અનુકરણ – બાળકોના ઘર ઘર રમવાની રમતે માતા પિતાને કરાવ્યું તેમની ભૂલનું ભાન…

સુજલ અને સ્નેહા આજે ખૂબ ખુશ હતા..અને હોય જ ને આજે સફળ લગ્નજીવન ના 10 વર્ષ પુરા કર્યા હતા એમને. આજ ના જ દિવસે બન્ને અગ્નિ ની સાક્ષી આ પતિ પત્ની બન્યા હતા. અને એકબીજા નો જન્મો જન્મ સાથ નિભાવવા ના વચનો આપ્યા હતા…બન્ને ના લવ કમ અરેન્જ મેરેજ હતા, કોલેજ કાળ ના 2 વર્ષ એકબીજા ના હાથ માં હાથ પરોવી ને ફર્યા બાદ માતાપિતા ની સંમતિ થી બન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા જોતા ની વેંત જ આકર્ષાય જવાય એવું આ કપલ…..એકબીજા પ્રત્યે નો પ્રેમ તો હંમેશા છલકાતો જ હોય…..એમના પ્રેમ રૂપી બાગ નું ફૂલ એટલે એમનો લાડકો વંશ….8 વર્ષ નો વંશ પણ આજે મમ્મી પપ્પા ની એનિવર્સરી માટે ખૂબ ઉત્સાહિત હતો..

OLYMPUS DIGITAL CAMERA

સુજલ લગ્ન પછી સ્નેહા ને લઈને બોમ્બે શિફ્ટ થઈ ગયો હતો એની જોબ બોમ્બે માં હતી એટલે બન્ને અહીંયા એક ફ્લેટ માં રહેતા હતા. ફ્લેટ ના દરેક રહેવાસી સુજલ અને સ્નેહા ના વખાણ કરતા થાકતા નઇ…સુજલ અને સ્નેહા ના સુખી લગ્નજીવન ની ચર્ચા આખા ફ્લેટ માં થતી.. ફ્લેટ ના તમામ પતિ ઓ સ્નેહા ને જોઈ એમની પત્નીઓ ને મહેણાંટોણા મારતાં..અને બધી પત્નીઓ સુજલ જેવા પતિ ને પામવા બદલ સ્નેહા ની ઈર્ષ્યા કરતી..

સ્નેહા અને સુજલ પણ એમનો પ્રેમ જાહેર માં બતાવવા નો એક મોકો ન્હોતા છોડતા..પછી કોઈ તહેવાર હોય..કોઈ પાર્ટી હોય કે પછી બીજું કોઈ ફંકશન..એમનો પ્રેમ હંમેશા ઉભરાઇ આવતો.


આજ નો દિવસ તો બન્ને માટે ખૂબ ખાસ હતો એટલે સવારે થોડી ઘણી શોપિંગ કરી બહાર લંચ લઇ બન્ને મુવી જોવા નીકળી પડ્યા..સાંજે ઘરે આવ્યા..સાંજે ઘરે એમને એમના ખાસ મિત્ર પ્રથમ અને પૂજા ને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું..બન્ને કપલ એકબીજા ની ઘણી કલોસ હતું એટલે સુજલ અને સ્નેહા એ એમની ખુશી માં પ્રથમ અને પૂજા ને સામેલ કર્યા હતા..


7 વાગ્યા ની આસપાસ પ્રથમ અને પૂજા એમની દીકરી સૃષ્ટિ સાથે આવ્યા. પ્રથમ પૂજા સ્નેહા અને સુજલ એકબીજા ને મળી ને ખૂબ ખુશ હતા તો વંશ અને સૃષ્ટિ પણ એકબીજા ને જોઈને ખુશ થઈ ગયા બન્ને એક જ સ્કૂલ માં ભણતા એટલે સારી એવી ઓળખાણ હતી.થોડી વાર વાતચીત કરી અને બધા આ ડિનર કર્યું..ડિનર ટેબલ પર થી ઉભા થઇ બધા વાતો એ વળગ્યા.વંશ અને સૃષ્ટિ મોટાઓ ની વાતો માં બોર થતા હતા એટલે વંશ બોલ્યો” ડેડી,હું ને સૃષ્ટિ બીજા રૂમ માં રમીએ છે”

સુજલ હકાર માં માથું ધુણાવ્યું એટલે વંશ અને સૃષ્ટિ રમવા ચાલ્યા ગયા..બીજી બાજુ બન્ને કપલ એકબીજા ના જીવન ની વાતો કરી રહ્યા હતા ઘણો સમય પસાર થઈ ગયો. અચાનક સુજલ ને વંશ અને સૃષ્ટિ ની રમત ને ચોરીછુપી જોવાની ઈચ્છા થઈ એને સ્નેહા પૂજા અને પ્રથમ ને પણ વાત કરી બધા એ આશા આ તૈયાર થયા કે વંશ અને સૃષ્ટિ ની રમત માં એમને એમનું બાળપણ યાદ આવી જશે.


બધા છાના પગલે વંશ અને સૃષ્ટિ જ્યાં રમતા હતા ત્યાં પહોંચી ગયા.વંશ અને સૃષ્ટિ ઘર ઘર રમતા હતા એવું એમના હાવભાવ પરથી જણાતું હતું.વંશ જાણે ઓફિસ થઈ આવ્યો હોય એવી એક્ટિંગ કરી રહ્યો હતો અને સૃષ્ટિ જમવાનું પીરસવાની એક્ટિંગ કરી રહી હતી…બન્ને કપલ આ જોઈ મનોમન હસી રહ્યા હતા એમને ખબર હતી કે એમના બાળકો એમનું જ અનુકરણ કરી રહ્યા છે..પણ આ શું અચાનક વંશ એ જમવાની થાળી ફેંકી દીધી અને બોલી ઉઠ્યો “સૃષ્ટિ તારા માં અક્કલ જેવું કંઈ છે કે નઇ..?કેટલું મીઠું નાખ્યું છે શાક માં..”

સામે સૃષ્ટિ એ જવાબ આપ્યો. “હા અક્કલ નહોતી એટલે જ તને પરણી” “એક તો ભૂલ કરવાની અને સામે જવાબ આપવા ના” એટલું બોલી ને વંશ સૃષ્ટિ પર હાથ ઉપાડી દે છે સૃષ્ટિ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં વંશ ને જેમ તેમ બોલવા લાગે છે. વંશ અને સૃષ્ટિ ની રમતે બન્ને કપલને ગંભીર કરી દીધા હતા..પરિસ્થિતિ ની નજાકત સમજી પૂજા અને પ્રથમ સૃષ્ટિ ને લઈને વિદાય થાય છે.

સ્નેહા વંશ ને કપડાં બદલી ને સુઈ જવાનું કહે છે અને વંશ એના રૂમ માં ચાલ્યો જાય છે.વાતાવરણ એકદમ શાંત..સ્નેહા અને સુજલ એકબીજા ની સામું જોઈ રહે છે…દીકરા ના આવા અનુકરણ થી સ્નેહા અને સુજલ ને પોતાના સફળ લગ્નજીવન પર પ્રશ્ન થવા લાગે છે…દુનિયા ની નજર માં સફળ દંપતી એમના દીકરા ની નજર માં સફળ માતાપિતા બનવા માં નિષફળ થયા છે એનો સ્નેહા અને સુજલ ને પારાવાર અફસોસ થાય છે.
લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ