જુઠાણું – પ્રેમ કરવો એ પાપ નથી, પણ પ્રેમમાં પ્રેમીના હાથે છેતરાવવુ તેના જેવો આઘાત બીજો કોઇ નથી.

“છુટ છે છલકાઇ પડવાની, ભલે છલકાય,

જાત છે ખાબોચિયાની, ને ધુધવતા શું હશે?”

ચરરર… કરતી ગાડીની બ્રેકે ચીસ પાડી, સાથે એક યુવતીની ચીસ પણ હવામાં ગુંજી ઉઠી. જાહેર રસ્તા પર સંભળાયેલી યુવતીની ચીસે આવતા જતાં બઘાને ઉભા રાખી દીઘા. બઘાએ જોયુ તો એક કાળી હોન્ડા સીટીની ઠોકરે એક એકટીવા સવાર યુવતી પડી ગઇ હતી. યુવતી ખુબ જ સુંદર હતી તે જોઇને ત્યાં ટોળું જમા થઇ ગયું. બઘા યુવતીની મદદ કરવા તત્પર હતા. આમ પણ કોઇ છોકરી રસ્તામાં મુસીબતમાં દેખાય તો તેની મદદ કરવા માટે બઘા તૈયાર જ હોય. તે છોકરીને કંઇ વાગ્યુ ન હતું, હાથ પગમાં થોડું છોલાય ગયું હતું. એકટીવાનું હેન્ડલ તૂટી ગયુ હતું.


ગાડીમાંથી એક યુવાન બહાર નીકળ્યો. ગાડી પર ડોકટરનું નિશાન જોઇને બઘાને લાગ્યું કે આ યુવાન ડોકટર જ હશે. તે બહુ દેખાવડો ન હતો, સામાન્ય હતો. તે યુવતીની પાસે આવ્યો અને તેની સામે જોઇને સોરી કહ્યુ, પછી હાથ લંબાવીને ઊભા કરવાની કોશિશ કરી. યુવતીએ કહ્યું, “ના..ના.. તમારો વાંક નથી, હું ઇયરફોન લગાવીને ગીત સાંભળતી હતી, એટલે ધ્યાન ન રહ્યુ.”


વાત સાંભળીને ટોળું વિખેરાય ગયું. એકટીવાને નુકસાન થયું હતું એટલે તે ચલાવવાનો તો સવાલ જ ન હતો. તે યુવાને યુવતીને કહ્યુ કે, ” ચલો તમને મુકી જાઉં.” તેણે હાથનો ટેકો આપીને તેને ગાડીમાં બેસાડી દીઘી. યુવતીએ ગાડીમાં બેસીને સામે પડેલા વિઝિટિંગ કાર્ડ જોઇને કહ્યું, “ઓ..હો..હો.. તમે ડો. બ્રિજેશ ભટ્ટ છો ? અમદાવાદના મશહુર હાર્ડ સ્પેશ્યાલીસ્ટ… જે દર અઠવાડીયે એકવાર અમારા રાજકોટમાં આવે છે તે તમે છો ???”


તે યુવાને તેની સામે જોયું રસ્તા પર ઠોકર વાગી, ટોળું ભેગું થઇ ગયું તે ધમાલમાં તેણે યુવતીની સામે જોયું ન હતું. હવે જોતા ખબર પડી કે તે છોકરી નહી, પણ સંગેમરમરની મુરત હતી. પ્રમાણસર હાઇટ અને બોડી, આજની હિરોઈનની જેમ ઝીરો ફિગર વાળી વાત જાણે સ્વીકારી જ ન હતી. ચહેરા પર નજર પડતાં જ નજર ત્યાં જ ચોંટી જાય. ત્યાંથી આગળ વધે તો ગળા પરનો તલ લલચાવી જાય. ત્યાંથી નીચે ઉતરતાં ટાઇટ ટી-શર્ટમાંથી ઉભરતા સીનામાં નજર ખુંચી જાય..તે જાણે મદહોશ થઈ ગયો. તેણે આંખ બંધ કરી લીઘી, તેના રૂપને નજરમાં સમાવી લીઘું. પછી હસીને કહ્યું, “હા.. હું જ ડો. બ્રિજેશ ભટ્ટ છું.”


તે યુવતી અહોભાવથી જોઇ રહી. તેણે હાથ લંબાવીને કહ્યું, “મારું નામ નિકીતા છે, હું આર્ટસ સ્ટુડન્ટ છું, તમારા વિશે ઘણું સાંભળ્યું હતું, તમારા હાથમાં જાદુ છે, તમને મળીને ઘણી ખુશી થઇ. બ્રિજેશે હસીને શેકહેન્ડ કરતાં કહ્યું, ” એવું કંઇ નથી, બસ ભગવાનની દયાથી હું દર્દીની સેવા કરી શકું છું”


બન્નેએ થોડી વાતો કરી, નિકીતાએ તેનું કાર્ડ લીઘું, અને ઘરે ચાલી ગઇ. બ્રિજેશ ઘરે આવ્યો. તેની આંખ સામેથી નિકીતા ખસતી ન હતી. બીજે અઠવાડીયે પાછો રાજકોટ ગયો. આજે તેની પાસે સફેદ આઇ-20 ગાડી હતી. તે રાજકોટ પહોંચ્યો ત્યાં જ તેના મોબાઇલમાં ફોન આવ્યો. નંબર અજાણ્યો હતો, પણ તેણે ફોન ઉપાડતા સામેથી તેના કાનમાં મઘુર અવાજ સંભળાયો, “હાય.. ડોક… હું નિકીતા.. તમે રાજકોટ આવ્યા છો..? મારે તમને મળવું છે..”


બ્રિજેશે કામ બહુ છે એમ કહીને પછી ફોન કરવાનુ કહીને ફોન મુકી દીઘો. પછી તો દર કલાકે નિકીતાના ફોન આવતા રહ્યા, પણ બ્રિજેશે ફોન રિસીવ ન કર્યા. છેક સાંજે પાંચ વાગ્યે તેણે કહ્યું, “હું કામમાં વ્યસ્ત છું.. ફકત દસ મિનિટ મળી શખીશ.” નિકીતા ખુશ થઇ ગઇ. નકકી કરેલી જગ્યાએ બન્ને મળ્યા, નિકીતા જાણે તેના રૂપથી મહાત કરવા જ આવી હોય તેવી લાગતી હતી. બ્રિજેશ સામાન્ય દેખાવનો હતો. પણ ડોકટર હતો. જયારે કોઇ છોકરી વધારે આવડત ધરાવતાં બુધ્ધિશાળી છોકરાને જોવે છે ત્યારે દેખાવ ગૌણ બની જાય છે. નિકીતા પણ બ્રિજેશથી પ્રભાવીત થઇ ગઇ. તેણે બ્રિજેશને કહી દીધું કે, “અઠવાડીયાથી મારા મનને શાંતિ નથી તમને જોયા પછી સતત તમારા જ વિચાર આવે છે, મારૂ દિલ વારંવાર તમારૂં જ નામ ઉચ્ચારે છે. હું તમારા પ્રેમમાં પડી ગઈ છું, આઇ લવ યુ.. તમે દિલના ડોકટર છો… તો મારા દિલનો ઉપાય કરો ને…”


બ્રિજેશ નિકીતાની વાત સાંભળીને તેની પાસે આવ્યો. જાણે ફૂલ હાથમાં લેતો હોય તેમ તેનો ચહેરો હાથમાં લીઘો અને તેની આંખમાં આંખ નાખીને જોઇ રહ્યો. પછી નિકીતાના કપાળ પર ચુંબન કરીને બોલ્યો, “નિકી, આઇ લવ યુ ટુ….” બસ પછી તો તે નિકીતાને ચુમતો રહ્યો. આંખ, કપાળ, ગાલ, ગરદન પર પોતાના હોઠ મુકતો રહ્યો. નિકીતા ખુશ થઇને તેને વળગી પડી, બ્રિજેશે છેલ્લે તેના હોઠ પર હોઠ મૂકી દીઘાં. બે-ત્રણ મિનિટ પછી છૂટા પડયાં ત્યારે બ્રિજેશની આંખમાં નશો હતો અને નિકીતાની આંખમાં શરમ, પ્રેમનો એકરાર પછી બન્ને છુટા પડ્યા.


પછી તો નિયમ થઇ ગયો. બ્રિજેશ દર અઠવાડીયે જુદી જુદી કાર લઈને રાજકોટ આવતો. બન્ને કલાક – બે કલાક માટે મળતાં. નિકીતા પણ ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવતી હતી. છતાં તે બ્રિજેશથી બહુ પ્રભાવિત થઇ હતી. બ્રિજેશ તેને કહેતો કે , “તને મળવા માટે હું હોસ્પિટલમાંથી વહેલો નીકળી જાઉં છું.” દર અઠવાડીયાની મુલાકાત આગળ વઘતી રહી. પહેલા ગાર્ડનમાં, પછી પિકચરમાં,અને પછી હોટલના રૂમમાં મુલાકાત થવા લાગી.

નિકીતાએ કંઇ પુછયું નહી. બસ ડોકટર છે, અમદાવાદમાં રહે છે તેટલી જ માહિતી તેની પાસે હતી. બંઘ રૂમમાં પ્રેમની ક્ષણોમાં તે બ્રિજેશને સમર્પિત થઇ ગઇ. બ્રિજેશ ઘરની, હોસ્પિટલની, દર્દીની બઘી જ વાતો કરતો પણ કયારેય અમદાવાદ કે હોસ્પિટલ આવ તેમ કહેતો નહી. નિકીતાને પણ તેવી કોઇ જરૂર લાગી નહી.


દોઢ- બે વર્ષ સુઘી દર અઠવાડીયાની મુલાકાત પછી નિકીતાએ લગ્ન કરવાનું કહ્યું. બ્રિજેશે કહ્યુ કે તેના માતા-પિતા બીજી નાતની છોકરી સાથે લગ્ન કરવાની હા નહી પાડે. આપણે ભાગી જઇએ. મહિના સુઘી બન્ને ભાગવાનો પ્લાન કરતા રહ્યાં, પછી નકકી કરેલા દિવસે બ્રિજેશ રાજકોટ આવ્યો. નિકીતા ઘરમાંથી દાગીના અને રૂપિયા લઇને તેની સાથે ચાલી નીકળી. બન્નેએ મંદિરમાં લગ્ન કરી લીઘા અને પછી અમદાવાદ જવાના બદલે સીઘા હનીમુન કરવા માટે ગોવા ચાલ્યા ગયાં.


નિકીતા ખુબ જ ખૂશ હતી બ્રિજેશના રૂપમાં ડોકટર પતિ મળવાની ખુશીમાં તે હવામાં ઉડતી હતી બ્રિજેશને તો ફાયદો જ હતો. સંગેમરમર જેવી પત્ની મળી અને સાથે દાગીના તથા રોકડા રૂપિયા પણ મળ્યા ગોવામાં દસ દિવસનું હનીમુન મનાવીને બન્ને અમદાવાદ આવ્યા. નિકીતા આખા રસ્તે તેને ઘર વિશે પુછતી રહી, પણ બ્રિજેશ વાતને ટાળતો રહ્યો.


અમદાવાદ આવીને તેણે એક બંગલા પાસે ગાડી ઉભી રાખી. બંગલો અને આર ડો. બ્રિજેશ ભટ્ટની નેમ પ્લેટ જોઇને નિકીતા ખૂબ જ ખુશ થઇ ગઇ. બંગલામાં આવીને ગાડી પાર્ક કરીને બ્રિજેશ નીચે ઉતર્યો અને નિકીતાને પણ ઉતારી. નિકીતા હર્ષથી કંઇ બોલી પણ ન શકી બંગલામાં આગળ પોર્ચમાં સાત-આઠ ગાડી ઊભી હતી તે પોતાના નસીબ પર ખુશ થતી હતી.


ઘીમે-ઘીમે બન્ને બંગલા પાસે આવ્યા. બ્રિજેશ એક મિનિટ ઊભો રહ્યો. નિકીતાએ અંદર જવાનું કહ્યુ તો કંઇ બોલ્યો નહી. તેનો હાથ પકડીને ચાલવા લાગ્યો. બંગલો પસાર કરીને બન્ને પાછળ આવ્યા. નિકીતાને કંઇ સમજાયુ નહી. બંગલાની પાછળ સર્વન્ટ કવાર્ટર હતા. તેમાંથી એક ઘરનું તાળું ખોલીને બ્રિજેશ અંદર ગયો. નિકીતાએ જોયું તો એક રૂમ-રસોડાનું કવાર્ટર હતું. ફર્નિચરના નામે એક પલંગ, બે ખુરશી અને એક કબાટ હતો. તેણે બ્રિજેશને પુછયું, ” અહીં કેમ આવ્યા ? ચલો ઘરમાં નથી જવું..?”


બ્રિજેશે કહ્યું, “નિકી.. આ જ આપણું ઘર છે. હું ડોકટર નથી, હું તો ડો. બ્રિજેશ ભટ્ટનો ડ્રાઇવર મહેશ છું. હું ડોકટર સાહેબને લઇને દર અઠવાડીયે રાજકોટ આવતો હતો. તને જોઇ અને તું મને ગમી ગઇ. જયારે તે મને ડોકટર માની લીઘો ત્યારે ચોખવટ કરવાની મારી હિંમત ન ચાલી. કદાચ સાચી વાત જાણીને તું મને છોડી દઇશ તેવી બીક લાગી, આથી ડોકટર હોવાનું નાટક ચાલુ રાખ્યુ… તું ફોન કરતી એ નંબર પણ ડોકટરસાહેબના હતા.. તે પેશન્ટ માટેના નંબર અલગ રાખતા અને તે મોબાઇલ મોટાભાગે મારી પાસે રહેતો.”


નિકીતા સ્તબ્ઘ બની ગઇ. પ્રેમના નશામાં કોઇ પ્રકારની તેણે તપાસ ન કરી તેનો પસ્તાવો થતો હતો. પણ હવે શું થાય ..?? લગ્ન પહેલા જ હનીમુન મનાવી લીઘું હતું, અને હવે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા એટલે પાછા ફરવાનો રસ્તો પણ બંઘ હતો. તે પોતાની મુર્ખાઈ પર રડતી રહી. બસ આજની યુવતીઓને મારી એક જ વિનંતી છે કે, કોઇને પસંદ કરતા પહેલા કે તમારી જાત સમર્પિત કરતાં પહેલા તેના વિશે પુરતી તપાસ કરી લેજો. પ્રેમ કરવો એ પાપ નથી, પણ પ્રેમમાં પ્રેમીના હાથે છેતરાવવુ તેના જેવો આઘાત બીજો કોઇ નથી.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ