ટક… ટક..ટરરર – રતીલાલને એવી ટેવ પડી ગઈ કે જે ગ્રાહકને માથે ટકો કરે એના માથામાં ટકોરા મારે અને એક દિવસ…

વઢિયારનું એક ગામ. ગામમાં અઢારેય કોમનાં માણસો. એમાં રતિલાલ કેશ કર્તનકારનું પણ એક ઘર. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. આખા ગામ વચ્ચે આ રતિલાલ એકજ કેશ કર્તનકાર એટલે રતીલાલનાં માનપાન વધારે. આ અઢારેય કોમના માણસોને રતીલાલની સારા- માઠા પ્રસંગે જરૂર પડે. એટલે ગામનાં માણસો રતીલાલને હુલાયો-ફુલાયો રાખે.

સવાર પડેને રતિલાલ પોતાની વાળ કાપવાની-કોથળી લઈને એ ગામની શેરીઓમાં નીકળી પડે. એની કોથળીમાં સજાયો, પથરી (સજાયો ઘસીને તેજ કરવા માટે) , ચામડાનું ટપલું, નાણાવટી કપડાં ધોવાનો સાબુ, કાતર , નખ કાપવાની નખલી,એક પાણી ભરવાની નાની વાટકી અને એક કપડાનો મેલોઘેલો ટુકડો આટલું હોય.એને ખબરજ હોય કે આજ કોના ઘેર વતાં (હજામત) કરવા જવાનો વારો છે. જઈને પછી એનું કામ ચાલુ કરી દે. જેના ઘેર સવારે કામ કર્યું હોય એ ઘરવાળા પછી રતીલાલના ઘેર એક રોટલો પહોંચતો કરે.

રતિલાલ કપડાં ધોવાનો સાબુ દાઢી પર લગાવીને કોઈ જાણે મરેલી ભેંસનું ચામડું સાફ કરતો હોય તેંમ જુવાન માણસની દાઢી છોલતો હોય. લોહીની ટીસીઓ ફૂટી આવે તો પણ દાઢી કરાવનાર માણસની દેણ નથી કે જરાય ચોંકારો કરે! કારણ રતિલાલ એવા આકરા સ્વભાવનો કે જો ગ્રાહક જરાય ચોંકરો કરે કે આઘો પાછો હલે, તો એ એને અડધી હજામતે ઉઠાડી મૂકે.

આમતો ગ્રાહકના ઘરે જઈને રતિલાલ વતાં (હજામત) કરી આવે પણ જેને બહાર ગામ જવું હોય કે કોઈની વહુ આણુ વળીને આવવાની હોય કે બીજા કારણે હજામત કરાવવાની જેને ઉતાવળ હોય, તેવા માણસોને રતીલાલને ઘેર જવું પડે.

રતીલાલને એની આવી અનોખી સેવાના બદલામાં ખેડૂતો, દાઢી દીઠ વરસે સવા મણ અનાજ આપે. છોકરો જુવાન થાય ને દાઢી-મૂછ ફૂટે ત્યારે પહેલી દાઢીના કરાવવાના રતીલાલને સવામણ દાણા એકષ્ટ્રા ચૂકવવા પડે. એવી રીતે હજામત કરવાની મજૂરી સામે માલધારી કોમ એને આખું વરસ દૂધ મફત આપે, વેપારી વર્ગ એનું નામું ધીરે અને સારા-ભલા પ્રસંગે એને નાણાં ધીરે. આમ રતીલાલનું ગાડું આરામથી ચાલ્યું જાય.

હજામત ઉપરાંત રતિલાલ ગામલોકોનાં બીજા કેટલાંક કામ કરે. કોઈના ઘરે વિવાહ હોય તો ઘરના ચુલે બેઠો બેઠો મોટા તપેલામાં ચા ઉકાળતો હોય.તેથી રતિલાલ વિવાહ વાળાના ઘરે બેરોકટોક રસોડા સુધી પહોંચી જાય. રસોડામાં તેનાથી મોટી ઉંમરના ગ્રાહકની ઘરવાળી આવી જાય તો તેનો મશ્કરી ઠઠ્ઠો કરી ને મજાનું લટકું લઈ લે. મૈણ-પૈણ વખતે એ ગામમાં ઘરે ઘરે ફરીને જમવાનાં નોંતરું આપી આવે. કોઈનું મરણ થયું હોય તો એ સુંવાળાના દિવસે તળાવની પાળે બેસી મરણજનારના કુટુંબીઓના દેશી અસ્તરેથી ચૈડ ચૈડ વાળ ઉતારતો હોય.

ગામમાં જેનાં લગ્ન લેવાયાં હોય તે વરરાજાને એ પીઠી ચોળવાનું કામ કરે. છોકરી પૈણતી હોય તો વળી રતીલાલની ઘરવાળી પીઠી ચોળવા જાય. છોકરા કે છોકરીના લગ્ન પ્રસંગે એને સારી એવી રકમ શીખમાં મળી જાય ને ધોળી સિગારેટથી તો એનું ખિસ્સું સગ સગ થઈ જાય.પછીતો ભયો ! ભયો ! બાર મહિના એના ચપટી વગાડતાં નીકળી જાય.

આમ ગામ લોકોને આ રતીલાલની ડગલેને પગલે જરૂર પડે , આથી કેટલીક વખત રતિલાલ પણ ડંફાસ મારાતો ફરે. આલિયાની વાત માલિયાને ને માલિયાની વાત કાનીયાને થોડું મીઠું-મરચું ભભરાવીને કહેતો ફરે . કોનું સાંધાણું ને કોનું તૂટવાનું છે એની લેટેસ્ટ માહિતી આ રતીલાલની મેમરીમાં સેવ થયેલી પડી હોય. છેલ્લા આઠ-દસ વર્ષથી તો ગામ લોકો આ રતિલાલની કહેવાતી દાદાગીરીથી ખૂબ વાજ આવી ગયેલાં.

રતીલાલને એવી ટેવ પડી ગઈ કે જે ગ્રાહકને માથે ટકો કરે એના માથામાં રતિલાલ પોતાના જમણા હાથની તર્જની આંગળી ઊંઘી કરી, ટક…. . ટક…. ટરરર એમ બોલીને ત્રણ ટકોરા મારે. ગરજવાળું ગ્રાહક આ ત્રણ ટકોરા ખમીને તેની સામું હસવા લાગે. પણ ભણતા થયેલા ગામના કેટલાક છોકરા, લખમી વાણિયો, લાલો કુંભાર ને રાજીયા રબારીને રતિલાલનું આ અપલખણ ના ગમે.

રતિલાલ જ્યારે પણ લખમી વાણિયાની હજામત કરવા આવતો ત્યારે એના બોળા થઈ ગયેલા માથામાં ટક.. ટક… ટરરર એમ બોલીને ઊંઘી આંગળીથી ત્રણ ટકોરા મારતો અને લખમી ને એના સુંવાળા માથામાં બહુ વાગતું પણ લખમી સમસમીને બેસી રહેતો, કાંઈ બોલી ના શકે. જો કાંઈ બોલે તો , રતિલાલ બીજી વખતે હજામત કરવાની ઘસીને ના પાડી દે. રખેને જો રતિલાલ ના પાડે તો અઠવાડિએ ને દસ દિવસે પાંચ ગાઉ ચાલીને સામે ગામ હજામત કરાવવા જાવું પડે. એમાંય જો સામેના ગામવાળો કેશ કીર્તન કાર જાણી જાય કે આતો રતીલાલનો ગ્રાહક છે ને એનાથી ઝગડો કરીને અહીં હજામત કરાવવા આવ્યો છે, તો પછી એય પાછો હજામત કરી આપવાની ના પાડી દે.

આવા બધા કારણોથી રતીલાલથી કોઈ સબંધ બગાડતાં પહેલું વિચારતું અને તેની દાંડાઈ ખમી ખાતાં. રાજીયા રબારીએ એક વખત લખમી વાણિયાને કહ્યું ” શેઠ આ રતીઓ બહુ ફાટ્યો છે. એનો ઘાટ ઘડવો જોઈએ.”

” હા મારું બેટું એ બે પૈસાનું રતિયું બહુ ફાટીને ધુમાડે ગયું છે. એની કાંઈકતો દવા કરવી પડશે.” લખમી વાંણીયો દાઝમાં બોલ્યો. પણ વાણિયા એટલે ભગવાનના ભાણીયા, સો ગરણે ગાળીને પાણી પીવે એવા એ વાણિયા , ડાહી માના દીકરા કહેવાય. બને ત્યાં સુધી કોઈની સામે સીધા ઝગડામાં ઉતરે નહીં ને ગોળથી મરતો હોય એને વખ આપે નહીં. એમને મગનું નામ મરી પાડવાની ઉતાવળ હોય નહીં. આમ જલેબીના ગૂંચળા જેવા રતીલાલને સીધા રસ્તે લાવવા લખમીએ પછી એક પેંતરો રચ્યો.

*** *** *** ***
લખમી વાણીયે પછી રતિલાલ ડાવરનો ત્રાશ હેઠો પાડવા એક પ્લાન અમલમાં મૂકવાનું વિચાર્યું. જ્યારે જ્યારે રતિલાલ તેની હજામત કરવા આવેને ટક… ટક… ટરરર બોલી માથાની ટાલ પર ત્રણ ટકોરા મારે એટલે લખમી વણીયે ખુશ થઈને એને રોકડો રૂપિયો કાઢીને આપવાનું ચાલુ કર્યું. ” શાનો આ રૂપિયો આલ્યો શેઠ ? ” રતિલાલે પૂછ્યું

” અલ્યા ભઇ રતીયા તારી અફલાતૂન મહેનત પર હું ખુશ થઈને આપું છું તું તારે લઈ લે ને ” આમ રતીલાલને તો મજા પડી ગઈ. દસ-બાર દિવસે એ લખમીની દુકાન આગળથી નિકળેને જો જરા બાલ વધેલા દેખાય તો એ વગર કીધે વાટકીમાં પાણી ભરીને લખમીનો ટકો મુંડવા બેસી જાય.એવી રીતે એ રોકડો રૂપિયો કમાઈને પોતાના ખિસ્સામાં સેરવી દે. એક દિવસની વાત. લખમીએ ધારી લીધું કે હવે બકરી બરાબર ડબામાં આવી ગઈ છે. રતીલાલને દવાનો ભારે ડોઝ આપવાનો. હવે મોકો સારો છે.

રતિલાલ આવ્યો. એણે લખમી વાણિયાનું માથું મૂંડી, ટક… ટક… ટરરર કરીને લખમીના બોડા કરેલા માથામાં ત્રણ ટકોરા માર્યા. ” વાહ રતીયા આજતો મજા આવી ગઈ ! લે આજ તને બે રૂપિયા મળશે!” ” કેમ શેઠ આજ એકના બદલે બે રૂપિયા.?” રતિલાલ ખુશ થતાં બોલ્યો.

” દર વખતે તું ધીમા ટકોરા મારતો , પણ આજ તેં જોરથી ટકોરા માર્યાને મને મજા આવી ગઈ મારું માથું ચડી ગાયેલું હતું તે ફટ કરતુક ને ઉતરી ગયું.” વાણિયો રતીલાલનાં વખાણ કરતો આગળ બોલ્યો. ” જો રતીયા, તું આથી પણ વધારે જોરથી જોરુભા દરબારના માથામાં ટકોરા મારે, તો ઇ બાપુ એમના ગળામાં પડેલો હેમનો દોરો ઉતારીને તને ઇનામમાં આપી દે, એવી મજા છે તારા આ ટક…. ટક… ટરર માં ! અને પાછા એ જોરુભા બાપુ તો દિલાવર માણસ તું ક્યાં નથી જાણતો. વણીયે કચકચાવીને પાસો ફેંક્યો.ને મનમાં એક ગાળ બોલ્યો ‘ કુકડી રાંડના હવે જો જે તારી શી વલે થાય છે.’

બીજા દિવસે તો રતિલાલ બહુ ખુશ હતો. બાલ કાપવાની-કોથળી તૈયાર કરીને જોરુભા બાપુની ડોકમાં પડેલી સોનાની ચેઇનનાં સપનાં જોતો જોતો એ ઘરની બહાર નીકળવા જતો હતો ત્યાં માધુ પટેલનો કનિયો બાલ કપાવવા આવ્યો. ” રતીકાકા, મારે બાલ કપાવવા છે. તમને હોંસના આઠ આના આલિશ, મને દિલીપ કટ બાલ કાપી આલો.” ” અલ્યા કનિયા તારી વઉને તેડવા ગયા સે એટલે આજે આયો ?” રતિલાલે જોડામાં પગ નાખતાં નાખતાં કનિયાને પૂછ્યું.

” હોવે કાકા” કનિયો નીચું મો રાખીને શરમાઈને બોલ્યો. ” પણ જો બેટા કનું, અત્યારે મારે ઉતાવળ છે. તું કાલ આવજે. જો આમેય આજ બુધવાર થયો વહુને આજ તારી હાહુ મેલસે નઇ એટલે બેટા ઉતાવળો ના થા. આજ વહુની વાટ ના જોતો. જા બટી ! કાલ આવજે હો.” બુધવારની ખબર પડી એટલે કનિયાએ એક મણનો નિહાકો નાખ્યો. બિચારો કેટલાય દિવસથી એ અંધારી આઠમના દિવસનું કાઉન્ટડાઉન ગણતો હતો . ત્યાં રતીલાલે વચમાં આ બુધવારનું ઘોયું નાખીને તેની ઇન્તેજારીનો એક દહાડો વધારી દીધો.

રતીઓ તો પછી મલકાતો મલકાતો ગયો જોરુભા બાપુની ડેલીએ. બાપુની ડેલીએ બંધાણીઓની ઠઠ વાગી રહી હતી. તેઓ એક બીજાને હાથના ધોબા ભરી ભરીને અફીણનો કહુંબો આપી રહ્યા હતા. “તારા હમ ! ને જો આટલું ના લે તો મારા હમ ! ” આવા દેકારા ને પડકારા થઈ રહ્યા હતા. સગરામ રબારીના હાથમાં ઘોળેલા અફીણનો લોટો, એ બંધાણીઓને દબાણ કરી કરીને અમલ આપી રહ્યો હતો. ચાની કીટલી ફરતી હતી. કપ-રકાબીના ખખડાટ ને દેશી બીડીઓના સટાકા વચ્ચે.. ભાઈ….! ભાઈ …! આખી ડેલી ધમધમતી હતી.

બે ત્રણ ગાદલાંની પથારી પર તકીયાને આપ દઈને જોરુભા બેઠા બેઠા ચાંદીના નાકાવાળી હોકાની પાઈપમાંથી ગડુડ…ગડુડ….કસ ખેંચી રહયા હતા ને દસેય આંગળીએ હેમની વીંટીયો ઝગારા મારી રહી હતી. ઉપરા ઉપરી અમલ લેવાથી લાલ ચણોઠી જેવી એમની આંખો ચકળવકળ થઈ રહી હતી. ત્યારે રતીલાલે બાપુને ત્રણ તબકની સલામ મારી. ત્યાં જોરુભા બોલ્યાં ,” ચમ અલ્યા રતીયા બહુ ચરબી ચડી ગઈ છે ? તે ડેલીએ ડોકાતો નથી?” “અરે બાપુ આ ચાર દિવસ પહેલાં તો તમારી દાઢી કરીને ગયો, તે આજે પાછો આવ્યો છું, ” રતિલાલ બાપુના ગળામાં પડેલા લચકા જેવા હેમના દોરા સામું જોતાં બોલ્યો.

“હા, કોથળી લાવ્યો હોય તો આ ડાયરો વિખરાય પછી હજામત કરી દે તયાં શુધી થોડી ચા ટટકાર.” બાપુ ગેડિયાના ટેકે ઊભા થાતાં બોલ્યા.”ચ્યાં ગ્યો…અલ્યા સગરામ, આ ડાવરને થોડું આમલ આલો એટલે બાપુની હજામત સારી કરે.” દાયરામાંથી કોઈ બંધાણી બોલ્યો.” ના વિરમ હું આજ નઇ લઉં, બાપુની હજામત કરવાની છે ને અમલ ચડી જાય ને બાપુને જો વાગી જાય તો પછી ઇ મારો જીવ લઈ લે.” રતિલાલ બોલ્યો.

અડધા ઉપરના બંધાણીઓ ઊઠી ગયા પછી બાપુ ગેડિયાના ટેકે ખુરશી પર બેઠા.રતિલાલે એમની હજામત કરવાનું ચાલ્યું કર્યું. પાણીની વાટકીમાંથી ધોબો ભરીને બાપુના ગીધના પીંછા જેવા બરહઠ બાલ પ્લાળ્યા ને પછી કપડાં ધોવાના સાબુથી બાલમાં બરાબરના ધોધ ચડાવીને ચૈડ…ચૈડ…એતો મંડયો અસ્ત્રો ફેરવવા.

માથું છોલતાં છોલતાં રતીયો બોલ્યો, ” બાપુ, તમેતો આખો દિવસ ડેલીએ બેઠા હો છો તે કાંઈ જાણ્યું?” ” ના અલ્યા ડાવર, ગામની કાંઈ નવાજુની હોય તો કે ‘તો ખરો.” બાપુ ખોંખારો ખાતાં. બોલ્યાં. ” તારે શું બાપુ, તમેય ! આખું કોળું શાકમાં ગયું તમે અંધારામાં રયા?” સજાયો પટપટાવતાં એ બોલ્યો. ” હવે વેવલીનો થયા વગર સીધી વાત કરને. જે હોય તે.” બાપુએ ડારો દીધો.

” તે ઓલી વહતાની ઘરવાળી નઇ? ઇ ને ઓલ્યો રામજીનો નાયણો બેય જણા સેનાળુ કરતાં રંગેહાથ ઝડપાઇ ગયાં, એમાં બચારા નાયણાને આઠ વિહુ રૂપિયાનો દંડ ભરવો પડ્યો. આજકાલ કરતાં અઠવાડિયું વીતી જયું.” રતીયા એ વાસી થઈ ગયેલું બુલેટિન જાહેર કર્યું ને હજામત પણ પુરી કરી. બાપુના માથા પર રતીલાલે વાટકીથી પાણી રેડીને સાફ કર્યું ને બાપુએ પોતાનો હાથ માથે ફેરવીને ચેક કર્યું.

જે ઘડીની રતિલાલ રાહ જોઈ રહ્યો હતો એ ઘડી આવી ગઈ. એ તો તર્જની આંગળી ઊંઘી કરીને , ” ટક… ટક.. ટરર” બોલ્યો ને હતું એટલું જોર કરીને બાપુના બાલ વગરના બોડા માથામાં ત્રણ ટકોરા માર્યા. બાપુ તો ઘડીક બેહોશ જેવા થઈ ગયા પણ હડી કાઢીને ઊભા થઈને એમણે બાજુમાં પડેલો નેતરનો ગેડીયો હાથમાં લિધોને એતો પડી ગયા રતીલાલને ઝીંકવા. ઘડીકમાં તો રતીલાલને લમધોરી નાખ્યો. રાતીલાલતો પડ્યો, પડ્યો રાડો પાડવા લાગ્યો, ” આહ…આહ..અરર” “આહ…આહ…અરર” ત્યાંતો એટલામાં રાજીઓ રબારી આવી ગયો ને બાપુના હાથમાંથી ગેડીયો પડાવતાં રતિલાલ સામું જોતાં બોલ્યો. ” ટક… ટક…ટરર. અરે ! બાપુ ! છોડો આ ગરીબ બચારા રતીલાલની આંગળી ભાગી ગઈ ! હવે એ ટકામાં ટકોરા મારશે શી રીતે?” રાજીઓ રબારી મૂછમાં હસ્યો.

આમ રતીલાલની તર્જની આંગળીએ પંદર દિવસનો પાટો આવ્યો ને તે દિવસથી એ ટક… ટક.. ટરરર ભૂલી ગયો. *રતીલાલની ટાઢા પાણીયે ખસ ગઈ ને લખમી વાણિયો ભર્યા તળાવમાંથી કોરો નીકળી ગયો.*

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ