‘બોડી મિયાં’ નામથી ઓળખાતો પરોપકારી માણસ – લાવારીસ લાશોના કરે છે અંતિમ સંસ્કાર…

“લોકો મારા પર, મારા કામ પર થૂકતા હતા” 19 વર્ષ, 10,000 લાવારિસ લાશો અને એક વ્યક્તિની અવિશ્વસનીય કથા, “બોડી મિયાં” હા આ એક અનોખનું નામ છે, પણ આ વ્યક્તિનું કામ પણ અનોખું છે. છેલ્લા બે દાયકાથી આ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવથી કરી રહેલા કામથી આ અનોખા નામની ઉપાધી તેમને હાંસલ થઈ છે. બોડી મિયાં લાવારિસ લાશોની સંભાળ, તેને મડદાઘરમાં મોકલી આપવા, અને એટલે સુધી કે તેનો અંતિમ સંસ્કાર અને દફનાવવા સુધીના પરોપકારી કામ પણ કરે છે.

જો કે આ અસામાન્ય કામની શરૂઆત પણ અસામાન્ય હતી. એક દિવસ મૈસૂરમાં રહેનારા અય્યૂબ અહેમદ, પેતાની નવી કાર ખીદવા માટે બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે એક મૃતકના શરીર આસપાસ મોટું ટોળુ જામ્યું હતું. 10 કલાક બાદ જ્યારે તે પોતાની નવી ગાડી લઈ પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે લાશ હજું પણ ત્યાં તે જ સ્થિતિમાં પડી હતી.

ત્યારે તેમણે તે શરીરને પોતાના ખભા પર ઉંચક્યું અને તેને પોતાની નવી કારમાં લઈ મડદાઘર લઈ ગયા. અય્યૂબે પોતાના આ પગલાના પરિણામ વિષે નહોતું વિચાર્યું. ઘરે પાછા ફર્યા બાદ તેમણે દરેકના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. “તે વખતે જાણે મને મરી જવાનું મન થઈ આવ્યું, મેં એવું તે શું ખોટું કર્યું હતું,” તે ગુસ્સે થતાં બોલ્યા હતા.

ધીમે ધીમે તેમનો સમાજમાંથી બહિષ્કાર થવા લાગ્યો. કામ કરવાના ઉદ્દેશથી તે કેટલાક દિવસ માટે બેંગલુરુ જતાં રહ્યા. અને ફરી એક દિવસ પ્રવાસ દરમિયાન તેમણે એક મૃત શરીર જોયું. તે સંપૂર્ણ અસમંજસમાં હતા કે તે શું કરે. એક વાર્તાલાપમાં તેમણે કહ્યું હતું, “મારે તે કારણસર મૈસૂર છોડવું પડ્યું, પણ મેં કોઈપણ સંજોગોમાં મદદ કરવાનો નિર્ણય લઈ લીધો.” આ ઘટના બાદ, ઐય્યુબ ને ખ્યાલ આવી ગયો હતો કે તે શું કરવા માગતા હતા. તે પોતાના માતા-પિતાના આશિર્વાદ લેવા પાછા આવ્યા, તેમણે માત્ર એટલું જ કહ્યું, “જે ઇચ્છો તે કરો” ત્યાર બાદ તેમણે પાછુ વળીને જોયું નથી.

તે ચોક્કસ એક મહાન કામ કરી રહ્યા હતા છતાં લોકોએ તેમને ઇનામ રૂપે માત્ર તિરસ્કાર જ આપ્યો હતો. “લોકો મારા પર, મારા કામ પર થૂંકતા હતા. હું રાતોની રાતો રોયા કરતો હતો,” તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.

જ્યારે લોકો તેમને જોતાં તો તેનાથી મોઢું ફેરવી લેતા. પણ ઐયુબે પોતાનું કામ કરવાનું ચાલું રાખ્યું, તેમણે તેમાંથી એક રૂપિયો પણ નહોતો કમાવ્યો. માત્ર બીજું ધોરણ પાસ ઐય્યુબ ક્યારેક-ક્યારેક ફ્રૂટ માર્કેટમાં કૂલી તરીકે કામ કરતા તો ક્યારેક ટેક્સી ડ્રાઈવર તરીકે. તેમણે પોતાની કમાણીને ત્રણ સરખા ભાગમાં વહેંચી દીધી છે, એક ભાગ પોતાના કુટુંબ માટે, બીજો ભાગ મૃત શરીરને દફનાવવા કે તેના અંતિમસંસ્કાર માટે અને ત્રીજો ભાગ ફુટપાથ પર રહેતા લોકો માટે.

ઐયુબ બેઘર લોકો માટે ખોરાક અને કપડાની વ્યવસ્થા કરે છે, અનાથ બાળકોને શાળામાં મોકલે છે અને તેમના લગ્ન પણ કરાવે છે. તે પોતાની પત્નીનો આભાર માનવાનું નથી ભૂલતા કે તેણી પોતાના સિલાઈકામની સાથે સાથે કુટંબની પણ સંભાળ કરે છે. તે પોતાના લગ્નની રાતને યાદ કરતા જણાવે છે કે તે દિવસે તેમને એક મૃત શરીરને લઈ જવા જવું પડ્યું હતું, “મેં તેણીને કહ્યું કે હું કોઈક અસ્વસ્થ વ્યક્તિની ખબર કાઢવા જાઉં છું. પછીથી, તેને કોઈના દ્વારા મારા આ કામ વિષે ખબર પડી. પણ તેણે ક્યારેય મારા આ કામનો વિરોધ નથી કર્યો.”

ઐયુબ પાસે છ ફોન છે જે હંમેશા લોકોની મદદ માટે ઉપલબ્ધ હોય છે, દિવસમાં એક કલાક જ્યારે તે પ્રાર્થના કરતા હોય છે ત્યારે જ તેમનો ફોન બંધ હોય છે. પોલીસ વિભાગની મદદથી તેમણે છેલ્લા 19 વર્ષમાં 10,000થી પણ વધારે લોકોની આત્માઓને શાંતિ બક્ષી છે. તે પોતાની માતાને યાદ કરતા લાગણીમાં વહી જાય છે, તેણીએ તેને માત્ર એક જ વાર કોઈ પદક જીતવા માટે કહ્યું હતું, કે જેથી કરીને લોકો જુએ અને તેની પ્રશંસા થાય, “જ્યારે મારો સમય આવ્યો છે ત્યારે મારી માતા નથી,” તેઓ ભાવુક થઈ ગયા હતા.

ઐયુબને દુબઈ સરકારે તેના નિઃસ્વાર્થ કામ માટે સમ્માનિત કર્યા છે. તેમનું કહેવું છે કે કોઈને પણ તેમના સમ્માન માટે પૈસા ન આપવા જોઈએ. તે પોતાની જુની કારની જગ્યાએ મૃત શરીરના વહન માટે એક એમ્બ્યુલન્સ લેવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. તે મૃત આત્માની શાંતિ અને ગૌરવ માટે નિરંતર કામ કરી રહ્યા છે.

તે કહે છે કે, “માણસ કાપો કે જાનવર, લોહી તો નીકળે જ છે.” માટે માનવતા ક્યારેય ખોવી જોઈએ નહીં. ઐય્યૂબ અહમદ દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પણ આ કલ્યાણકારી કામ સાથે જોડાયેલા રહે છે. જીવનના અંત બાદ જ્યાં એક ઉત્તમ શરીર માત્ર એક મડદુ બની જાય છે ત્યાં આપણા આ “બોડી મિયાં” તેમને સંપૂર્ણ સમ્માન આપી માનવતાની સાર્થકતા સિદ્ધ કરે છે. આ કામમાં તેમને નિરંતર સફળતા મળે તેવી ભગવાનને પ્રાર્થના છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ