ઉંદરને ઘરમાંથી કાઢવા તેને હવે મારવાની જરૂર નથી, આ નુસ્ખો અજમાવી જૂઓ. જાતે જ નીકળી જશે…

ઘરમાં કે ઓફિસમાં ઉંદરનો ત્રાસ છે? આ એકદમ સરળ અને સસ્તો ઉપાય કરી જૂઓ. ઉંદરને માર્યા વિના મેળવી શકાશે કાયમ માટે છૂટકારો… ઉંદરને ઘરમાંથી કાઢવા તેને હવે મારવાની જરૂર નથી, આ નુસ્ખો અજમાવી જૂઓ. જાતે જ નીકળી જશે…

આપણાં ઘરમાં જ્યારે પણ ઉંદર ત્રાસ વધવા લાગે છે ત્યારે એ આપણી અનેક વસ્તુઓને નુક્સાન પહોંચાડે છે. આપણાં કપડાં, કિંમતી સાડીઓ, પુસ્તકો અને અનાજ તેમજ ખાદ્ય પદાર્થોને કોતરીને બગાડી મૂકે છે. ઉંદરના ફેલાવવાથી ઘરમાં કંઈક અણગમો પણ જણાવવા લાગે છે. જેમ કે આપણાં ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અને ઉંદર પસાર થાય તો કેટલું ઘર અવ્યવસ્થિત લાગે?

કોઈ વાંચતાં – લખતાં હોઈએ ત્યારે કે પછી પરિક્ષાની તૈયારી કરતાં હોય બાળકો એ સમયે ઝડપથી બાજુમાંથી ઉંદર નીકળે તો કેવા રાડો પાડવા લાગે? વિચારી જુઓ કે જમતી વખતે કે રસોઈ કરતી વખતે ઉંદર દેખાઈ જાય તો? વળી, વિચારો કે વોશિંગ મશીનની પાઈપ, ગેસની ટ્યૂબ કે પછી સોફાના કવર કોતરી મૂકે ઉંદર તો ઘરની શું હાલત થાય?

એક રીતે જોઈએ તો આપણી ધાર્મિક સંસ્કૃતિની માન્યતામાં ઉંદરને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે. તેથી તેને લાકડીએ મારીને કે ઝેરની ટીકડીઓ ખવરાવીને મારી નાખીને તેને નાબૂદ કરવાનો પણ આપણને જીવ નથી ચાલતો પરંતુ ઉંદર દ્વારા વિવિધ રીતે થતા નુક્સાનને પણ આપણે સહન નથી કરી શકતાં ત્યારે શું કરવું એવું જેના લીધે એક કહેવત મુજબ ‘સાપ ભી મર જાયે ઔર લાઠી ભી ન તૂટે’ એમ ઉંદર પણ ઘરમાંથી નીકળી જાય અને તેને મારી નાખવાનું આપણાં હાથે પાપ પણ ન થાય એવું કરવું જોઈએ. એમાં અનેક ઉપાયો ઘણાં સમયથી થતા હોય છે જેમાં રોટલીના લોટમાં દવા મેળવીને કે એવા સ્પ્રે છાંટીને કિટકો અને ઉંદરોનો ત્રાસ ઓછો કે નાબૂદ કરી શકાય છે.

પરંતુ તેમાં જીવ હત્યાનો ભય જરૂર રહે છે. કંઈક એવો ઉપાય પણ હોવો જોઈએ જેથી ઘરમાંથી તેમનો સફાયો થઈ જાય અને તે આપણાં હાથે મૃત્યુ પણ ન પામે. આવો જોઈએ એવો એક ઉપાય જે એકદમ સરળ છે, જેને કરવા માટે બહુ ખર્ચ કે સમયનો બગાડ પણ નથી થતો. વળી, તેના લીધે ઉંદર સહિત કેટલીક જીવાત પણ ઘરમાંથી બહાર નીકળી જાય છે. આ ઉપાયને કરવા માટે લેવામાં આવતી વસ્તુઓ પણ ખૂબ જ સસ્તી છે અને સરળતાથી ઘરમાં જ કે નજીકના કોઈપણ સ્ટોરમાંથી ખરીદી લઈ શકાય તેવી છે.

આરોગ્ય અને સ્વચ્છતાનો દુશ્મન છે ઉંદર…

ઘરમાં આમતેમ દોડતા ઉંદરોને જોઈને આપણને ઘણીવાર જમવાનું પણ નથી ભાવતું હોતું. તેમાંય જો ઉંદર કોઈ કબાટના ખાનામાં લીંડી કરી જાય કે કોતરીને બધું બગાડી જાય તો આખું ઘર વિચિત્ર પ્રકારની વાસ મારવા લાગે છે. રખેને કોઈ ઉંદર ઘરમાં જ મરી જાય તો પણ તે તિવ્ર દુર્ગંધ મારવા લાગે છે. તેવામાં આપને એક એવા ઉપાયની શોધમાં લાગી જઈએ છીએ જેથી ઉંદર ઘરની બહાર નીકળી જાય. ભલે મરે નહીં પણ તેનો ત્રાસ દૂર થાય અને એ પણ કાયમને માટે એ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘરમાં ઉંદરને કારણે ગંદવાડ અને મંદવાડ બંને થઈ શકે છે તો તેનો ઉપાય કરવો અતિ આવશ્યક બની રહે છે.

ઉંદર મારવાની દવા વાપરવી છે અસુરક્ષિત…

જોવા જઈએ તો અનેક કિટનાશકો અને ઉંદર મારવાની દવા ઉપ્લબ્ધ છે બજારમાં પરંતુ આપણે ઉંદરને મારીને તેનાથી મુક્તિ મેળવવાનું ગમતું નથી. એક તો આપણી ધાર્મિક સંસ્કૃતિમાં ઉંદરનું ખાસ મહત્વ છે, બીજું જે રીતે પ્રાકૃતિક રીતે પોષણ કડી હોય એક જીવ બીજા જીવને ખાય એ રીતે જો આપણે ઉંદર મારી નાખીએ તો આ કુદરતી સાંકળમાં વિક્ષેપ જરૂર પડે અને ત્રીજી વાત જો ઘરમાં જ ઉંદર મરી જાય તો તેને કોઈ ખૂણેખૂણામાંથી શોધીને તે જગ્યાની સાફસુફી કરવું ખૂબ અઘરું અને સૂઘ ચડે એવું કામ થઈ રહે છે. વળી, જો ઘરમાં નાના બાળકો હોય તો આવા ઝેરીલા પદાર્થો પણ ઘરમાં રાખવા સલાહભર્યા નથી હોતા. તેથી કોઈ દવા છાંટીને કે ઉંદરની રોટલીમાં ઉમેરીને ખાવામાં આપવા જેવા ઉપાયો સહેજ પણ સુરક્ષિત નથી. તેથી આ ઉપાયોને ન કરવા જોઈએ.

આવો જોઈએ એવો એક અક્સીર ઉપાય, જેનાથી ઉંદરનો ત્રાસ તરત જ થઈ જશે દૂર…

તમાકુ

એક પેકેટ નાનકડું તમાકુનું લ્યો. આપ છૂટક મળતું તમાકુનું પેકેટ જ લઈ શકો છો અને તમાકુની સાથે ગુટખા મેળવેલ પેકેટ પણ મળે જ છે બજારમાં પરંતુ આ પ્રયોગ માટે આપે માત્ર સાદી તમાકુની પત્તી જ લેવાની રહેશે. એક નાનું પેકેટ માંડ ૧ રૂપિયાની આસપાસ મળે છે. તમાકુ લેવાનું કારણ એ કે તેમાં ખાસ પ્રકારનો કૈફી પદાર્થ હોય છે જે ઉંદરને મારી નહીં નાખે પરંતુ તેને ઘેન અનુભવાશે અને બેભાન અવસ્થામાં તે પાણીની તરસ સાથે ઘરની બહાર નીકળી જવાની કોશિશ કરશે. છૂટક લીધેલ તમાકુ હોય તો એક ચમચી જેટલું પ્રમાણ લેવું અને નાનકડી ૧ રૂપિયાવાળી તમાકુની પડીકી હોય તો એક નાની વાટકી લઈને તેમાં આખી ખાલી કરવી.

શુદ્ધ દેશી ઘી

જે વાટકીમાં આપ તમાકુ લઈ રહ્યા છો તેમાં ૨ કે ૩ ચમચી શુદ્ધ દેશી ઘી ઉમેરવાનું રહેશે. ઉંદરોને ઘીની સુવાસથી આકર્ષિત કરી શકાય છે. કારણ કે મિશ્રણમાં માત્ર તમાકુ પડ્યું હશે તો તેની આખરી સુગંધથી ઉંદર આ પદાર્થ ખાવા નહીં આવે પરંતુ કોઈ વસ્તુમાં ઘી લગાડેલું હશે તો ઉંદરો જરૂર ત્યાં પહેલાં પહોંચે છે. તેથી તમાકુના મિશ્રણની સાથે થોડું દેશી ઘી ઉમેરવું ખૂબ જ જરૂરી છે. તેલ કે વનસ્પતિ ઘી એટલી અસર નહીં કરે જેટલું સાચું ઘી કરશે.

ચણાનો / બેસનનો લોટ

ઘી અને તમાકુના મિશ્રણને બરાબર મસળીને એકસર કરી લેવા. ત્યાર બાદ તેમાં દોઢ ચમચી જેટલો બેસનનો લોટ ઉમેરવો. હવે તેને પણ એક સાથે બરાબર મસળીને ગોળીઓ વળે તેવો માવો બનાવી લેવો. હવે બેસનની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકાય પરંતુ તે લાંબો સમય સુધી ચણાના લોટની જેમ સોફ્ટ નથી રહેતો. ઘઉંનો લોટ જલ્દી સૂકાઈને કડક થઈ જાય છે. તાજો ન લાગે તો ઉંદર તેને ખાવા પહોંચતા નથી. તેથી બેસનનો લોટ ચીંકણો પણ નથી થતો અને સુંવાળો પણ રહે છે. ઘી અને બેસનના લોટથી બનાવેલ માવાની ગોળીઓને ઉંદર મજાથી ખાવા આવશે.

લાલ મરચું પાઉડર

આ મિશ્રણમાં વધુ એક વસ્તુ ઉમેરવાની રહેશે તે છે લાલ મરચાંનો પાઉડર. આપને થશે કે આમ કેમ? તો આપને જણાવીએ કે તમાકુની આલ્કોહોલિક અસરની સાથે જો લાલ મરચું પાઉડર પણ આ મિશ્રણમાં હશે તો તે અર્ધ બેભાન અવસ્થામાં તડપીને પાણી પીવા માટે તરત જ ઘર છોડીને બહારની તરફ ભાગવા લાગશે અને ફરી આપના ઘરમાં કદી પણ આવવાની હિંમત નહીં કરે.

પાણી

આ આખા મિશ્રણમાં થોડું એવું પાણી ઉમેરીને એક સોફ્ટ લોટ બાંધી લો. આ લોટ એકાદ બે પૂરી કે રોટલી થાય એટલો થોડો જ બનાવવાનો રહેશે. એટલે કે તેનું પ્રમાણ વધારે ન કરવું. જરૂર પડે તેને સોફ્ટ બનાવવા પ્રાણીનું પ્રમાણ થોડું ઓછું વધારે નાખી શકાય છે. લોટ બંધાઈ જાય એટલે ફરીથી ઘીવાળો હાથ કરીને તેને આખો ટૂંપી લેવો.

આ મિશ્રણનો ઉપયોગ કઈરીતે કરવો?

એકદમ સોફ્ટ લોટ બાંધ્યા બાદ તેની નાની નાની ગોળીઓ વાળી લેવી. આ ગોળીઓ વાળતી વખતે પણ ઘીવાળો હાથ કરવો. ઘીની સુગંધ જ મુખ્ય છે ઉંદરોને આ મિશ્રણથી આકર્ષિત કરવા માટે તેથી તેનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે.

આ મિશ્રણની ગોળીઓ ક્યાં અને ક્યારે રાખવી…?

તમારા ઘરમાં ઉંદરો ક્યાં ક્યાં દેખાય છે એજ જગ્યાઓ નક્કી કરી લો. તમને થોડો અંદાજ તો આવી જ ગયો હોય છે કે કઈ જગ્યાએ ઉંદર જોવા મળે છે. તેમ છતાં રસોડાંના ખાણીપીણીના ડ્રોવર પાસે, ફ્રિઝની નીચે, સોફાની નીચે અને દરવાજાઓની પાછળ વગેરે જગ્યાઓએ આ ગોળીઓ રાખી દો. આ પ્રયોગ કરવા રાતનો સમય નક્કી કરવો. ઘરમાં ચહલપહલ ઓછી હોય અને લાઈટ્સ બંધ હશે એવા સમયે કરશો તો ઉંદર તરત બહાર નીકળશે આ ઘીવાળી ગોળીઓ ખાવા માટે. એને બહાર નીકળી જવા કોઈ એવો દરવાજો, બાથરૂમનું વેંટિંલેશન કે બારી ખુલ્લી પણ રાખવી જેથી તેને જતા રહેવામાં પણ સરળતા રહે પરંતુ તેમને પાણી ન મળવું જોઈએ જેથી વાસણ ઘસવાની ચોકડી કે બાથરૂમની બાલદી જેવી જગ્યાઓએ પાણીની વ્યવસ્થા એ સમયે ન રાખવી. નહીં તો એવું પણ બને કે તડપીને ઉંદર ત્યાં જ દમ તોડી ન દે, તેનું પણ ધ્યાન રાખવું.

આ ગોળીના પ્રયોગથી ઉંદરો એ સમયે તરત મરી જતા નથી પરંતુ તેમને બળતરા થાય છે, ઘેન ચડે છે અને તેઓને તડપ થવા લાગે છે તેથી ઘરની બહાર ભાગવા પ્રયત્ન કરે છે. આ રીતે એકવાર બહાર નીકળી ગયેલા ઉંદર કદી ફરી પાછા અંદર આવતા નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ