પ્રેમની વસંત બારેમાસ – આંખના ઇશારે શરૂ થયેલો સંવાદ જીવનભરનો સંગાથ બની ગયો..

વહેલી સવારનો સમય છે અને નદી કિનારે મહિલાઓની ચહલ પહલ જોવા મળી રહી છે. મહિલાઓ દ્વારા નદીની આરતી ઉતારવામાં આવી રહી છે. મહિલાઓની સંખ્યા થોડી વધારે હોવાથી મુશ્કેલીથી મહીલાઓ નદી કિનારા સુધી પહોચી શકે તેમ છે. જેથી જ્યાં જગ્યા મળે ત્યાંથી જ મહિલાઓ દ્વારા આરતી ઉતારવામાં આવે છે. ભક્તિભાવથી નદીની આરતી ઉતારીને મહિલાઓ પોતાના ઘર તરફ પરત ફરે છે. નદી કીનારે વિશાળ માનવ મહેરામણ એકઠો થયો હોવાથી થોડી ગંદકી થાય એ સ્વાભાવીક છે પરંતુ આ ગંદકી સાફ કોણ કરશે એ પ્રશ્ન એ એક કોલેજીયન યુવતિ પ્રિયાને મુઝવણમાં મુકે છે.

પ્રિયા સતત મનોમંથન કર્યા કરે છે જો આપણે નદીની માતા માનીને તેનુ ભક્તિભાવ પુર્વક પુજન અર્ચન કરતા હોઇએ તો આપણે નદી કિનારા પણ ગંદકી ન જ કરવી જોઇએ. તેમ છતાં પણ જો થોડી ગંદકી થઇ જાય તો તેને સત્વરે સાફ કરવી જોઇએ. પણ આજે આવુ ન થયુ હોવાથી પ્રિયા ચિંતિત છે. પ્રિયા તેની સહેલીઓને વાત કરે છે કે આપણે એક દિવસ કોલેજ નહી જઇએ તો ચાલશે પરંતુ આજે આપણે નદીના કિનારા પરની ગંદકીની સફાઇ કરીશુ. પ્રિયાની વાત સાથે તેની બધી સહેલીઓ સહમત થાય છે અને ગામમાંથી જ પાવડા, તબકડા સાથે લઇને નદી કીનારે પહોચે છે. પ્રિયા અને તેની સહેલીઓ નદી કિનારાની સાફ સફાઇ શરૂ કરે છે અને તેમને જોઇને નદી કિનારા પર ચાલવા આવતા લોકો પણ નદી સફાઇના કામમાં સહભાગી થાય છે.

ગણતરીના કલાકોમાં જ બધાના સાથ સહકારથી નિશ્ચિત કરવામાં આવેલ નદી કિનારાની સંપુર્ણ સફાઇ થઇ જાય છે. સફાઇ કામગીરી પુર્ણ થયા પછી પ્રિયા તેની સહેલીઓને કહે છે કે આપણે સૌએ સાથે મળીને આજે નદી કિનારાની સફાઇ તો કરી છે પરંતુ આપણી હવે એ પણ જવાબદારી બને છે કે આ નદી કિનારો હંમેશને માટે ચોખ્ખો રહે. બધી સાથે મળીને નક્કી કરે છે કે આપણે અઠવાડીયામાં એક દિવસ નદી કિનારાની સફાઇ કરીશુ અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા માટે સતત પ્રોત્સાહીત કરતા રહીશુ.

થોડા દિવસો પછી પ્રિયા વહેલી સવારે તેની બે ત્રણ સહેલીઓ સાથે નદી કિનારા પર લટાર મારવા માટે નિકળે છે ત્યારે અચાનક પ્રિયાની નજર કેટલાક યુવાનો પર પડે છે. આ યુવાનો દ્વારા નદીમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હોય છે. આ જોઇને પ્રિયા યુવાનોને નદીમાં કચરો ન નાખવા માટે નમ્રતાથી વિનંતી કરે છે. પરંતુ યુવાનો પ્રિયાને ધમકાવતા કહે છે તું વળી કોણ છે અમને રોકવાવાળી? તું ચાલવા નિકળી છું તો ચાલવાનું જ કામ કર્યા કર. પ્રિયા પણ વળતો જવાબ આપતા કહે છે કે હું મારૂ જ કામ કરૂ છું. આ નદી આપણી સૌની છે અને તેને સાફ રાખવાની જવાબદારી પણ આપણી જ છે.

આ સાંભળીને એક યુવાન ગુસ્સે થઇને પ્રિયાને થપ્પડ મારવા જાય છે પરંતુ ચપળ પ્રિયા પોતાનો બચાવ કરી લે છે. પ્રિયા સહિતની તેની સહેલીઓ દોડીને નદી કિનારાથી દુર જતી રહે છે અને આ યુવાનો એમ સમજી લે છે કે યુવતીઓ તો ડરીને ભાગી ગઇ. પરંતુ જેવા યુવાનો નદીમાં કચરો નાખવા જાય છે ત્યાં પ્રિયા હાથમાં લાકડી લઇને યુવાનો પર તુટી પડે છે અને સહેલીઓ પણ યુવાનોને માર મારવા લાગે છે. પ્રિયા જાણે રણચંડી બની હોય તેમ એટલી બધી ગુસ્સામાં હોય છે કે તે શુ કરી રહી છે તેનું તેને સહેજ પણ ભાન નથી. યુવતીઓના હાથે માર પડવાના કારણે યુવાનો દોડીને દુર ભાગવા જાય છે ત્યાં પ્રિયા છુટી લાકડી યુવાનો તરફ ફેંકે છે પરંતુ આ લાકડી યુવાનોને વાગવાને બદલે રસ્તા પરથી પસાર થઇ રહેલા પ્રકાશ નામના યુવકને માથાના ભાગમાં વાગે છે.

આ જોઇને પ્રિયા સ્તબ્ધ થઇ જાય છે, તેનો ગુસ્સો પણ શાંત થઇ જાય છે. તે સીધી પ્રકાશ પાસે પહોચી જાય છે અને પોતાની ભુલની માફી પણ માંગી લે છે. પ્રકાશ કહે છે કે મને બહે વાગ્યુ નથી પરંતુ તમે મને કેમ લાકડી મારી? પ્રિયા વહેલી સવારે બનેલી ઘટનાની પ્રકાશને વિગતવાર વાત કરે છે અને કહે છે કે મેં તો લાકડી નદીમાં કચરો ફેંકનાર યુવાનોને મારવા માટે ફેંકી હતી પરંતુ તમે એમા વચ્ચે આવી ગયા એટલે ભુલથી લાકડી વાગી ગઇ. પ્રકાશ કહે છે કે મેં પણ ક્યારેક નદીમાં કચરો ફેક્યો હશે એટલે મને લાકડી વાગી હશે. આ સાંભળીને પ્રિયા સહિત તેની સહેલીઓ પણ ખડખડાટ હસી પડે છે અને બધા છુટા પડે છે. બીજા દિવસે સવારે પ્રિયા કોલેજ જવા નિકળી છે ત્યાં રસ્તામાં પ્રકાશ મળી જાય છે.

પ્રિયાને જોઇને પ્રકાશ કહે છે કે જો જો હો આજે લાકડી મારતી નહી, મેં નદીમાં કચરો નથી ફેક્યો. આ સાંભળીને પ્રિયા કહે છે કે પ્રકાશ તે મારી ભુલ હતી અને તેની મેં માફી પણ માંગી લીધી છે. પરંતુ હું તને માફી નહી આપુ તેમ પ્રકાશે કહ્યુ. તો તું આપે તે સજા ભોગવવા માટે તારી ગુનેહગાર તૈયાર છે એમ પ્રિયાએ કહ્યુ. આવી રીતે સંવાદ કરતા કરતા પ્રિયા કોલેજ સુધી પહોચી જાય છે અને પ્રકાશને કહે છે કે આ મારી કોલેજ છે. પ્રકાશ પણ કહે છે કે આ રસ્તા પર થોડે આગળ જ મારી પણ કોલેજ છે. પ્રિયા અને પ્રકાશ પોત પોતાની કોલેજમાં જાય છે અને અભ્યાસ કરે છે.

પ્રિયા અને પ્રકાશ નિયમીત મળતા રહે છે. સાથે કોલેજ આવે છે અને ઘરે પણ સાથે જાય છે. પ્રકાશની કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તે પ્રિયાને કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે બોલાવે છે. પ્રિયા તેની સહેલીઓની સાથે પ્રકાશની કોલેજમાં જાય છે અને પ્રકાશ દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળે છે. ખરેખર પ્રિયા કાર્યક્રમ નિહાળવા માટે નહી પરંતુ પ્રકાશને જોવા માટે આવી હોય છે. પ્રિયાને પ્રકાશ વગર હવે પળ વાર પણ ગમતુ નથી. તે પ્રકાશને પ્રેમ કરવા લાગે છે પરંતુ કહી શકતી નથી. પ્રકાશનો કાર્યક્રમ પુર્ણ થયા પછી તે પ્રિયાને આંખોથી ઇશારો કરીને બહાર બોલાવે છે ત્યારે પ્રિયા પણ આંખોના ઇશારાથી સમજાવે છે કે હું એકલી નથી મારી સાથે સહેલીઓ પણ છે.

થોડીવાર એક પણ શબ્દ બોલ્યા વગર આંખોના ઇશારે જ પ્રિયા તથા પ્રકાશ વચ્ચે સંવાદ થાય છે. બન્ને આંખોના ઇશારે નક્કી કરે છે આજે સાંજે મળીશુ. કાર્યક્રમ પુર્ણ થયા પછી દરેક વ્યક્તિઓ ઘરે જાય છે. સાંજ પડતા જ પ્રિયા ઘરેથી બહાર નિકળે છે અને પ્રકાશને મળવા માટે પહોચી જાય છે. પ્રિયા અને પ્રકાશ એકબીજાની આંખોમાં સતત જોયા કરે છે. બન્ને એક સાથે પ્રેમનો એકરાર કરે છે અને પ્રેમથી આલીંગન કરે છે. પછી તો પ્રિયા અને પ્રકાશ પડછાયાની જેમ એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે. કોલેજ હોય કે પછી કોઇ કાર્યક્રમ બન્ને સાથે જ હોય.

થોડા દિવસ આવુ ચાલ્યા પછી પ્રિયાની કોલેજમાં આ વાતની બધાને ખબર પડે છે કે પ્રિયા તથા પ્રકાશ એક બીજાને પ્રેમ કરી રહ્યા છે ત્યારે પ્રિયાની સહેલીઓ સાથે મળીને નક્કી કરે છે કે પ્રિયાના લગ્ન આપણે સૌ સાથે મળીને કરાવીશુ. બધી સહેલીઓ પ્રિયા તથા પ્રકાશને બગીચામાં મળે છે અને લગ્નની વાત કરે છે. આ સાંભળીને પ્રિયા પ્રકાશ હસી પડે છે અને લગ્નની ઉતાવળ ન હોવાનું જણાવે છે. સહેલીઓના પ્રેમાળ આગ્રહના કારણે થોડા મહિનાઓ બાદ જ પ્રિયા તથા પ્રકાશના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને આંખોના ઇશારે શરૂ થયેલો પ્રેમ જીવનભરના સંગાથમાં ફેરવાઇ જાય છે.

લેખક – નીલકંઠ વાસુકિયા

(શિર્ષક પંક્તિ- વંદના વાસુકિયા)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ