અનોખી માર્કશીટ – શિક્ષકે આપેલ માર્કશીટથી પણ વધુ ઉતાવળ તેને તેના પિતા દ્વારા આપવામાં આવતી માર્કશીટ વધુ મહત્વની હતી…

‘અનોખી માર્કશીટ’

બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા…

‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર…. સોમાંથી પુરા સો….! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે…?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં. ‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે… વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે… અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા.

‘ઓ ગણિત… વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો… જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે… જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું. જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી. ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય….? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે…?તારી પાછળ કેટલો સમય આપે છે…?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું.

‘મમ્મી… જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી…!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો. ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા… જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે… તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે… આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે …!’ ‘સર…હું જાઉં… મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી.

ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા… તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે…? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે… અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ… લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે…’

‘સર.. પેંડા તો મારે આપવાના હોય….!’ જયે ધીમા અવાજે કહ્યું. ‘બેટા… તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે… તું જલ્દી જા… તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો.

‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું. જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી.

આ સાયકલની રફ્તાર વધી રહી હતી… તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી. જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા… ગુજરાતમાં પહેલો આવ્યો છું…’ જયની ખુશીનો પાર નહોતો. મમ્મી-પપ્પાએ માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનનાં ચરણોમાં મુકી દીધી.

‘મારી પેલી માર્કશીટ ક્યાં…?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી. ‘અરે… બેટા… હવે તું મોટો થયો… કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો…? આ વખતે નહી આપીએ તો નહી ચાલે….?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું. ‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ…’ જયે જીદ કરી.

‘સારું, લે પણ ધ્યાન રાખજે… અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’ અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી. જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી.

જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા. દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ તેના માર્ક આપતા. આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ… ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો.

વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર

મેળવેલ ગુણ – ૯૧

જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે… તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આ વર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો… તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે.

વિષય બીજો : પોતાની સારસંભાળ

મેળવેલ ગુણ : ૯૫

બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું… સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે.

વિષય ત્રીજો : ઘરની જવાબદારી

મેળવેલ ગુણ : ૮૫

અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી… રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી…. સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો… નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે.

વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર

મેળવેલ ગુણ : ૯૦

આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી.

વિષય પાંચમો : સમય પાલન

મેળવેલ ગુણ : ૯૯

જય… આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે… અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.

વિષય છઠ્ઠો : પરસ્પર નો પ્રેમ

મેળવેલ ગુણ : ૧૧૧

જય… આ એક વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે… તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી… બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%… અભિનંદન…

બેટા જય… તું અમારો જીગર જાન ટુકડો છે… આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે… પપ્પા કઠોર બની શકે… માં નહી…! બેટા… જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે… આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે.

વિષય સાતમો : વાલી તરીકે અમારી ફરજ

આપવાના ગુણ : ___

બેટા જય… આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે… આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા… તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં… અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી… બેટા… અમારી પણ મર્યાદાઓ છે… તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું. અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું.

વ્હાલા મમ્મી-પપ્પા,

તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય…! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે. તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું.

સ્ટેટસ

સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે…

જેમ સૂર્યનો પ્રકાશ ચો-તરફ વહેંચાઇને આવે છે…

આ વાર્તા ©કોપીરાઇટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં ફેરફાર કરવો નહી અને લેખકની મંજુરી વિના પ્રકાશિત કરવી નહી

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા ચાર રોમાંચ જિંદગીના અને ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક

હું

અવશ્ય વાંચો અને વંચાવો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ