એક પ્રેમ આવો પણ – જો પ્રેમ સાચો હોય ને તો વર્ષો પછી જરૂર થાય છે.

બને એટલી ઝડપે સિટી મોલ ના પગથિયાં ઉતરી માધવી દોડી ને પોતાની ગાડી માં ગોઠવાઈ ગયી.. ડ્રાઈવર ને ગાડી હંકારી જવાનો ઈશારો કરી એને એક ઊંડો શ્વાસ લીધો.. કેટલા વર્ષો પછી આજે એને મંથન ને જોયો હતો.. પોતે અમદાવાદ છોડી ને આવી પછી ક્યારેય એને મંથન ક્યાં છે એ જાણવાની કોશિશ પણ નહોતી કરી.. આજે વર્ષો પછી એને મંથન ને જોયો પણ એક અન્ય યુવતી સાથે એટલે માધવી ખૂબ જ વ્યાકુળ થઈ ગયી હતી. મંથન અને પેલી યુવતી બન્ને કેવા હસી હસી ને વાતો કરતા હતા એ યાદ આવતા માધવી ની આંખો ભરાઈ આવી.. ડ્રાઈવર ગાડી ના કાચ માંથી એની રડમસ હાલત જોઈ રહ્યો છે એ ખ્યાલ આવતા એને પોતાની જાત ને સ્વસ્થ કરી.. પોતાના આંસુઓ પર કાબુ મેળવી એ ગાડી ની બહાર જોવા લાગી.માધવી ની આંખો સમક્ષ એનો ભૂતકાળ તરવરી રહ્યો હતો.

માધવી ના માતાપિતા એક કુદરતી અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા એટલે એ એના મામા મામી સાથે અમદાવાદ માં રહેતી હતી..મામા મામી ને કોઈ સંતાન નહોતું એટલે એમને માધવી ને પોતાની દીકરી ની જેમ ઉછેરી હતી.પત્રકારત્વ નો અભ્યાસ કર્યા બાદ માધવી અમદાવાદ ની જ એક સ્થાનિક ન્યૂઝ એજન્સી માં જોબ કરતી હતી..એ ખૂબ જ મહત્વકાંક્ષી હતી.એ પોતાનું એક આગવું નામ બનાવવા માંગતી હતી.રોજ ઘર થી નોકરી ના સ્થળ સુધી એ બસ માં મુસાફરી કરતી.

એકવાર બસ સ્ટોપ પર પહોંચતા જરા મોડું થયું એટલે એ દોડતી બસ સ્ટોપ પર પહોંચી .માધવી બસ સુધી પહોંચે ત્યાં સુધી બસ ઉપડી ચુકી હતી પણ અચાનક ધીમી ગતિ એ ચાલતી બસ માંથી એક હાથ લંબાયો ને માધવી આ હાથ ના સહારે બસ માં ચડી ગયી.ચડતા ની સાથે જ એને એના તરફ મદદ માટે લંબાયેલા હાથ માટે આભાર વ્યક્ત કરવા પોતાનું મુખ એ વ્યક્તિ તરફ કર્યું..એની સામે ફોર્મલ કપડાં પહેરેલો…ઊંચો…રૂપાળો અને ખૂબ જ વિવેકુ દેખાતો મંથન ઉભો હતો.માધવી એ એનો આભાર વ્યક્ત કર્યો.નાનકડી એ મુલાકાત માં બન્ને વચ્ચે નામ ની આપલે થઈ હતી.

સાંજે ઓફિસથી ઘરે જતી વખતે પણ અનાયાસે જ માધવી અને મંથન બસ સ્ટોપ પર મળી ગયેલા.મંથન ને માધવી પહેલી જ નજરમાં ગમી ગયી હતી.. ન્યૂઝ એજન્સી માં કામ કરતી માધવી હંમેશા ફોર્મલ કપડાં માં જ રહેતી..મેકઅપ નો એને ખાસ શોખ નહિ..પણ કદાચ એને મેકપની જરૂર પણ નહોતી. ભગવાને માધવી ને રૂપ જ એવું આપ્યું હતું..નાજુક નમણી માધવી ના આ રૂપ પર જ મંથન મોહી ગયો હતો

“અરે,તમે અહીંયા?” મંથને થોડે દુર ઉભેલી માધવી ને પૂછ્યું “હા,મારી જોબ અહીં સામે ની બિલ્ડિંગમાં જ છે,જોબ નો ટાઈમ પૂરો થયો એટલે ઘરે જવા બસ ની રાહ જોઉં છું….તમે પણ…….” “હા,હું પણ અહીં નજીક માં જ મારી કન્સલ્ટન્સી ચલાવું છું” મંથન ઉતાવળા સ્વર માં માધવી ની વાત વચ્ચે થી કાપતા જ બોલી પડ્યો

માધવી મંથન ની દશા જોઈ હસી પડી અને માધવી ને હસતા જોઈ મંથન પણ હસી પડ્યો.માધવી સ્વભાવે બોલકણી એટલે એ મંથન સાથે વાતો કરવા લાગી..મંથન સ્વભાવે શાંત પણ કોણ જાણે કેમ માધવી સાથે એ પણ એકદમ નિખાલસ થઈ ગયેલો.એટલા માં જ બસ આવી ને બન્ને બસ માં ગોઠવાયા.બસમાં પણ મંથન ની નજર માધવી પર ટેકવાયેલી હતી.માધવી નું સ્ટેન્ડ આવ્યું એટલે માધવી મંથન સામે સ્મિત કરી હાથ હલાવતી ઉતરી ગઈ.

મંથન આમ તો બાઇક લઈને જ પોતાના કામે જતો પણ આજે બાઇક બગડ્યું હતું એટલે એને બસ નો સહારો લીધો હતો..પણ આજે બસ માં એને એક એવો અજાણ્યો ચહેરો ગમી ગયેલો જેને એ પોતાનો અંગત બનાવવા માંગતો હતો.અને એટલે જ ફક્ત માધવી ને જોઈ શકાય…એની સાથે સાહજિક વાત કરી શકાય એ આશયથી મંથન બીજા 10 દિવસ પણ બસમાં જ ઓફિસ ગયો.. 10 દિવસ માં માધવી અને મંથન વચ્ચે સારી એવી મિત્રતા કેળવાઈ ગયી હતી. પછી ના દિવસે મંથન રોજ કરતા થોડો વહેલો બાઇક લઈને ઘરેથી નીકળ્યો. માધવી જે બસ સ્ટોપ પર ઉભી રહેતી ત્યાં એને નજર કરી. બસસ્ટોપ ના એક ખૂણામાં માધવી ઉભી હતી. મંથને માધવી પાસે જઈ પોતાનું બાઇક ઉભું કરી દીધું ને માધવી નું ધ્યાન આકર્ષવા બાઇક નો હોર્ન માર્યો. માધવી નું ધ્યાન એ તરફ ગયું

“હું ઓફિસ જ જાઉં છું. ચાલો,તમને પણ મુકતો જઇશ” મંથને માધવી સામે જોઈ કહ્યું “ના ના હું બસમાં જતી રહીશ” માધવીએ આનાકાની કરતા જવાબ આપ્યો પણ મંથન ના ખૂબ જ આગ્રહ ને વશ થઈ માધવી તેની સાથે ઓફિસ સુધી બાઇક પર જવા તૈયાર થઈ.

માધવી અને મંથન હવે સાથે જ ઓફિસ જતા અને સાંજે પણ સાથે જ પરત ફરતા… બન્ને વચ્ચે ની નિકટતા ધીમે ધીમે વધતી જતી હતી… બપોરે લંચ બ્રેક માં પણ બન્ને નજીક ના કોઈ કેફે કે રેસ્ટોરન્ટમાં માં મળી લેતા.. બન્ને વચ્ચે પ્રેમ પાંગરી ગયો હતો.. સોમ થી શનિ ઓફિસ ના રસ્તે અને રવિવારે રિવરફ્રન્ટ ના કિનારે બન્ને સાથે ને સાથે જ… રિવરફ્રન્ટ એ માધવી અને મંથન બન્ને નું મનપસંદ સ્થળ.. એટલે એમનો રવિવાર નો મોટાભાગ નો સમય અહીંયા જ પસાર થતો… બન્ને નો પ્રેમ એટલો પરિપકવ હતો કે ક્યારેય બન્ને માંથી એકને પણ પોતાનો પ્રેમ એકરાર કરવાની જરૂર પડી નહોતી..પણ અંતરમન થી બન્ને એકબીજા ની લાગણી ખૂબ જ સહજતાથી સમજી ગયા હતા.. હાથ માં હાથ પરોવી રિવરફ્રન્ટ પર ફરતા માધવી અને મંથન પોતાના જીવન ની ચર્ચા કરતા.. સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયો ને આમ ને આમ 4 વર્ષ થઈ ગયા.

મંથન માધવી સાથે લગ્ન કરી એની સાથે પોતાની જિંદગી જીવવા ઈચ્છતો હતો.. એટલે એને માધવી ને લગ્ન અંગે વાત કરવાનું વિચાર્યું.. થોડા જ દિવસ માં વેલેન્ટાઇન ડે આવી રહ્યો હતો.. પોતાના પ્રેમ નો ઇજહાર કરવાનો આના થી તે વળી સારો દિવસ ક્યાં મળશે એ વિચારી મંથને વેલેન્ટાઈન ડે ના દિવસે માધવી ને સરપ્રાઇઝ આપવાની તૈયારી શરૂ કરી દીધી.. વેલેન્ટાઈન ડે ના આગલા દિવસે જ મંથને માધવી ને આવતી કાલે ઓફિસમાંથી અડધી રજા લઇ લેવા જણાવ્યું હતું..

આખરે વેલેન્ટાઈન ડે આવી ગયો.. મંથન ખૂબ જ ઉત્સાહિત હતો.. માધવી પણ આ પ્રેમ ના દિવસ ને મંથન સાથે વ્યતીત કરશે એ વિચારે થનગની રહી હતી. સાંજે બન્ને મળ્યા મંથન માધવી ને રિવરફ્રન્ટ નજીક ના જ એક કેફે માં લઇ ગયો જ્યાં એને પહેલે થી જ બધી તૈયારી કરી દીધી હતી.. અને મંથન બન્ને કેફે માં પહોંચ્યા. આખું કેફે મીણબત્તી અને ફૂલો થી સજાવેલ હતું. સામે ના એક ટેબલ પર કેક અને ફૂલો થી બનાવેલું દિલ હતું જેના પર માધવી અને મંથન નું નામ લખ્યું હતું.. માધવી આ બધું જોઈ અંજાઈ ગયી હતી… એને સપનામાં પણ નહોતું વિચાર્યુ કે કોઈ એને આટલી હદ સુધી ચાહી શકે છે.. એને આંખો ખુશી માં છલકાઈ ગયી હતી.. ત્યાં જ મંથને ખિસ્સા માંથી વીંટી કાઢી ઘૂંટણ પર બેસી જઇ માધવી સામે વીંટી ધરતા ખૂબ જ પ્રેમપૂર્વક કહ્યું

“માધવી will you marry me?”… માધવી હું તને ખૂબ જ ચાહું છું અને તને જીવનભર ચાહવા માંગુ છું… તારી સાથે લગ્ન કરી તને મારી જીવનસંગીની બનાવવા માંગુ છું” માધવી મંથન ના મુખ માંથી નીકળેલા શબ્દો સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયી હતી.. એને મંથન નો હાથ પકડી ઘૂંટણિયે પડેલા મંથન ને ઉભો કર્યો


* * * *

“મેડમજી ઘર આ ગયા…. મેડમજી ..મેડમજી” ડ્રાઇવર ના અવાજે માધવી ની તંદ્રા તોડી… માધવી હાંફળીફાફળી પોતાના ભૂતકાળ માંથી બહાર આવી..ગાડી નો દરવાજો ખોલી એ ઘર તરફ રવાના થઈ અને ડ્રાઇવરે ગાડી પાર્કિંગ તરફ મારી મૂકી

સતત કામ કરતી માધવી આજે કંઈ જ કામ કર્યા વગર ખૂબ જ થાક અનુભવતી હતી.. 16મેં માળે આવેલા પોતાના ફ્લેટ પર જવા એ લિફ્ટ ની રાહ જોઈ રહી હતી… લિફ્ટમાં પ્રવેશ્યા બાદ પણ એ મંથન ના વિચારો માંથી બહાર નહોતી આવી શકી.. એની આંખો સમક્ષ હજી પેલી નવોઢા જેવી લાગતી યુવતી અને એની સામે હસી રહેલો મંથન તરવરી રહ્યા હતા. 16માં માળે લિફ્ટ ઉભી રહી એટલે માધવી પોતાની જાત ને ઢંઢોળી બહાર આવી અને ફ્લેટ તરફ જઈ રહી હતી

“અરે દીદી આવી ગયા તમે… મને એમ હતું કે તમને મોડું થશે” પડોશી સાથે વાત કરી રહેલી હેમા માધવી તરફ આવતા બોલી માધવી કાઈ જ જવાબ આપ્યા વગર પોતાના ફ્લેટ ના અધખુલ્લાં દરવાજા માં પ્રવેશી. હેમા પણ પડોશી સાથે વાતો પડતી મૂકી માધવી ની પાછળ પાછળ ઘર માં પ્રવેશી.

“દીદી.. કેમ બઉ થાકેલા થાકેલા લાગો છો….. કોફી બનાવું તમારા માટે?” હેમા એ ઘર માં પ્રવેશતા જ માધવી ને સવાલ કર્યો. માધવી હકારમાં માથું ધુણાવી સોફા પર માથું ઢાળી ને બેસી ગયી. “સારું ત્યારે હું ફર્સ્ટ કલાસ કોફી બનાવું ત્યાં સુધી તમે થોડા ફ્રેશ થઈ જાવ” હેમા હસતા હસતા બોલી

માધવી ને હેમા ની ફ્રેશ થઈ જવા વાળી સલાહ ગમી એટલે એ સીધી જ પોતાના રૂમ માં ફ્રેશ થવા ચાલી ગયી.. ફ્રેશ થઈ ને એ સીધી એના બેઠકખંડ ની બાલ્કની માં જતી રહી.. આજે જાણે માધવી માનસિક થાક અનુભવી રહી હતી. ફરી વિચારો ના વમળ માં એ સરી પડતી જો હેમા એ એને કોફીનો કપ હાથ માં ના ધર્યો હોત.

હેમા માધવી ના મામા મામી ના ઘર નું બધું કામ કરતી.. માધવી મુંબઈ આવી પછી એને ઘણો પ્રયત્ન કર્યો કે મામા મામી ને પણ પોતાની સાથે લઈ આવે પણ વતન છોડવાની એમની જરાય ઈચ્છા નહોતી. એટલે જ માધવી એ એમની દેખરેખ માટે હેમા ને અમદાવાદ મામા મામી સાથે રાખી હતી..પણ ટૂંકી માંદગી ના કારણે મામી નું અને થોડા જ સમય માં મામી ના વિરહ માં મામાનું અવસાન થતાં માધવી હેમા ને મુંબઈ લઇ આવેલી. હેમા માધવી અને એના ઘર નું ધ્યાન રાખતી. માધવી પણ હેમાને પોતાના ઘર ના સદસ્ય ની જેમ જ સાચવતી.

માધવી કોફી ની ચૂસકી લેતી લેતી માયાનગરી ના રસ્તા પર ઉભરાયેલા ટોળાં રોજ જ નિહાળતી પણ આજે જાણે એની આંખો કોઈને શોધી રહી હતી.. આજે મંથન ને જોયા બાદ માધવી ખૂબ જ વ્યથિત થઈ ગયી હતી “શુ મંથને એ યુવતી સાથે લગ્ન કરી લીધા હશે?.. શું મંથન ને ક્યારેય મારી યાદ નહીં આવી હોય… શું બસ આટલો જ હતો એનો પ્રેમ” માધવી નું મન ચકડોળે ચડ્યું હતું.. એને જાત જાત ના વિચારો આવતા હતા.. બીજી જ ક્ષણે જાણે એની અંદર થી કોઈ બોલી ઉઠ્યું…


“તે પણ ક્યાં આટલા વર્ષો માં મંથન ને યાદ કર્યો છે… આટઆટલા વર્ષો વીતી ગયા પણ ક્યારેય મંથન નો સંપર્ક સાધવા નો નાહક પ્રયત્ન સુધ્ધાં નથી કર્યો..તો શા માટે મંથન તને યાદ કરે”… જાણે એનું હ્ર્દય એને રડી રડી ને કઈક જણાવતું હોય એવું માધવી ને લાગી રહ્યું હતું… એ ફરી ભૂતકાળ માં સરી પડી

* * * * * *

મંથન ના લગ્નના પ્રસ્તાવ પર ખુશ થયેલી માધવી બીજી જ ઘડીએ ગંભીર થઈ ગયી હતી.. એને મંથન ના હાથ માંથી પોતાનો હાથ છોડાવી લીધો ને જાણે પરિસ્થિતિથી ભાગતી હોય એમ 2 ડગલાં પાછળ ખસી ગઈ. “શુ થયું માધવી” મંથને માધવી ની દશા જોઈ ઉતાવળે જ પૂછી લીધું

“મંથન હું તને ખૂબ ચાહું છું.. પણ હું લગ્ન માટે તૈયાર નથી… હું ખૂબ જ મહત્વકાંક્ષી છું… મેં ઘણા સપના જોયા છે અને મારે એ પુરા કરવા છે… મારે કારકિર્દી બનાવવી છે…. સફળતાનાં શિખરો સર કરવા છે…. અને હું મને કે મારા સપનાઓ ને લગ્ન ની જવાબદારીઓ માં દબાવી દેવા નથી માંગતી… મને માફ કરજે હું લગ્ન નહિ કરી શકું” આટલું કહી આંખ મા આંસુ સાથે માધવી દોડતી ત્યાંથી નીકળી ગયી. અને મંથન ત્યાં જ ઉભો રહી માધવી ને જતા જોઈ રહ્યો.


* * * * *

બીજા જ દિવસે પોતે મુંબઈ ની એક ન્યૂઝ એજન્સી ના ઇન્ટરવ્યુમાટે મુંબઈ આવી હતી અને અહીંયા એનું સેલેકશન થઈ જતા આ અહીં જ વસી ગયી.. આજે પહેલી વાર માધવી ને લાગ્યું કે સફળતા ન શિખરો સર કરવામાં એ એટલી આગળ નીકળી ગયી હતી કે સાવ એકલી જ પડી ગયી હતી.. મારુ કહી શકાય એવું એની પાસે હેમા સિવાય કોઈ નહોતું..ખુશમિજાજ અને ખૂબ જ બોલકી માધવી જાણે સાવ ગંભીર જ થઈ ગયી હતી.. દરવાજે પડેલા રણકા માધવી એ સાંભળ્યા પણ એ બાલ્કની માં ઉભી ઉભી હજી પોતાનાં વિચારો માં જ હતી

“જી મને એકાદ બોટલ પાણી મળશે.. અમે હમણાં જ તમારી સામે ના ફ્લેટ માં શિફ્ટ થયા છે… પીવામાટે બિલકુલ પાણી નથી” દરવાજે આવેલી સ્ત્રીએ હેમા એ દરવાજો ખોલ્યો કે તરત જ હાસ્યસહ અવાજ માં કહ્યું “હા હા કેમ નહિ… ચાલો સારું તમે આવી ગયા રહેવા.. મારે હવે વસ્તી લાગશે… બીજું કાંઈ કામ હોય તો કહેજો” હેમા એ ખુશી ખુશી જવાબ આપ્યો.

પાણી ની બોટલ આપી હેમા એ સ્ત્રીને વિદાય આપી. બીજા દિવસે માધવી સ્વસ્થ થઈ ઓફિસ જવા નીકળી અને પછી પોતાના કાર્યકાલ માં સેટ થઈ ગયી.. સાંજે રોજ હેમા માધવી સાથે ડિનર ટેબલ પર આખો દિવસની વાતો કરતી.. સામે નવા રહેવા આવેલા પડોશી સાથે હેમા ને સારી મિત્રતા કેળવાઈ ગયી છે એવું હેમા ની વાતો પર થી જણાતું હતું… માધવી કાંઈ જવાબ ન આપતી પણ હેમા ની દરેક વાત ખૂબ જ ધ્યાન થી સાંભળતી.. આમ ને આમ દિવસો વીતતા ગયા.


આજે સવાર થી જ માધવી વ્યથિત હતી… બાલ્કની માં ઉભી રહી ને બહાર જોઈ રહી હતી.. એને બહાર વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરતા 2 3 યુગલ દેખાઈ રહ્યા હતા.. એ નાસ્તો કર્યા વગર જ ઓફિસ જવા નીકળી ગયી. હેમા એની પાછળ બુમો પાડતી દોડી પણ માધવી સડસડાટ કરતી નીકળી ગયી. ઓફિસમાં પણ આજે એને કેટલાય લોકો પર પોતાનો ગુસ્સો ઉતારી દીધો.. આજે રોજ કરતા વધારે જ ચિડિયો સ્વભાવ થઈ ગયો હતો. મંથન થી છુટા પડ્યા પછી ના દરેક વેલેન્ટાઈન ડે પર માધવી આવી જ રીતે વ્યગ્ર થઈ જતી.. જેમ તેમ કરી દિવસ પતાવ્યો અને માધવી ઘરે આવી. ઘર માં પ્રવેશતા જ એને હેમા ને સરસ કપડાં માં સજ્જ થયેલી જોઈ.

“દીદી આવી ગયા? કેવી લાગુ છું હું?” હેમા એ પોતે પહેરેલા નવા ડ્રેસ સામું હાથ કરતા માધવી ને પૂછ્યું “ખૂબ જ સુંદર લાગી રહી છે….ક્યાં જાય છે તું હેમા” હેમા ને જોઈ થોડી રાહત અનુભવતી માધવી બોલી

“આપણા પડોશ માં નવા રહેવા આવેલા સ્વેતા બેન ની આજે લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ છે એટલે એમને ફ્લેટ ના કલબ હાઉસ માં એક પાર્ટી નું આયોજન કર્યું છે.. સમગ્ર ફ્લેટવાળા ને આમંત્રણ આપ્યું છે.. તમને પણ આવાનું કીધું છે” હેમા એ જવાબ આપ્યો “ના ના તું જઇ આવ…. મારી ઈચ્છા નથી” માધવી એ થાકેલા સ્વર માં જવાબ આપ્યો “મને ખબર જ હતી.. એટલે જ મે તમારું જમવાનું બનાવી રાખ્યું છે જમી લેજો… અને ઇચ્છા થાય તો આવી જજો કલબ હાઉસ માં” હેમા એ બહાર નીકળતા નીકળતા કહ્યું

હેમા ફ્લેટ નો દરવાજો બંધ કરી નીકળી ગયી ને માધવી એકલા એકલા વિચારો માં સરી પડી.. એને આજે મંથન નો પ્રસ્તાવ ન સ્વીકારવા બદલ અફસોસ થઈ રહ્યો હતો… એ ખૂબ જ એકલતા અનુભવી રહી હતી.. આજે એને મન ભરી ને રડી લીધું… એ પોતાના જ વિચારો માં એટલી ગૂંચવાઈ ગયી કે હવે એને એના વિચારો નો ભાર લાગવા લાગ્યો.. એને આ ગૂંગળામણ માંથી બહાર નીકળવા માટે કલબ હાઉસ માં ચાલી રહેલી પાર્ટી માં જવાનું નક્કી કર્યું.. એ કપડાં બદલી સીધી જ કલબ હાઉસ માં પહોંચી ગયી. ફ્લેટ માં વર્ષો થી રહેતા પણ માધવી ને ભાગ્યે જ જોયેલી હોય એવા લોકો એની સામે ધારી ધારી ને જોઈ રહ્યા હતા

માધવી સીધી જ કલબ હાઉસ માં ખુરશીઓ ગોઠવાયેલી હતી ત્યાં પહોંચી ગયી. એની નજરો હેમા ને શોધી રહી હતી.. માધવી આમ તેમ જોઇ રહી હતી ત્યારે તેની નજર સામે સ્ટેજ પર ઉભેલી યુવતી પર પડી… સરસ મજાની સાડી માં સજ્જ એ યુવતી ને જોઈ ને માધવી ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયી.. આ પેલી જ યુવતી હતી જેને માધવી એ મંથન સાથે જોઈ હતી.. માધવી ની હાલત તો દાજયા પર ડામ આપ્યો હોય એવી થઈ ગયી.. એ યુવતી ની બાજુ માં ઉભેલા યુવક નો ચહેરો માધવી ને એની આગળ ઉભેલા કેટલાક લોકો ના લીધે નહોતો દેખાતો પણ કદાચ હવે એને એ ચહેરો જોવાની જરૂર પણ ન લાગી… માધવી ને તો જાણે એના જખ્મો ખોતરાઈ રહ્યા હોય એવું લાગવા લાગ્યું.. એનું શરીર બરફ ની જેમ ઠંડુ થઈ ગયું અને માધવી ત્યાં જ ફસડાઇ પડી.

માધવી જ્યારે ભાન માં આવી ત્યારે એનું માથું મંથન ના ખોળામાં હતું.. મંથન ને જોતા જાણે એને એની આંખો પર વિશ્વાસ નહોતો આવતો.. પણ બીજી જ ક્ષણે માધવી બેઠી થઈ ગયી. “માધવી તારી તબિયત સારી નથી… ડોકટરે તને આરામ કરવાનું કહ્યું છે … તું સુઈ જા.. હું અહીંયા જ છુ તારી સાથે.. કાઈ જોઈતું હોય તો કહેજે” મંથન ખૂબ જ પ્રેમાળ ભાવે માધવી નો હાથ પોતાના હાથ માં પકડી બોલ્યો.

“હું મારી જાત ને સાચવી લઈશ… તું પ્લીઝ તારી પત્ની પાસે જા.. એ તારી રાહ જોતી હશે.. આજે તમારી લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ ની તને હાર્દિક શુભેચ્છા” માધવી જાણે મહેણું મારતી હોય એમ બોલી મંથન આ સાંભળી જોર જોર થી હસવા લાગ્યો “મને લાગ્યું હતું કે મારી માધવી મને ભૂલી ગયી હશે.. પણ તું તો મને આજે પણ પહેલા જેટલો જ પ્રેમ કરે છે”

“મંથન… તું કેમ આમ અટહાસ્ય કરે છે.. હું કોઈ તમે પ્રેમ બ્રેમ નથી કરતી” “માધવી આજે મારી નહીં મારા બેન અને બનેવી ની લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ છે” આ સાંભળી માધવી જાણે છોભીલી પડી ગયી.. જે યુવતી ને એ મંથન ની પત્ની સમજતી હતી એ તો મંથન ની બહેન હતી એ વાત જાણી ને એને એની જાત પર હસવું આવી રહ્યું હતું મંથને પોતાની વાત આગળ ચલાવતા કહ્યું

“મારા બનેવી ને અહીંયા નોકરી મળી એટલે બેન બનેવી અહીંયા તારા સામે ના ફ્લેટ માં શિફ્ટ થયા ને એમને મદદરૂપ થવા હું પણ થોડા દિવસ માટે અહીંયા આવી ગયો…. માધવી મેં તને ખૂબ જ પ્રેમ કર્યો છે… અને મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારે એ પ્રેમ સિવાય કોઈની જરૂર છે એટલે મેં લગ્ન જ નથી કર્યા…. અને મને વિશ્વાસ છે કે મારી મહત્વકાંક્ષી માધવી એ પણ લગ્ન નહિ જ કર્યા હોય” માધવી નીચું જોઈ ગયી.. એને બસ ના માં માથું ધુણાવ્યું “મને માફ કરી દે મંથન.. મેં તને ખૂબ જ દુભાવ્યો છે.. તારી લાગણી ની પરવા કર્યા વિના તને કાઈ જ કીધા વગર હું મુંબઈ આવી ગયી”


“માફી શેની માધવી?…. મને ક્યારેય નથી લાગ્યું કે તે મારી સાથે કાઈ ખોટું કર્યું હોય” માધવી મંથન નો અપાર પ્રેમ જોઈ એને બાજી પડી.. “તે દિવસે તું મને સમજાવી પણ તો શકતો હતો ને… તને ખબર જ હતી કે તું સમજાવતો તો હું ચોક્કસ લગ્ન માટે માની જતી… હું તો પહેલે થી જ નાદાન હતી.. પણ તું તો સમજદાર હતો ને તે કેમ મને જવા દીધી” માધવીએ મંથન ને મીઠો ઠપકો આપતા હકથી કહ્યું

“માધવી જો હું તને ત્યારે રોકી લેતો તો કદાચ તું આજે આટલી સફળ ન થઈ શકી હોત.. મને ખબર છે કે હું તને સમજાવતો તો તું ચોકકસ સમજી જતી.. પણ મારે તારી સાથે લગ્ન કરવા હતા કોઈ સમજાવટ નહિ… તારા સપના ના ભોગે હું તને પામવા નહોતો માંગતો.. તારા સપના મારાથી ક્યાં છુપા હતા.. તારા એ દરેક સપના પુરા કરવા તને મદદ કરવા ના વચન આપ્યા બાદ તારા એ સપના મારા એક પ્રસ્તાવ ના લીધે ધૂળ માં રાગદોડાઈ જાય એ હું પણ ના જોઈ શકતો… અને બસ એટલે જ મેં તને જવા દીધી… તને મોકળું આકાશ આપી દીધું કે જ્યાં તું તારા સપના ની ઉડાન ભરી શકે”

આ બધું સાંભળી માધવી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.. મંથન આજે ફરી ઘૂંટણિયે બેસી ગયો અને ખિસ્સા માંથી એ જ વીંટી કાઢી જે એને 10 વર્ષ પહેલાં માધવી ને લગ્ન નો પ્રસ્તાવ આપવા માટે કાઢી હતી. માધવી સાથે ની એ છેલ્લી મુલાકાત બાદ મંથન એ વીંટી ને હંમેશા પોતાના ખિસ્સા માં જ રાખતો

“will you marry me? માધવી” એ જ અંદાજ માં આજે ફરી મંથને માધવી ને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો

” yaa i will surly marry with you મંથન” માધવી એ પોતાના આંસુ લૂછી નાખી સહર્ષ મંથન નો પ્રસ્તાવ સ્વીકારી લીધો..અને મંથન ને ભેટી પડી.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ