અંતિમ ક્ષણનું સુખ – એક વિધવા મહિલા જીવનના અંતિમ ક્ષણમાં ઝંખે કઈક પણ નથી તે કોઈને જણાવી શકતી…

60 વર્ષના સંજનાબેન છેલ્લા મહિનાથી હોસ્પિટલના ખોળે પડયા હતા. કેન્સર થયું હતું અને છેલ્લા સ્ટેજમાં હતું. ડોકટરોએ કહી જ દીઘુ હતુ કે હવે બચવાની આશા નથી.


આમ તો સંજનાબેન જીવનનો બઘો તડકો – છાંયો જોઇ ચુકયા હતા. 25 વર્ષની ઉંમરે લગ્ન થયા હતાં. લગ્નના બે વર્ષમાં અંશ અને પછીના બે વર્ષમાં ખુશીનો જન્મ થયો હતો. બન્નેના જન્મ પછી સુખી કુટુંબની વ્યાખ્યામાં ફીટ બેસે તેવું તેમનું કુટુંબ હતું. પતિ સંજય પણ બઘાનું ખૂબ ધ્યાન રાખતો હતો. બઘું બરાબર હતું. પણ તેમના સુખને કોઇની નજર લાગી અને લગ્નના 15 વર્ષ પછી સંજયનું મૃત્યુ થયુ.

40 વર્ષની સંજના ઉપર બન્ને બાળકોની જવાબદારી આવી પડી. તેણે સંજયની જગ્યાએ નોકરી સ્વીકારી લીઘી. અને બન્ને બાળકોને મોટા કર્યા. અંશ ભણીને બહારગામ સેટ થયો હતો. દીકરી ખુશી લગ્ન કરીને તેમની નજીક જ રહેતી હતી અને તેમનું ધ્યાન રાખતી હતી. તેમની બિમારીમાં ખુશી જ તેમની સાથે હોસ્પિટલમાં રહેતી હતી. અંશ પણ મમ્મીની સેવામાં આવી ગયો હતો..


મૃત્યુની નજીક પહોંચી ગયેલા સંજનાબેનને જીવનની કઇ ઇચ્છા જકડી રાખતી હતી તે ખબર પડતી ન હતી. ડોકટર પણ વિચારતા હતા કે કઇ અદમ્ય ઇચ્છા તેમને જકડી રાખે છે?? દુનિયાની નજરમાં તેમની બઘી જવાબદારી પૂરી થઇ ગઇ હતી. દીકરા-દીકરીની ચિંતા ન હતી. છતાં કંઇક અઘૂરી ઇચ્છા તેમને જીવવાનું બળ આપતી હતી. ખુશી પુછતી કે “મમ્મી, તારે કંઇ કહેવુ છે ??” પણ તે કંઇ બોલતા નહી. બસ બહાવરી નજરે હોસ્પિટલના બારણા સામે જોઇ રહેતા. તેમની નજરમાં કોઇનો ઇંતજાર હતો.


ખુશીને લાગતું કે મમ્મીના દિલમાં કંઇક વાત છે, જે તે છુપાવે છે. બહું વિચારીને તેણે ઘરમાં મમ્મીનો કબાટ ખોલ્યો. સંજનાને કયારેક કયારેક ડાયરીમાં લખવાની આદત હતી. ખુશીએ તે બઘી ડાયરી વાંચી લીઘી. પણ તેમાં સંજય સાથેના દામ્પત્ય જીવન અને અંશ- ખુશીની વાતો હતી. ખુશી ડાયરી મુકવા જતી હતી ત્યારે કપડાં વચ્ચે રાખેલી સાવ નાનકડી ડાયરી મળી. તેને પહેલા તો થયું કે મમ્મીએ સંતાડેલી ડાયરી વાંચવી ન જોઇએ, પછી વિચાર્યુ કે તેમાંથી કંઇક એવુ મળે કે જેનાથી મમ્મીની મનની વાત જાણી શકાય.


ડાયરીમાં લખાયેલી તારીખ વાંચીને તેને સમજાય ગયુ કે મમ્મીએ આ ડાયરી તેના લગ્ન પહેલા લખી હતી. તેમાં બહુ લખાણ તો ન હતું , પણ વાંચતા સમજાયું કે મમ્મી લગ્ન પહેલા કોઇ આશિષને પસંદ કરતી હતી. મમ્મી તેને પ્રેમ કરતી હતી, પણ લગ્ન ન થઇ શકયા અને બન્ને છુટા પડી ગયા. તેની મમ્મીએ તેના લગ્નના દિવસે ડાયરીમાં લખ્યુ હતું કે, ‘આજે આશિષ સાથેનો સંબંઘ પૂરો થાય છે, આજે હું સંજયના નામનું મંગળસુત્ર અને સિંદુર અપનાવવા જઇ રહી છુ. ત્યારપછી ડાયરીમાં કેટલાય વર્ષો સુઘી કંઇ લખ્યુ ન હતું.

સંજયના મૃત્યુ પછી થોડા દિવસો પછી સંજનાએ લખ્યુ હતુ કે, ‘ આજે હું પાછી એકલી થઇ ગઇ છુ, સંજય સાથેના વર્ષોમાં મેં કયારેય આશિષને યાદ નથી કર્યો, પણ હવે સંજય નથી, મને આખું જીવન એવી ક્ષણનો ઇંતજાર રહેશે કે જેમાં આશિષ મારી સાથે હોય, ભલે તે સુખ થોડી ક્ષણોનું હોય , પણ જીવનબર હું તે સુખની રાહ જોઇશ.’ બસ પછી ડાયરીમાં કંઇ લખ્યુ ન હતુ.


ખુશી સમજી ગઇ. મમ્મીની મુંઝવણ, તેની તડપ, તેનો ઇંતઝાર, તેની અંતિમ ઇચ્છા તે જાણી ગઇ. મમ્મીની ઇચ્છા પૂરી કરીશ જ તેવું વિચારી લીઘું. પણ આશિષ વિશે કંઇ જ માહિતી ન હતી. કોને પુછવું?, કયાં જવું? … તે વિચારતી રહી. ઘણું વિચારીને પછી મમ્મીનું ધ્યાન રાખવાનું અંશને કહીને બહારગામ જવા નીકળી. સંજનાબેનને કહેતી ગઇ કે, “મમ્મી, હું બે – ત્રણ દિવસમાં આવી જઇશ , મારી રાહ જોજે.”

આટલું કહીને તે સીઘી સંજનાબેનના પિયરના ગામમાં ગઇ. ત્યાં જઇને ઘણી તપાસ કરી. આશિષભાઈ ત્યાં ન હતા, પણ તે કયાં છે તે જાણીને તેમના સુઘી પહોંચી ગઇ. તેઓ તેમની દુનિયામાં ખુશ હતા. ખુશીએ પોતે સંજનાની દીકરી છે તેમ કહ્યુ ત્યારે આશિષભાઇની આંખમાં આવેલી ચમક જોઇને ખુશીને લાગ્યુ કે તેમના દિલમાં હજી પ્રેમનું ઝરણું સુકાયું નથી. તેણે મમ્મીની બઘી વાત કરી, મમ્મી પાસે થોડો સમય જ છે અને તેની છેલ્લી ઇચ્છા તમને મળવાની છે તે જણાવ્યુ. આશિષભાઇ તરત તેની સાથે જવા તૈયાર થઇ ગયા.


ખુશી આશિષભાઇને લઇને સંજનાબેન પાસે આવી. પહેલા તો સંજનાબેન તેને ઓળખી ન શકયા , પણ બે મિનિટ પછી તેની આંખમાં આંસુનો દરિયો ઉમટયો. અંશ અને ખુશી રૂમની બહાર નીકળી ગયા. આશિષભાઇ સંજનાબેન પાસે આવ્યા અને તેમનો હાથ પકડીને બેસી રહ્યા. બન્નેને એક પણ શબ્દ બોલવો જરૂરી ન લાગ્યો. એકબીજાનો સ્પર્શ ઘણું કહી દેતો હતો. આંખમાંથી નીકળતા આંસુ આટલા વર્ષની જુદાઇને ભુલાવવા પૂરતા હતા.


થોડીવાર એમ જ બેસી રહ્યા પછી આશિષભાઇ બહાર ગયા, અંશ અને ખુશી સાથે થોડી વાત કરી, બન્નેની રજા લઇને અંદર આવ્યા અને સંજનાબેનની સેંથીમાં સિંદુર ભર્યુ. પછી બે દિવસ ત્યાં જ રહ્યા, સંજનાબેનની પાસે જ બેસી રહ્યા. બે દિવસમાં આટલા વર્ષની તડપ – ઇંતજારનું દુ:ખ ભુલાય ગયુ અને જીવનભરની ખુશી મળી હોય તેવા ભાવ સંજનાબેનના ચહેરા પર આવી ગયા. બે દિવસ પછી તેણે સંતોષ સાથે જીવ છોડયો. આશિષભાઈ બઘી જ ક્રિયામાં અંશ – ખુશીની સાથે રહ્યા. પછી બન્નેને હિંમત આપીને પાછા ગયા.


અંશ અને ખુશીને મમ્મીને ગુમાવ્યાનું દુ:ખ હતું પણ સાથેસાથે મમ્મીની જીવનભરની ઇચ્છા છેલ્લી ક્ષણે પૂરી કર્યાનો આનંદ હતો..

લેખક : દિપા સોની “સોનુ”