યુવા પેઢીના મોબાઈ વળગણની જોખમી શારીરીક-માનસીક-સામાજીક અસરો – ચાઈનામાં ખોલવામાં આવ્યા મોબાઈલ એડીક્શન છોડાવવાના સેન્ટરો

આજે કહેવાય છે કે ભારતમાં જેટલા ટોઈલેટ નથી તેના કરતાં પણ વધારે મોબાઈલ છે. આજે માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડે ગામડે સ્માર્ટફોન પહોંચી ગયા છે અને તેના કારણે જે ફાયદો થવાનો હોય તેના કરતાં ક્યાંય વધારે નુકસાન સમાજ ભોગવી રહ્યો છે.

આજે તમે કોઈ પણ જાહેર સ્થળ અરે ઘરના ફેમિલી ગેટટુગેધરમાં જશો તો 80થી 90 ટકા છોકરા-છોકરીઓના મોઢા તમને મોબાઈલમાં ઝૂકેલા દેખાશે. મોબાઈલ એક એડીક્શન થઈ ગયું છે. જેમ પહેલાં લોકોને દારુની અને સીગારેટની લત છોડાવવા માટે દવાખાનામાં દાખલ કરવા પડતાં તેવી જ રીતે હવે મોબાઈલનું વળગણ છોડાવવા માટેના સેન્ટરો ખોલવાની તાતી જરૂર પડી છે. અને આ કોઈ એક ભારતની જ સમસ્યા નથી પણ સંપૂર્ણ વિશ્વની સમસ્યા છે જેમાં નથી તો યુરોપ બાકાત કે નથી તો અમેરિકા બાકાત કે નથી તો એશિયા બાકાત.

મોબાઈલ એડિક્શન એક વૈશ્વિક જોખમ

જોકે આ બિમારી હા આને બીમારી જ કહેવાય કારણ કે આ વળગણના કારણે દીવસ દરમિયાનના ઘણા બધા કામો ખોરવાઈ જાય છે. અરે ઓફિસમાં પણ પુર્ણ એફિસિયન્સી સાથે કર્મચારીઓ કામ કરી નથી શકતા. જ્યારે ગૃહિણીઓ પણ દીવસ રાત તેને વળગી રહે છે. અને આજના ટીનેજર્સની તો વાત જ શું કરવી.

આ જોખમ આપણા યુવાધન માટે ખુબ જ હાનીકારક સાબિત થઈ રહ્યું છે. હમણા થોડા સમય પહેલાં જ એક સમાચાર આવ્યા હતા કે એક કીશોર છ કલાકથી પબજી નામની ઓનલાઈન ગેઇમ રમી રહ્યો હતો. તમે ન જાણતા હોવ તો જણાવી દઈએ કે ઓનલાઈ રમાતી મોટા ભાગની ગેમ હિંસક જ હોય છે એક બીજાને મારવાની જ હોય છે. તો આ કીશોર સતત છ કલાકથી આ ગેમ રમી રહ્યો હતો અને તેના પિતાના કહેવા પ્રમાણે તેને જ્યારે હૃદય રોગનો હૂમલો થયો તે પહેલાં તે પોતાના સાથી પ્લેયરો પર બૂમો પાડી રહ્યો હતો કે તે હવે તેમની જોડે ક્યારેય નહીં રમે તેમના કારણે તે ગેમ હારી ગયો. અને અચાનક તે ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પાછળથી જાણવા મળ્યું કે તેનું હૃદય થંભી ગયું હતું.

તો હવે કદાચ તમને આ સ્માર્ટફોન વળગણની ગંભીરતા સમજાઈ હશે.

ચાઈનામાં ખોલવામાં આવ્યા છે મોબાઈલ એડિક્શનને છોડાવવાના સેન્ટર

તમને કદાચ વિચિત્ર લાગશે પણ આ ખરેખર અત્યંત જરૂરી પગલું ચાઈના દ્વારા લેવામાં આવી રહ્યું છે. ચાઈનામાં વાસ્તવમાં આવા મોબાઈલનું વળગણ છોડાવવાના સેન્ટરો ખોલવામાં આવ્યા છે. જે ખાસ કરીને કીશોરો અને યુવાનો માટે ખોલવામાં આવ્યા છે.

આ સેન્ટરોમાં માતાપિતા અરજી કરે છે કે તેમના સંતાનનું સ્માર્ટફોનનું વળગણ છોડાવો. અહીં માત્ર માતાપિતાની મરજી જ પુછવામા આવે છે અને બાળકોને સીધા જ સ્માર્ટફોન છોડાવવા માટે સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવે છે. જેના માટે માતાપિતાએ મહિનાની કેટલીક રકમ ચૂકવવી પડે છે.

જે યુવાનો અઠવાડિયાઓ સુધી દીવસના 20-20 કલાક ઓનલાઈન ગેમ્સ રમે છે તેમને તેમના માતાપિતાના કહેવાથી રીત સરના તેમની શાળાઓ કે તેમની કોલેજોમાંથી જ ઢસડીને સેન્ટરમાં દાખલ કરાવવા માટે લઈ જવામાં આવે છે.

તમે વિચાર કરો દીવસના 20-20 કલાક ગેમ રમવી એટલે ! ન ખાવું, ન સુવું, ન શરીરને આરામ આપવો, ન અભ્યાસ કરવો. જીવન માટે જરૂરી દરેક બુનિયાદી બાબતોને નેવે મુકીને યુવાનો 20-20 કલાક ગેમ રમે તે દેશનું ભવિષ્ય કેવું હોઈ શકે. અને આ ચાઈનામાં જ પોસિબલ છે તેવું ન માનતા આ અહીં પણ થઈ જ રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મોબાઈલ એડિક્શનને પોતાના આંતરરાષ્ટ્રિય રોગોમાં સમાવેશ કર્યો છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મોબાઈલ એડિક્શનને એક ડીસોર્ડર જાહેર કર્યો છે. જો કે દસ વર્ષ પહેલાં જ ચાઈનાએ પોતે જ મોબાઈલ એડિક્શનને એક રોગ તરીકે જાહેર કર્યો હતો. અને ત્યારથી જ ચાઈનાને પોતાની યુવાપેઢીના ગેઇમીંગ ડીસઓર્ડરની સતત ચિંતા રહ્યા કરે છે. અને તેઓ કેટલાક નક્કર પગલા પણ લઈ રહ્યા છે.

ઓનલાઈન ગેઇમીંગનું વળગણ છોડાવવા માટેનું ચાઈનાનું આ સેન્ટર બીજીંગથી માત્ર 30 જ કીલોમીટરના અંતરે આવેલું છે. અહીં અત્યાર સુધીમાં માતાપિતાના કહેવાથી લગભગ સો જેટલા યુવાનોને દાખલ કરવામાં આવ્યા છે તેમનામાના મોટા ભાગનાને અહીં તેમની મરજી વિરુદ્ધ રાખવામાં આવ્યા છે. તેમને અહીં એડીક્શન ટુ ધી ઇન્ટરનેટ માટેની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

2008માં ચાઈનાએ યુવાનોના ઇન્ટરનેટ પ્રત્યેના આ વળગણને મેન્ટલ ડીસઓર્ડર તરીકે જાહેર કર્યો છે.

આટલું જ નહીં પણ ચાઈનાએ પોતાની વિડિયો ગેમીંગ ઇન્ડસ્ટ્રી છે તેના પર પણ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. અને બાળકોમાં ફેલાઈ રહેલા મયોપિયા – એટલે કે નજીકની વસ્તુઓ પર એકધારું ફોકસ કરવા જતાં દૂરની વસ્તુઓ ન દેખાવાનો એક રોગ- રોકવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત જે જે નવી નવી ઓનલાઈન ગેમ્સ માર્કેટમાં આવે છે તેને સતત રેગ્યુલેટ કરવામાં આવી રહી છે અને સાથે સાથે તે કંપનીઓને તે રમતો પર બાળકોના અમુક સમય કરતાં વધારે સમય પસાર કરવા પર પણ નિયંત્રણ મુકવા જણાવ્યું છે.

અત્યાર સુધી ચાઈના વિડિયો ગેમીંગ ઇન્ડસ્ટ્રીની આવકમાં નંબર વન હતું જે સ્થાન આજે અમેરિકાએ ગ્રહણ કરી લીધું છે. ચાઈનામાં આજે 80 કરોડ કરતાં પણ વધારે ઓનલાઈન વિડીયો ગેમ યુઝર્સ છે. અને જો ભારતની ગણતરી કરવામાં આવે તો તે પણ કરોડોમાં જ હશે.

ઓનલાઈન ગેમીંગની પોતાની યુવા પેઢી પર પડી રહેલી માઠી અસર જોતાં ચાઈનાએ ઘણા બધા નિયમો કડક બનાવ્યા છે અને તેના કારણે જ કદાચ તેમના ગેમીંગ બિઝનેસને મોટો ફટકો લાગ્યો છે અને તે આજે બીજા ક્રમે આવી ગયો છે. પણ લાંબા ગાળે તો તેજ ફાયદાકારક રહેશે.

ચાઈનાનું આ મોબાઈલ ડી-એડીક્શન સેન્ટર શું કામ કરે છે

 • આ સેન્ટરના સભ્યો બાળકોના માતાપિતાની મરજીથી બાળકોને શાળાઓ કે કોલેજોમાંથી બળજબરી તેમના સેન્ટરમાં લઈ જાય છે.
 • તેમનામાંના મોટા ભાગનાને તેમની ઇચ્છા વિરુદ્ધ તેમના માતાપિતાના કહેવાથી અહીં લાવવામાં આવ્યા હોય છે.

 • આ સેન્ટર તાઓ રેન, કે જે આર્મી સાકોલોજી યુનિટના એક ભૂતપૂર્વ લિબરેશન આર્મી કોલોનલ છે તેમના દ્વારા ચલાવવામાં આવે છે.
 • તેમનું આ સેન્ટર બધી જ સુવિધાઓથી સજ્જ છે, અહીં ડોર્મેટરી, બાસ્કેટ બોલ કોર્ટ, ટ્રીટમેન્ટ રૂમ, કેન્ટીન વિગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ આ બિલ્ડીંગમાં કોઈપણ જાતના ઇલેક્ટ્રોનીક ડીવાઇઝ અલાઉ કરવામાં આવતા નથી.
 • તાઓનું કહેવું છે કે ચાઈનાના ઓછામાં ઓછા દસ ટકા કીશોરો ઇન્ટરનેટ એડીક્ટ છે. અને તેમનુ એવું પણ કહેવું છે કે આ સમસ્યા માત્ર હવે કીશોરોમાં જ નથી જોવા મળતી પણ ત્રીસ વર્ષના વયસ્કમાં પણ જોવા મળે છે. અને માત્ર શહેર નહીં પણ આ સમસ્યા ગામડે ગામડે ફેલાયેલી છે.

 • અરે ઓનલાઇન ગેમીંગનું વળગણ એટલી હદે લોકોને હોય છે કે તેઓ ટોઈલેટ જવાની પણ આળસ કરે છે અને રીતસરના ડાયપર પહેરે છે. જેથી કરીને તેમની ગેમમાં કોઈ ખલેલ ન પડે.
 • અહીં એડમીટ કરવામાં આવેલા એક છોકરાએ તો ઘરમાંથી ત્રીસ હજાર યુઆન પોતાના ચોરી લીધા હતા અને એક ગેમીંગ કાફેમાં ગેમ રમવા જતો રહ્યો. તે લગભગ ત્રણ મહિના તે જ ગેમીંગ કાફેમાં ગેમ રમતો રહ્યો.
 • જો કે આ પ્રકારના ડીટોક્સ સેન્ટર પર કેટલીક કડક ટ્રીટમેન્ટના આરોપો પણ મુકવામા આવ્યા હતા જેમાં એડમીટ થયેલાને વ્યસન છોડાવવા માટે ઇલેક્ટ્રીક શોક આપવામા આવતા. જો કે તાઓએ પોતાના સેન્ટરમાં આવું કંઈ જ નહીં થતું હોવાનો દાવો કર્યો છે.

 • તેના સેન્ટરમાં એક મહીનાની ટ્રીટમેન્ટના 10,000 યુઆન લેવામાં આવે છે. આ સેન્ટર 2003થી ખોલવામાં આવ્યું છે.
 • આ ટ્રીટમેન્ટમાં ડ્રગ થેરાપી, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, ફિઝિકલ એક્સરસાઇઝ તેમજ ફેમિલિ એક્ટીવીટીનો સમાવેશ થાય છે. જે ઓછામાં ઓછી ત્રણ મહિના ચાલે છે.
 • અહીં માતાપિતાએ પણ સાથે રોકાવું પડે છે જો કે તેમના માટે અલગ રેહવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અને તેમને પણ કેટલુંક શીક્ષણ આપવામાં આવે છે જેમ કે તેમણે બાળકો સાથે કેવી રીતે વર્તવું જેઈએ કેવી રીતે વાત કરવી જોઈએ.

આ સેન્ટરમાં જે લોકોને ઇન્ટરનેટ કે પછી ઓનલાઇન ગેમીંગનું અત્યંત વળગણ હોય છે તેમને તો રીતસરના તેમની પથારી સાથે પટ્ટા વડે બાંધી જ દેવામાં આવે છે. અને તેના કરતાં પણ જો ગંભીર કેસ હોય તો તે વ્યક્તિને દસ દીવસ જેટલો સમય એક રૂમમાં એકલી જ રાખવામાં આવે છે.

એક બાજુ આ સેન્ટર કોઈ આર્મીના ટ્રેનિંગ સેન્ટર જેવું જ છે પણ ત્યાં તેટલી બધી સખ્તી રાખવામાં આવતી નથી. તેમની પાસે તેમનું કામ કરાવવામાં આવે છે. તેમણે જાતે જ તેમની પથારી કરવી પડે છે તેમજ સફાઈ રાખવી પડે છે.

ઓનલાઈન ગેમીંગથી થતાં ગંભીર શારીરિક નુકસાન

પહેલી વાત તો એ કે ચોક્કસ સમય કરતાં વધારે ઓનલાઈન ગેમ રમવી તે યુવાનોના શરીર અને માનસ બન્ને પર સીધી જ અસર કરે છે. અને તેના કારણે તેમના જીવન પર પણ ઘણી બધી અસર થાય છે.

ઓનલાઈન ગેમ ખાસ કરીને ભારતમાં મોટા ભાગે મોબાઈલમાં રમવામાં આવે છે. માટે મોબાઈલ વાપરનાર વ્યક્તિ સતત રેડીયેશનના જોખમાં રહે છે જેની શરીરના કોશો તેમજ મગજના કોષો પર માઠી અસર થાય છે.

માનસિક નુકસાનોમાં જોવા જઈએ તો એકધારું બાળક જો ઓનલાઈન ગેમ રમે રાખે તો તે વાસ્તવિક જીવનથી દૂર રહે છે, તેમજ જીવનની વાસ્તવિકતાઓથી પણ દૂર રહે છે. તેને ગેમની દુનિયા જ સાચી લાગવા લાગે છે. બાળક કુટુંબથી દૂર થઈ જાય છે. બાળક ગુસ્સાવાળુ બનવા લાગે છે.
શરીરને થતાં નુકસાનમાં સૌ પ્રથમ નંબર આવે છે અનિંદ્રાનો. માણસના શરીર માટે આપણે બધા જાણીએ છીએ તેમ 8 કલાકની ઉંઘ આવશ્યક છે. જે સતત ગેમ રમતા બાળકો નથી લઈ શકતા. તેના કારણે તેમની ઉંઘની પેટર્ન બદલાઈ જાય છે અને ધીમે ધીમે તેમની ઉંઘ ઓછી થતી જાય છે. અને તેની અસર તેમના શરીર પર પડે છે.

બાળકમાંના ઓનલાઇન ગેમીંગ ડીસઓર્ડરને કેવી રીતે રોકવો

 • સૌ પ્રથમ તો તેની પાસે સંપૂર્ણ પણે ગેમ રમવાનું છોડી દેવાનો આગ્રહ ન રાખવો.
 • બાળક પાસે ધીમે ધીમે ગેમ છોડાવવી. જો તે દીવસના 4-6 કલાક કે તેનાથી વધારે ગેમ રમતો હોય તો તેની પાસે 1-2 કલાક ઓછા કરાવવા. આમ ધીમે ધીમે ગેમ રમવાના કલાક ઘટાડવા.
 • જો માતાપિતાથી તેની આ લત છોડાવવી શક્ય ન હોય તો કોઈ મનોવૈજ્ઞાનિક પાસે જવું વધારે યોગ્ય રહે છે. તે બાબતે જરા પણ સંકોચ રાખવો નહીં. કારણ કે વધારે નુકસાન થાય તેના કરતાં પહેલેથી જ ચેતી જવું સારું.

 • બાળક પાસે ધ્યાન કરાવવું. ધ્યાન કરાવવાથી માણસનું મગજ શાંત રહે છે. તેની એકાગ્રતા વધે છે. તેમજ તેની સારી-ખરાબ બાબતો પ્રત્યેની સમજ પણ વિકસે છે.
 • માતાપિતાએ બાળકોને પુરતો સમય આપવો તેમજ તેઓ જે કરે છે તેના પર પુરતું ધ્યાન આપવું જેથી કરીને બાળકોને આવી લત ન લાગે.
 • બાળકનું એક યોગ્ય રુટીન બનાવો તેમાં સમય સર જમવું, ભણવું, સુવું, રમવું વિગેરે બાબતોને યોગ્સ સમય ફાળવો. તેની પાસે મોબાઈલ કે ઇન્ટરનેટ સદંતર બંધ ન કરાવો તે પણ જીવનશૈલીનો હીસ્સો છે તેને પણ જીવનમાં સમાવવો જ પડશે. અને બાળકે પણ જમાના સાથે સાથે આગળ વધવું પડશે. પણ તેને તેનું વળગણ થઈ જાય તેવું ન થવાની તકેદારી રાખો.
 • માતાપિતાએ પોતે જ મોબાઈલ પર ઓછો સમય પસાર કરવો. બાળકો માતા પિતા જે કહેશે તેને નહીં અનુસરે પણ તેઓ જે કરશે તેને અનુસરશે. માટે માતાપિતાએ પણ પોતાના રુટીનને નિયમિત બનાવવું.

એક સાવજ સામાન્ય ગણિત છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક માણસને નુકસાન જ પહોંચાડે છે. માટે હંમેશા તમે જે કંઈ પણ કરો તેની એક મર્યાદા બાંધો. પછી તે ખોરાક, ઉંઘ હોય કે પછી ઓનલાઈન ચેટીંગ હોય કે પછી ઓનલાઈન ગેમીંગ હોય.

તો તમે જાણી લીધું કે આજે વધારે પડતું ઓનલાઈન ગેમીંગ કે ઓનલાઈન ચેટીંગ એ વિશ્વસ્તરીય સમસ્યા બની ગઈ છે અને તેના કારણે સમાજના ઘડતર પર પણ માઠી અસર થઈ રહી છે. માટે તેનાથી દૂર રહેવા ઉપરના ઉપાયો અજમાવો તેમ જ તમારા કુટુંબ અને સમાજને સ્વસ્થ રાખો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ