સિલિકોન વેલીની લાખોની નોકરી છોડી આ ગુજરાતી પતિ-પત્ની ભારત પરત ફર્યા અને શરૂ કરી ઓર્ગેનિક ખેતીવાડી

આપણા બધામાંથી મોટા ભાગના લોકોને વિદેશમાં વસવાનું આકર્ષણ હોય છે. અને આજે લાખો ભારતીયો ભારત છોડીને વિદેશમાં વસ્યા છે. કોઈ ત્યાં સ્ટોર ધરાવે છે તો કોઈ ત્યાં નોકરી કરે છે. ભારતીય યુવાનોમાં કંપ્યુટર સાયન્સમાં કેરીયર બનાવીને યુ.એસ.એ સ્થિર થવાનું એક આકર્ષણ તમને જોવા મળે છે. અને આજે યુ.એસ.એના આઇટી ક્ષેત્રમાં હજારો ભારતીયોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

પણ આપણા આ ગુજરાતી પતિ-પત્નીએ પોતાની અમેરિકન ડ્રીમ જોબ છોડીને ભારત આવી ખેતીવાડી કરવાનું નક્કી કર્યું. ના, તેમને અમેરિકાનો અભાવો નહોતો આવ્યો કે નહોતો તેમની નોકરીમાં કોઈ પ્રોબ્લેમ. વિવેક શાહ પોતાની સિલિકોન વેલી ખાતેની કેરીયરમાં ટોચ પર હતા જ્યારે તેમના પત્ની પણ પ્રિન્ટમેકિંગમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે. દેખીતી રીતે તેમના યુ.એસ. છોડી અહીં ગુજરાતમાં ફરી પાછા આવવાનું કારણ કોઈ જ નહોતું.

પણ એક સજાગ માણસ તરીકે સાન ફ્રાન્સિસ્કો જેવા વિશાળ શહેરમાં રહેતાં તેઓ પોતાના પાડોશને લઈને ખુબ જ સજાગ રહેતા હતા. તેઓ બન્ને એક ફુલટાઈમ પ્રોફેશનલ હતા, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે અતિ વ્યસ્ત જીવનના કારણે તેઓ એક અસ્વસ્થ જીવન તરફ જઈ રહ્યા હતા.

અને પોતાની આ અનહેલ્ધી લાઈફ કે જે પ્રત્યે તેઓ સજાગ થયા હતા તેને સુધારવા તરફ તેમણે પ્રથમ પગલું તે ભર્યું કે તેમણે એક સાથે રાંધતા શીખવાનું શરૂ કર્યું. અને તેની સાથે સાથે તેમને તેઓ રોજ બરોજ જે ખોરાક ખાઈ રહ્યા હતા તે ક્યાંથી આવે છે તે માટે જીજ્ઞાશા ઉત્પન્ન થઈ.

સાનફ્રાન્સિસ્કોના જે વિસ્તારમાં આ પતિ-પત્ની રહેતા હતા ત્યાં મોટા મોટા ફળવાળા વૃક્ષો આવેલા હતા. જે જોઈ વિવેકને અવારનવાર પોતાના બાળપણની અને તે સાદું જીવન યાદ આવી જતું. કે કેવી રીતે તે બાળપણમાં ઝાડ પર ચડતા, પડતા, ફળો તોડતા કેવી રીતે હંમેશા તેમના ગોઠણ છોલાયેલા રહેતા વિગેરે. તેમને ફરી તે સાદું પણ આનંદમય જીવન જીવવું હતું. અને તેમને જાતે જ પોતાનો ખોરાક ઉગાડવાની ઇચ્છા જાગી.

અને આ ઉદ્દેશથી બન્ને પતિ-પત્ની ખેતીવાડી શિખવાના સમગ્ર કેલિફોર્નિયા રાજ્યમાં ફરવા નીકળી પડ્યા. અને આ ટ્રીપના અનુભવે તેમની ભારત પાછા ફરવાની અને ત્યાં પોતાનું ફાર્મ સ્થાપવાની ઇચ્છાને ઓર વધારે મજબુત બનાવી.તેઓ પોતાની આ ટ્રીપનો અનુભવ જણાવતા કહે છે કે જ્યારે તેઓ ફરતા ફરતા એક સ્ટ્રોબેરીના ખેતરમાં પહોંચ્યા ત્યારે તેમને તે ખેતરનું દ્રશ્ય ખુબ રળિયામણું લાગ્યું અને તેઓ ત્યાં થોડીવાર માટે રોકાયા. થોડીવાર બાદ તેમણે જોયું કે એક ધોળા સૂટ પહેરેલો વ્યક્તિ છોડવાઓ પર કંઈકત પ્રવાહી છાંટી રહ્યો હતો. જેની ગંધ એટલી તીવ્ર હતી કે તમે ત્યાં ઉભા ન રહી શકો.

તેમને તરત જ ભાન થયું કે જે દવા છાંટવા માટે તે માણસે આટલો જાડો સૂટ પહેર્યો હતો તે આપણા શરીરને કેટલું નુકસાનકારક હોઈ શકે છે. તે માત્ર ફળો તેમજ શાકભાજી ખરીદનારના સ્વાસ્થ્યને જ નુકસાન નથી પોહંચાડતું પણ સમગ્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અને તેમણે ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો.

અને બન્ને પોતાની લાખોની જોબ છોડી ગુજરાત પાછા ફર્યા. તમને કદાચ આશ્ચર્ય થશે પણ તેમના કુટુંબમાંથી પણ તેમને આવકારવામાં આવ્યા. નહીંતર સામાન્ય રીતે કુટુંબમાંથી ચાર અવાજ ઉઠે કે ભાઈ આટલા બધા ખર્ચા કરીને તમને ભણાવ્યા અને તમે વિદેશની આટલી સારી નોકરી છોડીને ભારત પાછા ફરો છો ! પણ એવું કશું જ ન થયું. તેમના કુટુંબે તેમને ખુબ સહકાર આપ્યો.

તેઓ જણાવે છે કે તેમને ખેતીવાડીનો કોઈ જ અનુભવ નહોતો તેમના ઘરમાં પણ કોઈને ખેતીવાડીનો અનુભવ નહોતો પણ તેમણે જે કોર્સ કર્યો હતો તેણે તેમને ખુબ મદદ કરી અને તેઓ વિવિધ ટેક્નીકોને સમજી શક્યા. હવે વાસ્વમાં ખેતી કરવાનો સમય થઈ ગયો હતો. ક્યાંથી શરૂ કરવાનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ તેમને જે ખોરાક ભાવે છે તે ઉગાડવાથી જ પોતાની ખેતીની શરૂઆત કરશે.

અને એક ગુજરાતી તરીકે કેરી સિવાય બીજું કયું ફળ વિચારમાં આવી શકે ? 2017માં તેમણે નડિયાદની સીમમાં 10 એકર જમીન લીધી. અને ત્યાં તેમણે પોતાનું ફાર્મ બનાવવાનું નક્કી કર્યું. અને આ ફાર્મનું નામ પાડવામાં આવ્યું બ્રિન્દાવન. વિવિધ જાતની તકનીકો જેમ કે લીલુ ખાતર અને ઢોરને ચારવાની જમીનથી માંડીને વરસાદના પાણીને ખાડા તેમજ ટાંકીમાં સંગ્રહ કરી રાખવા સુધીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેઓ જમીનને બને તેટલી ફળદ્રુપ બનાવવા માગતા હતા જેથી કરીને જમીનને વધારેમાં વધારે ઉપયોગમાં લઈ શકાય અને તેની ક્ષમતાને વધારી શકાય.

તેમણે લીધેલા 10 એકરના પ્લોટને સાત ભાગમાં વહેંચી દેવામાં આવ્યા અને તે દરેક પર જુદી જુદી ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી જમીનને પુનર્જીવિત કરીને વધારેમાં વધારે પાક મેળવવામાં આવી શકે.

આજે આ પતિ-પત્ની બાજરી, ઘઉં, બટાટા, કેળા, પપૈયા જાંબુ, કેરી જેવા વિવિધ જાતના પાક ઉગાડે છે. આ ઉપરાંત તેઓ કેટલાકી પ્રયોગાત્મક ખેતી પણ કરે છે. તેમણે પક્ષીઓને ગમતા છોડ, તેમજ પતંગીયા અને મધમાખીને ગમતા છોડવાઓ પણ ઉગાડ્યા છે.

તેમણે પોતાના ફાર્મમાં કેટલાક મોટા ખાડાઓ પણ કર્યા છે જેને તમે ભોંય ટાંકી કહી શકો જેથી કરીને આખી 10 એકરની જમીન પર વરસાદની સીઝનમાં જેટલુ પણ પાણી પડે તે બધાનો સંગ્રહ કરી શકાય. અને જો સારું ચોમાસું હોય તો આ પાણીની ટાંકીઓમાં વરસદાનું પાંચથી દસ લાખ પાણી સંગ્રહ કરી શકાય છે.

આ ઉપરાંત તેમણે ખેતરમાં જ ખેતરની માટીમાંથી એક સુંદર મજાનું ઘર બનાવ્યું છે જેમાં ગાયના છાણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફાર્મમાં સંપૂર્ણ પણે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે અને જીવાતોનો નાશ કરવા માટે તેઓ કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નથી કરતાં પણ તેઓ તેના માટે નેચરલ પેસ્ટ મેનેજમેન્ટ ટેક્નીકનો ઉપયોગ કરે છે જેમ કે તેઓ સુગંધી છોડવાઓ જેમ કે તુલસી, લેમનગ્રાસ વિગિરેને ખેતરની બહારની કીનારીઓ પર વાવે છે. જેનાથી ફળોને ખાતી માખીઓ તેમજ અન્ય જીવાતો દૂર રહે છે.

આ ઉપરાંત ફાર્મના કચરા પર પ્રક્રિયા કરીને તેનું કોમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. અને તેનો જ ઉપયોગ ફાર્મના પાક પર કરવામાં આવે છે જેના કારણે જમીન પણ વધારે ફળદ્રુપ બને છે અને પાકને કોઈ નુકસાન પણ નથી થતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ