શું તમને ક્યારેય એવી જીજ્ઞાશા થઈ છે કે ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે ?

ઇન્ટરનેટ તમારા સુધી પહોંચે છે કેવી રીતે ? તેનો માલિક કોણ છે ? ઇન્ટરનેટની સ્પીડ કેવી રીતે નક્કી થાય છે ? આમ ઇન્ટરનેટને લઈને તમારા મનમાં અનેક પ્રશ્નો સળવળ્યા કરતા હશે.

તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ઇન્ટરનેટની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છે.

આજે કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ રોજીંદા ધોરણે કરી રહ્યા છે. આજે ઇન્ટરનેટ સાડા સાત કરોડ કરતાં પણ વધારે ઇન્ટરકનેક્ટેડ સર્વરોથી જોડાયેલું છે. શરૂઆતમાં જેને માત્ર નેટવર્ક કહેવામાં આવતું હતું તેને હવે આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. તે આજે હજાર કરોડ કરતાં પણ વધારે કંપ્યુટર્સ, સ્માર્ટફોન્સ અને અન્ય સાધનોને એકબીજા સાથે જોડે છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેટની શરૂઆત 1969માં યુએસએના રક્ષા કાર્યાલયમાં ARPA (Advance Research Project Agency) દ્વારા ઓફિસના ચાર કંપ્યુટરનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું અને તે વખતે તે નેટવર્ક દ્વારા માહિતીની આપલે કરવામાં આવી હતી. તે વખથે 2.4 kbps ડેટા એક્સચેન્જ કરવામાં આવ્યો હતો. આમ પ્રયોગમાં સફળ થયા બાદ ધીમે ધીમે નેટવર્કને અમેરિકાની ઘણીબધી સરકારી એજન્સીઓ સાથે જોડવામાં આવ્યું.

અને પછી ધીમે ધીમે નેટવર્ક વધતું ગયું અને સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 1995માં 15 ઓગસ્ટના દિવસે બીએસએનલ કંપની દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાર બાદ સમય જતાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીએ તેમાં પગ પેસારો કર્યો.

Mobile Surveillance Towers

આજે તમારા સુધી પહોંચાડવામાં આવતી ઇન્ટરનેટની સર્વિસ 90 ટકા ફાયબર ઓપ્ટીક વાયર્સ એટલે કે સબમરીન વાયર દ્વારા આવે છે. જ્યારે દસ ટકા ઇન્ટરનેટ સેટેલાઇટ થકી વાપરવામાં આવે છે. જે માત્ર ઇન્ટેલીજન્ટ એજન્સીઓ માટે જ ઉપલબ્ધ છે.

સામાન્ય લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા. આવા ઓપ્ટીક ફાયબર કેબલને સમગ્ર વિશ્વમાં અંડરગ્રાઉન્ડ ફેલાવવામાં આવ્યા છે. સમુદ્રમાં પણ. પૃથ્વીને 22 વાર ઘેરી શકાય અથવા તો કહીએ કે પૃથ્વીથી ચંદ્ર પર જઈને પાછા આવી જાય તેટલા બધી લંબાઈમાં આ વાયરને પાથરવામાં આવ્યા છે.

હવે ઇન્ટરનેટ કામ કેવી રીતે કરે છે તે જોઈએ.

ઉપર જણાવ્યું તેમ સંપૂર્ણ ઇન્ટરનેટ ઓપ્ટિક ફાયબર કેબલથી ચાલે છે. તમને એ પ્રશ્ન થતો હશે કે મારા મોબાઈલમાં તો કોઈ જ કેબલ નથી લાગેલો તો પછી હું કેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું છું ? પણ તમારા મોબાઈલ નેટવર્કના ટાવર છે તે બધા જ ઓપ્ટિક ફાયબર સાથે જમીનથી જોડાયેલા છે અને તે ટાવર દ્વારા તમારા મોબાઈલ સુધી ઇન્ટરનેટ પહોંચે છે.

ટીયર 1 કંપનીઓ સમગ્ર વિશ્ના ખંડોને સમુદ્રમાં પાથરેલા સબમરીન કેબલ થકી નેટવર્ક પુરુ પાડે છે. તેઓ પોતાના નેટવર્કની આ વ્યવસ્થાને ટીયર ટુ કંપનીની ને વેચે છે અને ટીયર ટુ કંપનીઓ ટીયર 3ની કંપનીઓને વેચે છે અને તેના દ્વારા તમારા સુધી ઇન્ટરનેટ પહોંચે છે. આ ટીયર 1 કંપની એ છે કે જેણે સમગ્ર વિશ્વના સમુદ્રોમાં પોતાના સબમરીન કેબલ્સ પાથર્યા હોય છે. અને તે એક દેશથી બીજા દેશ સુધી ખાસ કરીને તો એક ખંડથી બીજા ખંડ સુધી સમુદ્રમાં સબમરીન કેબલ પાથરીને સમગ્ર વિશ્વને નેટવર્કથી જોડેલું રાખે છે.

સબમરીન કેબલ બહુ જાડા નથી હોતા પણ તમારા વાળ જેટલા પાતળા હોય છે. આ એક એક કેબલમાં 100 જીબીપીએસની બેન્ડવિડ્થ રહેલી હોય છે. અને જે કંપનીએ આ વાયર ફેલાવ્યા હોય છે તેને ટીયર 1 કંપની કહેવાય છે ભારતની ટાટા તેમજ રીલાયન્સ કંપનીનો પણ આ ટીયર 1 કંપનીઓમાં સમાવેશ થાય છે.

જો તમને હજુ વધારે જીજ્ઞાશા થતી હોય તો તમે સબમરીન કેબલ મેપ ડોટ કોમ નામની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો કે સમગ્ર વિશ્વમાં જમીન નીચે ક્યાં ક્યાં આ સબમરીન કેબલ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વ આ કેબલ થકી જોડાયેલું છે.

હવે આપણે ભારતની વાત કરીએ તો આ ટીયરવન કંપની દ્વારા ફેલાયેલા સબમરીન કેબલો મુંબઈ, ચેન્નઈ અને કોચી સાથે જોડાયેલા છે અને આ શહેરો દ્વારા આપણા સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. માની લો કે તમે કોઈ વેબસાઇટ સર્ચ કરી રહ્યા છો તો તેનો ડેટા તમારી નેટવર્ક કંપની મુંબઈ, કોચી અથવા ચેન્નઈના સર્વર સુધી તે પહોંચાડશે અને ત્યાંથી વિશ્વના બીજા સર્વર સુધી પહોંચાડશે અને તમને તમારી માંગેલી માહિતીઓ પુરી પાડશે.

મુંબઈ, કોચી અને ચેન્નઈ એ ભારતના લેન્ડીંગ પોઈન્ટ છે. ભારતમાં ઇન્ટરનેટ પર જે કંઈ પણ સર્ફ કરવામાં આવે છે તે આ ત્રણમાંથી એક સર્વર પર જાય છે.

રીલાયન્સ જીયો એ તેનો પોતાનો જ સબમરીન કેબલ એશિયા, આફ્રિકા અને યુરોપ સુધી ફેલાવી દીધો છે. જેની પોતાની કેપેસીટી 40 ટેરા બાઈટની છે. માટે જ જીયો તમારા સુધી સસ્તામાં સસ્તુ ઇન્ટરનેટ પહોંચાડી શક્યું છે. કારણ કે જો તમારા ડેટાને વીદેશના સર્વરની જરૂર પડી જેમ કે એશિયાના દેશો હોય કે આફ્રિકાના કોઈ દેશ હોય કે પછી યુરોપના કોઈ દેશ હોય તો તેના માટે રિલાયન્સે બીજી કંપની પર નીર્ભર નહીં રહેવું પડે પણ તે પોતાના કેબલ થ્રુ જ તમારો ડેટા મોકલી દેશે. આમ તેમને બીજી કંપનીને કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી.

આમ જોવા જઈએ તો ઇન્ટરનેટ ફ્રી હોય છે તેનું કંઈ કોઈ ફિઝિકલ ઉત્પાદન કરવામાં નથી આવતું આ એક જાતનું નેટવર્ક છે જેને વાયર થકી એકથી બીજા કંપ્યુટર સાથે જોડવામાં આવે છે અને આમ એક નેટવર્ક રચાય છે. અહીં માત્ર ખર્ચો તેમાં વપરાતા વાયર્સ અને તેને પાથરવાની લેબર અને તેના મેઇન્ટેનન્સનો હોય છે. અને તેનો જ ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવે છે.

હવે ટીયર ટુ કંપનીનું કામ શું છે તો આ કંપનીઓ ભારત સુધી પહોંચેલા નેટવર્કને ભારતની અંદરના રાજ્યો, શહેરો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તેના માટે તેમણે ટીયર 1 કંપનીને નાણા ચૂકવવા પડે છે.

અને ત્યાર બાદ આપણા સુધી જે આ નેટવર્ક પહોંચાડે છે તે છે ટીયર 3 કંપની જેમણે નેટવર્કના નાણા ટીયર 2 કંપનીને ચૂકવવા પડે છે જેમાં નફો ચડાવી તેઓ આપણને નેટવર્ક વેચે છે.

ભારતની મોટી નેટવર્ક કંપનીઓ જેમ કે રીલાયન્સ, એરટેલ તેમનું પોતાનું ફાયબર ઓપ્ટિક કેબલનું નેટવર્ક ધરાવે છે. માટે જ રીલાયન્સ ભારતમાં 4જી નેટવર્ક લાવવામાં સફળ રહ્યું છે કારણ કે તેમણે પાંચ વર્ષ પોતાના કેબલને સમગ્ર દેશમાં નાખવાનું કામ કર્યું છે અને માટે જ આજે રિલાયન્સ તમારા સુધી 4જી નેટવર્ક લાવી શક્યું છે.

હવે તમારા મનમાં સ્પીડનો પ્રશ્ન થતો હશે કે તે કેવી રીતે માપવામાં આવે છે ? ધારીલો કે તમારા વિસ્તારમાં રીલાયન્સે પોતાનો ટાવર લગાવ્યો જે 100 mbps ની બેન્ડ વિડ્થ ધરાવે છે. હવે તમારા એરિયામાં જેટલા મોબાઈલ હશે તેમાં આ 100 mbpsની સ્પીડ વહેંચાઈ જશે અને આમ તમારી સ્પીડ ઘટી જશે. એટલે કે જો માત્ર 5 જ નેટવર્ક યુઝર્સ હશે તો તેમને 20 એમબીપીએસની સ્પીડ મળશે પણ જો 100 યુઝર્સ હશે તો 1mbpsની સ્પીડ મળશે.

આ ટાવરની બેન્ડ વિડ્થ અલગ અલગ હોય છે. કોઈકમાં 100mbps હશે તો કોઈમાં 500 mbps હશે તો કોઈમાં 1GBPS હશે. જે સમય દરમિયાન નેટવર્કનો વપરાશ સૌથી વધારે હોય છે તે સમયે સૌથી ઓછી સ્પીડ હોય છે. અને માટે જ જ્યારે રાત્રે લોકો નેટવર્ક વાપરવાનું બંધ કરે છે ત્યારે તમારા નેટવર્કની સ્પીડ વધી જાય છે.

હવે બીજી વાત એ છે કે તમે જ્યારે ભારત બહારના સર્વરનો ઉપયોગ કરો છો ત્યારે તમારા ડેટાને ઘણા બધા સબમરીન કેબલમાંથી પસાર થવું પડે છે અને માટે તમારી સ્પીડ પણ ઘટી જાય છે.


સર્વર રૂમ

જેમ કે તમે ગુગલ પર સર્ફ કરી રહ્યા છો તો તેનું સર્વર ભારતમાં નથી પણ યુએસએના કેલિફોર્નિયામાં છે માટે તમારા નેટવર્કને મુંબઈથી કેલિફોર્નિયાની સફર ખેડવી પડશે. તેની જગ્યાએ ભારતીય વેબસાઇટ્સ લો જેમ કે ફ્લિપકાર્ટ છે કે પેટીએમ છે તો તેના સર્વર ભારતમાં જ હોવાથી તમે તરત જ તેની સાથે કનેક્ટ થઈ જશો અને તમને જોઈતો ડેટા ખુબ જ ઝડપથી મેળવી શકશો.

તમારા ડેટાને બીનજરૂરી રીતે સમગ્ર વિશ્વની સફર ન ખેડવી પડે તે માટે ભારતમાં nixi બનાવવામાં આવ્યું છે જેમાં ભારતમાંના બધા જ સર્વિસ પ્રોવાઇડરને ભેગા કરવામાં આવ્યા છે. તેમાં જ ટાયર 1, ટાયર 2, ટાયર 3 કંપનીઓને જોડી દેવામાં આવી છે. જેના કારણે જો ઇન્ટરનેટનો ટ્રાફિક ભારતમાંને ભારતમાં જ ફેરવવાનો હોય તો તમારે પ્રોક્સિનો ઉપયોગ નથી કરવો પડતો અને તેના કારણે સ્પીડ પણ વધી જાય છે.

અને તમારો ડેટા સેફ પણ રહે છે કારણ કે તેને ભારત બહાર મોકલવાની નોબત જ નથી આવતી. આમ તમારે જો ભારતીય વેબસાઇટો જ વિઝિટ કરવી હોય તો તમને તે ભારતના સર્વરો જ પુરી પાડી દે અને સીધી તમારા સુધી માહિતિ પહોંચે.

પણ લોકો કંઈ ભારતમાંની જ વેબસાઇટનો ઉપયોગ કરવાના નથી તેની બહાર પણ તેઓ સર્ફ કરશે, વિદેશી વેબસાઇટની પણ વિઝિટ કરશે તો તેવા સમયે ભારત બહારના સર્વરનો ઉપયોગ કરવો પડે છે. આવા સમયે જો મુંબઈ થી યુએસ.એ જતાં કેબલમાં કંઈ ખામી સર્જાઈ તો તેઓ તમારો ડેટા મુંબઈથી નહીં પણ કોચીથી યુએસએના સર્વર સુધી મોકલશે અને તે કયા માર્ગેથી જશે તે કંઈ ચોક્કસ નથી હોતું આમ સ્પીડમાં વધ ઘટ થતી રહે છે.

2008માં જ ઇજિપ્તના લેન્ડીંગ પોઇન્ટ સુધી જતાં સબમરીન કેબલમાં ખામી સર્જાઈ હતી અને ઇજીપ્તનું 70% નેટવર્ક ખોટકાઈ ગયું હતું. જો કે ત્યાર બાદ 24 કલાક કેબલ રીપેર કરવાવાળાની ટીમને હાજર રાખવામાં આવે છે જેથી કરીને આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

હવે તમને એવી જીજ્ઞાશા થતી હોય કે તમે જે ડેટા માંગ્યો છે તે કયા માર્ગે ક્યાંક્યાં થઈને ફરી પાછો જવાબ રૂપે તમારા સુધી પહોંચે છે. તો તેની માહિતી તમને સબમરીન કેબલ મેપ વાળી સાઇટ પરથી સરળતાથી મળી રહેશે.

આમ અમે બને તેટલી સરળભાષામાં ઇન્ટરનેટ વિષેની માહિતી તમારી સુધી પહોંચાડી છે. જો કે આ ફીલ્ડ ઘણું ઉંડુ છે અને જેટલું ખોદવામાં આવે તેટલી માહિતી મળતી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ