ભારતનું એક માત્ર ઇ-વિલેજ, સ્માર્ટ-વિલેજ એટલે સુરત નજીક આવેલું ‘એના’ ગામ

આજે દેશમાં વિવિધ જાતના અભિયાનો ચાલી રહ્યા છે એક બાજુ બેટી બચાવો બેટી પઢાઓ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો વળી ક્યાંક ઇન્ટરનેટ દ્વારા દેશમાં ક્રાંતિ લાવવાની વાતો થઈ રહી છે. પણ આ બધા જ અભિયાનો સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે ભારતના નાગરીકે કોઈ પહેલ કરી હોય તેવા કિસ્સાઓ કંઈ ખાસ જોવા મળતા નથી.

પણ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલું એના ગામ તમને ત્યાં વસવાટ કરવા આકર્ષે તેવું સ્માર્ટ છે. સામાન્ય રીતે સ્માર્ટ વ્યક્તિ અન્ય લોકોને આકર્ષતી હોય છે પણ આતો આખેઆખું ગામ સ્માર્ટ છે. આ ગામમાં 500 ઘરો છે જે દરેકમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ વિદેશની નાગરિકતા ધરાવે છે. કોઈ યુ.એસ.એનું છે તો વળી કોઈ યુ.કેનું છે તો વળી કોઈ કેનેડાનું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ પાંચસોએ પાંચસો ઘરોમાં ઇન્ટરનેટની વ્યવસ્થા છે. તેનું કારણ છે તેમના વિદેશમાં રહેતાં કુટુંબીજનો. તેમની સાથે એકધારા સંપર્કમાં રહેવા માટે તેમની પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું અનિવાર્ય છે. અને આ જ કારણસર આજે એના માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ઇ-વિલેજ તરીકે ઉભરી આવ્યું છે.

અહીંના દાદા-દાદી કે નાના-નાની પોતાના પૌત્ર-પૌત્રી સાથે વાત કર્યા વગર રાત્રે સુતા નથી. હજારો માઈલો દૂર રહેવા છતાં જાણે સાથે જ રહેતા હોય તેવો અનુભવ તેઓ આ ઇન્ટરનેટ કનેક્સનના કારણે કરી રહ્યા છે. તેઓ વિદેશમાં વસતા પોતાના દીકરા-દીકરી સાથે સ્કાઈપ, ફેસબુક, કે વ્હોટ્સએપથી નિરંતર જોડાયેલા રહે છે.

આ ગામની વસ્તી 4000થી ઉપર છે. આ ગામનો એક-એક રસ્તો કોંક્રીટનો બને લો છે. ગામનું પોતાનું એક વોટર પ્યુરીફાયર પ્લાન્ટ છે, એક નાનકડું ક્રિકેટ સ્ટેડિયમ છે. ધોરણ બાર સુધીની શાળા છે. અને આ બધું અહીંના NRIના કારણે શક્ય બન્યું છે. અહીંની આવક રૂપિયામાં નહીં પણ ડોલર અને પાઉન્ડમાં થાય છે.

આ ગામમાં વર્ષ 2007માં ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આજે ગામનું લગભગ એકએક ઘર ઇન્ટરનેટથી કનેક્ટેડ છે.

ગામની શાળા સરદાર પટેલ વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરત. એમ. દેસાઈ જણાવે છે કે ભારતમાં અમારું ગામ જ એક માત્ર એવું ગામ છે જેમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં હાઈ સ્કુલ છે, પાક્કા રસ્તાઓ છે, શુદ્ધ પાણી છે.

આ ઉપરાંત ગામમાં અન્ય ઇત્તjપ્રવૃત્તિઓ પણ ખુબ થાય છે. અહીંના બાળકો સારું ક્રીકેટ રમી જાણે છે. તેમ જ તેઓ ક્રીકેટને હજુ વધારે પ્રોત્સાહન આપવા માટે ઘણીબધી ટુર્નામેન્ટનું પણ આયોજન કરતા હોય છે.

આ ગામના એનઆરઆઈ લોકો ગામના વિકાસ માટે દીલ ખોલીને દાન કરે છે. અહીંની નવરાત્રી તમને અમદાવાદ-બરોડાની નવરાત્રીને ભુલાવી દે તેવી ભવ્ય હોય છે. અહીં નવરાત્રી મહોત્સવમાં ફિલ્મિ સિતારાઓને આમંત્રણ આપવામાં આવે છે.

અહીં તમને લગભગ બધા જ ઘરો પાક્કા જોવા મળશે. આ ગામની શાળામાં ખાસ કરીને ઇઁગ્લિશ ભાષા પર વધારે ભાર આપવામાં આવે છે કારણ કે વહેલા મોડા અહીંના બાળકો પણ પોતાના એનઆરઆઈ ગામવાસીઓની જેમ વિદેશ ગમન કરવાનું લક્ષ રાખે છે.

ગામમાં તમે પ્રવેશશો તો તમને ક્યાંય કચરો જોવા નહીં મળે. અહીં રોજ દીવસમાં 2-3 વાર રસ્તાઓની સફાઈ કરવામાં આવે છે. તેમજ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં ગામમાં પ્રવેશવા માટે વિશાળ ગેટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદેશમાં વસતા ગામના લોકો પાસેથી ભંડોળ ભેગુ કરીને સુંદર મજાના મંદીરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક માટે આ એક આદર્શ ગામ છે. જે ગામ તો કહેવાય છે પણ કોઈ શહેરને પણ શરમાવે તેવી વ્યવસ્થા ધરાવે છે.

માત્ર ભારતના ગામડાઓ માટે જ નહીં પણ ભારતના મોટા ભાગના શહેરો માટે પણ આ ગામડું એક રોલ મોડેલ બની શકે તેમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ