સુરેન્દ્રનગર: લોકોના જીવ બચાવનારનો જ કરુણ રીતે ગયો જીવ, દર્દીને ઉતારતી વખતે 108નો EMT કર્મીનું અચાનક ઢળી પડતા મોત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં મોતનું પ્રમાણ વધ્યું છે, જેમા સામાન્ય લોકોથી માંડીને કોરોના વોરિયર્સ પણ ઝપેટમાં આવી રહ્યા છે. રાજ દિવસ કોરોના દર્દીઓની સેવા કરતા આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સ પણ હવે કોરોનાથી મોતને ભેટી રહ્યા છે. આવી એક ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર ખાતે.

તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના 108માં ફરજ બજાવતા કર્મીનું ચાલુ નોકરી દરનિયાન મોત થતા ચારે કોર ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ ઘટનાનો વીડિયો ચારે તરફ વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે સામે આવેલી હકિકત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 108ના EMT તરીકે ફરજ બજાવતા 37 વર્ષના મહાવિરસિંહ ઝાલા બુધવારે 108માં દર્દીને લઇ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ સામે આવેલા દવાખાને લઇ આવ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યારે 108માંથી દર્દીને ઉતારી રહ્યાં હતા. તે સમયે તે અચાનક ચક્કર આવતા જમીન પર ફસાડાઇ પડ્યા હતા. જે બાદ ત્યાર હાજર અન્ય લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા.

EMT મહાવિર સિંહ ઝાલાને તાત્કાલિક સી.જે.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઇસીયુમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.

આ ઘટનાથી સમગ્ર તબીબી આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનિય છે કે કોરોનાના કપરા કાળમાં મોતની પરવા કર્યા વગર લોકોની સેવામાં 24 કલાક ખડેપગે રહેનાર 108ના કર્મીનું મોત થતા સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલના સમયમાં 108 એમ્બ્યૂલન્સની સેવા અનેક લોકોના જીવ બચાવી રહી છે. એવામાં લોકોના જીવ બચાવનારનું મોત થતા લોકોએ ઉંડો આઘાત લાગ્યો છે.

નોંધનિય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી 14 હજારની ઉપર કેસ આવી રહ્યા હતા. જો કે છેલ્લા 24 કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,847 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ખુશીના વાત એ છે કે રાજ્યમાં સતત બીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 10,582 દર્દીએ કોરોનાથી સાજા થયા છે. જ્યારે 172 દર્દીનાં મોત થયાં છે. નોંધનિય છે કે 30 એપ્રિલ કરતાં મોતના આંકડામાં એકનો ઘટાડો થયો છે. તો બીજી તરફ સતત આઠ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે અને આજે રિક્વરી રેટ 73.78 ટકા થયો
છે.

તો બીજી તરફ રાજ્યમાં એક ગોજારી ઘટના પણ સામે આવી છે. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગી હતી. નોંધનિય છે કે, ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 16 સારવાર લઈ રહેલા દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.