તમસ્વી – આઈસીયુની બહાર તે ચિંતામાં આંટા મારી રહ્યો હતો અને અંદર એની પત્ની…

તિમિરના ઘરમાં જાણે દિવા તળે અંધારા જેવું જ હતું..!! જે રીતે તેજસ્વીને અચાનક અકસ્માત થયો તે જોઈને તિમિર ખળભળી ઉઠ્યો હતો.. હોસ્પિટલમાં તે ઘડીક આમ તો ઘડીક તેમ આંટા મારતો હતો..!આઈસીયુમાં દાખલ થયેલી તેજસ્વીને જોઈને તિમિરનો જીવ વલોવાતો હતો..


તિમિર વ્યાસ ! ઓગણત્રીસ વરસનો એક સ્વમાની, સંસ્કારી, વ્યવહારુ અને હોનહાર પુરુષ..!! તિમિરના પિતાજીને રૂનો વ્યાપાર હતો.. પેઢીઓથી ચાલતા આવતા આ વ્યાપારમાં ઝંપલાવવાની ખાસ ઈચ્છા તિમિરની નહોતી… પરંતુ હા તેને એ રુમાથી વાટ બનાવવી બહુ ગમતી. નાનપણમાં જયારે તેની માઁ માતાજીના દીવા માટે વાટ બનાવતી ત્યારે તે તેમની બાજુમાં બેસતો અને બનાવતો પણ ખરો.. દિવાળીએ તો ખાસ તે ઘરના બધા દિવાની લાંબી વાટ પોતે જ બનાવશે તેવો આગ્રહ રાખતો.. રૂમાથી એક પાતળી અને સુરેખ લાંબી વાટ બનાવવી સહેલી તો નથી જ..!! તિમિરનાં હાથમાં જ કંઈક કમાલ હતી..દસ વર્ષની ઉંમરે તે સુંદર મજાની દિવાની વાટ બનાવતો થઈ ગયેલો..! દિવાળી પર ઘરમાં દરેક જગ્યાએ જરુર ના હોય ત્યાં પણ દિવા મુકાવતો કે જેથી તે વધારે વાટ બનાવી શકે..


વર્ષો વીતતા ગયા અને આપત્તિઓ આવતી ગઈ.. તિમિરનાં પિતાજીને ધંધામાં પાર્ટનર તરફથી અન્યાય થયો અને એકાએક તેઓ કરોડોના આસામી હતા તેમાંથી રોડ પર આવી ગયા.. તિમિર ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો.. બહેન તિહિરાને તો પરણાવીને સાસરે વળાવી દીધી હતી.. અને તિમિરની માઁ પણ મૃત્યુ પામી હતી. પરિસ્થિતિ એવી હતી કે કોલેજના છેલ્લા વર્ષના પૈસા પણ તિમિર ના ભરી શક્યો. તિમિરે અધવચ્ચે કોલેજ છોડી દીધી. તેના પિતાજીની માનસિક હાલત અત્યંત ખરાબ થઇ ગઈ હતી.. અને તેઓ પણ ટુંક સમયમાં મૃત્યુ પામ્યા. તિમિર પાસે હવે નાની-મોટી નોકરી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો…

દિવાળીનો દિવસ હતો.. બહાર અમાસનું અંધારું અને આર્ટિફિશ્યલ લાઇટ્સનો ઉજાસ હતો.. તિમિર હંમેશની જેમ વાટો બનાવી રહ્યો હતો કે તેના મગજમાં અચાનક ઝબકારો થયો.. ચાર જગ્યાએ નોકરી માટે પ્રયાસ કર્યા પછી પણ નિષ્ફ્ળતા મળતા તેણે નાનકડા વ્યવસાયમાં ઝંપલાવવાનું વિચારેલું..! દિવાની વાટથી શરૂઆત ચોક્કસ થઇ શકે.. “જે ધંધામાં કોઈ રોકાણ પણ નથી અને રોજના પૈસા રોજ છે તે ધંધો એક નાસીપાસ વ્યક્તિની આશાઓને પુનઃ અલંકૃત કરી શકે..” તિમિરે વિચાર્યું..


બેસતા વર્ષના દિવસથી જ તેણે શરૂઆત કરી.. તેના ઘરમાં સામાન કંઈ ખાસ નહોતો પરંતુ રૂના કોથળા ઘણા ભર્યા હતા.. તેમાંથી રૂ લઇ તેણે વાટ બનાવાનું શરૂ કર્યું.. નજીકની કરિયાણાની દુકાને જઈ તેણે બનાવેલા પ્રથમ પચાસ પેકેટ વેચવા આપ્યા. વધારાના પચાસ પોતે સાઇકલ પર લઈને ઘેરઘેર વેચવા નીકળ્યો. પછી તો ધીમે ધીમે ધંધો પણ વિસ્તરતો ગયો અને તિમિરની પ્રેમયાત્રા પણ..!!

હા..!!! તિમિરને તેના અંધકાર રૂપી જીવનમાં ઉજાસ પાથરે તેવી તેજસ્વીનો ભેટો થયો અને સઘળું બદલાઈ ગયું. એક વર્ષમાં ધંધો થોડો ઘણો વિસ્તર્યો કેપહેલા સાઇકલ પર વાટ લઈને વેચવા જતો તિમિર હવે બજાજ સ્કૂટર પર વેચવા જવા લાગ્યો. સાદગીએ મઢેલી સંપૂર્ણ જીવનસંગિનીની વ્યાખ્યામાં બંધબેસતી એવી સંસ્કારી તેજસ્વી સાથે તિમિરે લગ્ન કર્યા.. બન્ને પતિ-પત્ની એકબીજાને અત્યંત પ્રેમ કરતા. તેજસ્વી હવે તિમિરના વ્યવસાયમાં તેને સાથ આપવા લાગી હતી.. વાટ સાથે સાથે હવે તિમિર, તેજસ્વીએ ઘરે બનાવેલા કોડિયાં પણ વેંચવા જતો.. દિવાળી આવતા જ વ્યવસાય બમણો થઇ જતો..બન્ને એક સુંદર ભવિષ્યના શમણાં તરફ આગળ વધી રહ્યા હતા.. એકબીજાનો સાથ અને કામ પ્રત્યેની ધગશ તેમને રોજ એક નવી પ્રેરણા આપતી..!ખુશીની આ પળો બમણી થઇ ગઈ જયારે તેજસ્વી માઁ બનવાની છે તેવી બન્નેને જાણ થઇ..


“તેજસ્વી, આ દિવાળીએ તો તું જોજેને હું બમણા જોશથી કામ કરીશ…!!!!આપણું આવનાર બાળક નવા ઘરમાં રહેશે. અને મારી તો ઈચ્છા છે કે દિવાળીના સમયે આ સમાચાર મળ્યા છે તો તે બાળક તારી પ્રતિકૃતિ સમા લક્ષ્મીજી જ હોય અને આપણે આંગણે પગલાં કરે..”

તિમિરે તેજસ્વીનો હાથ હાથમાં લઇ કહ્યું.. “તિમિર, હું તમને દરેક રીતે સાથ આપીશ. તમારી પડખે રહીને હું તમારી અર્ધાંગિની હોવાનો અર્થ સાકાર કરીશ. આપણું બાળક એક સુવર્ણ ભવિષ્ય લઈને આવશે તેવી મને આશા છે.!!” અને તે રાત્રે બન્ને સોનેરી ભવિષ્યના સપના જોતા જોતા એકબીજામાં ઓપપ્રોત થઈને સુઈ ગયા..

બીજા જ દિવસથી તિમિર વાટ બનાવામાં લાગી ગયો.. તેજસ્વી સાથે રહીને હવે તે કોડિયાં બનાવતા પણ શીખી ગયો હતો.. કોડિયાં, વાટ અને સાથે સાથે બીજી સજાવટની વસ્તુઓ તેણે ગૂંથવાનું અને બનાવવાનું શરૂ કર્યું હતું. દિવાળીની સવાર સુધી તેણે બધા જ ઓર્ડર પુરા કરી લીધા અને સાંજે ઘર તરફ તેજસ્વીને આપવા સુંદર સાડી લઈને જવા રવાના થયો.


દરવાજા પાસે આવીને તેણે ડોરબેલ વગાડી. તેણે જોયું તો બહાર તેજસ્વીએ ઝીણી કારીગરી કરીને બનાવેલા દિવામાં તિમિરે બનાવેલી વાટ મૂકી હતી અને દિવાઓ પ્રગટાવ્યા હતા. ડોરબેલનો અવાજ સાંભળતા જ તેજસ્વી દોડીને દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો…. અને અચાનક જ તિમિર તરફ જતા તેનો પગ લપસ્યો ને તે પડી ગઈ……. “તેજસ્વીવીવી…..”

તિમિરથી રાડ નંખાઈ ગઈ.. કોડિયામાં પૂરેલું તેલ ઢોળાયું હતું અને તે ઘરના આંગણા સુધી પહોંચી ગયેલું. તિમિર તરત જ તેજસ્વીને હોસ્પિટલમાં લઇ ગયો અને દાખલ કરી. ચિંતાતુર અને રડમસ ચહેરે તે ઓપેરેશન થિયેટરની બહાર બેસી રહ્યો. “માફ કરજો તિમિરભાઈ.. તેજસ્વીબહેન તો ઠીક છે પણ તમારું બાળક અમે નથી બચાવી શક્યા…!!” તિમિર આ સાંભળીને ત્યાં ને ત્યાં ઢળી પડ્યો… ચોધાર આંસુએ રડયા બાદ તે જ્યારે સ્વસ્થ થયો ત્યારે વિચાર્યું,


“મારો વ્યવસાય જ મારા માટે દુશ્મન બન્યો.. જે કોડિયાં અને વાટ થકી અમારું ગુજરાન ચાલતું હતું તેના લીધે આજે મેં મારું બાળક ખોયું.. આ ધંધો હવે ના ખપે મને.!!” ધંધો ના કરવાનો નિર્ણય કરીને તે તેજસ્વીને મળવા ગયો તો તેજસ્વીના ચહેરા પર અજીબ ખુમારી વર્તાતી હતી. અગાઉ ક્યારેય ના જોઈ હોય તેવી ચમકતેના ચહેરા પર તિમિરે જોઈ..!! તિમિરે તેને પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે તેજસ્વીએ ધારદાર અવાજમાં કહ્યું,

“નહિ તિમિર!! આજે આપણે બાળક ખોયું ત્યારે મને સમજાયું કે એ દર્દ કેવું હોય છે.. તિમિર મેં નક્કી કર્યું છે આજથી જ આપણે નિઃસંતાન દંપતિ, કે પછી સમાજમાં “વાંઝણી“ ના નામે પોખાયેલી સ્ત્રીઓને મળીશું અને તેમને સાથે લઈને જે માઁ-બાપને ઝંખે છે તેવા અનાથ બાળકોના જીવનમાં દિવાનો પ્રકાશ પાથરીશું…!!! અને તેના માટે તારે બમણા જોશથી વાટ અને મારે કોડિયાં બનાવવા પડશે… કારણકે એ પ્રકાશ તારી બનાવેલી વાટનો જ હોવો જોઈએ.!”હસતાં હસતાં તેજસ્વીએ તિમિરને કહ્યું.


બીજા જ દિવસથી બન્ને મચી પડ્યા. અનાથાશ્રમમાં જઈને અનાથ બાળકો જોડે બંને રોજ કંઈક ને કંઈક નવીન ગમ્મત કરતા. હાસ્ય અને ઉત્સાહનો સમન્વય થાય તેવા કાર્યમાં પ્રયત્નશીલ રહીને તેઓ દરરોજ એક બાળકના જીવનમાં ઉમંગ ભરતા! સાથે નિઃસંતાન દંપતીઓ તો હોય જ…!! સેવાની આ અવિરત સરવાણી ત્યારે સફળ થઇ જ્યારે થોડા જ મહિનામાં તેજસ્વીએ પોતાના ગર્ભવતી હોવાના સમાચાર તિમિરને આપ્યા!

તિમિર અને તેજસ્વીએ ઉજાસ અને અંધકારનો એક અદભુત પ્રણય રચ્યો..!! એકમેકના જીવનમાં સુખની વ્યાખ્યા બનેલા આ દંપતિએ પોતાના કાર્યો થકી હજારોની મેદનીને મોહિત કરી..!!! હવે દર વર્ષે દિવાળી આવતા જ તિમિર વાટ બનાવીને આંગણે કોડિયામાં તેલ પૂરીને પોતાના હાથે મુકતો..! તેજસ્વી હંમેશની જેમ તેની પડખે રહેતી. કારણકે હવે તેમની નાનકડી “તમસ્વી” તેઓની પ્રેરણા હતી..!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ