ચોમાસામાં જો બિમાર ન પડવું હોય, તો આ 6 સુપરફુડનું સેવન ચોક્કસ કરો અને મોનસૂનનો ભરપૂર આનંદ ઉઠાવો !

ચોમાસું હવે સમગ્ર ભારતમાં સાર્વત્રિક રીતે બેસી ગયું છે. ચોમાસામાં વરસાદની એક અલગ જ મજા હોય છે. પણ ચોમાસુ આવે છે તો તે માત્ર પોતાની સાથે માટીની ભીની ભીની સુગંધ અને વરસાદ જ નથી લાવતું પણ સાથે લાવે છે ઘણી બધી બિમારીઓ.

તમે તમારા માતાપિતાને ઘણી વાર એવી સલાહ આપતા સાંભળ્યા હશે કે ચોસામાસામાં બહારનું ન ખવાય, ખાવામાં ધ્યાન રાખવું, ઘરનું જ ખાવું તો તેઓ જરા પણ ખોટું નથી કહેતા. તેમની વાત સંપૂર્ણ સાચી છે. ચોમાસામાં જો તમે થોડું ક જ ધ્યાન રાખી લો તો તમે બિમારીઓથી બચી શકો છો. તો ચાલો જાણીએ મોનસુનમાં સ્વસ્થ રહેવાના આ પાંચ સરળ ખોરાક વિષે.

ઉકાળેલા શાકભાજી

વરસાદના સિઝનમાં તમે વધારે મસાલાવાળા શાકભાજી ખાઓ તેના કરતાં માત્ર ઉકાળેલા શાકભાજી લો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહે છે. પણ તેને તમારે વધારે પડતા નથી ઉકાળવાની ખાલી થોડા બ્લાન્ચ જ કરવા. જેથી કરીને તેમાં હાજર પોષકતત્ત્વો દૂર ન થાય. પણ તેમાં રહેલા નુકસાનકારક જીવાણુઓ દૂર થઈ જાય.

જો કે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ચોમાસાની સીઝનમાં આવતા હોય તેવા જ શાકભાજીનું સેવન કરવું. આ ઉપાંત તમે બાફેલા તેમજ ફણગાવેલા કઠોળ જેમ કે મગ, દેશી ચણા, રાજમા વિગેરેનું પણ સેવન કરી શકો છો.

ડ્રાઇ ફ્રુટ્સ

ચોમાસાની સીઝનમાં તમારે ડ્રાઇ ફ્રુટનું સેવન સામાન્ય કરતાં વધારી દેવું જોઈએ. તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે અને તમને બિમાર પડતા રોકે છે. આ ઉપરાંત તમારા શરીરને શક્તિ પ્રદાન કરે છે. અને તેના કારણે શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે.

સ્મુધી

ચોમાસામાં જો તમે જ્યુસ પિતા હોવ તો તેની જગ્યાએ સ્મૂધીઝ પીવાનું રાખો. ચોમાસામાં આવતા ફ્રેશ ફ્રુટ તેમજ તાજા શાકભાજીની સ્મુધી બનાવીને તેનું નિયમિત સેવન કરો. તેમ કરવાથી તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો જશે.

આ ઉપરાંત આ સ્મુધીઝ તમારા શરીરને ડી-ટોક્ષ પણ કરવામાં મદદ કરશે એટલે કે તમારા શરીરમાંથી શરીરને નુકસાન કરતા જેરી પદાર્થ દૂર કરશે. અને તેના કારણે ચોમાસાની જે સર્વસામાન્ય કબજિયાતની સમસ્યા છે તે પણ નહીં રહે અને તમારું પેટ પણ હંમેશા સાફ રહેશે.

આદુ-તુલસી વાળી ચા

ચોમાસામાં ચાના શોખીનોને તો મજા જ આવી જાય. પણ જો તમે ચાના શોખીન હોવ તો ચોમાસામાં તમારે ખાસ તુલસી અને આદુવાળી ચા પીવી જોઈએ. તુલસીમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે જે તમને અગણિત બિમારીઓથી દૂર રાખે છે. અને આદુમા રહેલા ગુણો તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે તેમજ શરદીથી પણ દૂર રાખે છે.

સૂપ

સૂપ એ શિયાળા તેમજ ચોમાસાની ઋતુમાં તમારા શરીર માટે આશિર્વાદ સમાન છે. સામાન્ય રીતે તો ચોમાસામાં આપણને જાત જાતના ફરસાણો જેમ કે દાળવડા, મેથીના ગોટા, ફાફડા, વણેલા ગાંઠિયા ખાવાનું મન થતું હોય છે પણ તે તમારા શરીરને નુકસાન કરે છે. ના ના, તમારે તેને બંધ નથી કરવાના પણ તેનું પ્રમાણ ઓછું કરવાનું છે.

અને તેની જગ્યાએ જો તમે સૂપનું નિયમિત સેવન કરો તો તમારા શરીરને પોષણ મળશે તમને બિમારીઓથી દૂર રહેશે અને તમને પેટની વિવિધ જાતની તકલીફોથી પણ દૂર રાખશે. સૂપ બેસ્વાદ હોય છે તેવું પણ નથી તેમાં પણ તમે વેરિયેશન લાવીને સ્વાદિષ્ટ સુપ બનાવી શકો છો.

ઉકાળો

ચોમાસા દરમિયાન જો તમે નિયમિતપણે રોજ એકવાર કાંતો સવારે ઉઠીને અથવા તો રાત્રે સુતા પહેલાં તુલસી-અજમા-મરી-ગોળ-સૂંઠનો ઉકાળો લેશો તો તમારું ચોમાસુ તો સ્વસ્થતા પૂર્ણ પસાર થશે જ પણ તે પછીનો શિયાળો પણ સ્ફૂર્તિલો અને બિમારી વગરનો જશે.

તો આ ચોમાસાને ભરપૂર એન્જોય કરો પણ આ સુપરફુડ સાથે તમારી જાતને સ્વસ્થ પણ રાખો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ