આ પત્રકારના જૂનુનને તમે સેલ્યુટ કરશો, છેલ્લા 17 વર્ષથી હાથે લખી છાપું પ્રકાશીત કરે છે

પત્રકારત્ત્વનું નામ સાંભળતાં જ મગજમાં ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રોના પાના ફરવા લાગે છે. દૂરથી આપણને આ એક નામ, ખ્યાતી અને પૈસા વાળી કેરિયર દેખાય છે. પણ તેની પાછળની તેની મહેનત આપણને નથી દેખાતી. એક પાક્કી ધૂન વગર પત્રકારત્વ શક્ય નથી. પત્રકાર હોવું તે માત્ર કેઈ નોકરી નથી પણ એક જુનુન છે. પત્રકારત્વમાં માનસિક સંતુલનની સાથે સાથે સામાજિક પ્રામાણિકતા પણ હોવી જરૂરી છે. પત્રકાર માટે એ જરૂરી છે કે તે પોતાના ધર્મને સમજે અને તેને સારી રીતે નીભાવી જાણે.

પણ આજકાલ આ બધા લક્ષણો ઘણા ઓછા પત્રકારોમાં જોવા મળે છે. હાલ દેશની હાલત તો એટલી બદલાઈ ગઈ છે કે જે સમાજ માટે પત્રકારત્વનો જન્મ થયો હતો તેને જ તેના પર વિશ્વાસ નથી રહ્યો. આજે પત્રકારત્વ જાણે જૂથોમાં વહેંચાઈ ગયું છે, કોઈ એક મિડિયા સમૂહ કોઈ એક પક્ષ વિરોધ બોલશે તો કોઈ બીજા પક્ષના વખાણ કરશે. પૈસા અને ટીઆરપીની રમત વચ્ચે સઘળુ પત્રકારત્વ મરી પરવાર્યું છે. પણ ભગવાનની મહેરબાની કહો કે ગમે તે આજે પણ પત્રકારત્ત્વ સાવ મરી પરવાર્યું નથી. આજે પણ કેટલાક એવા પત્રકારો છે જેમણે પોતાની સાથે સાથે મૂળ પત્રકારત્વને પણ જીવતું રાખ્યું છે. આજે અમે તમને એક એવી વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે પત્રકારત્વ પૈસા માટે નહીં પણો પોતાની સાચી ધૂન માટે કરે છે.

આ સ્વતંત્ર પત્રકારનું નામ છે દિનેશ કુમાર. ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરના ગાંધી કોલોનીના રહેવાસી દિનેશ પત્રકારત્વનું એક આગવું અને અનોખુ ઉદાહરણ પુરુ પાડે છે. 53 વર્ષીય દીનેશ પાસે નથી તો પોતાની કોઈ ઓફીસ કે નથી તો કોઈ પ્રીન્ટીંગ મશીન કે નથી તો કોઈ કર્મચારી. તેમ છતાં પણ તેમની પોતાની ધૂનના કારણે તેઓ છેલ્લા 17 વર્ષથી એક સમાચારપત્ર ચલાવી રહ્યા છે.

આ સમાચારપત્રનું નામ છે, “વિદ્યા દર્શન”. દિનેશભાઈના આ અખબારની વિશિષ્ટતા એ છે કે તે આ આખું જ સમાચારપત્ર પોતાના હાથે લખે છે. તેમનું કામ હાથેથી લખવું અને તેની ફોટોકોપી કરાવીને લોકો સુધી પહોંચાડવાનું છે. તેમના આ કામમાં તેમની એક માત્ર સાથી છે તેમની સાઇકલ જેની મદદથી તેઓ પોતાના આ સમાચારપત્રને સાર્વજનીક જગ્યાઓ પર ચોંટાડે છે. દીનેશભાઈની આર્થિક સ્થીતી સારી નથી. આજીવીકા માટે તે બાળકોને આઇસક્રીમ, ચોકલેટ અને ખાવાની અન્ય વસ્તુઓ વેચે છે. તે શરૂઆતમાં જ સમાજ માટે કંઈક કરવા માગતા હતા. તેમનું સપનું હતું કે તેઓ વકિલ બને, પણ ઘરની આર્થિક હાલત કંઈ ઠીક ન હોવાથી તેઓ માત્ર 8માં ધોરણ સુધી જ ભણી શક્યા. ત્યાર બાદ તેમના પર કુટુંબની જવાબદારીઓ આવી ગઈ. કુટુંબ ચલાવવા માટે તેમણે મહેનત મજૂરી કરવાનું શરૂ કરી દીધું અને તેમના સ્વપ્નો તો ક્યાંય પાછળ છૂટી ગયા.

પણ તેમણે પોતાના જુનૂનને મરવા ન દીધું. સવારથી સાંજ આજીવિકા માટે ખુબ મહેનત કરતા દિનેશભાઈને પોતાનું સમાચારપત્ર ચલાવવા માટે કોઈ પણ જાતની સરકારી કે ખાનગી નાણાકીય સહાય પ્રાપ્ત નથી. પોતાના જાહેરાત વગરના સમાચારપત્રથી દિનેશભાઈ કોઈ પણ પ્રકારની આર્થિક કમાણી નથી કરતા. તેમ છતાં તેઓ નિયમિત રીતે સમાચારપત્ર પ્રકાશીત કરવાનું ચાલુ રાખે છે. દિનેશભાઈ રોજ સવારે 10 વાગે જિલ્લાઅધિકારીના કાર્યાલયમાં જાય છે અને 3 કલાકમાં પોતાનું સમાચારપત્ર લખે છે ત્યાર બાદ તેઓ પોતાના કામ પર જતા રહે છે.

માત્ર કોરા કાગળના પાના અને કાળી સ્કેચ પેન જ તેમના પત્રકારત્ત્વનું શસ્ત્ર છે. તેઓ દરેક જગ્યાએ પોતાની સાઈકલ પર જ જાય છે. રોજ તે પોતાની રોજી રળવા ઉપરાંત દિનેશ છેલ્લા સત્તર વર્ષથી પોતાનું હસ્તલિખિત સમાચારપત્ર “વિદ્યા દર્શન” ચલાવી રહ્યા છે, તે ખરેખર એક વખાણવા યોગ્ય કામ છે. દરેક પ્રકારના પડકારો છતાં દિનેશભાઈ ન તો ક્યારેય નિરાશ થયા છે કે નથી તો ક્યારેય પત્રકારત્વને છોડવાનો વિચાર કર્યો. રોજ દિનેશભાઈ પોતાના સમાચારપત્રમાં કોઈને કોઈ ખાસ ઘટના અથવા મુદ્દો ઉઠાવે છે અને તેના પર તે પોતાનો નિર્ભય વિચાર રજૂ કરે છે. સંપૂર્ણ સમાચારપત્ર તેમના સુંદર અક્ષરોથી સજેલું હોય છે પણ સાથે સાથે તેમાં સમાજની મુખ્ય સમસ્યાઓ અને તેના અનેક ઉપાયો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ