આજે ફક્ત વિદેશમાં જ નહિ પણ ગુજરાતની બહાર રહેતા અમુક ગુજરાતી મિત્રોની પણ આ સમસ્યા છે…

ભારતની બહાર રહેતા તમામ ગુજરાતીઓની એક સમસ્યા છે – “અમારા બાળકોને સરખું ગુજરાતી નથી આવડતું”. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, કેન્યા હોય કે કેનેડા લગભગ દરેક ગુજરાતી માબાપને આ પ્રશ્ન સતાવે છે. એનું નિવારણ લાવા તેઓ માતૃભાષાના તજજ્ઞો આગળ ઉપાયો પણ માંગતા હોય છે. પણ, આ સમસ્યાનું મૂળ કારણ શું છે ? કેમ પરદેશમાં રહેતા ગુજરાતી બાળકો અને યુવાનોને સાચું અને સારું ગુજરાતી નથી આવડતું ?


કૅનેડામાં 2 વર્ષ રહ્યા પછી અને દુનિયાનાં 17 દેશો ફર્યા પછી મારી સમજણ અને અનુભવ પ્રમાણે કહું તો પરદેશમાં જયારે પણ ગુજરાતી લોકો ભેગા થાય છે ત્યારે તેમની ૭૦% ચર્ચા અંગ્રેજીમાં હોય છે. આપણા તહેવારો ઉજવવા ભેગા થાય કે કોઈ ગુજરાતી કાર્યક્રમના અનુસંધાને ભેગા થાય તો પણ તેઓ અંગ્રેજીમાં વાતો કરતા હોય છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ એક નવી ભાષા શોધી છે. જેનું નામ છે ગુજલીશ. એ ભાષાના એકજ વાક્યમાં ૭૦% ઇંગ્લિશ બોલાય છે અને ૩૦% ગુજરાતી બોલાય છે.


એ ભાષાનું એકજ ઉદાહરણ આપું : Yesterday, I went મંદિર. ત્યાં, મારા દીકરા સાથે I did Darshan. Returnમાં મને ઘરે પહોંચતા વાર લાગી because of too much traffic. પછી, આપણે કંટાળીને કહેવું પડે કા બધું ગુજરાતીમાં બોલ કા ઇંગ્લીશમાં બોલ. આ વચેટિયું રહેવા દે.

જે ગુજરાતી બાળકો પરદેશમાં જનમ્યા હોય અથવા નાની ઉંમરે પરદેશ જતા રહ્યા હોય એ લોકો ગુજરાતીમાં વાતો ન કરે એ હજુ પણ સમજી શકાય. પણ, એમના માબાપ જે ગુજરાતના ગામડામાં જનમ્યા હોય, ૨૫-૩૦ વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા હોય એ લોકો થોડો સમય પણ સંપૂર્ણ ગુજરાતીમાં કેમ નહિ બોલી સકતા હોય ? આ તો બાવાના બેય બગાડવા જેવું થયું. ન પૂરું અંગ્રેજી બોલી શકો, ન પૂરું ગુજરાતી બોલી શકો.


જે માબાપ પોતે આવી રીતે સંવાદ કરતા હોય એજ માબાપ પાછા અપેક્ષા રાખે કે મારા બાળકને સાચું ગુજરાતી આવડવું જોઈએ. આપણી માતૃભાષામાં એક કહેવત છે “કુવામાં હોય તો અવાડામાં આવે”. પહેલા તમે ઘરમાં કે તમારા ગુજરાતી મિત્રો સાથે સંપૂર્ણ ગુજરાતીમાં વાતો કરો તો તમારા બાળકો એમાંથી શીખશે. જે ઘરમાં ગુજરાતીમાં જ વાતો થતી હશે એ ઘરનાં બાળકોને સ્પષ્ટ ગુજરાતી આવડતું હશે એમાં કોઈ શંકા નથી.


દુઃખની વાત છે કે પરદેશમાં રહેતા ૧૦ માંથી ૮ ગુજરાતી લોકો પુરી ૧૦ મિનિટ પણ ગુજરાતીમાં વાતો નથી કરી સકતા. અંગ્રેજી ભાષાનો વિરોધ નથી. એતો સીખવીજ પડશે. એના વગર ચાલશે નહિ. પણ, એ ભાષા તમારે બહાર નોકરીમાં કે ધંધામાં બોલવાની જ છે. કમ સે કમ ઘરમાં તો પુરે પૂરું ગુજરાતીમાં વાત કરો. તો તમને સાંભળીને તમારા સંતાનો આપો આપ ગુજરાતી શીખી જશે. પછી તમારે અફસોસ નહિ કરવો પડે અને માતૃભાષાના કોઈ ઉપાશક પાસે સલાહ લેવા નહિ જવું પડે એની હું જવાબદારી લઉં છું.


કોઈ વિદ્વાને સાચું જ કહું છે કે આપણે ગુજરાતી ભાષા કઈ રીતે બચાવવી એની ચર્ચા પણ અંગ્રેજીમાં કરીએ છીએ. એક વાત ખાસ યાદ રાખવી કે આપણા પરિવારના બાળકોને સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે પરંતુ આપણે ગુજરાતી હોય અને જો આપણા બાળકોને સાચું અને સારું ગુજરાતી ન આવડે તો એ શરમની વાત છે. તમને નથી લાગતું કે પરદેશમાં રહેતા બાળકો અને યુવાનો ગુજરાતી ભૂલતા જાય છે એનું મુખ્ય કારણ પશ્ચિમી સંસ્કૃતિ નથી પણ તેમના માબાપ જ છે? જો માબાપ ઘરમાં અને મિત્રો સાથે ગુજલિશને બદલે ગુજરાતી બોલવાની શરૂઆત કરશે તો તેમના બાળકોને પણ ચોક્કસ ગુજરાતી આવડશે એમાં કોઈ શંકા નથી.

લેખક : મૌલિક ત્રિવેદી (હાલ – ટોરોન્ટો, કેનેડા)