ભગવાન શ્રી વિષ્ણુનુ તપસ્યાધામ એટલે બદ્રીનાથ; આ વર્ષની ચારધામ યાત્રા ૧૦મી મેથી શરૂથશે…

પૃથ્વી પરનું વૈકુંઠ જેને મનાય છે તેવા ચારધામ યાત્રાની શુભ શરૂઆત આ વર્ષ ૨૦૧૯ની ૧૦મી મેથી થશે. ખુલશે બદ્રીનાથના દ્વાર… જાણો શું છે મહિમા અને કેવો છે સુરક્ષાનો માહોલ, ભગવાન શ્રી વિષ્ણુનુ તપસ્યાધામ એટલે બદ્રીનાથ; આ વર્ષની ચારધામ યાત્રા ૧૦મી મેથી શરૂ થઈ છે. અલકનંદા નદીને કિનારે વસેલું આદિતિર્થ બદ્રીનાથઃ ચારધામ યાત્રીઓ માટે શ્રદ્ધાનું અટૂત કેન્દ્ર. પર્યટન અને પર્વતારોહીઓ માટે પણ છે સ્વર્ગ.

બદ્રીનાથનું અલૌકિક મહાત્મયઃ

હિમાલયની બર્ફાચ્છાદિત નર – નારાયણ પર્વતમાળાની શ્રૂંખલામાં અલકનંદા નદીને કિનારે જમણી તરફ પૂરાણોના યુગોથી જેનું અતિ મહત્વ હોય તેવું ચતૂર્ભૂજ નારાયણનું તપોભૂમિ કહેવાતું આદિતિર્થ આવેલું છે. જે ચારધામ યાત્રાળુઓ માટે આસ્થાનું અટૂટ કેન્દ્ર સ્થાન છે. આ નરનારાયણ ઇષ્ટદેવ બદ્રીનાથનું મંદિર અદ્વિતિય પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક પૌરાણિક મહાત્મયને લીધે હિન્દુ સંસ્કૃતિમાં પ્રમુખ મહત્વ ધરાવે છે.

આ પવિત્રા તિર્થધામને અનુલક્ષીને એક કહેવત છે; જે જાય બદ્રી તે ન જાય ફરી ઓદરી. એટલે કે જેઓ બદ્રીનાથના દર્શને જઈને આવ્યા હોય તેમના જન્મમૃત્યુના ચક્રો અને મોહમુક્તિના બંધનો દૂર થાય છે. તેમના દરેક પાપદોષ મુક્ત થાય છે અને કહેવાય છે કે તે વ્યક્તિનો ફરીથી જન્મ નથી થતો અને તેમને વૈકુંઠ એટલે કે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

બદ્રીનાથ ક્યાં આવેલું છે?

અહીં પહોંચવા માટે ઉત્તર દિશામાં ઋષિકેશથી ૨૯૪ કિલોમીટરના અંતરે આવેલું છે. તે પંચ બદ્રીમાંથી એક બદ્રી પણ છે. ઉત્તરાખંડમાં અવેલા પંચ બદ્રીમાં, પાંચ કેદાર અને પ્રયાગમાં તે સુપ્રસિદ્ધ છે અને ત્યાંનું કુદરતી દૃશ્ય સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક તિર્થધામનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે.

આદિ શંક્રરાચાર્યનું કર્મસ્થળ

બદ્રીનાથ પરમયાત્રા ધામનું મહાત્મ્ય એટલું બધું છે કે આપણાં હિન્દુ સંસ્કૃતિના ધાર્મિક પ્રખર આચાર્ય તરીકે આપણે આદિ ગુરુ શંકરાચાર્યને શીરોમાન્ય રાખીએ છીએ. કહેવાય છે કે આ સ્થળ તેમની તપોભૂમિ અને કર્મભૂમિ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ૮મી સદીમાં તેમણે જ આ પૌરાણિક મંદિર બનાવરાવ્યું હતું. હાલમાં જે મંદિર છે તે સોળમી સદીમાં ગઢવાલના રાજાઓએ બનાવરાવ્યો હતો. તે મંદિરના મુખ્ય પુરોહિત તરીકે જે મહારાજ હોય તેઓને રાવલ કહેવાય છે અને પેઢીદર પેઢી તેમના જ વંશજો મંદિરના પૂજારી તરીકે સ્થાન પામે છે. તેઓ જ્યાં સુધી આ સ્થાને છે ત્યાં સુધી તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહે છે.

બંધ દ્વાર ખુલે ત્યારે

 

View this post on Instagram

 

A post shared by Гид по Индии, Непалу🔹Алек (@ujvalakrishna) on

બદ્રીનાથ મંદિરના મુખ્ય દ્વાર વર્ષમાં ૬ મહિના બંધ રહે છે અને ૬ મહિના દર્શનાર્થીઓને માટે ખુલ્લા રહે છે. આ મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુની એક મીટર લાંબી પ્રતિમા છે. જેમાં તેમની શાલીગ્રામ સ્વરૂપે કાળી પત્થરની મૂર્તિના દર્શન થાય છે. આ મંદિર અલૌકિક મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પહેલું સભા મંડપ, ગર્ભગૃહ અને દર્શનમંડપ. મંદિરના પરિસરમાં ૧૫ જુદા જુદા સ્વરૂપે વિરાજમાન દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિરના દર્શન અક્ષય તૃતિયાના દિવસે ખુલે છે. વર્ષમાં જ્યારે તેના દર્શન ખુલે ત્યારે ત્યાંના ગર્ભગ્રહમાં એક દિવો પ્રજવ્લિત કરાય છે અને જ્યારે ત્યાંના દરવાજા બંધ હોય છ મહિના માટે ત્યારે કહેવાય છે કે દૈવિય શક્તિ તેને સતત જવ્લિત રાખે છે.

પૃથ્વી પરનું વૈકુંઠ

અહીંના દર્શન પામીને ભક્તો અતિ ધન્યતા અનુભવે છે. એક સંસ્કૃતિ ઉક્તિ મુજબ બદ્રી સદૃશ્યમ ન ભૂતો ન ભવિષ્યતિ… અર્થાત બદ્રીનાથના દર્શન જેવી ભવ્ય અનુભતિ ક્યારે થઈ નહીં હોય અને ભવિષ્યમાં બીજી વખત થશે પણ નહીં. ભગવાન શ્રી વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપના અલૌકિક દર્શન કરવાથી ભક્તો ભાવવિભોર થઈ જતા હોય છે.

પ્રસાદ તરીકે અહીં શું ચડાવાય છે?

વનતુલસીની માળા ચડાવવાનું અહીં અધિક મહત્વ છે. અહીં કાચી ચણાની દાળ, મીશ્રી અને ગીરીના ગોળા જેવી પ્રસાદી પણ ચડાવાય છે. વનતુલસીની ખાસ પ્રકારની સુવાસથી જ આખું મંદિર પવિત્ર રીતે મહેકતું હોય છે ત્યારે દર્શનાર્થીઓની અનુભૂતિ પરાકાષ્ઠાએ હોય છે.

મંદિરનું મહત્વ મહાભારત કાળમાં

આ મંદિરના પ્રવેશ દ્વારનું પણ અધિક મહત્વ છે. અનેક રંગોથી તેને આકર્ષક રીતે બનાવાયેલ ભવ્ય પ્રવેશ દ્વારને સિંહ દ્વાર પણ કહેવાય છે. તેની નજીકમાં જ મહર્ષિ વેદ વ્યાસ અને ગણેશજીની ગુફા પણ આવેલી છે. કહેવાય છે કે વ્યાસજીએ અહીં જ બેસીને મહાગ્રંથ મહાભારત લખ્યો હતો. અને એવું માનવામાં પણ આવે છે કે દ્રૌપદી સહિત પાંચ પાંડવો આ દ્વારેથી પસાર થઈને જ સ્વર્ગના રસ્તે જવા નીકળ્યાં હતાં.

ગરમ પાણીના કુંડમાં સ્નાન

મંદિરની પાસે આવેલા બે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. જેમના નામ તપ્ત કુંડ અને નારદ કુંડ છે. વૈજ્ઞાનિક તારણ તરીકે જોઈએ તો કહેવાય છે કે આ કુંડમાં સલ્ફરની માત્રા અધિક હોય છે જેથી અહીં સ્નાન કરવાથી અનેક પ્રકારના ચર્મ રોગમાંથી રાહત મળે છે. તેની ત્રણ કિલોમીટર જેટલું નજીક આવેલું માલા ગાઉં ઇન્ડો – તિબેટની બોર્ડરનું અંતિમ ગામ છે. અહીં ૪૦૦ મીટર ઉંચો આવેલ વસુંધરા ફોલ્સ ત્યાં ફરવા આવેલ લોકોનું પાણીના ઠંડા છાંટણાંથી સ્વાગત કરે છે.

શીવ પણ થયા હતા અહીં બ્રહ્મહત્યાથી મુક્ત

આ સ્થળે પિતૃતર્પણ કરવાનું પણ અધિક મહત્વ છે. અહીં ભગવાન શંકરે બ્રહ્મહત્યાથી મુક્તિ મેળવી હતી. કહેવાય છે કે અહીં નારાયણના દર્શન સાથે માતા લક્ષ્મીનું પણ મંદિર છે જ્યાં માથું નમાવીને દર્શાન કરવાથી સર્વ દુખ દરિદ્ર દૂર થાય છે. અહીં આવેલ એક સ્થળ ઋષિગંગાને પાર કરીને બામડી નામનું નાનું ગામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે બાલસ્વરૂપે બાલક્રિડા કરી હતી.

શ્રી ચરણના દર્શન

બદ્રીનાથ મંદિરની સ્થાપના અને તેના મહત્વ વિશે અનેક ચર્ચાઓ થતી હોય છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના સતયુગમાં થઈ હતી. અને આ મંદિર હિન્દુ સંસ્કૃતિમાં પૌરાણિક ગ્રંથોને આધારે માન્યતા મુજબ સૌથી પ્રાચિન મંદિર છે. અહીં મંદિરના પાછળના ભાગમાં નારાયણ પર્વત પર પાદુકા તિર્થ આવેલું છે. કહેવાય છે અહીં ભગવાન શ્રી વિષ્ણુના ચરણ ચિન્હો અંકિત કરેલાં છે. જેનો પુરાણ કથાઓમાં અનેક વખત ઉલ્લેખ થયેલો છે.

વિષ્ણુ ભગવાને બાળસ્વરૂપ ધારણ કરી શિવ પાર્વતી પાસેથી તપ કરા માગ્યું આ સ્થળ

ભગવાન શ્રી વિષ્ણુને પોતાના માટે તપ કરવાની ઇચ્છાએ અનેક સ્થળોએ ફર્યા પછી અહીં નિલકંઠ પર્વત પાસ અલકનંદા નદીને કિનારે આવીને અહીંના સ્થળથી અપાર આકર્ષણ થઈ ગયું. પરંતુ આ જગ્યા અગાઉથી શંકર – પાર્વતીની હતી. અહીં તેમનું નિવાસસ્થાન ગણાતું હતું. તેમણે અહીં બાળસ્વરૂપ ધારણ કરીને રૂદન શરૂ કર્યું. એક માતા-પિતાની જેમ બાળહઠ કરીને વિષ્ણુ ભગવાને આ સ્થળ પોતાને માટે માગી લીધું અને શંકર – પાર્વતીએ તેમને રાજી ખુશી આપી પણ દીધું. અહીં ભગવાને તપશ્વર્યા કરી હોવાનું પૌરાણિક કથાઓમાં લખાયું છે. આ સ્થળને બદ્રીવિશાલ નામથી પણ ઓળખાય છે.

માતા લક્ષ્મીએ ધર્યું બદ્રી વૃક્ષનું સ્વરૂપ

વિષ્ણુજી જ્યારે તપ કરતા હતા ત્યારે અચાનકથી ત્યાં ભયંકર હિમપાત થવા લાગ્યો. એ સમયે તેમનું આખું શરીર બરફથી ઢંકાઈ જવા લાગ્યું. આ જોઈને માતા લક્ષ્મીજીએ તેમને રક્ષણ આપવા માટે વિશાળકાય બોરના ઝાડનું સ્વરૂપ ધારણ કર્યું. તેઓ વર્ષો સુધી આ જ સ્થિતિમાં પતિ શ્રી વિષ્ણુની તપસ્યાને વિઘ્ન ન આવે એ રીતે ત્યાં જ સ્થાયી રહ્યાં. જ્યારે વિષ્ણુજીએ પોતાનું તપ પૂર્ણ કર્યું ત્યારે યુગો વીતી ચૂક્યા હતા અને તેમને માતા લક્ષ્મીની આ સ્થિતિનો ખ્યાલ આવ્યો ત્યારે પ્રસન્ન થઈને કહ્યું, “હે દેવી! તમે પણ મારી સાથે જ તપ કર્યું છે. બદરીના વૃક્ષ સ્વરૂપે તમે અહીં સ્થાયી થયા છો. હું તમારો પતિ હવેથી બદ્રીનો નાથ એટલે કે બદ્રીનાથ કહેવાઈશ.” અહીં માટે આ સ્થળને તેમના સાથે જોડી દઈને બદ્રીનાથ નામ અપાયું હતું.

નૃસિંહ મૂર્તિનું અનોખું મહત્વ

માન્યતા છે કે અહીં જોશીમઠમાં આવેલ શીતકાલમાં બદ્રીનાથની ચલ મૂર્તિના દર્શન કરવાનું ખૂબ જ મહત્વ છે. અહીં નૃસિંહ મંદિરમાં શાલીગ્રામ શિલાની બનેલ મૂર્તિના અદભૂત દર્શન થાય છે. કહેવાય છે કે આ વિગ્રહની જમણી ભૂજા પાતળી છે અને તે સદીઓથી આપોઆપ પાતળી થતી જાય છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે જ્યારે સાવ ક્ષીણ થઈને એ ભૂજા કાંડાથી અલગ થઈ જશે ત્યારે નર – નારાયણ પર્વત એક થઈ જશે અને બદ્રીનાથ મંદિરના દર્શન પણ એ પછી લૂપ્ત થઈ જશે.

ભવિષ્ય બદ્રી

અહીં માનવામાં આવે છે કે ભગવાનની અર્ધ મૂતિના દર્શન થાય છે. કૈલાશ પર્વત તરફ જોશીમઠથી ૬ કિલોમીટર આગળ વધતાં એક મંદિર પાસે શીલા છે. જેમાં ભગવાનના અડધા સ્વરૂપના દર્શન થવાની અનુભૂતિ થાય છે. પૌરાણિક કથાઓ મુજબ આ સ્થળ ભગવાન વિષ્ણુનો વૈકુંઠ પછીનું બીજું નિવાસ સ્થાન છે. જેથી કહેવાય છે કે ભવિષ્યમાં અહીં ભગવાન પોતાનું ફરીથી નિવાસ કરશે તેથી તેને ભવિષ્ય બદ્રી કહે છે. આમ બદ્રી વિશાલ જેટલું જ અહીંનું પણ મહત્વ રહેતું હોય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ