મેરેજ એનિવર્સરી – લગ્નના શરૂઆતના વર્ષોમાં તો યાદ રહેતી હતી અને હવે…

આજે વાતાવરણ માં અનેરી મજા હતી . ગાંધીનગર માં જ શિમલા માં હોઈએ તેવો અનુભવ થતો હતો. વળી, કાવ્યા ના મન માં પણ આનંદ સમાતો ના હતો, કારણકે આજે કાવ્યા ની મેરેજ એનિવર્સરી હતી.


કાવ્યા અને શ્રધ્ધેય ના લગ્નજીવન ને આજે 10 વર્ષ પૂરા થયા હતા, આ 10 વર્ષ માં એ બંને ને લગ્ન જીવન ની ભેટ રૂપે બે બાળકો મળ્યા હતા. દેવ અને શિવ. દરેક મેરેજ કપલ ની રૂટિન લાઇફ પ્રમાણે શ્રધ્ધેય એની જોબ માં બીઝી રહેતો અને કાવ્યા ઘરકામ માં અને બે બાળકો ને સાચવવામાં અને ભણાવવામાં. કાવ્યા એ નાના માં નાનું ઘરનું કામ સંભાળી લીધું હતું અને શ્રધ્ધેય એ તેની નોકરી.

કાવ્યા માટે આજે જુદો દિવસ હતો. તેના ઘરકામ ના સમયમાથી નવરાશ ની પળો ને ચોરી ને તે શ્રધ્ધેય માટે તેને ગમે તેવા કલર નો એક શર્ટ તેની ફ્રેન્ડ સાથે જઈ ને લઈ આવી હતી. કાવ્યા એ ઘર આંગણે જ બનાવેલા સુંદર નાના બગીચા માથી તાજું જ ખીલેલું ફૂલ શ્રધ્ધેય માટે રાખ્યું હતું.

શ્રધ્ધેય દરરોજ સવાર ની જેમ બ્રશ કરી ને યોગ કરી ને કાવ્યા ને કિચન માં આવી પૂછવા લાગ્યો. “મારી ગ્રીન ટી બની ગઈ ?” કાવ્યા એ માથું હલાવી ને હા પાડી. ત્યારબાદ શ્રધ્ધેય પોતાની ગ્રીન ટી પતાવી ને જોબ જવા માટે રેડી થવા માંડ્યો. કાવ્યા ના મન માં આટલી વાર માં હજારો વિચારો આવી ગયા કે શ્રધ્ધેય પોતાની મેરેજ એનિવર્સરી કેવી રીતે ભૂલી શકે ?


નવા નવા લગ્ન થયા ત્યારે તો શ્રધ્ધેય ને મહિના પહેલા મેરેજ એનિવર્સરી યાદ હોતી હતી. અને આજે કેટલો બીઝી થઈ ગયો છે, ત્યાર બાદ કાવ્યા એ વિચાર્યું કામ નો બોજ અને સમય ની વ્યસ્તતા ના લીધે ભૂલી ગયો હશે. હમણાં થોડાક જ કલાક માં જ તેને યાદ આવશે કે આજે આપણાં માટે કેટલો સરસ દિવસ છે ?

શ્રધ્ધેય દરરોજ ના સમય મુજબ ઓફિસ જવા નીકળ્યો, અને કાવ્યા એ પણ દરરોજ મુજબ શ્રધ્ધેય ને કહ્યું કે ગાડી ધીમી ચલાવજો અને સાંજે જલ્દી આવજો.


દેવ અને શિવ ને ઉઠાડી, તૈયાર કરી એ લોકો ને બ્રેકફાસ્ટ કરાવી સ્કૂલ વાન માં બેસાડી ને સ્કૂલ એ જવા રવાના કરી દીધા. બેડરૂમ માં કબાટ માં આવી શ્રધ્ધેય માટે લાવેલા શર્ટ અને તાજા ખીલેલા ગુલાબ ને જોઈ એનો ચમકતો ચહેરો મૂરઝાઇ ગયો. ત્યાર બાદ ના સમય માં કાવ્યા ના મોબાઇલની રિંગ આજે વધારે જ વાગવાની હતી કારણકે આજે એ દિવસ હતો કે જ્યારે તેની જિંદગી એ એક નવો વળાંક લીધો હતો અથવા એમ કહી શકીએ કે તેની જિંદગી બદલાઈ ગઈ હતી. શ્રધ્ધેય સાથે સાત ફેરા ફરવાથી અને માંગ માં સિંદુર તથા ગળામાં મંગળસૂત્ર પહેરવાથી.


કાવ્યા ના ભાઈ ભાભી, તેના બહેન જીજાજી, તેના મમ્મી પપ્પા અને સાસુ સસરા, તેની ફ્રેન્ડ્સ દરેક ના ફોન કાવ્યા ને આજ ના શુભ દિને મેરેજ એનિવર્સરી વિશ કરવા માટે આવ્યા અને સાથે સાથે એ પણ કહ્યું કે શ્રધ્ધેય ફોન નથી ઉપાડતો, બીઝી છે કે શું ? કાવ્યા એ કહ્યું કે હા, આજે એક ઇમ્પોર્ટેંટ મીટિંગ હતી એટલે કદાચ ફોન સાઈલેન્ટ હશે !

શ્રધ્ધેય સવારે જતી વખતે જ કાવ્યા ને કહ્યું હતું કે આજ રોજ ઓફિસ માં ઇમ્પોર્ટેંટ મીટિંગ હોવાથી લંચ પર નહીં અવાય. એટલે લંચ તો કાવ્યા ને એકલું જ લેવાનું હતું.


હવે કાવ્યા ના મન માથી વિચારો જવાનું નામ ના લેતા હતા, કારણ કે હવે સાંજ પડવા આવી હતી. કાવ્યા ને થયું કે શ્રધ્ધેય એવો તો શું બીઝી કે પોતાની મેરેજ એનિવર્સરી ના વિશિંગ ના ફોન પણ ના ઉપાડે અને એને આજની તારીખ નું પણ ભાન ના હોય એટલું ઓછું હોય એમ મગજ કઈક બીજું જ વિચારતું હતું કે શ્રધ્ધેયની લાઇફ માં કોઈ બીજી સ્ત્રી તો નહીં હોય ને ? પછી કાવ્યા એ તરત જ મગજ ના નેગેટિવ થૉટ ને ગેટ આઉટ કહી દીધું અને મન માં જ દ્રઢતા થી બોલી ઉઠી કે મારો શ્રધ્ધેય બધુ જ ભૂલી શકે, મેરેજ એનિવર્સરી પણ ભૂલી શકે પણ મને એ ના ભૂલી શકે.

સાડા પાંચ વાગ્યા ની આસપાસ જ દેવ અને શિવ બહાર રમતાં હતા ત્યારે બાળકો નો સુંદર અવાજ રણકી ઉઠ્યો “ મમ્મી ઓ મમ્મી, પપ્પા આવ્યાં, પપ્પા આવ્યાં “


કાવ્યા તો જોતી જ રહી કારણ કે શ્રધ્ધેય તેની માટે એક હાથ માં ગિફ્ટ અને એક હાથ માં લાલ ગુલાબ નો ગુલદસ્તો લઈ ને કાવ્યા સામે ધીમી ધીમી સ્માઇલ કરી રહ્યો હતો અને તેની સ્માઇલ હોઠ કરતાં આંખો માં વધુ છલકાતી હતી. કાવ્યા તો જાણે ગુલદસ્તો લઈ ને ખીલી ઉઠી. ઘર માં આવી ને બંને એક બીજા ને કશું જ બોલ્યા વગર ભેટી પડ્યા. કાવ્યા બોલી શ્રધ્ધેય તમને યાદ હતું ?

શ્રધ્ધેય ખાલી એટલું જ બોલ્યો હું મારી જાત ને ભૂલી શકું પણ તારું મારા જીવન માં આગમન થયું એ દિવસ ને કેવી રીતે ભૂલી શકું ?મેં જ મમ્મી પપ્પા અને આપણી પૂરી ફેમિલી ને કીધું હતું કે કાવ્યા માટે આજ સાંજે સરપ્રાઈઝ છે તેને જણાવતા નહીં. કાવ્યા ની ખુશી સમાતી ના હતી. શ્રધ્ધેય એ કીધું કે ચાલ હવે તારી માટે ગિફ્ટ માં જે ડ્રેસ લાવ્યો છું તારી એક્સએલ સાઇઝ માં જ તે પહેરી લે, દેવ અને શિવ ને પણ રેડી કરી લે.આપણી મેરેજ એનિવેર્સરી ના દસ વર્ષ પૂરા થયા એ ખુશી માં મેં એક સરસ હોટેલ માં ડિનર પાર્ટી નું આયોજન કર્યું છે, આપણી ફેમિલીવાડા અને નજીક ના ફ્રેંડ્સ અને રિલેટિવ્સ ને પણ ઇનવાઈટ કરી દીધા છે, બસ મેડમ ના તૈયાર થવાની જ રાહ છે.


કાવ્યા ફટાફટ બેડરૂમ માં શ્રધ્ધેય એ ગિફ્ટ માં આપેલો ડ્રેસ લઈ તૈયાર થવા ગઈ, તૈયાર થઈ બુટ્ટી પહેરવા કબાટ જેવુ ખોલે છે ત્યાં તો શ્રધ્ધેય માટે મૂકેલો શર્ટ અને ગુલાબ નું ફૂલ જોવે છે અને એક નિસાસા સાથે એવું વિચારે છે કે કાશ મેં આ ફૂલ શ્રધ્ધેય ને સવારે આપી દીધું હોત તો કેટલું સારું ? દરેક વખતે શ્રધ્ધેય જ પહેલ કરે તેવી રાહ હું શું કામ જાઉં છું ?


તેને નીચે આવી ને શ્રધ્ધેય ના હાથ માં શર્ટ અને સવાર નું ખીલેલું ફૂલ સાંજે આપ્યું. શ્રધ્ધેય એ ગીફટ જોઈ જવાબ આપ્યો કે થેન્ક યૂ વેરી મચ માય ડિયર, તું જ મારી માટે સૌથી મોટી ગીફટ છે, તે વાત હંમેશા યાદ રાખજે.

લેખક : તેજલ નિલેષ ઠાકોર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ