હિમાલયના હાડ ગાળતા ઠંડા પહાડોમાં 8 દિવસ સુધી ઝરણાનું પાણી પીને જીવતો રહ્યો આ યુવાન !

ચમત્કારથી ઓછું નથી; બર્ફિલા પહાડોમાં ખોવાયેલ વિદ્યાર્થી ૮ દિવસે મળ્યો. ઘાયલ હોવા છતાં માત્ર ઝરણાંનું પાણી પીને જીવતો રહ્યો.

જાકો રાખે સાઈયાં, માર શકે ના કોઈ! આપણે આ ઉક્તિ ઘણી વખત સાંભળીએ છીએ અને ક્યારેક બોલી પણ લઈએ છીએ જ્યારે કુદરતના કોઈ એવા ચમત્કાર વિશે જાણીએ છીએ કે જે બનવું સાવ જ અશક્ય હોય.

હિમાચલ પ્રદેશના મેક્લોડગંજને ટ્રેકિંગ માટેનું થોડા સમયથી યુવાનોમાં આકર્ષણ વધી રહ્યું છે. જેને લીધે તે સમાચારોમાં પણ આજકાલ અવારનવાર ઝળકે છે. દિલ્હીના ૪૦ યુવાન વિદ્યાર્થીઓનું એક ગૃપ ટ્રેકિંગ કરવા ત્યાં પહોંચ્યું હતું.

પરંતુ એમનો એક સાથી તેમનાથી વિખૂટો પડી ગયો અને સૌનો જીવ અદ્ધર થઈ ગયો. એક અઠવાડિયા સુધી તેની તલાશ કરી અંતે તે જીવિત મળ્યો ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી.

કહેવાય છે જેને જીવવાની ઇચ્છા હોય તે ડૂબવાને બદલે તરફડિયાં મારીને તરતાં શીખી જ જાય છે એવો જ તાજો દાખલો જોવા મળ્યો. દિલ્હીના આ ૨૦ વર્ષના હિમાંશુ આહૂજાએ મૃત્યુ સામેના પડકારને જીતીને પોતાના જીવનને નવો જન્મ આપ્યો છે.

થયું એવું હતું કે મિત્રો સાથે ટ્રેકિંગમાં ૪૦ મિત્રો ગયા હતા અને ભાગસુનાગ વોટરફોલ પાસે ઓચિંતાની તેના નામની શોધખોળ શરૂ થઈ. સાથે આવેલા શિક્ષકોએ પણ તેને શોધવા પ્રયત્ન કર્યો.

પરંતુ તે ન મળતાં કોલેજની સંસ્થાને જાણ કરાઈ અને ત્યાંના સ્થાનિક પ્રસાશનોને જાણ કરાઈ. સ્થાનિક પોલિસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવાય. પરિવારને જાણ થતાં તેઓ પણ સ્થળે પહોંચી આવ્યાં હતાં અને તેના નામ પર ઇનામ જાહેર કરાયું.

એક સપ્તાહ સુધી તેનો કોઈ પતો ન મળતાં સૌએ તેના જીવિત હોવાની આશા ખોઈ બેઠાં હતાં. બધાંને એમ જ થયું કે હવે તે પાછો નહીં આવે, કારણ કે પોલિસ અને આર્મીની ટીમે એ પહાડી જંગલોના આખા વિસ્તારમાં તેની શોધખોળ કરી મૂકી હતી. સૌએ હાર માની લીધી હતી. પરંતુ ફિલ્મોમાં કે કોઈ ટી.વી. સિરિયલમાં જોવા મળે એવું દ્રશ્ય હિમાંશુના જીવનમાં સર્જાઈ ગયું.

એક રણજીત સિંહ નામે ટ્રેકર તેના સાથીઓ સાથે એક પહાડી રસ્તેથી પસાર થાતો હતો. એમણે ઝાડ પાસે એક ચૂપચાપ બેઠેલા માણસને જોયો. તેનો એક પગ ઘાયલ થયેલો હતો એ જોઈને મદદ કરવા આ લોકો તેની પાસે પહોંચ્યા અને પૂછપરછ કરવા જતાં ખબર પડી કે તે જ હિમાંશુ છે!

એ સૌને સહી સલામત મળ્યો ત્યારે તેણે જણ્યાવ્યું કે પહાડી જંગલોમાં ગૂફામાં રહ્યો હતો અને નજીકમાં પસાર થતાં ઝરણાનું પાણી પીધું હતું. સાવ નીચા તાપમાને બર્ફિલા વિસ્તારોના પહાડ પર ઠંડી ખૂબ જ પડતી હોય અને ઓક્સિજનનું પ્રમાણ પણ બહુ ઓછું હોય; જ્યાં કંઈ જ ખોરાક ન હોય માત્ર પાણી પીને આટલા દિવસ જીવન ટકાવવું બહુ મુશ્કેલ હોય છે.

ખરેખર આ યુવાનની જીવી જવાની ઇચ્છા અને તેના મિત્રો – પરિવારની દુઆઓની જ અસર હશે કે આવો ચમત્કાર જોવા મળ્યો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ