અછૂત – નાત-જાતના ભેદભાવમાં રહી ગયો તેમનો પ્રેમ અધુરો, પણ એક દિવસ…

વરુણ અને શ્યામા તાપી કિનારે બેસી…હાથ માં હાથ પરોવી પોતાના ભવિષ્ય ની ચિંતા કરતા બેઠા હતા..એક કોમન ફ્રેન્ડ ના લગ્ન માં મળ્યા બાદ વરુણ અને શ્યામા એકબીજા ની નજીક આવ્યા હતા એ વાત ને આજે 2 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હતો..સામાન્ય ઓળખાણ થોડી ઘણી વાતચીત બાદ પ્રેમ માં પરિણમી હતી અને બંને એ પ્રેમને પોતાના દિલ માં દબાવી ન દેતા એકબીજા ને જણાવી ચુક્યા હતા..


યુવાન હૈયા એકબીજા માટે સમાન રીતે ધડકતા હોય બન્ને એ એકબીજા નો પ્રેમ સ્વીકારી લીધો હતો..વરુણ વ્યવસાયે એકાઉન્ટન્ટ…..મલ્ટીનેશનલ કંપની માં સારી એવી પોસ્ટ પર હતો….જ્યારે શ્યામા વ્યવસાયે ઓર્થોપેડિક ડોકટર(હાડકા ની ડોકટર) હતી..એક જાણીતા હોસ્પિટલ માં સર્જન તરીકે ફરજ બજાવી રહી હતી..


2 વર્ષમાં એકબીજા ને સાથે જીવવા મરવા ના કોલ આપી ચૂકેલા વરુણ અને શ્યામા આજે પોતપોતાના પરિવાર માં પોતાના પ્રેમ અને એ પ્રેમ લગ્નમાં પરિણમે એ ઈચ્છા વ્યક્ત કરવા તૈયાર થયા હતા…બન્ને તાપી ના કિનારે થી સીધા જ પોતપોતાના ઘરે એકબીજા અંગે વાત કરવા પહોંચી ગયા.. શ્યામા એ ઘરે જઈને પિતાના અચકાતા સ્વરે વરુણ અંગે જણાવ્યું…શ્યામા ના માતાપીતા પહેલેથી જ આધુનિક વિચારસરણી ધરાવતા હતા એટલે વરુણ અંગે થોડી પૂછપરછ કર્યા બાદ એ શ્યામા અને વરુણ ના લગ્ન માટે તૈયાર હતા..

વરુણ ઘરે પહોંચ્યો ત્યારે એના માતાપિતા હોલ માં બેસી ટીવી જોઈ રહ્યા હતા…વરુણ પણ એમની સાથે ગોઠવાઈ ગયો..લાગ જોઈ વરુણએ શ્યામા અંગે વાત માંડી..

“પપ્પા હું એક છોકરી ના પ્રેમ માં છું..અને એની સાથે લગ્ન કરવા ઇચ્છુ છું” વરુણ ના પિતાના ચહેરાની રેખાઓ તંગ થતી દેખાઈ એમને ઉંચા સ્વરે પૂછ્યું “કોણ છે એ છોકરી….નાતજાત શુ છે?” “પપ્પા શ્યામા નામ છે એનું….ઓર્થોપેડિક સર્જન છે” “એ બધું તો ઠીક પણ નાત શુ છે એની?”

વરુણ ના જવાબ પરથી એમને ખ્યાલ આવી ગયો કે શ્યામા એક નીચલી નાતી ની છોકરી હતી..જે વરુણ ના માતાપિતા ને જરાય મંજુર ન હતું..વરુણ ની માતા એમને સમજાવતા બોલી “બેટા…આમ ગમે તેને પરણી ન જવાય…આપણે બ્રાહ્મણ સમાજ ના..અને તું આમ કોઈ નીચલી નાતી ની છોકરી સાથે કઈ રીતે પરણી શકે?”


“મમ્મી હવે જમાનો બદલાયો છે…નાતજાત ના ભેદભાવ હવે ક્યાં રહ્યા જ છે?” “જમાનો બદલાયો હોય તે ભલે બદલાયો પણ તારા લગ્ન એ છોકરી સાથે હું કોઈપણ સંજોગો માં નહિ જ થવા દઉં” વરુણ ની વાત વચ્ચેથી જ કાપતા એના પિતા તાળુક્યા. “પણ પપ્પા….”વરુણ કઈ બોલે એ પહેલાં જ એની મમ્મી બોલી

“તું આમ એને પરણી જાય તો સમાજ માં આપણું શુ નામ રહે?..લોકો આપના વિશે કેવી કેવી વાતો કરશે ક્યારેય વિચાર્યું છે” “મમ્મી સમાજ આપણા જેવા લોકોથી જ બને છે…અને દર વખતે સમાજ શુ કહેશે એ વિચારી આપણે આપણી ઈચ્છાઓ ને મારી ન શકીએ…ક્યારેક તો કોઈએ સુધારણા તરફ પગલું ભરવું જ પડશે ને” વરુણ એ પોતાની માતા ને સમજાવતા કહ્યું

“ઓ લાડસહેબ આ તમારી ફિલોસોફી વાળી વાતો તમારી પાસે જ રાખો….જે લોકોનું સવારે મોઢું જોવું પણ આપણી જ્ઞાતિ માં વર્જિત હોય એને તું પરણવા માંગે છે..જેને ભૂલ માં અડકી લઈએ તો નહાવું પડે એવા લોકો સાથે તું ઉઠવા બેસવા માંગે છે…જેના ઘરે જવાનું સપના માં પણ ન વિચારી શકાય એને તું પરણી ને આ ઘરમાં લાવવા માંગે છે…..એવા અછૂત લોકો સાથે સંબંધ વિકસાવી હું તને કે મને અભળાવવા નહિ દઉં…કાન ખોલી ને સાંભળી લે તારા લગ્ન હું એ છોકરી સાથે નહિ જ થવા દઉં”

વરુણ ના પિતા ગુસ્સા માં ઘણું બધું બોલી ત્યાંથી ચાલ્યા ગયા “પણ એકવાર શ્યામા ને મળી તો લો…”વરુણ ની આંખ છલકાઈ આવી…એ રડતા રડતા બોલ્યો પણ એને સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું..


વરુણ ભાંગી પડ્યો..શ્યામા ને શુ જવાબ આપશે એ વિચારવા લાગ્યો…એને માતાપિતાની મરજી વિરુદ્ધ ભાગી જવાનું નક્કી કર્યું..અને એ માટે એને શ્યામા ને ફોન કરવા ફોન હાથ માં લીધો પણ આ શું એનો ફોન પરથી જ અનાયાસે શ્યામા ને ફોન લાગી ગયો હતો અને શ્યામા એ સઘળી ચર્ચા કાનોકાન સાંભળી હતી..વરુણ એ ફટાફટ શ્યામા સાથે વાત કરવા માંડી “શ્યામા….શ્યામા….r u der?”.વરુણ ખૂબ જ ગભરાયેલો હતો.

“yes વરુણ i am here” શ્યામા એ વળતો જવાબ આપ્યો. “શ્યામા મને માફ કરી દે.હું મારા માતાપિતા ના આપણા લગ્ન માટે મનાવવા માં નિષફળ રહ્યો”.એટલું બોલતા વરુણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.. શ્યામા વરુણ ને ચૂપ કરાવતા બોલી “રડીશ નહિ વરુણ….સફળતા અને નિષફળતા બંને ની તૈયારી આપણે રાખવાની જ હતી..હિંમત રાખ..આમ રડીશ તો તારા માતાપિતાને વધારે દુઃખ થશે”


પોતાના માતાપિતા શ્યામા અંગે ઘણું બોલ્યા તેમ છતાં શ્યામા એમના વિશે જ વિચારી રહી હતી એ જોઈ વરુણ વધારે ઢીલો પડી ગયો… “શ્યામા..હું ફક્ત તારી સાથે જ લગ્ન કરીશ..એ લોકો માનવા તૈયાર નથી તો શું થઈ ગયું…આપણે ભાગી ને લગ્ન કરી લઈશું” વરુણ થોડો સ્વસ્થ થતા મક્કમતા થી બોલ્યો

“નહિ વરુણ…મતભેદ સર્જાય એ ચાલે પણ મનભેદ સર્જાયે જરા પણ ન ચાલે…અને હું તારા અને તારા પરિવાર વચ્ચે મનભેદ નું કારણ નથી બનવા માંગતી…એમની ઈચ્છા વિરુદ્ધ મારી સાથે લગ્ન કરીને એમને દુભવવા એ યોગ્ય નથી…તું એમની ઈચ્છા વિરુદ્ધ ન જઈશ ..ભવિષ્ય માં કોઈ સારી છોકરી જોઈ પરણી જજે…આપણા આ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકવાનો સમય હવે આવી ગયો છે”


“નહિ શ્યામા…તુ આ શું બોલી રહી છે..હું તારા વગર કઈ રીતે જીવી શકીશ…હું તને ખૂબ જ પ્રેમ કરું છું” “હું પણ તને ખૂબ પ્રેમ કરું છું વરુણ…પણ આપણો આ પ્રેમ કોઈને દુઃખી કરી એ મને મંજુર નથી” બસ એટલું બોલી શ્યામએ ફોન કાપી નાખ્યો. વરુણ એ ફરી ફોન જોડ્યો પણ ફોન સ્વીચ ઓફ હતો…તે દિવસ બાદ વરુણ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. સમય વીતતો ગયો પણ શ્યામા એના દિલ માં હજી જેમની તેમ જ હતી.

આમ ને આમ 5 વર્ષ વીતી ગયા..વરુણ હવે ધીમે ધીમે પોતાની જિંદગી માં આગળ વધી રહ્યો હતો..શ્યામા ને છેલ્લે છેલ્લે આપેલા વચન ને પાળવા એ પોતાના માતાપિતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો…લગ્નની તારીખ આવી ગઈ હતી એટલે બધા જ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા..વરુણ ની માતા વડોદરાથી ખરીદી કરી સુરત પરત ફરી રહી હતી ત્યાં જ રસ્તા માં એક ટ્રક ની ટક્કર વાગતા એમનો સુરત નજીક જ ગંભીર અકસ્માત થયો હતો..


આજુબાજુ ના લોકો એ એમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા હતા..પોલીસ દ્વારા પરિવાર ની વિગતો મેળવી વરુણ અને એના પિતાને અકસ્માત અંગે જાણ કરવામાં આવી..બન્ને હાંફળાફાંફાળા દવાખાને દોડી આવ્યા..વરુણ ની માતા ને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં એમનો પગ ઘૂંટણથી સંપૂર્ણ રીતે છૂટો થઈ ગયો હતો એવું એમને ડોકટર દ્વારા જાણવા મળ્યું

“ડોકટર તો શું હવે મારી પત્ની ચાલી નહિ શકે” વરુણ ના પિતા ચિંતા માં એકીશ્વાસે બોલી ઉઠ્યા “ના ના…અમે એમના પગ ની એક સર્જરી કરી છે..જે સફળ રહી છે..99% કેસમાં દર્દી ચાલવાની ક્ષમતા ગુમાવે છે..પણ તમારા પત્ની ને સમયસર સારવાર મળી રહી એટલે એ નસીબદાર સાબિત થયા છે” ડોકટરે વરુણ ના પિતા ને શાંત પાડતા જવાબ આપ્યો

“તમારો ખૂબ ખૂબ આભાર ડોકટર…તમે મારા માટે ખરેખર ભગવાન રૂપ બની ને આવ્યા છો..બાકી આ દિવાળી ના સમય માં મોટાભાગ ના ડોક્ટરો રજા પર છે અને એવા સમયે તમેં ફક્ત મારી પત્ની ની સર્જરી કરી એટલું જ નહીં એને લોહી ની જરૂર હતી તો લોહી પણ આપ્યું એ મને બહાર રિસેપ્સન પરથી જાણવા મળ્યું…તમે મારી પત્ની નો જીવ બચાવ્યોએ બદલ આપનો ખુબ ખુબ આભાર” વરુણ ના પિતા આટલું બોલતા બોલતા રડમસ થઈ ગયા..


“અરે એમાં આભાર શુ…આ તો મારી ફરજ હતી..તમે હવે તમારી પત્ની ને મળી શકો છો…એ હમણાં જ ભાન માં આવ્યા છે.” ડોકટરે જવાબ આપ્યો.. વરુણ ના પિતા ખુરશી પરથી ઉભા થઇ..ફરીએકવાર ડોકટર નો આભાર માનવા એમની સાથે હાથ મિલાવી દરવાજા તરફ જઈ રહ્યા હતા “ઘરે જઈને નાહી લેજો” ડોકટરે વરુણ ના પિતા ને પાછળથી ટોકતા કહ્યું વરુણ ના પિતા કઈ સમજી ન શક્યા..એમને ડોકટર તરફ પ્રશ્નાર્થ નજરે જોયું


“મારી સાથે હાથ મિલાવી તમે અભળાઈ ચુક્યા છો……હું અછૂત ખરી ને એટલે જ ..કદાચ આજ થી તમારી પત્ની પણ અછૂત થઈ જશે તમારા માટે કારણ એના શરીર માં પણ હવે એક અછૂત નું લોહી વહી રહ્યું છે”ડોકટર આટલું બોલી પોતાના કેબીન માંથી બહાર જતા રહ્યા વરુણ ના પિતા એ જ સ્થિતિ માં ઉભા રહી ડોકટર ના કેબીન માં તખતી પર લખેલું ડોકટર નું નામ વાંચતા રહ્યા “ડો. શ્યામા”

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ