બલ્ડ – એન ઇમોશનલ સ્ટોરી… એક વ્યક્તિના માથે આવી પડે છે અનેક અણધારી આફત, લાગણીસભર વાર્તા…

સ્થળ : મંગલમ બાળકોની હોસ્પિટલ

સમય : સાંજના 6 કલાક

ડૉ. કેતન પટેલ, પોતાની ચેમ્બરમાં બેસેલા હતાં, અને ઓ.પી.ડી.માં આવેલા દરેક દર્દીઓને એક પછી એક તપાસી રહ્યાં હતાં, એવામાં તેમણે પોતાના ટેબલ પર રહેલ કોલબેલ દબાવ્યો, એટલે ચેમ્બરની બહાર ટેબલ પર બેસેલ રિસેપનિસ્ટ પૂજા દવે ચેમ્બરનો દરવાજો ખોલીને બોલ્યા. “યસ!સર” “પૂજા ! સ્પેશિયલ રૂમ 2માં રહેલ પેશન્ટ ચિંતનનું બી.ટી. (લોહીની બોટલ) કેટલું બાકી છે એ જોઈને કહો.”

“ઓકે ! સર, હું જોઈને કહું છું.” – આટલું બોલી પૂજા સ્પેશિયલ રૂમ 2 માં રહેલ દર્દીની લોહીની બોટલ કેટલી બાકી રહી છે તે જોવા માટે ગયાં. થોડીવારમાં પૂજા પેલા દર્દીની લોહીની બોટલ ચેક કરીને આવ્યા, અને સાહેબને કહ્યું કે… “સાહેબ ! ચિંતનને બી.ટી. ચડાવી દીધું છે, અને આપણા નર્સિંગ સ્ટાફ દ્વારા પાંચ મિનિટ પહેલાં જ તે ડિસ્કનેક્ટ કરવામાં આવેલ છે.” “ઓકે ! ગુડ, તો ચિંતનને એમના પપ્પા સાથે ચેમ્બરમાં મોકલો.” “ઓકે ! સર.”


થોડીવારમાં ચિંતન તેના પપ્પા રાજીવભાઈ સાથે ડૉ. કેતન પટેલની ચેમ્બરમાં પોતાની ફાઇલ લઈને આવે છે, અને રાજીવભાઈ ચિંતનને ડૉ. કેતનની સામે રહેલ ખુરશી પર બેસાડે છે, અને તેની બાજુની ખુરશી પર પોતે બેસે છે. “ચિંતન ! તારે ઘરે જાવું છે ને બેટા..?” – ડૉ. કેતન સહજતાથી પૂછે છે. “હા ! સાહેબ” “સારું ! તો હું અત્યારે તને રજા આપું છું.” આટલું બોલી ડૉ. કેતને ચિંતનની ફાઈલમાં કંઈક લખ્યું અને ફાઇલ રાજીવભાઈને બતાવતા કહ્યું કે…

“રાજીવભાઈ ! હવે તમારે ચિંતનને લઈને એક મહિના પછી આવવાનું છે, અને સાથે સાથે હું તમને બે ત્રણ ટેસ્ટ લખી આપું છું, એ તમે આવતા મહિને આવો એ પહેલાં કરાવીને આવજો, જેમાં એક એક્સ – રે, સોનોગ્રાફી અને અમુક બ્લડ ટેસ્ટ કરાવવાના થાશે.” – આટલું બોલી ડૉ. કેતને રાજીવભાઈનાં હાથમાં પ્રિસ્ક્રિપ્શન લખેલાં કાગળો આપ્યો.

“ઓકે ! સાહેબ, તો અમે રજા લઈએ, હવે..?” “હા ! ચોક્કસ” “ઓકે ! સાહેબ, આભાર” – આટલું બોલી રાજીવભાઈ હોસ્પિટલના પેમેન્ટની ફોર્મલીટી પૂરી કરીને પોતાના ઘરે જવાં માટે નીકળે છે.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

રાજીવભાઈ ભાવનગરની નજીક આવેલ રંઘોળા ગામમાં રહેતા હતાં, તે પોતાના પિતાના એકના એક સંતાન હતાં, તેમના પિતાને રંઘોળામાં 100 વિઘા જમીન હતી, પોતાના ગામમાં રાજીવભાઈના પિતા એટલે કે મોહનભાઈનું ખુબ જ માન-પાન હતું, મોહનભાઇ પોતાના ગામનાં જમીનદાર તો હતાં જ અને સાથે – સાથે પોતાના ગામનાં સરપંચ પણ હતાં, ગામ આખામાં કોઈને કંઈપણ તકલીફ કે પ્રશ્નો હોય તો લોકો મોહનભાઇ પાસે આવતા હતાં, અને ભાગ્યે જ એવું બન્યું હશે કે મોહનભાઇનાં ઘરેથી કોઈ ન્યાય મેળવ્યા વગર ગયું હોય, ગમે તેવો પ્રશ્ન હોય, તેનું નિરાકરણ મોહનભાઇ પાસે હોય જ, મોહનભાઇ દ્રઢપણે એવું માનતાં હતાં કે ન્યાય હંમેશા તટસ્થ અને સત્યનાં પક્ષમાં જ હોવો જોઈએ, પછી સામે ભલે કોઈ પણ વ્યક્તિ હોય, અન્યાય કરનારને કે ગુન્હો કરનારને સજા થવી જ જોઈએ, પછી ભલે પોતાનું સંતાન જ કેમ ના હોય..!

પરંતુ મિત્રો કહેવાય છે કે સત્યનો માર્ગ સહેલો નથી, તમારે સત્યના માર્ગે ચાલવું હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, રાજા હરિશ્ચંદ્ર તો પોતે રાજા હોવા છતાં પણ સત્યના માર્ગે ચાલવા માટે ખુબજ મુશ્કેલીઓ વેઠી હતી, તો આપણે તો સામાન્ય માણસો છીએ, આ સત્યનાં માર્ગે ચાલવામાં મોહનભાઈને જે પરિસ્થિતિનો સામનો કરવાનો થશે તેનાં વિશે તેણે સપનામાં પણ વિચારેલ નહીં હોય.

ધીમે -ધીમે દિવસો વર્ષો વિતતા ગયાં, રાજીવે પોતાના ગામમાં રહેલ શાળામાં 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, અને વધારે અભ્યાસ કરવા માટે તેણે ભાવનગરમાં આવેલ એસ.વી.પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં એડમીશન લીધું, અને એકાદ બે દિવસમાં રાજીવ પોતાનો સામાન લઈને હોસ્ટેલમાં રહેવા માટે આવી ગયાં.


ત્યારબાદ કોલેજ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ, રાજીવ પણ મન લગાવીને પોતાનું બધું જ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું, થોડાજ મહિનામાં રાજીવે બધા જ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો ફેવરિટ વિદ્યાર્થી બની ગયો, રાજીવ હોંશિયાર હોવાને લીધે આખી કોલેજમાં તેની વાહ-વાહ થવાં લાગી, ધીમે-ધીમે દિવસો વિતતા ગયાં, જેવી રીતે શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસુ આવે તેમ રાજીવના જીવનમાં પણ એક ઋતુ આવી એ હતી પ્રેમની ઋતુ, જેનું નામ હતું શિલ્પા, રાજીવે ક્યારેય વિચાર્ય પણ નહીં હોય કે પોતાનું હ્ર્દય પણ કોઈને જોઈને વધારે જોરથી ધડકવા લાગશે….

ધીમે – ધીમે શિલ્પા અને રાજીવનો પ્રેમ વધારે ગાઢ બનતો, અને કોલેજનાં છેલ્લા વર્ષેના અંતમાં તો જાણે બનેવ એકબીજા વગર રહી શકે એમ ન હતું, આથી બનેવે કોર્ટ મેરેજ કરવાનું નકકી કર્યું, અને પોતાના મિત્રોની મદદથી સફળતાપૂર્વક અને શાંતિથી કોર્ટ મેરેજ પણ કરી લીધાં. જેની રાજીવ કે શિલ્પા કોઈના ઘરે જાણ કરવામાં આવેલ હતી નહીં.


ત્યારબાદ રાજીવ પોતાનો અભ્યાસ ક્રમ પૂરો કરીને શિલ્પાને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો,પોતાના પુત્રને આવી રીતે આવતો જોઈ, રાજીવના પરિવારજનો ને રાજીવ પાછો આવવાનો જે આનંદ હતો તે વેર વિખેર થઈ ગયો, કારણ કે રાજીવ આવું પગલું ભરશે તેનો કોઈએ પણ વિચાર કરેલ હતો નહીં, છતાંપણ રાજીવના ઘરે બધાં રાજીવની ખુશી માટે શિલ્પાને સ્વીકારવા તૈયાર થઈ ગયાં.

પરંતુ મિત્રો આ સમાજમાં અમુક એવાં માણસો પણ રહેલાં હોય છે કે જે કોઈના સારામાં રાજીના હોય, ભગવાન રામ પણ જ્યારે સીતાજીને અયોધ્યા પાછા લઈ આવેલા હતાં, ત્યારે પણ આપણાં જ સમાજનાં લોકોએ સીતાજીના ચારિત્ર પર પ્રશ્નો ઉઠાવેલા હતાં, જેના જવાબમાં સીતાજીને પોતાનું ચારિત્ર સારું છે તે સાબીત કરવા માટે અગ્નિ પરિક્ષા આપવાની ફરજ પડી હતી, અને મોહનભાઈ તો ગામના ઘણાં ખરા લોકોની આંખમાં કણાંની જેમ ખૂંચતા હતાં, એ લોકો મોહનભાઈને નીચા પાડવા માટે તકની જ રાહ જોતા હતાં, જે તક તેની કદાચ મળી ગઈ હતી.

શિલ્પા આપણાં સમાજનાં નીચલા વર્ગમાંથી આવતી હતી, અને રાજીવે તેની સાથે લગ્ન કર્યા એટલે ગામ વાળા અમુક લોકો ગ્રામ પંચાયતમાં મોહનભાઈને અલગ – અલગ પ્રશ્નો પૂછવા લાગ્યાં, જેમાંથી સવજીભાઈએ કહ્યું કે “મોહનભાઇ ! આજ થી પાંચ વર્ષ પહેલાં મારા દીકરાએ જ્યારે આપણાં જ ગામની એક નીચલા વર્ગની છોકરી સાથે ભાગીને મેરેજ કર્યા હતાં, ત્યારે છોકરીના માતા-પિતાની ફરિયાદને લીધે તમે મારા દીકરાને ગામ છોડવા માટેનો ફેસલો કરેલ હતો.”


“હા ! તો તમે કહેવા શું માંગો છો..?” – મોહનભાઈએ સવજીભાઈને પૂછ્યું. “હા ! તો હું માત્ર એટલું જ જોવા માંગુ છું કે તમારો પોતાનો દીકરો રાજીવ કે જે મારા દીકરાની માફક જ નીચલા વર્ગની છોકરી સાથે પરણીને આવ્યો છે, તો તમે શું ચુકાદો આપશો..?” – આ સાંભળી આખી પંચાયતમાં સન્નાટો છવાય ગયો.

આ સન્નાટોને તોડતા મોહનભાઈએ કહ્યું કે – “જોવો ! રવજીભાઇ, આખા ગામને ખબર જ છે કે હું જ્યારે પંચની ગાદી પર બેસેલ હોવ છું, ત્યારે હું માત્ર તટસ્થ ન્યાય જ કરું છું, હું મારા દીકરાને પણ તમારા દીકરાની માફક જ ગામ છોડવાનો જ ચુકાદો આપીશ.” આટલું બોલતાની સાથે જ પહાડ જેવી હિંમત, અને સિંહ જેવી છાતી ધરાવતા મોહનભાઈની આંખોના ખૂણા ભીના થઈ ગયાં, પોતાના દીકરા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાંપણ પોતાને આવો કઠોર નિર્ણય લેવાની ફરજ પડી.

ત્યારબાદ, રાજીવ પોતાની પત્ની સાથે બીજે દિવસે ગામ છોડવાની તૈયારી કરવા લાગ્યાં, તે દિવસે રાતે વિચારોને વિચારોમાં એકાએક મોહનભાઈને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો, અને હાર્ડએટેક આવ્યો, આથી રાજીવ પોતાની કાર લઈને ભાવનગર તરફ ભગાવી, રસ્તામાં મોહનભાઈએ રાજીવને કાર રોકવા માટે કહ્યું અને બોલ્યાં કે


“બેટા ! મને નથી લાગતું કે હું ભાવનગર પહોંચીએ ત્યાં સુધી જીવી શકીશ, મારે તને વાત કહેવી છે, સવજીભાઈના દીકરાને મેં નીચલા વર્ગની છોકરી સાથે લગ્ન કરવાને લીધે ગામ છોડવાનો ચુકાદો નહોતો આપ્યો, પરંતુ તેણે આપણાં ગામની નીચલા વર્ગની એક છોકરી સાથે બળાત્કાર કરેલ હતો, આથી મેં તે છોકરી સાથે લગ્ન કરવા માટે સવજીભાઈનાં છોકરા સાથે લગ્ન કરવાની ફરજ પાડી હતી, પરંતુ છોકરીની અને તેના પરિવારજનોની આબરૂ ના જાય તેના માટે મેં તેને ગામ છોડીને જવાનો ચુકાદો આપેલ હતો, અને છોકરીના માતા-પિતાને આ વાત કોઈને ન કહેવાના આપેલ વચનને લીધે હું આ વાત કોઈને કહી શક્યો ન હતો, માટે મને ખોટો ના ગણીશ.”

“બસ ! પપ્પા એ જે હોય તે હું તમને કંઈ નહીં થવા દઈશ.” “ના ! બેટા હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હું હવે નહીં જીવીશ, તને મારા મનમાં રહેલ વાત જણાવી દીધી એટલે મારું હ્રદય ઘણું હળવું થઈ ગયું, બાકી આ ભાર મને ક્યારેય ઉપર ન જવા દેત..!”

“પણ પપ્પા…” “બેટા ! મને માફ કરી દે જે…મેં પંચાયતમાં જે કંઈ ચુકાદો આપ્યો, એ મારી ફરજ હતી, મારા એક ચુકાદાથી મારો તારા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નહિ થાય, મને વચન આપ કે ક્યારે પણ શિલ્પાનો સાથ નહીં છોડીશ.” “હા ! પપ્પા, હું તમને વચન આપું છું કે હું શિલ્પાનો સાથ મારા મૃત્યુ સુધી નહીં છોડું” – આટલું સાંભળતા જ જાણે મોહનભાઇના આત્માને શાંતિ મળી ગઈ હોય તેમ તેનો જીવ તેના શરીરને કાયમિક માટે છોડીને જતો રહ્યો.

મોહનભાઈનું માથું રાજીવના ખોળામાં હતું, અને રાજીવના હાથમાં તેના પિતાનો એ જ હાથ હતો કે જે હાથ રાજીવ નાનો હતો ત્યારે તેને રસ્તા બતાવવા માટે પકડ્યો હતો, કોઈને ખબર ના હોય ત્યારે અડધી રાતે મોહનભાઇ એ જ હાથ રાજીવના માથે પ્રેમથી ફેરવતા હતાં, અને ક્યારેક એ જ હાથ રાજીવ ભૂલ કરે ત્યારે ઉગામતા હતાં.


આ જોઈ રાજીવે “પપ્પા….પપ્પા….પપ્પા…” એવી બુમો પાડી, પરંતુ તેને જવાબ આપનાર તેના પપ્પા હવે આ દુનિયામાં રહ્યા ના હતાં, ત્યારબાદ રાજીવ પોતાના પિતાનો નિષ્પ્રાણ દેહ ઘરે લઈ આવી, બીજે દિવસે બધા સગા અને ગામના લોકોની હાજરીમાં વિધિવત તેમની અંતિમ વિધિઓ પુરી કરી. ત્યારબાદ રાજીવે સવજીભાઈના દીકરાને ગામમાં બોલાવી પંચાયત સામે આખી વિગતો જણાવવા માટે કહ્યું, અને સવજીભાઈના દીકરાએ પંચાયતમાં જણાવતા કહ્યું કે –

“મોહનભાઇ ! ખરેખર ભગવાન જેવા જ હતાં, મેં આપણાં ગામની છોકરી પર જુવાનીના જોશમાં આવી બળાત્કાર ગુજારેલ હતો, પરંતુ ત્યારબાદ મને મારી આ ભૂલ પર પસ્તાવો થવાથી મેં મોહનભાઈની મદદ માંગી હતી, તો તેમણે મને કહ્યું કે – “ જે છોકરીની જિંદગી તે બગાડી છે, તેને તું સુધારી પણ શકે છે, તેની સાથે લગ્ન કરીને…” ત્યારબાદ મેં તે છોકરી સાથે લગ્ન કરી લીધા જેની વાત મેં મારા પિતાથી પણ છુપાવેલ હતી, અને છોકરીના માતા-પિતાએ પણ ગામમાં પોતાની આબરૂ ના જાય તે માટે લગ્ન માટે સહમત થઈ ગયાં, પરંતુ આ વાત કોઈને ન કહેવા માટે મોહનભાઇ પાસે વચન લીધેલ હતું, એટલા માટે તેઓ પંચાયતમાં એકપણ શબ્દ બોલ્યા વગર પોતાના છોકરાને ગામ છોડીને જવાનો ચુકાદો આપેલ હતો.” – આ સાંભળી બધા ગામ વાળાઓની આંખોમાં પાણી આવી ગયાં, અને દેવતા જેવા મોહનભાઇ પ્રત્યે ઉલટાનું વધુ માન થવા લાગ્યું.

ત્યારબાદ સવજીભાઈએ રાજીવની માફી માંગતા,કહ્યું કે – “રાજીવ ! મને માફ કરી દે ! બેટા, મેં કંઈપણ જાણ્યાં વગર જ તારા પિતા પર ખોટો શક કરી બેસેલો હતો, હવે તારે આ ગામ છોડીને ક્યાંય જવાનું નથી, અને અમે ગામ વાળા આશા રાખીએ કે તું પણ તારા પિતાની જેમ જ આ ગામનાં સરપંચની ગાદી સંભાળ.” – ત્યારબાદ બધા ગામ વાળાના આગ્રહ અને ખુશી ખાતર રાજીવે સરપંચનું પદ સંભાળ્યું.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ત્યારબાદ રાજીવ પોતાની પત્ની શિલ્પા સાથે ગામમાં રાજી ખુશીથી રહેવા લાગ્યો, ધીમે-ધીમે શિલ્પાના માતા-પિતા પણ, રાજી થઈ ગયા અને બનેવનો સ્વીકાર કરી લીધો, એકાદ વર્ષમાં તો શિલ્પાનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ફરીથી રાજીવમાં પરિવારમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું. પરંતુ મિત્રો કહેવાય છે કે આપણી ખુશીઓ પર કાળ ક્યારે થપડાક મારે તે કંઈ નક્કી નથી હોતું, આવું જ રાજીવ સાથે થયું, રાજીવ ડોકટરે આપેલ તારીખ પ્રમાણે શિલ્પાને હોસ્પિટલમાં લઈ આવ્યો અને શિલ્પાને હોસ્પિટલમાં દાખલ કરી.

રાજીવ લેબરરૂમની બહાર રહેલા બાંકડા પર બેસેલ હતો, એવામાં ડૉ. રૂપાણી આવ્યા અને કહ્યું કે… “રાજીવભાઈ ! તામરી પત્નીને નોર્મલ ડિલિવરી થાય તેમ નથી, આથી અમારે L.S.C.S ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવવી પડશે.” – ગભરાતા અવાજમાં ડૉ. રૂપાલી બોલ્યાં. “ઓકે ! મેડમ ! તમને જે યોગ્ય લાગે તેમ કરો” – આ જવાબ સાંભળીને ડૉ. રૂપાલીબેને L.S.C.S ઓપરેશન માટે તૈયારી કરી.

રાજીવ બહારથી તો ખુબ જ ખુશ હતો કે પોતે અને શિલ્પાએ પોતાના પુત્ર માટે જોયેલા સપના સાચા પડવા જઈ રહ્યા હતાં, પોતે થોડીક મિનિટો માં જ એક પિતા બની જશે…..પરંતુ તેના હૃદયમાં થોડીક બીક પણ હતી. એવામાં રાજીવના કાને એક નાનકડા ભૂલકાંનો રડવાનો અવાજ રાજીવના કાને પડ્યો, જે અવાજ સાંભળવા માટે દુનિયાનો દરેક બાપ ખુબજ આતુર હોય છે, થોડીવારમાં ડૉ. રૂપાલીબેન આવ્યા અને રાજીવને કહ્યું કે શિલ્પાએ બાબાને જન્મ આપ્યો છે….પ….ણ…..!” “પ….ણ… શું….મેડમ….” – ચહેરા પર આવેલ ક્ષણિક ખુશી વિખાતી હોય તેવી હાલતમાં રાજીવે ડૉ. શિલ્પાને પૂછ્યું.


“ શિલ્પા ! આ દુનિયામાં નથી રહી, પોતાના પ્રેમની નિશાની રૂપે આ બાળક તમને આપતી ગઈ, અમે શિલ્પાને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી, પરંતુ અમારા બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં, કદાચ તમારો શિલ્પા સાથેનો સાથ અહીં સુધી જ હશે…..!” આ સાંભળીને જાણે પોતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય, એવું રાજીવને લાગી રહ્યું હતું, જાણે ભગવાન ઉપર બેસીને લાગણીઓ બેલેન્સ કરતો હોય તેવું લાગ્યું, એક જ પળમાં બાપ બનવાનું સુખ આપ્યું, અને બીજી જ પળમાં પોતાનો પ્રેમ છીનવી લીધો..! એટલીવારમાં હોસ્પિટલનાં વેઇટિંગ એરિયામાં રહેલ ભગવાનની મૂર્તિ પાસે ગયો અને કહ્યું.

“ વાહ ! ભગવાન ! શું તારી માયા છે, એક હાથમાં ખુશી અને બીજા હાથમાં દુઃખ આપવાની તારી લીલાં, પણ હું આજે તમને ચેલેજ આપું છું, કે જો તમને એવું લાગ્યું હોય કે તમે શિલ્પાને મારાથી અલગ કરશો તો હું જીવી નહીં શકીશ, તો તમે પણ સાંભળી લો કે શિલ્પાએ મને જીવતે જીવતા જ એટલી અનમોલ પ્રેમની પળો આપેલ છે કે જેના સહારે હું તો આ ભવસાગર તરી જઈશ, જે તરવા માટે મને શિલ્પા એક પુત્ર પણ આપતી ગઈ છે, અને મારો શિલ્પા પ્રત્યેનો બધો જ પ્રેમ હું હવે મારા આ પુત્રને આપીશ….!”

ત્યારબાદ શિલ્પાનો મૃતદેહ હોસ્પિટલની પોલિસી પતાવીને પોતાના ઘરે લઈ આવ્યાં, પોતાનું બાળક પણ જાણે ભગવાને લીલા સમજવા પ્રયત્ન કરતું હોય તેમ તેના મમ્મીના નિષ્પ્રાણ દેહની સામે જોઇને જોર જોરથી રડી રહ્યું હતું, ત્યારબાદ રાજીવે ધાર્મિક વિધિ પ્રમાણે શિલ્પના અંતિમ સંસ્કારની વિધિ પુરી કરી. ધીમે – ધીમે રાજીવનો પુત્ર ચિંતન મોટો થવા લાગ્યો, રાજીવે શિલ્પાના માતા – પિતાને પોતાની સાથે કાયમિક માટે રહેવા બોલાવી લીધાં, અને ફરીથી બધાં ખુશીથી રહેવા લાગ્યાં.


આ બાજુ રાજીવે ભગવાનને આપેલ ચેલેજ ભગવાને સિરિયસલી લઈ લીધી હોય તેમ, ચિંતન જ્યારે એક વર્ષનો થયો ત્યારે એકાએક તેને લોહીની ઉલટી થઈ આથી રાજીવ ચિંતનને લઈને ભાવનગરની બાળકો માટેની પ્રખ્યાત મંગલમ હોસ્પિટલ લઇ આવ્યાં, જયાં ડો.કેતન પટેલે ચિંતનને દાખલ કરીને તાત્કાલિક સારવાર આપી, અને ત્યારબાદ રાજીવને પોતાની ચેમ્બરમાં બોલાવીને કહ્યું કે. “રાજીવભાઈ ! હું તમને એક વાત પૂછું..?” “હા ! સાહેબ, ચોક્કસ…!” “અત્યારે તો ચિંતનને સારું છે પણ તમારા પરિવારમાં કોઈને થેલેસેમીયા છે……?”

“થેલેસેમીયા ….એ….શું….?” – નવાઈ સાથે રાજીવે ડૉ. કેતન પટેલને પૂછ્યું. “જુઓ ! ચિંતનના અમે રિપોર્ટ કરાવ્યા તેમાં થેલેસેમીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, થેલેસેમીયા એ એક બ્લડ ડિસઓર્ડર છે, જે બાળકને તેના માતા-પિતા તરફથી વારસામાં મળે છે, બની શકે કે ચિંતનને પણ આ રોગ વારસામાં જ મળ્યો હોય.” “સાહેબ ! ગમે તેમ કરો પરંતુ ચિંતનને બચાવી લો, જેટલો ખર્ચો થાશે એ હું કરવા તૈયાર છું.” – રાજીવ હાથ જોડાતા બોલ્યો.

“જોવો ! રાજીવભાઈ આ રોગનો કોઈ અકસીર ઈલાજ નથી તમારે દર મહિને ચિંતનને લોહીની એક બોટલ ચડાવવાની રહેશે, અને હું જે કહીશ એટલી કાળજી કે તકેદારી રાખવાની રહેશે, અને હા…એક વાત મગજમાં ઉતારી લેજો કે આવા બાળકના ભવિષ્ય ઘુધળું હોય છે એ કેટલો સમય જીવે એ નક્કી ના હોય, જેટલુ જીવન ભગવાને તેનું લખેલ હોય એટલું એ જીવશે….” ત્યારબાદ બે દિવસ બાદ ચિંતનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાજીવ મનમાં વિચારી રહ્યો હતો કે ભગવાન જાણે ખુદ એની સાથે પોતે ભગવાનને ચેલેજમાં હરાવવા માટે મેદાનમાં કે સ્પર્ધામાં ઉતરી ગયા હોય.”

Free picture () from https://torange.biz/fx/donated-blood-effect-light-sepia-168614

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

હાલમાં

સ્થળ : મંગલમ હોસ્પિટલ

સમય : સવારના 11 કલાક

“સાહેબ ! તમે મને ગયાં મહિને જે રિપોર્ટ લખી આપેલા હતાં, એ બધાં રિપોર્ટ અમે કરાવી લીધાં છે.” રાજીવભાઈ ડૉ. કેતન પટેલને રિપોર્ટ આપતા બોલ્યાં.

બધા રિપોર્ટ જેવામાં કે બ્લડ રિપોર્ટ, એક્સ- રે, અને સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈને ડૉ. કેતન પટેલ એકાએક બોલી ઉઠ્યાં. “ઓહ માય ગોડ….” “શું ! થયું સાહેબ….?” – અચરજ સાથે રાજીવે પૂછ્યું. “ચિંતનના એક્સ-રેમાં કાર્ડિઓમેગાલી (હૃદયની એક કન્ડિશન છે, જેમાં હૃદય નોર્મલ સાઈઝ કરતાં વધારે પહોળું થઈ જાય) અને સોનોગ્રાફીના રિપોર્ટમાં સપ્લીનોમેગાલી (બરોળની એક કન્ડિશન છે, જેમાં બરોળ નોર્મલ સાઈઝ કરતાં વધારે પહોળી થઈ જાય),

માટે હાલમાં તાત્કાલિક તેને એક લોહીની બોટલ ચડાવવી પડશે, ત્યારબાદ આગળનું વિચારીએ….” – આ સાંભળી જાણે પોતાના પર આકાશ તૂટી પડ્યું હોય, પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું રાજીવ અનુભવવા લાગ્યો, પોતનું જીવન જીવવા માટે એક જ આધાર હતો કે જેને જોઈને એમ થાતું હતું કે હજુ થોડું વધારે જીવી લઈએ, એવા પોતાના પુત્ર ચિંતનને પણ હવે ભગવાન પોતાનાથી અલગ કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું, રાજીવ અંદરથી હવે ધીમે – ધીમે તૂટી રહ્યો હતો, પોતે પહેલીવાર હિંમત હારી રહ્યો હોય તેવું તેને મહેસુસ થવા લાગ્યું હતું.


“ઓકે ! સાહેબ ! તમે મને બ્લડબેન્કનું ફોર્મ અને લોહીનું સેમ્પલ લઇ આપો હું તાત્કાલિક લોહીની બોટલ લઇ આવું છું.” – પોતાની બંને આંખોનાં ખૂણામાં આવેલ આંસુઓને લૂછતાં-લૂછતાં રાજીવ બોલ્યો.

ત્યારબાદ ફોર્મ અને બ્લડનું સેમ્પલ લઈને રાજીવ હોસ્પિટલના એક કર્મચારીનું બાઇક લઈને ઝડપથી બ્લડબેન્કે પહોંચવા માટે નીકળી ગયો, બ્લડબેન્ક હોસ્પિટલથી 12 કી.મી.જેટલી દૂર આવેલ હતી, રાજીવનાં મનમાં હાલમાં ખૂબ જ ગડમથલ ચાલી રહી હતી, પોતે બાઇક ચલાવી રહ્યો હતો, પરંતુ તેના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, એવામાં તેની બાઇકની સ્પીડ ક્યારે 90 ક્રોસ કરી ગઈ તે ખ્યાલ ના રહ્યો.

એવામાં અચાનક જ એક ધડાકાભેર રાજીવ સામેથી આવતી એક કાર સાથે અથડાયો, અને બેભાન થઈને રસ્તા પર પડી ગયો, રસ્તા પર બ્લડ રિકવેસ્ટ માટેનું ફોર્મ અને બ્લડ લીધેલ સેમ્પલની વેકયુટ ફંગોળાઈ ગઈ, આ કાર બીજા કોઈની નહીં પરંતુ ડૉ. તેજસ શાહ કે જે ભાવનગરના પ્રખ્યાત બાળકોના સર્જન હતાં, કે જે વેદાંત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતાં, તેમણે રાજીવને તાત્કાલિક પોતાની હોસ્પિટલથી એમ્બ્યુલન્સ મંગાવી અને દાખલ કરી સારવાર આપવાની સૂચના આપી, એવામાં તેનું ધ્યાન બ્લડ રિકવેસ્ટ ફોર્મ અને બ્લડ લીધેલ વેકયુટ પર પડ્યું, ફોર્મ ઉઠાવીને નામ વાંચ્યું, આ જોઈ તેને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો કારણ કે ફોર્મમાં લખેલ હતું કે, “ ચિંતન રાજીવભાઈ” જેને કન્સલ્ટન્ટ કરવા માટે જ પોતે મંગલમ હોસ્પિટલમાં જઈ રહ્યાં હતાં, આથી તેમણે ડૉ. કેતનને ફોન કરીને આખી વિગતો જણાવી.


ત્યારબાદ તેઓ મંગલમ હોસ્પિટલ આવી પહોંચ્યા.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

બે દિવસ બાદ

સ્થળ – વેદાંત હોસ્પિટલ

સમય – સવારનાં 10 કલાક

રાજીવ આઈ.સી.સી.યુ ના પલંગ પર સૂતેલો હતો, તેના કાનમાં મલ્ટીપેરા મોનીટરનો બીપ – બીપ સાઉન્ડ સંભળાય રહ્યો હતો, અમુક લોકો અંદરોઅંદર વાતો કરી રહ્યાં હોય તેવા અવાજો સંભળાય રહ્યા હતાં, પોતાના ચહેરા પર કંઈક બાંધેલ હોય તેવું લાગી રહ્યું હતું, આથી રાજીવે ધીમે – ધીમે પોતાની આંખો ખોલી, અને આંખો ખોલતાની સાથે જ રાજીવનાં આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો, તો ઓક્સિજન માસ્ક લગાવેલ હતું, અને માથાના ભાગે પાટ્ટો બાંધેલ હતો, આ બધું જોઈ રાજીવ એકદમ વ્યાકુળ થઈ ગયો, કારણ કે પોતે અહીં કેવી રીતે આવ્યો, શું ઘટના બની હતી, અહીં તેને કોણ લાવ્યું, શા માટે તેને આઈ.સી.સી.યુ માં દાખલ કરેલ છે….? ચિંતનનું શું થયું હશે….? આવા એક સાથે અનેક પ્રશ્નો રાજીવના મનમાં ઉદ્દભવ્યા……!

એટલીવારમાં ડૉ. તેજસ અને ડૉ. કેતન પટેલ આઇ.સી.સી.યુ માં આવી પહોંચ્યા, અને રાજીવના ખભા પર હાથ ફેરવતા કહ્યું…. “રિલેક્ષ ! મિ. રાજીવ..” “પણ ! સાહેબ …? હું અહી કેવી રીતે આવ્યો…?..મને શું થયું હતું…?…મારા છોકરા ચિંતનનું શુ થયું….?… આવા અનેક પ્રશ્નો રાજીવે ડૉ. તેજસને પુછ્યા…! “તમે ચિંતા ના કરો..! રાજીવભાઈ ચિંતનને પણ અત્યારે સારું છે.” – ડૉ. કેતન પટેલ બોલ્યાં. “પણ ! સાહેબ, મારી સાથે શું બન્યું એ મને વિગતે જણાવો, પ્લીઝ..!”


“રાજીવભાઈ ! તમે ચિંતન માટે બ્લડ લેવા માટે બ્લડબેન્કે જતા હતા, તમે જેવા મારી હોસ્પિટલ માંથી બલડબેન્કે ગયાં, એટલે ચિંતનને જે તફલીફ હતી, તેના વિશે મેં ડૉ. તેજસને બધું જ વિગતવાર જણાવ્યું, અને તેમને મેં મારી હોસ્પિટલે બોલાવ્યા હતાં, જેથી ઓપિનિયન લઈ શકાય, તેઓ જ્યારે મારી હોસ્પિટલે આવી રહ્યાં હતાં, એવામાં તેમની કાર સાથે તમારો અકસ્માત થયો, અને તમને એક્ષટર્નલ હેડ ઈંજુરી થવાથી, તમે સ્થળ પર જ બેભાન થઈ ગયાં હતાં, આથી તમને અહીં વેદાંત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, અને તમારા માથાના ભાગે 6 જેવા ટાંકા પણ આવેલા છે…! અને છેલ્લા બે દિવસથી તમે બેભાન અવસ્થામાં અહીં એ.સી. સી. યુ માં હતાં…..! – ડૉ. કેતને જણાવ્યું.

“પણ ! સાહેબ મારો છોકરાં ચિંતનનું શુ થયું, તેને બ્લડ ચડાવવાનું હતું તેનું શું થયું….?” – રાજીવે અધવચ્ચે જ પૂછ્યું.

“ચિંતન માટે જે બ્લડ મંગાવેલ હતું, તે માટે ડૉ. તેજસે બ્લડબેંકમાં વાતચીત કરી, પોતાની હોસ્પિટલનાં કર્મચારી દ્વારા આપણી હોસ્પિટલમાં માંગવી લીધું, ત્યારબાદ મેં મારી હોસ્પિટલમાં રહેલ કોન્ટેક બુક માંથી તમારા ઘરનો નંબર શોધી, તમારા સાસુ – સાસરને પણ બોલાવી લીધા હતાં.” – ડૉ. કેતને જણાવ્યું.

“ત્યારબાદ ! ભગવાન હજુ પણ તમારી પરીક્ષા લેવા માંગતા હોય તેમ, બીજે દિવસે ચિંતનને ફરીવાર લોહીની ઉલટી થઈ આથી મેં અને બધી તપાસ બાદ ખ્યાલ આવ્યો, કે ચિંતનના હાર્ટ અને સપ્લીન ટ્રાનસપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો, હવે અમે બધાં મૂંઝાય ગયાં, કે હવે શું કરશું…? એક તરફ તમે આઈ.સી.સી.યું માં હતાં, પણ કહેવાય છે કે, “ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં” જાણે આ વાક્ય સાચું પડતું હોય તેવુ લાગી રહ્યું હતું, મુસીબતો માં જ્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે ભગવાન આપણને એ મુસીબતો માંથી બહાર નીકળવાનો પણ રસ્તો આપે જ છે, ભલે તે થોડોક મોડો આપે, પરંતુ આપે તો છે જ !

એટલીવારમાં ડૉ. તેજસના મોબાઈલ રણક્યો અને સામેથી તેમની હોસ્પિટલના સહકર્મચારીએ જણાવ્યું કે સાહેબ આપણી હોસ્પિટલમાં એક 14વર્ષના છોકરાને લઈને આવેલ છે, જેનું એક્સિડન્ટ થવાને લીધે બ્રેઈન ડેથ થયેલ છે, અને તેના માતા-પિતા ઓર્ગન ડોનેટ કરવા માંગે છે. પછી અમારા બધાની ટીમની મહેનત રંગ લાવી, અને ચિંતનને મોતના મુખ માંથી હેમખેમ બહાર લાવવામાં સફળ રહ્યાં.” – ડો. કેતને જણાવ્યું.

Doctor holding heart

આટલું સાંભળી રાજીવભાઈની આંખોમાં આંસુ આવી ગયાં, અને બનેવ ડૉ. કેતન અને તેજસનો હાથ પકડીને નાના બાળકની માફક ધ્રુસકે – ધ્રુસકે રડવા લાગ્યાં અને બોલ્યા –

“સાહેબ ! તમારો બનેવનો હું આભાર માનું છું, તમે ચિંતનનો જીવ નહીં પરંતુ તમે મારું જીવન જીવવાની આશાને બચાવી છે, હું અત્યાર સુધી ભગવાનને મેં આપેલ ચેલન્જ સાબિત કરવામાં એ પણ ભૂલી ગયો, કે ભગવાન તો આપણા પિતા સમાન હોય છે, જેમ કોઈપણ પિતા પોતાના સંતાનને દુઃખી ના જોઈ શકે તો આ ભગવાન પોતાના સંતાનને કેવી રીતે દુઃખી જોઈ શકે…? આપણી ભગવાન પ્રત્યે વિશ્વાસ કે શ્રદ્ધા એટલા માટે ડગી જાય છે કે તે આપણને ખુબ જ દુઃખ આપે છે, પરંતુ તેનું કામ એક કુંભાર જેવું છે, જેવી રીતે એક કુંભાર માટલું બનાવતી વખતે માટલાંને બહારથી જોર -જોરથી મારે છે, પરંતુ તેનો બીજો હાથ આ દરમિયાન માટલાંની અંદર તરફ હોય છે, જે પોતાનો પ્રેમ દર્શાવે છે, ભગવાન પણ આપણને દુઃખ તો આપે જ છે, પરંતુ તે દુઃખ માંથી બહાર આવવાનો રસ્તો પણ આપે છે, એમાં પણ જયાં પોતે નથી પહોંચી શકતા ત્યાં તમારી જેવા ફરિસતાને મોકલી આપે છે…પણ મદદ કરે જ છે.”

ત્યારબાદ હોસ્પિટલની બધી જ ફોર્માંલીટી પૂરી કરીને રાજીવ પોતાના પુત્ર ચિંતન અને સાસુ – સસરા સાથે ઘરે જવા રવાના થયા, એવામાં બસમાં તેમની બાજુમાં એક ભાઈ બેસેલા હતાં, તેમણે રાજીવને પુછ્યું. “હું ! તમને એક પ્રશ્ન પૂછું.”


“હા” “તમે ! આટલી નાની ઉંમરમાં કેમ સફેદ કપડાં પહેરો છો.” “ સાહેબ ! ક્યારેક હું પણ કલરફુલ કપડાં પહેરતો હતો, પરંતુ મારા જીવન જીવવાની આશાને જીવડાવવા માટે મેં પણ બધો મોહ છોડી દીધો અને મારી પાસે જે કંઈપણ હતું એ મેં તેની પાછળ ખર્ચી નાખ્યું…!” – રાજીવ હસતા- હસતા ચિંતનનાં માથે હાથ ફેરવતા બોલ્યાં.

મિત્રો, કહેવાય છે કે ભગવાન તમને દુઃખ આપે છે, તો તેની સાથે સાથે તેની સાથે લડવાની હિંમત અને તેમાંથી બહાર આવવાનો રસ્તો પણ આપે જ છે, જરૂર છે તો માત્ર ભગવાન પર ગાઢ શ્રધ્ધા કે વિશ્વાસ રાખવાની, જો તમારો ભગવાન પરનો વિશ્વાસ અતૂટ હશે તો ડૉ. તેજસ અને ડૉ. કેતન જેવાં ફરિસતાને પણ તમારી મદદ કરવા માટે મોકલશે જ પછી ભલે તમે તે સમયે હાજર હોય તો પણ ભલે, અથવા રાજીવની જેમ મોત સામે ઝઝૂમી રહ્યા હોવ તો પણ ભલે”

“ દાવ પર તો ઘણું જ લાગેલ હતું, બહાર વેન્ટિલેટર પર શરીર દાવ પર લાગેલ હતું, અને અંદર હૃદયની લાગણીઓ દાવ પર લાગેલ હતી.”

લેખક : મકવાણા રાહુલ.એચ “બે ધડક”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ