જાણો વિનોદ ખન્નાનુ જ્યારે મોત થયુ હતુ ત્યારે ઋષિ કપૂરને નવા પેઢીના કલાકારો પર કેમ આવ્યો હતો જોરદાર ગુસ્સો

રિશી કપૂર સાહેબે નવી પેઢીના કલાકારોની ઝાટકણી કાઢી..કેમ એકેય જણો આભડવા ના આવ્યો વિનોદ ખન્નાને ત્યાં..? અરે રે..રે શું કેહવુ કપૂર સાહેબ..!! એકલા વિનોદ ખન્ના ને ત્યાં નહિ, ઘેર ઘેર આ હાલત છે..!

આજકાલ સ્મશાનમાં માંડ પચીસ ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

ઘણીબધી વાર એકાદ છેડે થી ઉપર નીચે થઇ જાય છે નનામી, અને અમારા જેવાએ રીતસર દોડી અને છેડો સાચવવો પડે છે..! શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે કેમ કે નનામીને સોસાયટીના ઝાંપા સુધી ઉપાડીને ચાલવાની પણ તાકાત નથી રહી આજકાલની પેઢીમાં..! આ મુદ્દે હું યુથની સાથે નથી..પાછું પડે છે યુથ..!

image source

બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે.. જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપડ્નારો પૂછે છે બેસણું ક્યારનું રાખ્યું છે ? અને બેસણા માટેના ફોનમાં ફોન ઉપાડનારા એમ પૂછે છે કે બીજી કોઈ વિધિ રાખી છે ..?

સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મુકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મુક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..! સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને, કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને પોતનાને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે અને ધીમે ધીમે પ્રેમથી પંપાળીને ઊંઘાડે..?

કામ ઉપાડી લેવાવાળા છોકરા, અને રસોડું સાચવી લેતી વહુ દીકરીઓ અને સ્વજનને સાચવતા વડીલો, બાપ મર્યો હોય એને સાચવતા કાકા અને માં મરી હોય એને સાચવતા માસી,પ્રેમથી બરડે હાથ ફેરવી ફેરવી ને કોળિયા ભરાવે અને માથે હાથ ફેરવી ફેરવી ને ઊંઘાડી દે..અને બહારગામથી આવેલા મામી માસી ફોઈ કાકી જે રોકાઈ પડે અને જ્યાં સુધી બધા સેટ ના થાય ત્યાં સુધી આખું ઘર સાચવી લે..

image source

બધું જ સરખું રૂટીન માં આવે પછી જ ઘર છોડે..! આ બધું જ ઓછું થતું જાય છે.. અને હવે બહુ કાઠુ થતુ જાય છે આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં આ કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી એવી ભાવના..!

બજારોમાં પાંખી પડતી ગામમાં, અને આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,રસ્તમાં જોડે ચાલતા ડાઘુઓ એક એક લાકડી કે સાંઠી ઝાલતા જતા, અને ક્યા લાકડાથી કેવી રીતે ચિતા ગોઠવાઈ જતી..કોઈ પૂળા,કોઈ તલ, કોઈ છાણા લાવતા અને બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દુર રહ્યું બેસણામાં જતા જોર આવે છે..! હા બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટ્સ વધવાનું છે..!

image source

હું પેહલા પણ લખી ગયો છું કે જીંદગીની બેલેન્સશીટ ચિતા પર બને છે અને અફસોસ એ વાત નો છે કે માણસ એની ઉપર પોતાની સહી નથી કરી શકતો..!

ગ્રોથની બેલેન્સશીટ હોય અને પ્રોફિટથી છલકાતી હોય ત્યારે એની ઉપર સહી કરવા નો આનંદ અનેરો હોય છે, પણ ગમે તેટલો ગ્રોથ કર્યો હોય તો પણ ફાઈનલ સહી તો નથી જ કરી શકવાના..!

આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવેશે કેટલા હાજર રેહશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાને જનતા આવે છે પેલી કેહવત સો ટકા સાચી છે શેઠનું કુતરુ મરે તો ગામ આખું આવે અને શેઠ મરે તો કોઈના આવે..! કુતરુ મર્યું તો શેઠ બહુ કામનો માણસ છે, અને શેઠ મર્યા તો કામનો માણસ જ ગયો તો હવે કોના મોઢે આવવાનુ..? હા એવુ બને કે શેઠના છોકરા એમના કરતા વધારે કામના હોય તો ગામ નહિ આજુબાજુના બે ગામ પણ ખાલી થઇને મોઢે થવા આવી જાય..!

image source

વિનોદ ખન્નાના કોઈ છોકરા એવા કામના નથી એટલે કોઈના ગયુ.. રાજેશ ખન્નાનો જમાઈ અને છોકરી ઘણા કામના છે એટલે ગામ આખું ઉમટી પડ્યુ હતુ..!

મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હુંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!

અને માણસને માણસની હુંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યાના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે ખાલી આપડી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે..!

image source

જયારે પેલા કે પેલીની નજર મૃતકને શોધતી હોય અને ત્યારે આજુબાજુ થોડા માણસો હોય તો દુ:ખડા બે ચાર ક્ષણ માટે ભૂલાય..

અને સ્મશાનથી પાછા ફરતાની વાત કરું તો જેની જોડે જિંદગી આખી જોડાયેલા હોઈએ એને મૂકીને આવવાનું હોય છે ત્યારે બે ચાર જણા તો જોઈએ એવા કે સાથે ને સાથે રહે..

મતલબની દુનિયા છે..

ફિલ્મી દુનિયાની અને બીજી દુનિયા ઘણી બધી દુનિયા જેમાં દરેક જગ્યાએ “મતલબ” શોધતા એમએલએમ અને ઇન્સ્યોરન્સ ફિલ્ડના મોટા મોટા મહારથીઓ પણ આવા સમયે કોઈક ને શોધતા હોય છે..!

image source

ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!

સોશિઅલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુથ એ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહિ જવું જોઈએ ?

image source

પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરા..

નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ ભણતર ક્લાસ અને હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..? આ બધા બહાના ખોટા છે…

જે દિવસે મરણનો વ્યહવાર તૂટશે એ દિવસ પછી સમાજને તુટતો કોઈ નહિ બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?

image source

ફટ છે.. ધિક્કાર છે.. એ સમાજને જે દિવસે નનામી ઊંચકવા માણસો ભાડે લાવવા પડે એ દિવસે..! તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..? નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?

રિશી કપૂર સાહેબની બળતરા સાચી છે.. આપની સાંજ શુભ રહે

લેખક : શૈશવ વોરા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ