આજની પોઝિટિવ સ્ટોરી: દાહોદના અજય મ.દેસાઈ સાપ વિષયના વિશ્વકોશ જેવા છે

દાહોદમાં વસતા અજયભાઈ સાપ વિષયના એન્સાક્લોપીડિયા એટલે કે વિશ્વકોશ જેવા છે. થિએરિકલ એન્ડ પ્રેક્ટિકલ બન્ને રીતે. તેઓ ચાર દાયકાથી પણ વધારે સમયથી પ્રકૃતિ અને પર્યાવરણના બચાવ માટે સતત મથી રહ્યા છે. પ્રકૃતિ-પ્રેમનો આ ભવ્ય વારસો તેમને તેમના પિતાએ આપ્યો છે. (પોતાનું નામ લખાવે તેમાં અજય પછી પિતા મહેન્દ્રભાઈના નામનો મ. લખવાનું ચૂકતા નથી.) બી.કોમ.થયા પછી વેપારમાં જોડાયા પણ તેમાં ડૂબ્યા નહીં.

મોટાભાગે વ્યક્તિ વેપારમાં લાગી જાય પછી ધીમે ધીમે તેમાં ડૂબતો જાય. વેપારનો પણ એક નશો હોય છે. જેમ જેમ પૈસા આવતા જાય તેમ તેમ એ નશો વધુ ચડતો જાય. અજયભાઈની વાત સાવ જ જુદી હતી. સફળ વેપારી થવાની સાથે સાથે તેઓ પ્રકૃતિ, સાહિત્ય અને સંગીત સાથે જોડાયેલા રહ્યા. 1984માં તેમણે પ્રકૃતિ મિત્ર મંડળની સ્થાપના કરી. ગુજરાતનાં જે કેટલીક પર્યાવરણને લગતી ઉત્તમ સંસ્થાઓ છે તેમાં આ સંસ્થાનો સમાવેશ થાય છે. સતત સક્રિય આ સંસ્થાના બાળ સભ્યો જોતજોતામાં સર્પ પકડી લે અને યોગ્ય જગ્યાએ છોડી પણ આવે. સંસ્થાનું પોતાનું સ્વતંત્ર મકાન છે. લેખક, પત્રકાર અને કર્મશીલ સચીન દેસાઈ સહિત અનેક મિત્રોએ આ સંસ્થાને ધબકતી રાખી છે. અજયભાઈ સંગીતના પ્રેમી જ નહીં અચ્છા સંગીતવાદક પણ છે.

***

image source

અજય દેસાઈએ સાપ વિશે ઊંડું, વ્યાપક અને ઉપયોગી સંશોધન કર્યું છે. પોતાના ચાર દાયકાના અનુભવના આધારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપની જાત માહિતી મેળવીને તેમણે પ્રકાશિત કરેલું પુસ્તક ‘સર્પસંદર્ભ’ એકદમ અધિકૃત, તલસ્પર્શી અને ઉપયોગી છે.

અજયભાઈએ સાપ વિશે ઊંડું, વ્યાપક અને ઉપયોગી સંશોધન કર્યું છે. પોતાના ચાર દાયકાના અનુભવના આધારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપની જાત માહિતી મેળવીને તેમણે પ્રકાશિત કરેલું પુસ્તક ‘સર્પસંદર્ભ’ એકદમ અધિકૃત, તલસ્પર્શી અને ઉપયોગી છે. આ પુસ્તક પાછળ તેમણે પોતાના જીવનનાં કીમતી વર્ષો રોક્યાં છે. સાપની જાત મહિતી લેવી, સાપને સગી આંખે જોવા-ઓળખવા-સમજવા, તેનો અભ્યાસ કરવો, અનેક નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું, સલાહ-સૂચન લેવાં, તેના વિશે ચર્ચા કરવી. આટલા ખંત, મહેનત, ચીવટથી તેમણે આ પુસ્તક તૈયાર કર્યું છે. તેની છ આવૃત્તિ થઈ છે. જેમ જેમ નવી આવૃત્તિ થવી જાય તેમ તેમ તેઓ તેમાં સંવર્ધન કરતા જાય. નવી માહિતી આવે તો તે ઉમેરે જ. આવા તો આગ્રહી છે.

***

image source

સર્પ વિશે સામાન્ય લોકોમાં ઘણી ગેરસમજ છે. માન્યતાઓ છે. લોકોની કેટલીક માન્યતા અંગે આ પુસ્તક કાંઈક જુદું જ કહે છે.

એવું માનવામાં આવે છે સાપ દુનિયામાં બધે જ જોવા મળે છે અને અસંખ્ય છે. ખોટી વાત છે, સાપ ઠંડા લોહીવાળા જીવ છે. તેથી તેઓ સહ્ય વાતાવરણમાં જ રહી શકે છે. બારેમાસ બરફથી ઢંકાયેલી રહેતી જમીન હોય તેવા પ્રદેશોમાં સાપ નથી રહી શકતા.દુનિયામાં અત્યાર સુધી અંદાજે ૨૯૦૦ જેટલી જાતિના સાપ નોંધાયા છે. તે જ બતાવે છે કે સાપ અસંખ્ય નથી.

લોકો એવું માને છે કે બધા સાપ ઝેરી હોય છે. હકીકત એ છે કે બધા જ સાપ ઝેરી નથી હોતા. દુનિયાભરમાં જે ૩૬૦૦ જેટલી જાતિના સાપ નોંધાયા છે તે પૈકી લગભગ ૬૦૦ જાતિના સાપ ઝેરી છે. આ પૈકી ફક્ત ૫૦ ટકા જેટલા સાપનું ઝેર જે મનુષ્યો માટે ઘાતક છે.

image source

મદારીની બીન ઉપર સાપને આમથી તેમ ડોલતો જોઇએ છીએ ત્યારે આપણને થાય છે કે, સાપ બીનના અવાજના તરંગોથી પ્રેરાઇને ડોલે છે. હકીકતમાં સાપને બાહ્ય કાન છે જ નહીં, અરે કાનની જગ્યાએ કાણું પણ નથી. એટલે તેઓ હવામાંથી આવતો સીધો અવાજ, કાન મારફતે નથી સાંભળી શકતા. આના વિકલ્પમાં કુદરતે તેને વિશિષ્ટ શક્તિ આપી છે.

હવામાંથી આવતા અવાજના તરંગો તેની લપકારા મારતી જીભ ઉપર સંગ્રહાય છે અને પછી આ જીભ તેના મોંની અંદર ઉપરનાં તાળવામાં આવેલા જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે અને આ ઓર્ગનની વિશ્લેષક ગ્રંથિઓ અવાજનું વિશ્લેષણ કરે છે અને મગજમાં પહોંચાડે છે. એટલે સાપ હવામાંથી આવતાં સાંભળવા કરતાં અનુભવે છે, એમ કહેવું વધુ યોગ્ય છે. જ્યારે જમીન ઉપરથી આવતાં અવાજોને ખૂબ જ સંવેદનશીલ રીતે અનુભવી શકે છે. જમીન ઉપરના અવાજ, પેટાળની ચામડીનાં ભીંગડાંઓ ઉપરથી અનુભવી શકે છે. વળી, તેની નીચેના જડબાં ઉપર પણ હવામાંથી આવતા અવાજના તરંગો, ઝીલીને અંદરના કાનના હાડકાં સુધી પહોંચાડે છે અને સાંભળે છે.

image source

– ગામના લોકો એવું માને છે કે જો ધામણ (એક જાતનો સાપ) જો ભેંસના પગ વચ્ચેથી પસાર થાય તો, ભેંસ મરી જાય છે. આવું કોઇ આકસ્મિક સંજાગોમાં જ્યારે ભેંસ સાપના ભયથી, ડરીને મરી ગઇ હોય તો જ બન્યું હોઇ શકે. બાકી એકદમ ખોટી વાત છે. ધામણ તો શું કોઇ પણ સાપના દાંત, બન્ને જડબા ઉપર અંદરની બાજુએ વળેલા અને ખૂબ જ તીક્ષ્ણ હોય છે. આથી સાપ ગાયનાં આંચળમાંથી દૂધ ખેંચવા આંચળ મોંમાં લે, તો ગાયનાં આંચળને નુકશાન જ થાય. વળી સાપને સ્વાદેન્દ્રિય જ નથી, તેથી દૂધ અને પાણીનો તફાવત પારખી શકતા નથી. વળી ધામણ નાગની જેમ અધ્ધર રહી શકતી નથી. વળી બધા જ સાપ માંસાહારી છે, તેઓને દૂધના સ્વાદ સાથે લેવાદેવા નથી, સાપ માટે દૂધ ખોરાક તરીકે સ્વીકાર્ય જ નથી. દૂધ પાવાની આખી વાત જ હાસ્યાસ્પદ છે.

– ઘણા માને છે કે કેટલાક સાપ ઊડી શકે છે. એકદમ ખોટી વાત છે. ખરેખર તો કોઇ પણ સાપ ઊડી નથી શકતા.

– કેટલાક નાગના માથા પર મણિ હોય છે એવી લોકો વાતો કરે છે. ભાઈ સાહેબ, નાગના માથા ઉપર કે અન્ય ક્યાંય મણિ નથી હોતો. કુદરતે કોઇપણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણિની ઉપયોગિતા શુ હોઇ શકે ? ઘણા તો કહે છે, નાગ મણિના પ્રકાશમાં રાત્રિમાં શિકાર કરે છે. આવા સમયે માથા પરથી મણિ ઉતારે છે અને શિકાર થયા બાદ પાછો મણિ માથા પર મૂકી દે છે, જાણે નાગને માથા ઉપરથી મણિ ઉતારવા અને પાછો મૂકવા માટે હાથ ન હોય ? વળી મણિ માથા ઉપર ચોંટાડે શાનાથી ? ખરેખર તો નાગ કે અન્ય કોઇપણ સાપને શિકાર કરવા માટે પ્રકાશની જરૂરિયાત જ નથી હોતી. ગમે તેવા અંધકારમાં શિકારની ગરમીથી શિકારને પકડી શકે છે.

– સાપ ૧૦૦ ફૂટથી વધુ લાંબા હોય છે. આ પણ ખૂબ જ ગેરસમજભરી માન્યતા છે. ૪૩ ફૂટથી મોટો કોઇ પણ સાપ આ પૃથ્વી ઉપર થયો નથી.

– એવી માન્યતા છે કે ઘણા સાપ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે.

હકીકત એ છે કે કોઇ પણ સાપનું આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષની સરેરાશથી વધુ હોતું નથી. તેથી ૧૦૦ વર્ષની વાત કપોળ કલ્પિત છે. સાપ બંધન અવસ્થામાં વધુ જીવ્યાની નોંધ જરૂર છે. પરંતુ તે પણ ૪૦ વર્ષ ૩ મહિના ૧૪ દિવસ જીવ્યાનું નોંધાયું છે. આ નોંધ ફિલાડેલ્ફિયાના ઝૂમાં રહેલ આ બોઆ કન્સ્ટ્રિક્ટરની છે. કુદરતી અવસ્થામાં તો તે ઓછું જ જીવતા હોય છે.

– એક માન્યતા એવી પણ છે કે સાપને મારી નાખો તો (નરને મારતા માદા અને માદાને મારી નાખતાં નર) બદલો લે છે હકીકતમાં સાપમાં કૌટુંબિક ભાવના જ નથી હોતી, હા આવું એક જ સંજોગોમાં બની શકે છે તે પણ કુટુંબ ભાવનાથી પ્રેરાઇને નહિ પરંતુ અકસ્માતથી જ બની શકે. જ્યારે સાપ સંવનન ઋતુમાં હોય છે, ત્યારે તેઓ એકબીજાને આકર્ષવા માટે પોતાના અવસારણી માર્ગમાંથી ખાસ પ્રકારની ગંધ-દુર્ગંધ મારતા પ્રવાહીનો સ્રાવ કરે છે. હવે આવા દિવસોમાં, જો તમે સાપને મારો તો, મારતી વખતે આ પ્રવાહી તમારા કપડાં ઉપર, બૂટ ઉપર કે લાકડી ઉપર લાગે અને તમે એ પ્રવાહી લાગેલી વસ્તુ સાફ ન કરો તો નજીકમાં ફરતો એ જાતિનો સાપ એ ગંધથી આકર્ષાઇને આવે એટલું જ ! વળી તે સાપ ઝેરી હોઇ શકે છે અને બિનઝેરી પણ હોઇ શકે છે, પરંતુ આવું પણ થવાની સંભાવના ખૂબ જ જૂજ રહે છે.

કેટલાક નાગના માથા પર મણિ હોય છે એવી લોકો વાતો કરે છે. ભાઈ સાહેબ, નાગના માથા ઉપર કે અન્ય ક્યાંય મણિ નથી હોતો. કુદરતે કોઇપણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણિની ઉપયોગિતા શુ હોઇ શકે ?

image source

અન્ય એક એવી માન્યતા છે કે સાપની કાંચળી તિજારીમાં રાખવાથી લક્ષ્મી (પૈસો) ઘરમાં આવે છે. સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવાથી ઉલ્ટાનું આવી કાંચળી ઉપર લાગેલા સ્ત્રાવની ગંધથી આકર્ષાઇને બીજો સાપ આવી ચઢે તો, હસવામાંથી ખસવું થઇ જાય, આ તો તદ્દન કપોળ કલ્પિત માન્યતા છે માટે સાપની કાંચળીને ઘરમાં સંગ્રહી રાખવી હિતાવહ નથી.

એક છેલ્લી વાત કરી લઈએ. ઘણા લોકો એવું પણ માને છે કે સાપ ખજાનાની ચોકી કરે છે. એવું કશું નથી હોતું. અગાઉના જમાનામાં લોકો જમીનની અંદર કે મકાનની નીચે ભોંયરાઓમાં, પોતાની પાસેનું સોનું, ચાંદી, ઝવેરાત સાચવવા દાટતા હતા કે છૂપાવતા હતા, ક્યારેક તેને દાટનાર, આકસ્મિક મરી જાય ત્યારે તે વર્ષોવર્ષ દટાયેલું રહે છે.

ઉપરોક્ત વાત મુજબ આવી જગ્યાના પોલાણમાં સાપે દર કર્યુ હોય અને આ માન્યતા બની હોઇ શકે. ખરેખર તો વિચારો કે સાપને સોનુ-ચાંદી શું કે રૂપિયા શું કે, પત્થરો શું, બધું જ સરખું છે તથા બિન ઉપયોગી છે. વળી તેનું મગજ પણ વિકસિત હોતું નથી, તો આ બધુ સાચવવાની પ્રેરણા તેને કોઇ આપે ? તેને સમજ કોણ આપે ? તે સાચવે તો પણ કોના માટે ? વળી સાપ કેટલા વર્ષો માટે સાચવે ? મહત્તમ ૨૦ વર્ષ સુધી જ ને ? ત્યાર પછી શું ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ