એક નવીન પ્રેમકહાની – પ્રાન્તવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણા સૌની એક જ ઓળખ છે ભારતીય…

“વિશ્વના તમામ દેશોની નજર આપણા ભારત દેશ પર મંડાયેલી છે. ભારતમાં બનતી સારી કે ખરાબ તમામ ઘટનાઓની વિશ્વમાં નોંધ લેવામાં આવી રહી છે. ભારત દેશ વિશ્વના શક્તિશાળી દેશો સાથે કદમ મેળવીને ચાલી રહ્યો છે અને આર્થિક તથા સૈન્ય શક્તિમાં પણ આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાક ભારત વિરોધી દેશોને ભારતની પ્રગતિ જોઇને ઇર્ષા થઇ રહી છે. આવા ભારત વિરોધી દેશો સાથે મળીને ભારત દેશમાં રહેલા ભારત વિરોધી લોકોને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે અને આવા દેશ વિરોધી લોકો સંગઠીત થઇને ભારતના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યા છે.

કોઇના કોઇ મુદ્દે વિરોધ કરીને ભારતને ઘેરવા માટે દેશ વિરોધી શક્તિઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવા દેશ વિરોધી લોકોને ઝડપથી ઓળખીને પાઠ ભણાવવાની જરૂરીયાત ઉભી થઇ છે. જેવી રીતે વિશ્વની નજર ભારત પર ટકેલી છે તેવી જ રીતે સમગ્ર ભારત દેશની નજર પણ ગુજરાત રાજ્ય પર મંડાયેલી છે. ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધીના કારણે દેશભરમાંથી લાખો લોકો રોજી રોટી કમાવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને પોતાની મહેનતથી પગભર બનીને ગુજરાતમાં જ સ્થાયી પણ થઇ ગયા છે.

અનેક પરપ્રાંતિય લોકો ગુજરાતી સાથે કદમ થી કદમ મેળવીને ગુજરાતના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. તાજેતરમાં જ ઢુંઢર ગામમાં બનેલી ઘટનાના આરોપીને ચોક્કસ ફાસીની સજા મળવી જ જોઇએ પરંતુ તેનો અર્થ એવો નથી કે ગુજરાતમાં રહેતા તમામ પરપ્રાંતિય લોકો ગુનેહગાર છે. એક ખરાબ વ્યક્તિની સજા તમામ પરપ્રાંતિય લોકોને આપવી તે ગુજરાત જેવા સંસ્કારી રાજ્યના લોકોને શોભતુ નથી, ગુજરાતના લોકો તો હંમેશા વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માનવાવાળા છે અને માનતા જ રહેશે.

પ્રાન્તવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણા સૌની એક જ ઓળખ છે ભારતીય અને આપણે સૌએ સાથે મળીને ભારત દેશને પરમ વૈભવના શિખરો પર લઇ જવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ” આ શબ્દો છે વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થઇને ગુજરાતી પરીવારમાં લગ્ન કરનારી પરપ્રાંતિય યુવતી ભાગ્યલક્ષ્મી અને તેના ગુજરાતી પતિ વિપુલના.

ભાગ્યલક્ષ્મીનો જન્મ ગુજરાતમાં સ્થાયી થયેલા પરપ્રાંતિય પરીવારમાં થાય છે અને પરીવારમાં દિકરીના જન્મને હર્ષોલ્લાસથી વધાવવામાં આવે છે. ભાગ્યલક્ષ્મી સતત ગુજરાતી પરીવારની સાથે રહેતી હોવાથી તેને જોઇને કોઇ પરપ્રાંતિય યુવતિ હશે તેવુ કહી જ ન શકે. ભાગ્યલક્ષ્મી મોટી થઇને કોલેજમાં ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરવાનો શરૂ કરે છે અને તેના ક્લાસમાં નખશીખ પાક્કો ગુજરાતી વિપુલ પણ અભ્યાસ કરી રહ્યો છે.

કોલેજમાં થોડા દિવસો જ થયા હોય છે ત્યાં તો ગુજરાતીઓ અને બિનગુજરાતીઓના બે ગૃપ પડી જાય છે. પરંતુ ભાગ્યલક્ષ્મી બિનગુજરાતી હોવા છતાં પણ ગુજરાતી વિદ્યાર્થીઓના ગૃપમાં વધુ જોવા મળી રહી છે. જેની બિનગુજરાતી વિદ્યાર્થીઓની સાથે ગુજરાતીઓને પણ સતત ઇર્ષા થયા કરે છે. કોલેજના શરૂઆતના દિવસોથી જ વિપુલ અને ભાગ્યલક્ષ્મી વચ્ચે સારી મિત્રતા સ્થપાઇ જાય છે અને બન્ને કોલેજનો ક્લાસરૂમ હોય કે કેમ્પમાં સાથે જોવા મળી રહ્યા છે. વિપુલના સાથના કારણે કોલેજમાં પરપ્રાંતિય ભાગ્યલક્ષ્મીને કોઇ પણ યુવકો પરેશાન કરવાનું વિચારી શકતા નથી.

કોલેજમાં બે અલગ અલગ ગૃપ પડી જવાના કારણે ભાગ્યલક્ષ્મી અને વિપુલ ખુબ જ દુઃખી થઇ જાય છે અને કોલેજમાંથી ગુજરાતી અને બિનગુજરાતીઓના ગૃપને એક કરવાનું નક્કી કરે છે. વિપુલ કોલેજના ગુજરાતી ગૃપના વિદ્યાર્થીઓને સમજાવે છે જ્યારે ભાગ્યલક્ષ્મી કોલેજના બિનગુજરાતીઓના ગૃપના વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પ્રારંભીક તબક્કામાં બન્નેને જોઇએ તેવી સફળતા મળતી નથી. થોડા દિવસોમાં કોલેજમાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતી ગૃપ દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત કરવાનું નક્કી કરવામાં આવે છે.

પરંતુ શ્રેષ્ઠ કાર્યક્રમ રજુ કરવા માટે ગુજરાતી ગૃપમાં કેટલાક વધુ યુવક યુવતિઓની જરૂરીયાત ઉભી થાય છે. આ તક ઝડપીને ભાગ્યલક્ષ્મી બિનગુજરાતી ગૃપના યુવક યુવતિઓને પોતાની સાથે લઇને ગુજરાતી ગૃપ સાથે જોડાય જાય છે. કોલેજના ગુજરાતી ગૃપને શ્રેષ્ઠ યુવક યુવતિઓની જરૂરીયાત હોવાથી તેઓ આનાકાની કર્યા વગર બિનગુજરાતી યુવક યુવતિઓને કાર્યક્રમ માટે પોતાના ગૃપમાં સમાવે છે. બન્ને ગૃપના યુવક યુવતિઓ સાથે મળીને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ કરે છે અને કોલેજના યુવક મહોત્સવમાં ધમાકેદાર કાર્યક્રમ રજુ કરે છે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઇને સૌ કોઇ આનંદીત થઇ જાય છે. સાથે કાર્યક્રમ કરવાના કારણે કોલેજના બન્ને ગૃપ વચ્ચેનુ અંતર ક્રમશઃ ઘટતુ જાય છે અને ભાગ્યલક્ષ્મી તથા વિપુલના અથાગ પ્રયત્નોના કારણે બન્ને ગૃપ એક બની જાય છે. કોલેજમાં ફરીથી હર્ષોલ્લાસથી તમામ યુવક યુવતિઓ હળીમળીને સાથે રહેવા લાગે છે અને દુધમાં સાંકર ભળે તેમ એકબીજા સાથે ભળી જાય છે. ફરીથી ક્યારેય કોલેજમાં જાતિવાદ કે પ્રાન્તવાદની વાત થતી જ નથી અને બધા ભારતીય બનીને સાથે અભ્યાસ કરે છે. જેના કારણે ભાગ્યલક્ષ્મી અને વિપુલ ખુબ જ ખુશ થઇ જાય છે.

કોલેજનો અભ્યાસ પુર્ણ થાય તે પહેલા ભાગ્યલક્ષ્મી કેન્ટીનમાં એકલા બેઠેલા વિપુલ પાસે જાય છે અને કહે છે કે વિપુલ તું આજે કેમ વિચારોમાં ખોવાયેલો હોય તેમ લાગી રહ્યુ છે. કોના વિચારોમાં ખોવાયેલો છું. વિપુલે કહ્યુ કે તારા વિચારોમાં જ ખોવાયેલો છું, થોડા દિવસોમાં આપણા કોલેજના દિવસો પુરા થઇ જશે અને તારૂ ધ્યાન કોણ રાખશે? માત્ર કોલેજ પછી જ નહિ પરંતુ આખી જીંદગી મારૂ ધ્યાન તો તારે જ રાખવાનું છે તેમ ભાગ્યલક્ષ્મીએ કહ્યુ. તારા લગ્ન નહિ થાય ત્યા સુધી તારી સંપુર્ણ જવાબદારી મારી એમ જ્યારે વિપુલે કહ્યુ ત્યારે ભાગ્યલક્ષ્મીએ કહ્યુ કે હું તને પ્રેમ કરૂ છુ અને તારી સાથે લગ્ન કરીને તારી જીવન સાથી બનવા માંગુ છુ. આ સાંભળતા જ વિપુલ સ્તબ્ધ થઇ જાય છે અને થોડીવાર તો કાંઇ બોલતો નથી.

જેના કારણે ભાગ્યલક્ષ્મી પણ ચિંતિત થઇ જાય છે. તે તો મારા મનની વાત કરી દિધી તેમ વિપુલે બોલતાની સાથે ભાગ્યલક્ષ્મીની ખુશીનો કોઇ પાર રહેતો નથી. બન્ને પોતાના પરીવારમાં વાત કરે છે અને બન્નેના પરીવારની સહમતીથી ધામધુમથી ભાગ્યલક્ષ્મી અને વિપુલના લગ્ન કરાવવામાં આવે છે. પરપ્રાંતિય યુવતિ સાથે લગ્ન કરીને વિપુલ ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે તે ભાગ્યલક્ષ્મી પણ વિપુલના પરીવારમાં થોડા દિવસોમાં જ સૌની લાડલી બની જાય છે. વિપુલના માતા પિતાને ભાગ્યલક્ષ્મી પોતાના માતા પિતાની જેમ પ્રેમ, સન્માનથી સાચવે છે અને સેવા કરે છે.

લગ્ન જીવનના થોડા મહિનાઓ પછી પરીવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે ભાગ્યલક્ષ્મી સિવણ ક્લાસ શરૂ કરે છે અને આસપાસના વિસ્તારમાં રહેતી મહીલાઓને સિવણ શિખવાડે છે. જેના કારણે ભાગ્યલક્ષ્મી તો પોતે આર્થિકરીતે સધ્ધર થઇને પરીવારને મદદરૂપ બની રહી છે પરંતુ સાથે સાથે અનેક મહિલાઓ પણ સિવણ શિખીને પગભેર બની રહી છે. સિવણ શિખવા માટે ફી નહી આપી શકનારી મહીલાઓને પણ ભાગ્યલક્ષ્મી નિઃશુલ્ક સિવણ શિખવાડે છે. જેના કારણે ભાગ્યલક્ષ્મીનું માન આસપાસના વિસ્તારમાં ખુબ વધી જાય છે.

ભાગ્યલક્ષ્મી પોતાના કામ ઉપરાંત આસપાસના વિસ્તારોના લોકોને મદદરૂપ બની રહી છે અને પ્રાન્તવાદ જાતિવાદને દુર કરીને સૌને ભારતીય તરીકે સાથે રહેવા માટે સમજાવી રહી છે. વિપુલ અને ભાગ્યલક્ષ્મી સાથે મળીને પરીવારનું ધ્યાન તો રાખી રહ્યા છે પરંતુ સાથે સમાજમાં પણ એકતા જળવાઇ રહે અને સૌ સાથે મળીને રાષ્ટ્રને ઉપયોગી બનતા રહે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ