ખાંપણનું ખર્ચ – અને હવે ફરીથી બીજી એક એમ્બ્યુલન્સ તેના ઘરના આંગણે આવીને ઉભી રહી…

” બાપ..રે… ગજબ થઈ ગયો ! કાનીયાની ઝમકુનું કોઈએ ઢીમ ઢાળી દીધું. ” મુકલો મારવાડી ઝુંપડપટ્ટીની ખુલ્લી ગટરની ધારે ધારે ધારે દોડતો દોડતો બુમો પાડતો જઇ રહ્યો હતો.

” હેં ! અલ્યા મુકલા, ઊભો તો રે ,જરા માંડીને વાત તો કર ” ઝમકુના બાજુના ઝુંપડામાં રહેતી રતન ડોશીએ મુકલા મારવડીને બુમ મારીને પૂછ્યું

” હાવ હાચી વાત રતનમા, એ પુલ નીચે આથમણા છેડે તેની લાશ પડી. હું મારી સગી આંખે જોઈને આયો, એણે આજ કેસરી રંગનો ડ્રેસ પહેર્યો હતો ને ? ” મુકલાનો શ્વાસ ભરાઈ ગયો હતો, ને પરસેવે રેબઝેબ બરાબર બોલી પણ શકતો ના હતો.” પલાસ્ટીક વીણવા ગઈ હતી ને, ઇ કોથળોએ એ પડ્યો એની લોહી લુહાણ લાશની બાજુમાં ” ભેગા થઈ ગયેલા ટોળા સામું નજર નાખતાં તે બોલ્યો.

ઝમકુંનો બાપ મજૂરીએ ગયેલો. એની મા ઝૂંપડામાંથી બહાર આવી. તેના ઘર આગળ ટોળું ઊભેલું જોઈ એતો હેકાંબેંકાં થઈ ગઈ. ” અલી રૂખડી, ચ્યાં મેલીતી તારી ઝમકુને ? ” રતન ડોશીએ પૂછ્યું. ” ચ્યમ તે તમને નથી ખબર, એ રોજ પ્લાસ્ટી’ વેણવા જાય છે ? ચ્યમ તે શું હતું ? ” ” એણે કેસરી રંગનાં લુઘડાં પહેર્યાં હતાં ?” ટોળામાંથી કોઈએ પૂછ્યું

” હોવે ભયા, ઇ લુઘડાં ગઈ કાલે જ નદીકાંઠાના સ્મશાનમાંથી લાવી હતી. મેં તો ના પાડી હતી કે, મુઈ રે’વા દે આ શઉકારની છોડીઓ પ’રે એવાં લૂગડાં આપણને ના શોભે . મુઇ, એ લુઘડામાં એવી અરગતી હતીને ! તે શું થયું ? મારી ઝમકુને.” રૂખી બહાવરી થઈને બધાંને પૂછવા લાગી પણ કોઈ સરખો ઉત્તર આપતું ના હતું.

કેટલાક વાત વધારીયા, વાતો કરતા હતા કે, ઝુંપડપટ્ટીના કોઈ મવાલીએ તેને પેટમાં છરી મારી દીધી હતી. ને લાશ ઓળખાય નહીં તેથી પથ્થરથી તેનો ચહેરો છૂંદી નાખ્યો હતો. ”

“નાલાયકોનો ને પકડીને ફાંસીએ ચડાવી દેવા જોઈએ ! ” ” એ છોકરી વશ નહીં થઈ હોય, આથી એ મવાલીએ બળાત્કાર કરી પછી છરી મારી દીધી હશે.” કેટલાક વળી પોતાનું ડાહપણ વાપરવા લાગ્યા, ” આવડી જુવાન છોડીને ભંગાર વિણવા એકલીને મોકલતાં એના માબાપનો જીવ શી રીતે ચાલ્યો હશે ?

આમ જીવતી ઝમકું સામે જોવાની કોઈએ દરકાર પણ કરી ના હતી, ને હાલ મોઢાં એટલી વાતો થવા લાગી. ટોળામાંથી જાત જાતના શબ્દો એના કાને અથડાતા હતા. રુખીને વાત માનવામાં આવતી ના હતી. એતો રોતી કકળતી ટોળા ભેગી પુલ તરફ ગઈ.

કાયમ ફગફગતા બાલ ને લઘર વઘર કપડાં પહેરતી ઝમકુડીની સામે ઝૂંપળપટ્ટીનું કાળું કુતરુએ નજર નહોતું નાખતું, પણ આજ ટોળામાંથી કેટલીએ આંખો તેની કઢંગી રીતે પડેલી લાશ પર મંડાઈ રહી હતી. રુખીએ જેવી લાશ જોઈ, કે તેના હોશકોષ ઉડી ગયા. એતો ઝમકુનું માથું ખોળામાં લઈ આક્રંદ કરવા લાગી. એકત્રિત થયેલા માણસોમાં આક્રોશ ફેલાતો જઇ રહ્યો હતો.

કાનજી જાણીતા ને અજાણ્યા ચહેરા વચ્ચે ઘેરાઈ ગયો હતો. વિરોધ પક્ષને તો ગોળનાં ગાડાં મળી ગયાં. એમના હાથમાં આવી ગયેલા મુદ્દાને તેઓ ગળું ફાડી ફાડીને ઉછાળી રહયા હતા ને પોતાની ખીચડી પકવી રહયા હતા. પોલીસની એમ્બ્યુલન્સ આવી. પંચક્યાસ કરી લાશને લઈ ગઈ

ઝમકુ પર શું વીતી હશે ? એની માએ સવારથી ખાધા વગર કઈ રીતે ચલાવ્યું હશે ? એની અંતિમક્રિયા કરવાનો સામાન લાવવાનો સગવડ ક્યાંથી કરવો ? તેવા પશ્ર્નો કાનજીના મનને ઝંઝોળી રહયા હતા. પણ ભેગા થયેલા વાલેસરીઓની ઇચ્છાને પણ તે અવગણી શકતો ના હતો. બધાનું કહેવું એમ હતું કે –જ્યાં સુધી બળાત્કારી, હત્યારો પકડાય નહીં ત્યાં સુધી લાશનો કબજો લેવાનો નથી.

એને થયું -હત્યારો પકડાય કે ના પકડાય ! શું ફેર પડવાનો હતો. રૂખીએ જ્યારે કાનજી સાથે નાતરું કર્યું ત્યારે એ ઝમકુને આંગળીએ લઈને આવી હતી. ભલે સાવકો, તો સાવકો, તો યે એના માથે બાપની જવાબદારી હતી. એટલામાં, પોલીસની મોટર આવી. ઝુંપડપટ્ટીનો જાણીતો બુટલેગર, હમીદ પણ મોટરમાંથી ઉતર્યો.

” જુલમીનું પગેરું મળી ગયું છે, તે છટકીને નહીં શકે. અમે કોશિશ કરી રહયા છીએ, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, તમે જીદ છોડી દ્યો ને લાશને લઈ જાઓ, એટલે કાર્યવાહી આગળ વધે.” ફોજદાર કડકાઇથી બોલ્યા. ” ના સાહેબ, પહેલાં હત્યારાને પકડો પછી અમે લાશનો કબજો લઈએ.”

વસાહતના આગેવાને જવાબ આપ્યો. લાશનો કબજો લેવો…ના..લેવો…તેવી અવઢવમાં બે દિવસ નીકળી ગયા. આ બે દિવસમાં કાનજીએ ઉછી-ઉધાર કરી ઝમકુનું ખાંપણ, ચૂંદડી, ,નાળિયેર ને ઠાઠડી જેવી પરચુરણ વસ્તુઓ ને બળતણનો વેંત કરી લીધો.

પ્લાસ્ટિકમાં પેક કરેલી લાશનો કબજો તેણે ત્રીજા દિવસે લીધો. પડોશીઓ તેની નનામી તૈયાર કરવા લાગ્યા. જેવું પ્લાસ્ટીક થોડું ખોલ્યું તો આખા ઘરમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ.

કોઈ બોલ્યું, ” અરે રહેવા દ્યો પ્લાસ્ટિક ના ખોલો. લાશનો આજે ત્રીજો દિવસ છે . અને તે પણ પેક અવસ્થામાં ” આથી તેમણેે તરત પેકિંગ બંધ કર્યું. પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી, કોથળો સાંધે તેમ મોટા ફંટાએ સાંધેલો તેના શરીર પરનો ચિરો ને છૂંદાઈ ગયેલ ચહેરો. પડોશીઓએ પોતાના નાકે ડૂચા દઇ ઉતાવળે ઉતાવળે લાશને નનામી પર મૂકી ને બાંધી દીધી. ગંધ સહન ના થઇ સકવાથી કોઈએ તેના માબાપને દીકરીનો ચહેરો દેખાડવાનો રિવાજ પણ યાદ ના કર્યો ને, રામ…બોલો…ભઇ… રામ ! અરથી ઉપડી.

ઝમકુની એ અંતિમ વિધિમાં ઝૂંપડપટ્ટીનાં અને ધોળા કપડાં વાળાં પાર વગરના માણસો આવ્યા. મોટા મોટા અવાજે સમપ્રાંત સમાજ ને, શાસક પક્ષને, ગાળો ભાંડી ગયા. છતાં અંતિમ વિધીનો ખર્ચતો તેણે પોતેજ ભોગવવો પડ્યો.

**** — **** — *** — ****

આજે કાનજી અને રૂખી તેમની ઝૂંપડીમાં એકલાં બેઠાં બેઠાં ઝમકુને યાદ કરી કરીને આંશુ સારતાં હતાં. છેલ્લે છેલ્લે વ્હાલી દીકરીને અરથી પર લીધી ત્યારે તેનો ચહેરો પણ જોઈ ના શક્યાં તેનો તેમને વસવસો રહી ગયેલો.

હતી એટલી મૂડી અંતિમ વિધિમાં વપરાઈ ગઈ હતી. હવે ચૂલો સળગાવવો હોય તો કાનજીને મજૂરીએ ગયા વગર છૂટકો ના હતો. રડી રડીને સુજી ગયેલી રુખીની આંખો સામે એ થોડી વાર જોઈ રહ્યોં. એણે ખિસું ફંફોળ્યું, તો છેલ્લી બચેલી પરચુરણ હાથમાં આવી તે લઈને એ સામેની હોટલમાંથી ચા લઈ આવ્યો ને રુખીને મનવર કરી પીવડાવી.પછી એ મજૂરીએ જવા ઊભો થયો, ત્યાંતો સામેથી પોલીસની એમ્બ્યુલન્સ આવતી દેખાઈ.

મજૂરી પર જવા ઊભા થયેલા કાનજીને ફાળ પડી. હવે શું હશે ? જવાબ તો તેણે લખાવી દીધો છે ! વળી એક દિવસની મજૂરી પડશે ? ગાડી કાનજીના ઝુંપડા પાસે આવી ઊભી રહી.

વળી પાછી એમ્બ્યુલન્સ જોઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. ઊભા ઊભા બધા કુતુહલ પૂર્વક જોઈ રહયા. બે ચાર માણસો ગાડીમાંથી કાંઈક ઉતારવા લાગ્યા. એક જમાદારે આવી કેટલાક કાગળિયાં પર કાનજીનો અંગૂઠો લીધો. બાજુમાં ઊભેલા ટોળામાંથી બે જણને બોલાવ્યા, કાગળો પર તેમની પણ સહીઓ લીધી.

” ભાઈ ગઈ કાલે તમે જે લાશની અંતિમ વિધિ કરી, એ તમારી દીકરીની લાશ ના હતી. સિવિલના ચીરખાનાવાળાની સરતચૂકથી બીજી કોઈ સ્ત્રીની લાશ તમને સોંપાઈ ગઈ હતી. લો સંભાળો આ તમારી દીકરીની લાશ.” એમ્બ્યુલન્સમાંથી ઉતારેલ લાશ સામે આંગળી ચીંધતાં જમાદાર બોલ્યો ને ચાલતો થયો.

પ્લાસ્ટીકના પેકમાં ઝમકુનો મૃત્યુદેહ, પડ્યો પડ્યો કાનજી પાસેથી વારસાઈ હક્ક માગી રહ્યો હતો, ને કાનજી હવેના ખાંપણનું ખર્ચ કરવા કોની સામે હાથ લાંબો કરવો તેની ગડમથલમાં પડ્યો હતો. નજીકમાં ઊભેલા ઝૂંપડાવાસીઓ પણ ઝમકુના બીજી વખતના લાકડે જવાની દ્વિધામાં અટવાઈ ગયાં.

લેખક : સરદારખાન મલેક

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ