું થયું ? શું નિહાળો છો ? આ પિસાની ઉપરના ટાંકાઓ ? એની પાછળ પણ એક વાર્તા છે , પણ સત્ય હકીકત વાળી . સાંભળશો ? ઠીક છે હું કેક શણગારું છું . આપ વાર્તા સાંભળો.

મારી નિવૃત્તિના દિવસથી થોડા મહિનાઓ આગળની વાત છે . દેશના એક શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા . પરિસ્થતિ અત્યંત વણસી ચુકી હતી . પાણી માથાની ઉપરથી વહી રહ્યું હતું . ઘટનાઓ કાનૂની કાબુની બહાર પહોંચી હતી . લશ્કરના ટોળાઓ શહેરના ખૂણે ખૂણે આવી પહોંચ્યા હતા. દેશજનો બે ટોળામાં વહેંચાઈ ગયા હતા .

સરહદ ઉપર દુશમન સામે છાતી ઠોકી સામનો કરાય પણ પોતાનાજ દેશવાસીઓનો સામનો કરતા હય્યુ ફાટે . એકજ માંના બે બાળકો લડતા હોય ત્યારે માં ની પરિસ્થતિ કેવી દયનીય બની રહે ! ઘરના વડીલોને જેમ વચ્ચે પડી ઘરની શાંતિ જાળવવી પડે એવુજ કાર્ય સૈનિકોને ભાગે આવ્યું હતું . પણ ક્રોધ અને આવેગમાં વર્દીઓ ઉપર પણ થઇ રહેલા આક્રમણો સૈનિકો પ્રત્યેનું માન પણ જાળવી રહ્યા ન હતા . અશ્રુ ગેસ , લાકડીઓ , બંદુકો , સુરક્ષાની જાળીઓ અને હેલ્મેટ ! આ પરિવેશ અને સુરક્ષા કવચ દરેક સૈનિક માટે એની પ્રકૃત્તિ સમા હોય છે પણ જયારે એનો ઉપયોગ પોતાનાજ લહુ આગળ કરવો પડે ત્યારે મનમાં ઉઠતી પીડા અને વેદનાને એક વર્દીધારીજ સમજી શકે.

દેશની બહારથી થતું દરેક આક્રમણ ખુલ્લી છાતીએ એક સૈનિક વેઠી શકે પણ દેશની અંદર થી થતા આક્રમણોથી એજ છાતી વિના હથિયાર વીંધાઈ જાય ! બન્ને જૂથો ક્રોધાગ્નિથી વિફર્યા હતા . એકબીજા પર તૂટી પડવા બેબાકળા થયા હતા . અશ્રુ ગેસ હવામાં છોડી દેવાયો હતો . આંખો મીંચી ભાગી રહેલા ટોળા તન અને મન બન્નેથી અંધ દીસી રહ્યા હતા . મારી સુરક્ષાની જાળી વચ્ચેથી રસ્તો કરતી મારી દ્રષ્ટિ વિફરેલા ટોળાની વચ્ચે રસ્તા ઉપર કચડાઈ રહેલ એક નિર્દોષ ઢીંગલી ઉપર પડી .

ગોળ મટોળ ચ્હેરો , ભૂરી આંખો , ઘૂંઘરિયા વાળ . થોડી ક્ષણો માટે મારી પોતાનીજ બાળકીને એની આંખોમાં હું નિહાળી રહ્યો . એ કોણ હતી , એના માતાપિતા ક્યાં હતા , કોણ હતા અને કઈ જાતિના હતા , ન મને એની જાણ હતી , ન મને જાણવું હતું . મારા માટે એ ફક્ત મારા દેશની એક નાગરિક હતી , મારા દેશનું આવતીકાલ હતી , મારી માતૃભૂમિનું ભાવિ હતી . જો એના વર્તમાનનું રક્ષણ ન થાય તો દેશનું ભાવિ ક્યાંથી નિર્માણ પામે ?

અચાનક બન્ને દિશાના ટોળાઓએ પથ્થર મારો શરૂ કર્યો . હેલ્મેટમાં સજ્જ સૈનિકો આગળ વધી પરિસ્થતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા .આંધળી દોડધામ અને શોર વચ્ચે એ બાળકીનું રુદન કોઈ પણ શ્રવણઈન્દ્રીયોને સ્પર્શી શક્યું નહીં .આંધળા , બહેરા ટોળાઓ વચ્ચે ધસી બાળકીને મારા શરીર વડે હું ઘેરી રહ્યો . માથાની હેલ્મેટ ઉતારી એનાનકડા માથાને સુરક્ષિત રાખવાનો મારો પ્રયાસ સફળ નીવડ્યો . એ નાનકડું કુમળું શરીર મારા સશક્ત શરીરના ઘેરામાં સંપૂર્ણ સુરક્ષિત લપાઈ રહ્યું.

ઘણા મહિનાઓ પછી પોતાની દીકરીને આલિંગન આપવાનો વાત્સલ્ય ભર્યો અનુભવ મનને ટાઢક આપી જ રહ્યો કે બન્ને દિશામાંથી ઉછળી રહેલા અણીદાર પથ્થરો મારા હેલ્મેટ વિહીન માથા પર આવી વરસ્યા . ગરમ ઉષ્ણ લાલ પ્રવાહી માથા ઉપરથી નીતરતું બાળકીના ફરાકને લાલ રંગે રંગી રહ્યું . મારા કાનમાં ચિત્રવિચિત્ર સ્વર હું સાંભળી રહ્યો. આંખોની આગળ અંધારું છવાઈ રહ્યું . થોડાજ સમયમાં મારી સભાનતા હું ગુમાવી દઈશ એની અનુભૂતિથી દોરાઈ મારા હાથોની પકડ વધુ મજબૂત થઇ એ માસુમ ફરીસ્તાને હૃદય સરસી ચાંપી રહી . વિશ્વાસના એ મજબૂત આલિંગનમાં ધીરે ધીરે મારી સભાનતા પીગળી ગઈ.

આંખો ઉઘડી ત્યારે આર્મી હોસ્પિટલમાં મારો ઈલાજ થઇ રહ્યો હતો . એક મહિના સુધી હું બેભાન હતો . કોમામાંથી ઉઠ્યો હતો એનું દુઃખ સહેજે ન હતું . એક બાળકીને એના માતાપિતા સુધી સુરક્ષિત પહોંચાડી શકવાનો , પોતાની ફરજ બજાવી શકવાનો અને મા-ભોમનું કરજ ચુકવી શક્યાનો ગર્વ અને ગર્વજ હતો . ફક્ત મનેજ નહીં મારા પરિવારને પણ .

અરે , ડોરબેલ ! પ્રતિભા આવી ગઈ . મારુ કેક પણ તૈયાર . શ્શ્શ્શ ….શોર નહીં …સરપ્રાઈઝ આપવાનો સમય થઇ ગયો . મારુ કેક એને ગમશેને ? ચાલો દરવાજો ખોલવા જાઉં છું .

દરવાજો ખોલી એ નિવૃત્ત સૈનિક જડ આંખે દરવાજે ઉભા છે . દરવાજા સામે ઉભી સ્ત્રીને શોકથી તાકી રહ્યા છે . એને ઓળખી શક્યા નથી. ” આપ કોણ છો ?” સ્ત્રી પ્રશ્નથી જરાયે હેરતમાં નથી . એમના માટે આ પ્રશ્ન એક ટેવ સમો અપેક્ષિત છે . ચ્હેરા ઉપર પ્રેમ અને ધીરજ ભર્યું હાસ્ય છે . ” આપણે અંદર જઈ વાત કરી શકીએ ?”

સ્ત્રીના પ્રશ્નથી મૂંઝાઈ તેઓ અંદર તરફ જઈ રહ્યા છે . સ્ત્રી ધીમે રહી દરવાજો વાંસી રહી છે . સ્ત્રીના શબ્દો બંધ દરવાજા પાછળથી આછા આછા સંભળાઈ રહ્યા છે . ” અરે , આ કેક ક્યાંથી આવ્યું ? ” સૈનિકનો અવાજ એનાથી પણ આછો , મંદ અને ગુંચવણ ભર્યો સાદ પાડી રહ્યો છે . ” ખબર નહીં . હું કશું નથી જાણતો !” આપ વિચારતા હશો કે વાર્તા પ્રથમ પુરુષમાં શરૂ થઇ ત્રીજા પુરુષમાં સમાપ્ત કઈ રીતે થઇ શકે ?

પણ શું કરી શકાય ? વાર્તાની દોર જેમના હાથમાં સોંપવામાં આવી હતી એ નિવૃત્ત સૈનિકને માથે થયેલી ઈજાઓના પરિણામ સ્વરૂપ ક્યારેક આમજ તેઓ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. પણ આપ જરાયે ચિંતા ન કરતા . પ્રતિભાજી આવી ગયા છે . દર વખતની જેમજ તેઓ પોતાના પતિની કાળજી , માવજત અને સેવા કરશે . એમને આરંભથી અંત સુધી બધુજ યાદ કરાવશે અને આજે ફરીથી બન્ને એકબીજાના પ્રેમમાં પડશે …..

‘ મારા રક્તની દરેક બુંદ જેને નામ હતી જાતે વ્હાવી એણે પુરાવો માંગી લીધો .’

લેખક : મરિયમ ધુપલી

ઓહ અદ્ભુત વાર્તા, આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ