‘યા દેવી સર્વ ભૂતેષુ, શક્તિ રૂપેણ સંસ્થિતા’ – સીયાના જીવનમાં રાવણ બનીને આવેલા કોદંડનું તેણે દહન કર્યું….

સીયા બસ આ શ્લોકને યાદ કર અને એ રાવણનું દહન કર. આ કલયુગ છે.. તને બચાવવા કોઈ રામ નહીં આવે.. અને આવે ત્યાં સુધીની રાહ જોવાનો તારી પાસે સમય નથી.. બસ આ જ છે જે છે..’

સીયાના મનમાં કશ્મકશ ચાલતી હતી. મન સાથે સંવાદ અને હ્રદય સાથે એક્ય સાધી નહોતું શકાતું. લગ્ન કરીને આવી ત્યારથી આ ઘરમાં બધું જ અજીબોગરીબ બનતું આવ્યું હતું. ત્રણ જ મહિનામાં સીયાને સાચી હકીકતની જાણ થઇ ગઈ. ઈતિહાસ ફરી દોહરાવાયો હતો. સીતાહરણ કરીને જે રાવણ ભાગ્યો હતો તે રાવણ અહીં સંતાયો હતો. તેને અચાનક એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે પહેલી વાર કોદંડને મળી હતી.

કોલેજનો છેલ્લો દિવસ હતો. એન્યુઅલ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના જાણીતા ઉદ્યોગપતિનો દીકરો આવવાનો હતો. તેનું પુષ્પગુચ્છથી સ્વાગત સીયાએ જ કરેલું.

‘તમે બહુ જ સુંદર છો..’

પુષ્પ લેતી વખતે કોદંડે તેને કહી દીધું.. સહેજ મુસ્કાન કરીને અતિથીની પ્રશંષા સ્વીકારીને સીયા ત્યાંથી ચાલી ગઈ.. બીજા જ દિવસે અચાનક ફિલ્મોમાં જોવા મળે એમ તેના ઘરે બહુ બધા બુકે આવી ગયા.. સવારથી ઠલવાઈ રહેલા બુકે જોઇને તેના મા-બાપ પણ આશ્ચર્યચકિત હતા. ક્યાય કઈ નામ નહીં. સાંજે સીયા પર ફોન આવ્યો..

‘કોદંડ બોલું છું સીયા.. કેવા લાગ્યા બુકે? અત્યારે પાંચ મિનીટ મળી શકશો પ્લીઝ..’

સીયાને આમ તો આ મજનું જેવો વ્યવહાર લાગ્યો પરંતુ પાંચ મિનીટ મળીને વાત કરીને કહી દેવાનું હતું કે મને તમારામાં રસ નથી એટલે સીયાએ મળવાની હા કહી. જો કે અંદરખાને એ રોમાંચિત તો થયેલી જ હતી. કોદંડ દેખાવે કોઈ ફિલ્મી હીરોને ટક્કર મારે તેવો હતો અને મોભાદાર-પૈસાદાર કુટુંબ તો હતું જ..!!

હજુ તો આવું બધું વિચારી રહી હતી ત્યાં જ બે મિનીટમાં તેને પીક કરવા ગાડી આવી.. સીયાએ અંદર જોયું તો કોદંડ પોતે જ આવેલો.. પહેલી મુલાકાતથી ખટકતો સવાલ આખરે સીયાએ પૂછી જ લીધો..

‘તમારું નામ આવું અજીબ કેમ છે?’

કોદંડે હસીને જવાબ આપ્યો… અમે રામભક્ત છીએ.. રામના ધનુષ કોદંડ ઉપરથી પિતાજીએ મારું નામ રાખ્યું છે. મારામાં ગુણ પણ એ ધનુષ જેવા જ છે. મને કોઈ હલાવી-ચલાવી ના શકે.. પણ તમે મને ચલિત કરી દીધો.. પણ હું તમને એક સિક્રેટ કહું? હું પર્સનલી રાવણને પૂજું છું. એના જેવો મહાન ભક્ત અને વીર જ રામને ટક્કર આપી શકે.

મારી સાથે લગ્ન કરશો સીયા?’

ને સીયાએ તેની સામે ક્ષણિક જોયું અને અચાનક જ હા કહી દીધી.. કોદંડને હતું કે એને સમજાવી પડશે, મનાવવી પડશે.. પરંતુ આ તો એક જ વારમાં તેણે હા કહી દીધી..

‘તમારા ઘરે કાલે મમી-પપ્પાને લઈને આવી જઈશ.. ને એક જ અઠવાડિયામાં લગ્નની તારીખ નક્કી કરી લઈશું..’

‘ભલે.. તો ચાલો હું જાવ હવે?’

સીયાએ કહ્યું..

‘એક મિનીટ.. આ તમારી માટે ગીફ્ટ લાવ્યો છું.. મને હતું કે તમે ના કહેશો એટલે તમને આ આપીને મનાવી લઈશ.. પણ હવે આ હા કહેવાની ગીફ્ટ તરીકે સ્વીકારી લો..

એટલું કહીને કોદંડે તેના હાથમમાં રીયલ ડાયમંડનો સેટ આપ્યો અને સાથે એક કવર પણ આપ્યું.. સીયાને આ બધું ખરેખર સપના જેવું લાગતું હતું.. કોદંડનું અને તેના પપ્પાનું નામ ઘણી વખત સાંભળ્યું હતું. એક જ નાતના હતા એટલે જ્ઞાતિના ઘણાખરા ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે તેના પપ્પાને તેણે જોયા હતા..!!!

‘હું આ કેવી રીતે સ્વીકારી શકું કોદંડ?’

‘હકથી સીયા.. તમે મારા પત્ની આજથી થઇ ગયા સમજી લો…’

ને સીયા શરમાઈ ગઈ..

‘કવર તો ખોલો સીયા..’

સીયાએ એ કવર ખોલ્યું તો અંદર મીની કુપર, તેને ગમતી ગાડી, તેની ચાવી હતી.. આ બધું જોઇને સીયાને વિશ્વાસ નહોતો બેસતો કે ખરેખર આ થઇ રહ્યું છે.

‘આ બીજી ચાવી છે.. પહેલી ચાવી અને ગાડી લઈને સાંજે અયુબ તારા ઘરે આવી જશે..’

એ પછી સ્વપ્નલોકમાં વિહરી રહેલી સીયાને ક્યારે ઘર આવી ગયું અને તે ઉતરીને ઘરમાં જતી રહી એ ખબર ના પડી.. ઘરે પહોચતા તેણે મમી-પપ્પાને બધી વાત કરી.. તે બંને માટે પણ આ અણધાર્યું હતું.. પરંતુ વિરોધ તો એમને પણ નહોતો જ.. આખરે આવું મોભાદાર કુટુંબ નાતમાં બીજું કયું હોય!!!

ને પછી તો ચટ મંગની ને પટ બ્યાહ થયા.. સીયા કોદંડની પત્ની બનીને તેના પોતાના અયોધ્યામાં પધારી ચુકી હતી. એક જ મહિનામાં લગ્ન થઇ ગયેલા એટલે તેને વધુ વખત કોદંડને મળવાનો કે તેના પરિવારને જાણવાનો અવસર નહોતો મળ્યો. કોદંડને એક મોટો ભાઈ પણ હતો.. પરિણીત હતો. પરંતુ તેના જેઠાણીને તે સીધી લગ્નના દિવસે જ મળેલી. સાસુમાને પણ લગ્ન પહેલા બે જ વખત મળી હતી. જેઠજી મોટેભાગે ફોરેન રહેતા.. અહીનો બિઝનેસ કોદંડ સંભાળતો અને ફોરેનનો તેના જેઠજી..

લગ્નના બીજા જ દિવસે તેની અજીબ જેવું વર્તન ઘરમાં જોવા મળેલું. સાસુમા અંને જેઠાણી બંને સસરા અને કોદંડ, જો જેઠ હોય તો તે પણ ઘરમાંથી જાય એ પછી ઓરડામાંથી બહાર નીકળે. સીયાએ તો કેટલાય સપના વિચાર્યા હતા કે સવારે પાંચ વાગ્યામાં તૈયાર થઈને રસોડમાં પહોચી જશે અને સાસુ-સસરાને ખુશ કરી દેશે. કોદંડને પણ પોતાના પર ગર્વ થશે.. પરંતુ અહીં તો બધું સાવ જ ઊંધું હતું.. સાસુ ને જેઠાણી જાગતાં જ દસ વાગ્યે.. કદાચ વહેલા જાગી જતા હશે તો પણ બહાર નહોતા નીકળતા.. કોદંડે કામનું બહાનું કરીને હનીમુન પણ પાછુ ઠેલી દીધું હતું.

જ્યારે પણ તેની નજર તેના સાસુ કે જેઠાણી સાથે મળતી તેમની આંખોમાં કરુણા વંચાતી.. પોતાના માટે અનુકંપા દેખાતી. શરૂઆતમાં તો સીયા તેને વહાલ અને પ્રેમની લાગણી જ સમજતી હતી.. પરંતુ એક રવિવારે એવું બન્યું કે તેને વિચારવા મજબુર કરી દીધી..

એ દિવસે તેના સાસુ સવારમાં વહેલા જાગીને બગીચામાં સસરા સાથે વાત કરી રહ્યા હતા.. ભાગ્યે જ એ બંને એકબીજા સાથે વાત કરતા.. આજે વાત પણ કરી રહ્યા હતા અને એ પણ સવારમાં જાગીને.. ધીમા અસ્પષ્ટ શબ્દો સંભળાયા તેને..

‘પ્લીઝ.. એ છોકરી માંડ બાવીસ વર્ષની હશે.. કેમ એની જિંદગી બરબાદ કરો છો?’

‘મારા કામમાં દખલ ના કર.. જતી રહે અહીંથી..’

‘હું તમને કહું છું..’

હજુ તો આગળ તે સાસુ કંઈ બોલે ત્યાં જ સીયાથી ઉધરસ ખવાઈ ગઈ.. સુષ્માબહેનની નજર તેના પર પડી અને તેઓ સહેજ ઓછ્પાઈ ગયા..

‘અરે વહુ.. તમે અત્યારમાં અહીં? શું કામ હતું કંઈ..?

‘અમમ.. મમી.. એ તો.. હું.. અમસ્તી જ..’

ને સીયની જીભ થોથવાઈ ગઈ.. સસરા તેની સામે અજીબોગરીબ રીતે જોઇને ત્યાંથી ચાલ્યા ગયા..

એ દિવસ પછી સીયાને એ ઘરમાં ગમે ત્યાં કંઇક ને કંઇક અજુગતું જ લાગતું.. હવે તેને લાગતું હતું કે લગ્ન કરીને તેણે ખોટી ઉતાવળ તો નથી કરી દીધી ને.. જાણે ઘરમાં અનેક રહસ્યો છુપાયા હોય તેમ તે આખો દિવસ ચારેકોર નજર કર્યા કરતી.. કોદંડ હનીમુન ટાળતો રહેતો હતો… પણ હા તેને ખુશ બહુ જ રાખતો.. રોજ કંઈ ને કંઈ ગીફ્ટ લાવીને તેને આપે.. તેને ફરવા લઇ જાય.. તેને ગમતું બધું જ કરે..

લગભગ અઢી મહિના થઇ ગયા હતા..

એ રાત્રે તે અચાનક જ ત્રણ વાગ્યે તેની ઊંઘ ઉડી અને બાજુમાં નજર કરી તો કોદંડ ત્યાં નહોતો.. સહેજ આશ્ચર્ય સાથે તે ઉભી થઇ અને બહાર નીકળવા જતી હતી કે તેને બાલ્કનીમાંથી કોદંડનો અવાજ સંભળાયો..

‘સર.. એવું તો કેવી રીતે બને?? જો હું તેની સાથે શરીર સંબંધ ના બાંધુ તો એને શક જાય ને.. હું મારી અનિચ્છાએ જ આ બધું કરું છું.. તમે સમજી લો બીજું કશું જ નથી મને એના માટે.. પ્રેમ પણ નહીં અને લાગણી પણ નહીં..

સીયા ફક્ત તમારી જ છે..’

આ સાંભળતા જ સીયા છળી ઉઠી.. આ શું બોલે છે કોદંડ.. ગુસ્સા સાથે તેનું મગજ ધમધમવા લાગ્યું.. પણ આખી વાત જાણવી જરૂરી હતી તેથી તે ચુપ રહીને વધુ ધ્યાનથી સાંભળવા લાગી..

‘હા સર.. હું ફક્ત એ જ દિવસની રાહ જોઈ રહ્યો છું.. એક વાર કલીયરન્સ મળે એટલે અહીંથી એને ત્યાં પહોચાડવાની વ્યવસ્થા કરું છું.. આમ પણ એ ઘણા દિવસથી હનીમુનનું કહે છે.. એ બહાને ત્યાં લઇ આવીશ.. પણ હા હનીમુન હું નહીં તમે કરજો એની સાથે.. હા..હા..હા..’

સીયાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા.. એ આંસુઓને અને રુદનને રોકીને તે ફરી પલંગમાં જતી રહી.. રજાઈ ઓઢીને સુઈ ગઈ.. કોદંડ બીજી દસ મિનીટ વાત કરીને આવ્યો.. સીયાની આંખ બંધ હતી પણ મગજ ચાલુ હતું..

બીજા દિવસે સવારે તેણે એકદમ નોર્મલ બિહેવ કર્યું. કોદંડને વહાલ કર્યું અને પૂછ્યું,

‘ક્યારે હનીમૂનમાં જઈશું આપણે જાન?’

આ સાંભળતા જ કોદંડ બોલ્યો,

‘બહુ જ જલ્દી.. આપણે સિંગાપોર જઈશું..’

‘હમમ.. તો એ ‘સર’ સિંગાપોરમાં રહે છે..’

વિચારતા વિચારતા સીયા રસોડામાં જતી રહી.. કોદંડ પણ ઓફીસ ચાલ્યો ગયો.. એ આખો દિવસ તેણે ઘરમાં જાતજાતના ખાંખાખોળા કર્યા.. તેના સદનસીબે જેઠાણી અને સાસુ બંને બહાર ગયા હતા.. નાનકડી કડી મળતા જ તે ખુશ થઇ ગઈ.. અને બહાર જઈને કોઈને મળી આવી..

રાત્રે જ્યારે નવ વાગ્યે કોદંડ આવ્યો ત્યારે ફરી સીયા નોર્મલ બની ગઈ હતી..

‘સીયા.. પાંચ દિવસ પછીની સિંગાપોરની ફ્લાઈટ બુક કરાવી છું ઓકે બેબી.. આપણા હનીમુન માટે..’

કોદંડે તેને કહ્યું એટલે તે જરા વિચારમાં પડી ગઈ.. પછી સહેજ ભાન આવતા હસીને કોદંડને હા કહી દીધી..

બીજા દિવસની સવારે કોદંડ અને તેના સસરા ગયા એ સાથે જ સીયાએ તેના સાસુનાં ઓરડાનો દરવાજો ખખડાવ્યો..

‘આવી.. અરે વહુ તમે? આમ અહીં અચાનક..’

‘હા મમી..મને થયું હું ત્રણ મહિનાથી પરણીને આવી છું પણ ક્યારેય તમારો ઓરડો તો જોયો જ નહોતો.. એટલે અમસ્તી જ જોવા આવી ગઈ..’

એમ કહેતા જ સીયા અંદર ઘુસી ગઈ..

‘મમી.. મને ખબર છે કંઇક વાત છે જે તમે મારાથી છુપાવો છો.. પ્લીઝ મને કહી દો.. તમને દીદીના સમ છે..

હા મમી.. મને દીદી વિશે ખબર પડી ગઈ છે.. કાલે એમની તસ્વીર અહી તમારા ઓરડામાંથી મળી.. એ પછી મેન્ટલ હોસ્પીટલની ફાઈલ પણ.. હું દીદીને મળીને આવી છું કાલે સાંજે જ.. એ બહુ ગાંડા કાઢતા હતા.. પ્લીઝ આ બધું શું છો મને કહો મમી?’

ને સુષ્માબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..

‘તું ભાગી જા દીકરી.. નહિતર એ તને પણ વેચી દેશે.. મારો વર અને દીકરો દલાલ છે.. અને આ જાણતા હોવા છતાંય હું કંઈ જ નથી કરી શકતી.. ફક્ત મારી દીકરીને ખાતર.. કારણકે જો હું કોઈને કંઈ કહીશ તો મારી દીકરીને એ બંને મારી નાખશે..

એ માણસ છોકરીઓને વેચે છે.. વિદેશ સપ્લાઈ કરે છે.. ને કોદંડ તેનો સાથ આપે છે એમાં.. દર દિવાળીએ અને દશેરાએ તેમના વિદેશી કસ્ટમર્સને બોનસ મળે છે.. સિંગાપોરમાં શેખરનો કોઈ દોસ્ત છે જે ડોન છે… તે માણસે તને તારા લગ્નમાં જોઈ હતી.. ને એ પછી તારી ડીમાંડ કરી.. તારા સગા વરે.. તને વેચવાની હા કહી દીધી છે.. ને આ દશેરાએ એટલે કે પાંચ દિવસ પછી એ તને સિંગાપોર લઇ જશે અને ત્યાં વેચી દેશે..

આજથી બે વર્ષ પહેલા મારી છોકરીને પણ તેણે આ રીતે કોઈ ક્લાઈન્ટને વેચી દીધી હતી.. બીજા જ દિવસે દસ જણના બળાત્કારનો ભોગ બનીને તે પાછી આવી ત્યારે શેખરને તેના ક્લાઈન્ટે કહેલું કે એ છોકરી દસ જણને સહન નથી કરી શકતી.. મારી શુલ્યા તો પાગલ જ થઇ ગયેલી.. એ દિવસથી એ મેન્ટલ હોસ્પીટલમાં છે.. મારો ભાવ આ ઉમરે નાં મળે બાકી એ મને પણ વેચી દે.. આ તારી જેઠાણી આજ્ઞાને પણ ટૂંક સમયમાં ક્યાંક વેચી દેશે.. બધું જાણવા છતાં એ છોકરી ચુપ છે કારણકે તેના મા-બાપ આ સદમો બર્દાશ્ત નહીં કરી શકે..

બેટા તારે બચવું હોય તો ભાગી જ અહીંથી.. પ્લીઝ.. દુર દુર.. જ્યાં શેખર કે કોદંડ પહોચી પણ ના શકે..’

ને સુષ્માબહેન આટલું કહીને રડવા લાગ્યા..

સીયા ચુપચાપ ઓરડ્માથી બહાર નીકળી ગઈ.. તેની વાચા હણાઈ ગઈ હતી.. શું નું શું થઇ ગયું તેની જીદગીમાં..

મંદિર પાસે જઈને માતાજીની મૂર્તિ સમક્ષ તેણે રોજની આદત મુજબ દીવા કર્યા.. નવરાત્રિના પાંચ દિવસ વીતી ગયા હતા..!

‘યા દેવી સર્વ ભૂતેષુ’

સતત તેના મગજમાં આ શ્લોક સવાર હતો.. તે ભાગવા તો માંગતી હતી પરંતુ એકલી નહીં.. પોતાની સાસુ-જેઠાણી અને નણંદને પણ બચાવવા માંગતી હતી..

એ રાત્રે કોદંડ સુઈ ગયો ત્યારે તેણે તેનો મોબાઈલ લીધો.. એમાંથી ઘણી બધી વસ્તુઓ તેને મળી.. કામની વસ્તુઓ અને બીજા અનેક પુરાવાઓ.. પોતાના લેપટોપમાં એ બધું લઇ એ સુઈ ગઈ…

બીજા દિવસે જેવો કોદંડ ગયો એટલે તે ઘરની બહાર નીકળી ગઈ.. પછીના ત્રણ દિવસ સતત તે બહાર ને બહાર જ રહેવા લાગી.. સુષ્માબહેને તેને ભાગી જવા ઘણું સમજાવી.. તે એકની બે ના થઇ.. અંતે સુષ્માબહેન થાકી ગયા.. તેમને લાગ્યું કે મોટી વહુ જેમ મા-બાપનું વિચારીને નથી જતી એમ સીયાને પણ એવું જ કંઇક હશે..

એ દિવસે દશેરા હતી.. રાત્રે નવ વાગ્યાની એ બંનેની ફ્લાઈટ હતી.. સાંજના છ વાગ્યાનો સમય હતો..

સીયા માથું પકડીને બેઠી હતી..

‘સીયા બેબી.. જલ્દી ચલ.. હવે આપણે અડધી કલાકમાં એરપોર્ટ જવા નીકળી જઈશું હોં..’

કોદંડ.. મને બહુ જ માથું દુખે છે.. પ્લીઝ એક કામ કરશો?? મારા માટે ચા બનાવી આપશો.. જેવી તમે બનાવો છો એવી જ કડક મીઠી?’

કોદંડ ઘણી વખત રોમેન્ટિક બનવા અને સીયાને શક ના થાય એટલે આ પ્રકારે જાતજાતના કામ કર્યા કરતો.. ક્યારેક સરપ્રાઈઝ આપવી તો ક્યારેક એને જમવાનું બનવી દેવું.. મોટેભાગે તે વહેલો જાગી ગયો હોય એટલે અઠવાડિયામાં બે-ત્રણ વખત તેને બેડ ટી આપતો..

‘હા બેબી.. ચલ ફટાફટ બનાવી આપું.. પછી આપણે નીકળીએ..’

એટલું કહીને કોદંડ રસોડામાં ગયો.. પાંચ જ મિનીટ પછી સીયા પણ નીચે ઉતરી..

‘અરે બેબી.. તું આવી ગઈ.. બસ પાંચ જ મિનીટ હોં હમણાં ચા થઇ જશે.. ને આ હાથમાં શેની બોટલ લાવી છે?’

સીયાને અચાનક આવેલી જોઈ કોદંડે પૂછ્યું.. સીયા ચુપચાપ આગળ વધતી ગઈ… અને અચાનક જ એ બોટલ ખોલીને કોદંડ પર કેરોસીન છાંટી દીધું..

‘સીયા.. શું કરે છે???? બોલતા જ કોદંડ રસોડાની બહાર નીકળવા ગયો કે સીયાએ હાથમાંની માચીસની સળી પ્રગટાવી અને તેના પર ફેંકી..

‘ઓ માં રે.. મરી ગયો.. સીયા શું કરે છે??? સીયા ગાંડી થઇ ગઈ છે? પાણી છાંટ મારા પર..’

સીયા ચુપચાપ કોદંડની ચીસો સાંભળતી રહી અને એને રાખ થતો જોતી રહી.. આ તરફ ઓફિસમાં પણ સુષ્માએ શેખર સાથે કંઇક એવું જ કર્યું..

‘અરે સુષ્મા અચાનક ઓફિસમાં.. શું છે? પૈસા જોઈએ છે? ને હાથમાં શેની બોટલ લઈને આવી છે?’

હજુ તો શેખરનો પ્રશ્ન પૂરો થાય એ પહેલા જ સુષ્માએ બોટલ ખોલી તેન પર કેરોસીન રેડી દીધું.. ને ટેબલ પર પડેલા લાઈટરને જલાવી સીધું ફેંક્યું શેખર પર..

ટ્રાન્સપરન્ટ ગ્લામ્સ્માથી આખી ઓફિસનો સ્ટાફ આ દ્રશ્ય જોઈ રહ્યો..

બધા અચંબિત હતા..

બીજા જ દિવસે સીયાએ બંને વિરુદ્ધ એકઠા કરેલા તમામ પુરાવાઓ પોલીસને એ જ દિવસે સોંપી દીધા.. વુમન ટ્રાફિકિંગના કેસ અને અન્ડરવર્લ્ડમાં ઉઠ્બેસના કેસને ગણાવી અને લાગેલી આગને એક્સીડંટમાં ખપાવી દઈ સીયાના પપ્પાના ખાસ મિત્ર એવા પોલીસ કમિશ્નર અંકલે પણ પોતાની ફરજ બજાવી દીધી.. તેના જેઠને પણ ફોરેનમાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. તેના ગુના આ બંનેની તુલનામાં ઓછા હતા. તેને ઉમરકેદ થઇ..!

સીયા, સુષ્માબહેન, શુલ્યા અને આજ્ઞા સ્ત્રી સશક્તિકરણનું સાચું સ્વરૂપ બની ગયા..!!

એ દશેરાએ રામના સ્વરૂપે સીયાના જીવનમાં રાવણ બનીને આવેલા કોદંડનું તેણે દહન કર્યું..!!!!

લેખિકા : આયુષી સેલાણી