આજે બનાવતા શીખો મારવાડની ફેમસ વાનગી, દાળબાટી સાથે ચુરમું… મોઢામાં પાણી આવી ગયું નામ વાંચીને…

ફ્રેન્ડસ…!! મારવાડ અને માલવાની સૌથી પ્રખ્યાત વાનગી એટલે દાલબાટી-ચુરમું… ઘીથી લબાલબ બાટી અને મસાલેદાર દાળ સાથે લસણની ચટણી મળે તો મજા પડી જાય… અને જો એની સાથે ગોળની મીઠાશથી ભરપૂર એવા ચુરમાનાં લાડુ હોય તો તો ચોક્કસ સ્વાદનો સંગમ થઈ જાય….!!

ઘરે પધારેલા મહેમાનો હોય કે કીટી પાર્ટીની બહેનપણીઓ કે પછી હોય પતિના બૉસ… બનાવો અને જમાડો સ્વાદનો આ રસથાળ… તો ચાલો વરસાદના આગમનને વધાવીએ આ “ઑલ ટાઈમ ફેવરેઈટ ફૂડ” સાથે….

બાટી બનાવવાની રીત :

વ્યક્તિ : ૪

સમય :

તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૪૫ મિનિટ

સામગ્રી :

૨૧/૪ કપ ઘઉંનો કકરો/જાડો લોટ

૧/૪ કપ સોજી

૧/૪ ટી.સ્પૂ. અજમો

૧/૪ ટી.સ્પૂ. જીરૂં

૩ ટે.સ્પૂ. ઘી/તેલ મોવણ માટે

૧/૪ ટી.સ્પૂ. હળદર

૧ ટી.સ્પૂ. મીઠું/ સ્વાદ મુજબ

૧/૮ ટી.સ્પૂ. ખારો (ખાવાનો/બેકિંગ સોડા)

હુંફાળું ગરમ પાણી જરૂર મુજબ

(આશરે ૩/૪ કપ)

રીત :

૧) એક વાસણમાં ઘઉંનો જાડો લોટ અને સોજી ભેગા કરી લો. તેમાં ૩ ટે.સ્પૂ. ઘી અથવા તેલનું મોવણ નાખીને બરાબર મસળી લો.

૨) મીઠું, હળદર, સોડા, જીરૂં અને અજમો ઉમેરીને હુંફાળા ગરમ પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટ કરતાં થોડોક કઠણ લોટ બાંધવાનો છે. લોટને ભીનું કપડું ઢાંકીને ૩૦ મિનિટ મુકી રાખો.

૩) લોટને ઘી/તેલ લગાવીને મસળી લો અને તેનાં ૮-૯ સરખા ભાગ કરીને ફોટોમાં બતાવ્યા મુજબ ગોળા વાળી લો. એકતરફ અંગુઠા વડે વચ્ચેથી સહેજ દબાવી લો.

૪) હવે ધાતુની કઢાઈમાં જાળી કે ધાતુની કાણાં વાળી ડીશ મૂકી ઉપરથી થાળી ઢાંકીને ધીમા તાપે ગરમ થવા મુકો. કઢાઈ તપી જાય પછી તેના ઉપર બાટી ગોઠવી દો. ખાડાવાળો ભાગ પહેલાં નીચેની તરફ રાખીને બાટીને ધીમી આંચ પર શેકાવા દો. એકતરફથી ગુલાબી શેકાઈ ગયા બાદ બાટીને ફેરવીને બીજી તરફથી મધ્યમ આંચ પર શેકાવા દો.

૫) આમ, બે થી ત્રણ વખત ફેરવી ફેરવીને બાટીને લાલ કડક શેકી લો. બાટી તૈયાર થઈ ગયા બાદ કપડાં વડે સહેજ દબાવીને સહેજ તિરાડ પડે એટલે ઘીમાં ડુબાડીને ગરમાગરમ દાળ સાથે પીરસો.

નોંધ :

★ બાટીને ખૂબ જ ધીમા તાપે શેકવાથી કડક થઇ જાય છે આથી આંચ ધીમી મધ્યમ એમ બદલતાં રહેવી.

★ બાટીમાં ખારો ઉમેરવો ના હોય તો ૨-૩ ટે.સ્પૂ. મોળું દહીં ઉમેરીને લોટ બાંધવો.

★ સ્વાદ પસંદ હોય તો બાટીમાં ૧/૪ ટી.સ્પૂ. વરીયાળી પણ ઉમેરી શકાય.

★ બાફલા-બાટી બનાવવા માટે પહેલાં બાટીને હળદર અને મીઠાં વાળા પાણીમાં બે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી બાફી લો. પાણી બાફલા ડૂબે તેના કરતાં બે ગણું મુકવાનું છે જેથી નીચે ચોંટે નહીં. બાફલા ચઢીને ઉપર આવી જાય પછી કાપડ ઉપર કાઢીને ૧૫ મિનિટ કોરા પડવા દો. ત્યારબાદ તેને શેકી લો.

ચુરમાનાં લાડુ બનાવવાની રીત :

વ્યક્તિ : ૪

સમય : ૧૫ મિનિટ

સામગ્રી :

બાટી માટે :

૨૧/૪ કપ ઘઉંનો કકરો/જાડો લોટ

૧/૪ કપ સોજી

૩ ટે.સ્પૂ. ઘી/તેલ મોવણ માટે

૧/૪ ટી.સ્પૂ. વરીયાળી

હુંફાળું ગરમ પાણી જરૂર મુજબ

(આશરે ૩/૪ કપ)

૧/૩ ભાગ ગોળ / બુરું ખાંડ

ઘી જરૂર મુજબ

૩-૪ ટે.સ્પૂ. ઈલાયચી-જાયફળ પાવડર, ચારોળી, ખસખસ, છીણેલું સૂકું કોપરૂં, કાજુ-બદામની કતરણ, દ્રાક્ષ

૧ ટે.સ્પૂ. ખાંડેલી સાકર

રીત :

૧) સૌ પ્રથમ બાટીની સામગ્રી ભેગી કરીને બાટી બનાવી લો. ધ્યાન રહે કે ચુરમું બનાવવા માટેની બાટીમાં ઘઉંના કકરા લોટમાં માત્ર સોજી, મોવણ અને ૧/૪ ટી.સ્પૂ. વરીયાળી ઉમેરવાની છે. બીજી કોઈ સામગ્રી ઉમેરવાની નથી.

૨) બાટીને શેકીને અથવા તળીને તૈયાર કરી લો.

૩) ગરમ બાટીને હાથ વડે મસળીને ચાળી લો અને ત્રણ સરખા ભાગ કરી લો. જરૂર પડે તો મિક્સરમાં દળી શકાય. ત્યારબાદ ૨-૩ ટે.સ્પૂ. ઘી ગરમ કરીને તેમાં ૧/૩ એટલે કે ત્રીજા ભાગ જેટલો ગોળ કાપીને ઉમેરો. ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરીને સામગ્રી બરાબર ભેગી કરી લો. ગોળના બદલે ગરમ ઘી અને બુરું ખાંડ ઉમેરીને પણ ચુરમું બનાવી શકાય.

૪) ઈલાયચી-જાયફળ પાવડર, ચારોળી, ખસખસ, છીણેલું સૂકું કોપરૂં, કાજુ-બદામની કતરણ, દ્રાક્ષ, ખાંડેલી સાકર ઉમેરીને બરાબર હલાવી લો.

૫) ઉપરથી ગરમાગરમ ઘી રેડીને ચુરમું પીરસો.

૬) ચૂરમાનાં લાડુ બનાવવા માટે થોડું વધુ ઘી ઉમેરીને હાથ વડે અથવા મોલ્ડથી લાડુ વાળી લેવા.

નોંધ :

★ ચુરમું બનાવવા લોટ બાંધતી વખતે ૧/૪ થી ૧/૩ કપ દૂધ ઉમેરવાથી ચૂરમાનો સ્વાદ સરસ લાગે છે. બાકીના ભાગનું પાણી ઉમેરી લોટ બાંધી લેવો.

મસાલા દાળ બનાવવાની રીત :

વ્યક્તિ : ૪

સમય :

તૈયારી માટે : ૧૦ મિનિટ

વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૨ ટે.સ્પૂ. મગ / મગની ફોતરાં વાળી દાળ

૨ ટે.સ્પૂ. ચણાની દાળ

૨ ટે.સ્પૂ. અડદની દાળ

૩-૪ ટે.સ્પૂ. ઘી/તેલ (વઘાર માટે)

૨ નંગ આખાં લાલ મરચાં

૨-૩ નંગ મરી

૨-૩ નંગ લવિંગ

૧ ટુકડો તજ

૨ નંગ તેજપત્તા

૧ નંગ ડુંગળી

૨ નંગ ટામેટાં

૪-૬ નંગ લસણની કળી

૨ નંગ લીલાં મરચાં

૧/૨ ઇંચ આદું

૫-૭ નંગ મીઠાં લીમડાનાં પાન

૨ ટે.સ્પૂ. લીલાં ધાણા

૧/૨ નંગ લીંબુ

૧ ટી.સ્પૂ. જીરૂં

૨ ચપટી હીંગ

૧ ટે.સ્પૂ. લાલ મરચું

૨ ટે.સ્પૂ. ધાણાજીરૂં

૧/૨ ટે.સ્પૂ. હળદર

૧/૨ ટે.સ્પૂ. ગરમ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરૂર મુજબ

રીત :

૧) બધી દાળને સાફ કરીને, ભેગી કરીને પાણી વડે બરાબર ધોઈ લો. દાળ ડૂબે તેનાથી થોડું વધારે પાણી ઉમેરીને દાળને ૧ કલાક પલાળી રાખો. ત્યારબાદ એક વાસણમાં દાળ, ૨ કપ પાણી અને થોડું મીઠું નાખીને કૂકરમાં ૨-૩ સીટી થાય ત્યાં સુધી બાફી લો.

૨) એક વાસણમાં ઘી/તેલ ગરમ મુકો તેમાં જીરૂં, હિંગ, આખાં લાલ મરચાં, મરી, લવિંગ, તજ, તેજપત્તા, લસણ-આદું-લીલાં મરચાંની પેસ્ટ, મીઠાં લીમડાનાં પાન ઉમેરીને સાંતળી લો.

૨) ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી આછા બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલાં ટામેટાં ઉમેરો. તેમાં થોડું મીઠું ઉમેરી ટામેટાં ચડી જાય ત્યાં સુધી સાંતળી લો.

૩) ટામેટાં ચડી જાય એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂં, ગરમ મસાલો ઉમેરીને એકાદ મિનિટ ઘી/તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો.

૪) ઘી/તેલ છુટું પડે એટલે તેમાં બાફેલી દાળ અને જરૂરી પાણી ઉમેરો. યાદ રાખો કે દાળને વલોવવાની નથી અને મધ્યમ પાતળી કરવાની છે.
૫) જરૂર મુજબ મીઠું ઉમેરી દાળને થોડી વાર ધીમી આંચ ઉપર ઉકળવા દો. ગેસ બંધ કરીને લીલાં ધાણા ઉમેરો.

૬) ડબલ તડકા દાળ માટે વઘાર કરીને પીરસો અને ઉપરથી લીંબુ નીચોવીને બાટી સાથે દાળની મજા માણો…

નોંધ :

★ દાળ બાફતી વખતે તેમજ ડુંગળી-ટામેટાં સાંતળતી વખતે મીઠું ઉમેરવાનું છે આથી મીઠું વધારે પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

★ દાળ એકદમ ઓગળી જાય તેવી બાફવાની નથી, ફક્ત દાળ બરાબર ચડી જવી જોઈએ.

★ ડબલ તડકા દાળ બનાવવા માટે ઘીમાં જીરૂં અને લાલ મરચું ઉમેરીને દાળ પીરસેલી હોય તેમાં ઉપર વઘાર રેડી દો.

તો તૈયાર છે… માલવાની દાલ-બાટી અને રાજસ્થાનના બાટી-ચૂરમાનાં લાડુ…

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

ફ્રેન્ડસ, આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!