એવા કુદરતી સૂચનો જે અપનાવશો તો કાયમ માટે કબજિયાતની ફરિયાદ નહીં રહે.

કબજિયાત દૂર કરવા દુનિયાભરના બધા જ ઉપાયો કરીને થાક્યા? કંઈ જ કામ ન આવ્યું હોય તો આ રામબાણ યુક્તિ અજમાવી જુઓ. એવા કુદરતી સૂચનો જે અપનાવશો તો કાયમ માટે કબજિયાતની ફરિયાદ નહીં રહે. કબજિયાત સામે સમાધાન કરવાના ૯ સરળ અને કુદરતી ઉપચારો.

આ સમસ્યા સામે દરેક ઉપાધી પાણી ભરે! કહેવાય છે જેમને સવારે સરળતાથી ટોઈલેટ જવાઈ જતું હોય છે એમનો આખો દિવસ સારો જાય છે. જ્યારે કોઈને કબજિયાતની તકલીફ હોય એના જેવી બીજી કોઈ કપરી ઉપાધી તેમને નથી લાગતી. શરીર બેચેની અનુભવે, કોઈ અગત્યની મિટિંગમાં કે પ્રસંગોપાત બહાર જવાનું હોય, પરિક્ષા હોય કે પછી ગૃહિણીઓને ઘરમાં મહેમાનોનું સ્વાગત કરવાનું હોય; જો તેમને કબજિયાતની ફરિયાદ હશે તો કોઈ જ પ્રવૃત્તિમાં તેમનું મન લાગશે નહીં. વધુમાં પેટમાં વારેઘડીએ વળ પડવા કે આંટી આવવાની ફરિયાદ રહે છે. કોઈને તો દુખાવો પણ થાય છે. વારંવાર ટોઈલેટ જવાથી બળતરા અને દુખાવો પણ થાય છે. વધારે પડતું બળ કરવાથી થાક લાગી શકે છે. આ સમયે વ્યક્તિને જ્યાં સુધી હાશકારો ન થાય ત્યાં સુધી તેમને ક્યાંય ચેન પડતું નથી.

કબજિયાત માત્ર કુદરતી રીતે પેટના કચરાનો નિકાલ ન થવાની સમસ્યા નથી. કબજિયાતને લીધે પાચનતંત્ર, જઠરની કામગીરી અને કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર કરે છે. અનિયમિત રીતે અને બળ કરીને થતો નિકાલ એ કુદરતી હાજતની સમસ્યા આખા શરીરના સ્વાસ્થ્ય તંત્રને બગાડી શકે છે. શરૂઆતમાં કબજિયાતને આપણે બહુ ગંભીરતાથી નથી લેતાં પરંતુ તે જો લાંબો સમય સુધી રહે તો અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે અને શરીરમાં અશક્તિ પણ આવી શકે છે.

આપણી જીવનશૈલી ખૂબ જ ફાસ્ટ અને અનિયમિત થઈ ગઈ છે. વળી સૌ કામના ટેન્શનમાં જમવાનું અને પાણી પીવાના પ્રમાણમાં પણ બેદરકાર રહે છે. અહીં એવા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ જેને તમે વાંચશો તો તમને થશે કે આ ઉપચાર કરવાનું મેં પહેલાં કેમ ન વિચાર્યું?

આવો, જોઈએ એવા કેટલા સરળ રામબાણ ઉપચારો જે કુદરતી રીતે તમારી કબજિયાતની ફરિયાદને નિવારવા માટે મદદરૂપ થશે.

૧ પાણી… પાણી… પાણી…

આપણને દરેક ડોક્ટરો ખૂબ પાણી પીવો એવું કહી દેતા હોય છે. આપણે જાણીએ પણ છીએ કે આપણું શરીર ૭૦% પાણીથી બનેલું છે. ખૂબ ગરમી અને અતિશય કામને લીધે આપણાં શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે. જેથી તેનું બેલેન્સ જાળવી રાખવા પાણી અને વિવિધ પ્રવાહી સ્વરૂપ એકંદરે દર કલાકે પીતાં રહેવું જોઈએ. પેટમાં પાણીનું પ્રમાણ યોગ્ય હશે તો પાચન પણ સરળતાથી થશે અને પેટ પણ નિયમિત રીતે સાફ રહેશે.

૨ પેટને રેસાયુક્ત આહારથી ભરી દોઃ

પેટમાં જેમ પાચન સરળ થશે તેમ નિયમિત રીતે તમને કુદરતી હાજત જવાની સરળતા રહેશે. અનેક ખાંટાં અને મીઠાં ફળ ખાસ કરીને કેરી, પપૈયું, દાડમ વગેરેમાં ભરપૂર માત્રામાં રેસા હોય છે જે પાચનતંત્રને તેની કામગીરીમાં મદદરૂપ થાય છે. ફોતરાંવાળી દાળ અને છડેલાં ધાન ખાવાથી પણ તેમાંથી પૂરતું ફાઈબર મળી રહે છે.

૩ એક કપ બ્લેક કોફી કે ચા…

કહેવાય છે કે ચા કે કોફીથી કબજિયાત વધે છે. પરંતુ દૂધ વિનાની અને ગરમ પાણીમાં ઊકાળેલી એક કપ કોફી તમને રેચ લાગવામાં મદદરૂપ થઈ શકે છે. તેની પાછળનું એક તારણ એ પણ છે કે પેટમાં ગરમ પાણી કે પ્રવાહી જશે તો આપોઆપ હોજરીમાં જમા થયેલ સૂકા મળને આગળ વધવાનો માર્ગ મળશે.

૪ દૂધને હોઠે અડાડોઃ

દૂધ એ કુદરતી રીતે પાચનમાં હળવું છે અને તેમાં ભરપૂર માત્રામાં દૂધમાં રહેલી કુદરતી શર્કરા – લેક્ટોઝ જેને મેડિકલ ટર્મમાં કહેવાય છે તે પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. જેમને દૂધ ન ભાવતું હોય તેઓ છાશ કે પનીર દ્વારા આ કુદરતી સત્વની પૂરતી કરી શકે છે.

૫ ચૂંક આવે તો શેક કરોઃ

જેમને પેટમાં વારંવાર વળ આવતા હોય કે ચૂંક આવીને વધારે દુખાવો થતો હોય તો પેટ પર નાભીની નીચેના ભાગમાં સીધા સૂઈ રહીને ગરમ પાણીની બોટલ કે ઈલેક્ટ્રોનિક હિટિંગ પેડ વડે શેક કરવો જોઈએ. આ ઉપચાર કરવાથી જો પેટમાંથી વાયુ છૂટશે તો પણ દરદીને રાહત અનુભવાશે.

૬ મેગ્નેશિયમ સાઈટ્રાઈટઃ

એક પ્રકારનું કુદરતી ખનીજ તત્વ છે. જે કુદરતી રીતે પેટમાં જમા થયેલા જૂના મળને પણ સાફ કરવા માટે ઉપયોગી છે. જે આંતરડાં, જઠર અને આખા પાચન માર્ગમાંથી પસાર થતા સ્નાયુને તાણમુક્ત કરે છે અને મળને આગળ જવા દેવા માટે રસ્તો કરી આપે છે.

મહત્વની વાત એ છે કે તમે મુસાફરી કરતાં હોવ તો પણ તેનું પેકેટ સાથે લઈ શકો છો અને તેની ટેબલેટ પણ આવે છે જે દરરોજ નિયમિત લેવાથી કબજિયાતની સમસ્યા સાવ દૂર થઈ જાય છે.

૭ તમે ચાલો અને તમારા પેટને પણ ચલાવોઃ

જમીને રાતે કે સવારે વહેલાં ઊઠીને થોડું ચાલવું ખૂબ જ જરૂરી છે. જેમનું કોપ્યુટર પર અને ડેસ્ક વર્ક હોય છે કે પછી સાવ બેઠાડુ જીવન હોય છે તેમનું પાચનતંત્ર નબળું પડતું જાય છે. અને તેમના પેટમાં નિકાલ થયા વિનાનો મળ જમા થતો જાય છે પરિણામે કબજિયાતની ફરિયાદ વધે છે. થોડું ચાલવું અને હળવો વ્યાયામ સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે.

૮ તેલ – મસાલા ઘટાડી, સલાડ ઉપર આવી જાવઃ

વધુ પડતું તીખું અને તેલવાળું ચટપટું ભોજન આપણા સૌનું પ્રિય હોય છે. તેમાં ય જો હોટેલ કે સ્ટ્રીટ જંક ફૂડ હોય તો આપણે આંગળીઓ ચાટીએ ધરાઈને ખાઈએ છીએ. દૂધ ન પીવાથી કે ઓછું પાણી પીવાથી આવું મસાલેદાર ભોજન પેટમાં જઈને બળતરા કરે છે. એસિડિટી પણ થાય છે. અને કબજિયાત રહે છે. તેને બદલે દિવસમાં ઓછામાં ઓછું એક વખત ભોજનના અડધા કલાક પહેલાં સલાડ ખાવ. સલાડમાં રહેલાં તાજાં લીલાં શાકભાજી જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ છે અને તે કાચાં જ ખવાઈ જવાથી તેમાં પોષક તત્વો પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે.

૯ સવારે ટોયલેટ સીટ પર બેસવાનો સમય કાઢોઃ

આપણી લાઈફસ્ટાઈલ એવી અઘરી થતી જાય છે કે લોકો ક્યારેક ઓફિસે જતી વખતે રસ્તામાં જ સેન્ડવિચ કે બિસ્કિટ જેવો બ્રેકફાસ્ટ કરી લેતાં હોય છે. જેમને જમવાનો પણ સમય ન હોય તેઓ કુદરતી હાજતને કેવી રીતે ન્યાય આપી શકે? ઘણાં લોકોને એવી પણ ટેવ હોય છે કે સવારનું છાપું લઈને ટોઈલેટમાં જતાં હોય છે. કહેવાય છે કે દુનિયાના શ્રેષ્ઠ વિચારો મહાન લોકોને ટોઈલેટ સીટ પર જ આવતા હોય છે. જો તમારે કબજિયાતની તકલીફથી પીડાવું ન હોય તો શાંતિથી કોઈ ઉતાવળ કે ઉચાડ વગર ટોઈલેટ સીટ પર બેસવાનો સમય ફાળવવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ