રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાના કોઈ પણ ફૂલમાં નથી..! :નાના પાટેકર

‘મહાસાગર’ નામના નાટકના ત્રણ શો હતા. વિક્રમ ગોખલે, મોહન ભંડારી અને ત્રીજી એક વ્યક્તિ: એ ત્રણે અભિનેતા હતા. એ ત્રીજી વ્યક્તિના પિતા શો દરમ્યાન મૃત્યુ પામ્યા. બાકીના શો કેન્સલ કરવાનું બધાએ કહ્યું, પેલાએ ના પાડી. બીજો શો ચાલુ થયો.

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

એમાં એક દ્રશ્ય આવે છે; જેમાં વિક્રમ પેલી વ્યક્તિને પૂછે છે: ‘તારા પિતાજી ક્યાં છે?’ અને પેલાએ સામે કહેવાનું છે કે, ‘હશે ક્યાંક, બે મહિના પહેલા આવ્યા હતા.’ પણ વિક્રમ ગોખલે એ ડાયલોગ બોલી જ નહોતો શકતો. જીભ ઉપડતી જ નહોતી. કારણ કે, એ અને બધા જાણતા હતા કે ખરેખર એના પિતાનો મૃતદેહ અંતિમસંસ્કારની રાહ જુએ છે..

નાટક ચાલુ હતું, દર્શકો જોઈ રહ્યા હતા, એટલે પેલી વ્યક્તિએ સામેથી યાદ દેવડાવ્યું-કહ્યું કે, ‘બોલ.. તું શું કેહવા માંગે છે?!’… અને એ શો પૂરો થયો. બીજા અને ત્રીજા શોની વચ્ચેના સમયમાં પિતાજીના અંતિમસંસ્કાર થયા. શો જરૂરી હતો. કેમ કે, શોમાંથી મળતા પૈસા જરૂરી હતા! પિતાનું મૃત્યુ પણ સરકારી હોસ્પીટલમાં, તેમની સારવાર કરાવવા જેટલા પૈસા ન હોવાથી થયું હતું.. આવા અંગત દુઃખોના બચાવેલા આંસુને કેમેરા સામે રોઇને વેંચી નાખનાર એ અભિનેતાનું નામ છે: નાના પાટેકર!

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

નાના પાટેકર એના ફિલ્મી પાત્રોની જેમ રીઅલમાં પણ સનકી, મૂડી, ગરમ મિજાજી લાગે. દોસ્તો ઓછા. અભિનેતા કરતા રસોઈયા વધારે સારા! જે સાચું છે એ કહી દેવાની ખુમારી અને જુઠું કોઈનું સાંભળી ન શકે. બાળપણ દરિયાકિનારે વીત્યું, એટલે સ્વભાવ સમન્દર જેવો! થોડા દિવસો પહેલા જ તેઓ ચુપચાપ, મીડિયાને જાણ કર્યા વગર ખેડૂતોની બેકાર હાલત ધરાવતા મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા.

ખેડૂતોની કંગાળ અને દયનીય હાલત જોઇને હ્રદય હચમચી ઉઠ્યું. નાનાએ તરત જ જરૂરિયાતમંદ ખેડૂતોને રૂ. ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ સુધીનું પેકેજ આપ્યું. અત્યાર સુધી રૂપિયા ૬૦ લાખ વહેંચી ચુક્યા છે. આ વાત જૂની નથી, ઓગસ્ટ ૨૦૧૫ની છે. કોઈ પણ હોહા કર્યા વિના કે ગામમાં ઢંઢેરો પીટ્યા વગર ગરીબોની સહાય કરવામાં મચી પડ્યા. થોડા સમય પછી એક ન્યુઝપેપરમાં એ વિષે ન્યુઝ છપાયા બાદ દરેકને જાણ થઇ. અક્ષય કુમાર પણ નાનાસાથે જોડાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

ભારતના ખેડૂતોની દયનીય હાલત, તેમની મજબૂરી, આત્મહત્યા કરનારની સંખ્યા- આ વાતો આઝાદીના છ દાયકા પછી પણ આપણે સાંભળીએ છીએ, એ શરમની વાત છે. એ વિષે અલગ લેખ થઇ શકે. આજે વાત આ દરિયાદિલ નાના પાટેકરના સફરની કરવી છે. શા માટે તેમને ઈચ્છા થઇ ગરીબોની મદદ કરવાની? એમનો સ્વભાવ આટલો ગુસ્સાવાળો, ‘મુંહફટ’ કહી શકાય એવો કેમ છે? શા માટે તેઓ અન્ય અભિનેતાઓથી અલગ

તરી આવે છે? એની પાછળ એમનું બચપણ, એમણે ખાધેલી ઠોકરો, રોટલીના ટુકડામાટેનો વલવલાટ- એમનો સંઘર્ષ છુપાયેલો છે..

નાનાને સમંદર ગમે. તેઓ કવિતા-શાયરી, લેખો લખે. લખવામાં પણ બોલવા જેવા જ. જેવું મોઢું ચાલે, એવા જ હાથ! તેમણે વર્ષેક પહેલા સોસીયલ મીડિયા પર મરાઠીમાં એક લેખ લખેલો. મુંબઈગર દોસ્ત હિતેશ જોશીએ એનો અનુવાદ કરી શેર કરેલો. મારી નજર પડી, ભીતર અડકી ગયો. ફરી ફરી મરાઠીમાં વાંચ્યો, ગુજરાતીમાં જોયો અને થોડા ફેરફાર સાથે તૈયાર કર્યો.. તો અહીં પેશકશ છે નાનાની જુબાની, એમની કહાની..

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

ઓવર ટુ નાના: ‘ઉમ્રના તેરમા વર્ષે, ૧૯૬૩માં નૌકરી ઉપર લાગ્યો. બપોરે સ્કુલ પતે એટલે ઘરે હોય (ક્યારેક ન હોય) તે ખાઈ, બે વાગતા સુધીમાં આઠ કીલોમીટર ચાલતા જવા નીકળી પડવાનું.. રાત્રે નવ-સાડા નવે ફરી ત્યાંથી આઠ કીલોમીટર ચાલતા આવવા નીકળવાનું.. ઘરે પહોંચતા પહોંચતા સાડા અગ્યાર, ક્યારેક ક્યારેક બાર પણ વાગતા. ફરી સવારે પોણા છએ ઊઠીને સ્કુલે જવાનુ.

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

નૌકરીમાં મહીનાના રૂપિયા પાંત્રીસ અને સાંજનું એક ટાણાનું ભાણું મળતું. જતી વખતે અને આવતી વખતે એમ બે વાર રસ્તામાં સ્મશાન આવતું, ક્યારેય કોઈ ભૂત દેખાણો નહીં.. પેટમાંની ભૂખનો ભૂત, દુનીયાના બધા ભૂતોથી ભયાનક હોય છે. કોઈ પણ નિશાળ ન શીખવી શકે એવી વસ્તુઓ, સંજોગ અને અનુભવ શીખવી દે છે…

આવનારી ક્ષણ કેટલી પણ દુઃખદાયક હોય, સામે જઈને એને ભેટવાનુ હતુ. મારે મરવાનુ નહોતું..! બીજો કોઈ પર્યાય જ નહોતો ને! રાતે કામ ઉપર જમતી વખતે, પાછળ ઘરે રહેલા ભાઈ અને મા-બાપની યાદ આવતી. ‘એમણે કાંઈ ખાધુ હશે કે ?’ એવો વ્યર્થ વિચાર મનમાં આવતો અને પેટની ભૂખની આગમાં જ ન જાણે ક્યાં ભસ્મ થઈ જતો..

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

અડધી રાત્રે પાછા ફરતી વખતે રસ્તો એકદમ ખાલી, સુમસામ-ભયાનક લાગતો. એ વખતનું મુંબઈ, જુદું મુંબઈ હતુ. અનેક વાર દારૂડિયાઓ પજવવા નજીક આવતા, જેમ-તેમ એમની નજર ચૂકવી આગળ નીકળી જતો; પાછળ વળીને જોતો, એ હજુય ગાળો આપતા હોય.. હું પણ અંતર રાખી એમને માં-બેનની વળતી ગાળો આપતો; રસ્તા ઉપરના પથ્થરો તો હતા જ મદદે. પરિણામની ચિંતા નહોતી.. કાલનો વિચાર નહોતો.. બસ આવેલી ક્ષણને સાચવી લેવાની હતી. જેમ જામે તેમ, ગમ્મે તેમ..!

ક્યારેક કોઈ પાછળ આવે તો વખત જોઈ ભાગી પણ જવું પડતું અને પછી મનથી ગાળો દેવાની. એહસાસ જ ન થાય એ રીતે મૌતનો ડર ગાયબ થઇ રહ્યો હતો… આંખો સામેના અનુભવો તેરમા વર્ષે ત્રીસમાં વર્ષની સમજ સીંચતા જતા હતા. રસ્તામાં ઘણી વાર પાછા ફરતી વખતે ફુટપાથ ઉપર ચાલતો શૃંગાર જોવા મળતો. એક જ સાથે ધ્રુણા અને કિશોરવય સહજ સંવેદનો અનુભવતો. નજર છોકરીઓના ચેહરાથી એમની છાતી તરફ સરકવા લાગી હતી. પણ કોણ જાણે કેમ પેટની ભૂખ એથી નીચે ઉતરી નહીં ક્યારેય..!

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

ઉનાળાની ગર્મીલી બપોરોમાં ચાલતા કામ ઉપર જતી વખતે, રસ્તામાં આવતી ઉડુપી રેસ્ટોરન્ટમાંથી આવતી સુગંધોને લીધે અજાણતા જ ચાલ ધીમી પડી જતી. એકવાર ત્યાં થાક ખાવા રોકાયો, પેલા એ અંદરથી બે ઈડલી લાવી હાથ ઉપર મૂકી અને હું ગુસ્સામાં ચીખ્યો: ‘હું કાંઈ ભિખારી નથી!’ ત્યાંથી નીકળ્યો તો આંખમાંના આંસુને લીધે આખો રસ્તો ધૂંધળો લાગ્યો. રાત્રે ઊંઘમાં હું રડતો હતો એવું સવારે માંએ કીધું.

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

એમના ખુબ પૂછવા બાદ મેં જે સાચું હતું એ કહી દીધું અને સ્કુલે ગયો. બપોરે ઘરે પાછો આવ્યો ત્યારે બારીમાંથી જોયું તો માં-બાપ રડતા હતા. હું બહાર થોડા આંટા મારી પછી જ ઘરે ગયો. ત્યાં સુધી વરસાદ પસરી ચુક્યો હતો.. છોકરાઓ માટે કાંઈ કરી નથી શક્તા એવું વિચારી વિચારી માં-બાપ કોચવાતા હતા. કાંઈ કહેતા નહોતા પણ હું જાણું કે અંદરથી તૂટતા હતા… માં હજુ થોડી ધૈર્યવાન હતી પણ મને પપ્પા માટે બહુ ખરાબ લાગતું, એમની ચિંતા થતી. તેઓ બહુ સરળ હતા. કોઈ વ્યસન નહીં, માસાહાર પણ નહી. એ કમી આગળ જતા જો કે મેં પૂરી કરી..

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

પપ્પાનો વ્યવસાય જ્યારે સારો ચાલતો ત્યારે અમારા ખુબ સગા-સંબંધીઓ હતા. ખૈર, રજાના દિવસે તો સાંજનુ જમવાનુ ઘરવાળા જોડે કરવાનુ. બે રોટલી, દાળ અને લીલું મરચું, અને પછી બહુ બધું પાણી; પેટ ભરી નાંખવાનુ.. આજની તારીખે પણ તીખું ખાવાની આદત હજુ છૂટી નથી..

રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાના કોઈ પણ ફૂલમાં નથી..!

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

તેહવારોમાં આજુબાજુના ઘરોમાંથી મીઠાઈઓની સુંગધ આવતી. ખાવાનું મન થતું. આજે મીઠાઈઓથી નફરત છે. કોઈ મીઠો માણસ પણ મળે કે એની ઉપર પણ એમ જ સંશય આવે! એકદમ જમવાના સમયે જ ‘કેમ છે..?’ એવી મતલબી ચોકસાઈ કરવા હું કેટલીય વાર કેટલાય દોસ્તોના ઘરે ગયો છુ.!

મારી સૌથી બેસ્ટ દોસ્ત: ભુખ.! શું નથી આપ્યું એણે..? એ ઉમ્રનો અપ્રતિમ પ્રવાસ, કદમ કદમ ઉપર કેટલુ શીખવ્યું છે એણે.! બધી જ શિક્ષાનો રસ્તો પેટમાંથી જ છે.. મારી કિશોર અવસ્થામાં મારી સાથે હમેંશા રેહનારી મારી બેહનપણી. મારી ખાત્રી છે, જેમને પણ અજાણતા જ એની(ભૂખની) મીત્રતાનો લાભ મળ્યો છે તે મંડળી આગળના વર્ષોમાં સુખથી રહેશે હમેંશા…

હું ખાઉં છું, એ કલ્પના જ સુખદ હતી એ દિવસોમાં. અને અભિનયમાંથી પણ છેલ્લે શું સરે છે? કલ્પના જ તો..!

ઘણીવાર મોડો પડતો અને ગુરુજી હમેંશા અંગુઠા પકાડાવતા કે મુર્ગો બનાવતા. આજે આટલા વર્ષે પણ પીઠની તકલીફ નથી એ ગુરુજીના આભારે, જેમણે મને પગના અંગુઠા પકડાવ્યા. મારી ભૂખે મને ક્યારેય લાડનો મૌકો નથી આપ્યો. જે પણ સામે હોય એ ખાવાનું, કોઈ નખરા નહીં…

 

View this post on Instagram

 

A post shared by Vishwanath Patekar(nana) (@nana_patekar_) on

ભૂખ સિવાય હજુ એક દોસ્ત હતો, અપમાન. એકવાર એ આવે અને પચાવતા આવડે કે એક પ્રકારની વરિષ્ઠતા અને સંતોષ આવી જાય ચહેરા પર.. ઉઠીને લડતા કે ન લડીને સમાધાન કરતા આવડી જાય.. મને ‘ભૂખ અને અપમાન’ની યુનિવર્સીટીમાંથી શિક્ષણ મળ્યું છે.. દુનિયાની કોઈ પણ સમસ્યા હવે મને હડબડાવી શકવાની નહોતી.. ગમે એટલી ઉંચાઈએથી મને ફેંકો, હું બિલાડીની જેમ ચાર પગે પોતાનું સંતુલન જાળવી લઈશ, એ ખાત્રી હતી.. અને છે..!

આજે અહીં એકલો બેઠો બેઠો હું મારા ગુરુ તરફ જોઈ રહ્યો છું. મારી મદદે મારે રસ્તે હવે એ આવતા નથી. જાણે ઓળખતા જ ન હોય એમ ચાલી જાય છે. પણ હું હજુ એમને ભુલ્યો નથી.. ભૂલી શક્યો નથી..!’

***
અસલમાં એ જ તો રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
-‘લક્ષ્ય’ ઠક્કર

લેખન.સંકલન – પાર્થ દવે