બે બાળક વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ ?

શું તમે જાણો છો કે બે બાળક વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ ?

જીવનમાં લગ્ન એ ખુબ મોટો મહત્ત્વનો વણાંક છે. કારણ કે ત્યાર બાદ તમે તમારા પર નિર્ભર થાઓ છો. અહીં આર્થિક સ્વતંત્રતાની વાત નથી થઈ રહી પણ સામાન્ય વાત થઈ રહી છે. લગ્ન બાદથી તમે પુરુષ હોવ કે સ્ત્રી તમારા જીવનને લગતા બધા જ નિર્ણયો જાતે જ લો છો. હા તમને વડીલોની તે માટે સલાહરૂપે મદદ મળતી રહે છે. પણ આખરી નિર્ણય તમારો હોય છે.

તમે એકાએક પુખ્ત અને જવાબદાર બની જાઓ છો. લગ્ન બાદ જીવનનો જે મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ છે તે છે માતૃત્વ અને પિતૃત્ત્વ. જીવનના આ વણાંકને તમે તમારો નવો જન્મ પણ કહી શકો છો. દુનિયાનું સૌથી મોટું સુખ અને દુનિયાની સૌથી મોટી જવાબદારી એટલે સંતાનો.

આજકાલ ન્યુક્લિયર ફેમેલીની હવા ફેલાયેલી છે. ન્યુક્લિયર ફેમેલી એટલે કે માતા-પિતા અને તેમનું એક સંતાન. આ પહેલાં અમે બે અમારા બેની હવા ફેલાયેલી હતી. લોકોની જીવનશૈલી તેમજ વ્યસ્ત જીવનના કારણે માતાપિતા હવે એક સંતાનથી જ સંતોષ માની લે છે.

કેટલાક માતાપિતા કુટુંબના આગ્રહના કારણે તો કેટલાક માતાપિતા પોતાની મરજીથી બીજા બાળકનું પણ પ્લાનિંગ કરે છે. પણ આવા સમયે ઘણીવાર બે સંતાનો વચ્ચેનું યોગ્ય અંતર રાખી શકતા નથી.

તો આજના આપણા આ પેરેન્ટિંગ લેખમાં એ જાણીશું કે બે બાળકો વચ્ચે કેટલું અંતર યોગ્ય છે.
જેવો તમારા પ્રથમ સંતાનનો જન્મ થાય, તમે ધીમે ધીમે તેના ભાઈ-બહેનનો વિચાર કરવા લાગો છે. પણ જ્યારે તમે એક વાર નક્કી કરી લો છો કે તમારે બીજુ સંતાન જોઈએ છે તો ત્યાર બાદ તમારુ મગજ તે વિચારો પર ચડી જશે કે તે બન્ને વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ ? શું બે બાળકો વચ્ચે કોઈ યોગ્ય અંતર હોય તેવી કોઈ બાબત છે ખરી ?

બે બાળક વચ્ચેના અંતરને એટલા માટે વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે તેની સાથે માતાનું તેમજ પ્રથમ બાળકનું પણ સ્વાસ્થ્ય જોડાયેલું છે. બીજા બાળક માટે પહેલી શરત એ છે કે પ્રથમ બાળક બાદ માતા સંપુર્ણ સ્વસ્થ હોવી જોઈએ. માતાપિતા બન્ને તે માટે શારીરિક-માનસિક-આર્થિક રીતે તૈયાર હોવા જોઈએ.

પ્રથમ અને બીજા બાળક વચ્ચેનું અંતર વધારે હોય તો તેના અમુક ફાયદા છે તો અમુક નુકસાન પણ છે અને અંતર ઓછું હોય તો તેના પણ કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન છે.

બે બાળક વચ્ચેનું ઓછું અંતર આવનારા બાળક માટે જોખમરૂપ છે

પ્રથમ અને બીજા બાળક વચ્ચેના અંતર એ મેડિકલ જગત માટે ચર્ચાનો વિષય છે. પણ જો બે બાળક વચ્ચે ઓછું અંતર રાખવામાં આવે તો માતાના સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડે છે અને સાથે સાથે આવનારા બાળક માટે પણ તે જોખમી છે.

Portrait of a happy mature man and woman carrying kids on back

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 18 મહિના એટલે કે ડોઢ વર્ષનું અંતર હોવું જ જોઈએ. કારણ કે જો આ અંતર ઓછું હશે તો આવનારુ બાળક તેની પરિપક્વતા એટલે કે મેચ્યોરીટી પહેલાં જ આવી જશે એટલે કે તેની પ્રી-મેચ્યોર ડિલીવરી થશે. અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પ્રી-મેચ્યોર બાળક પર જ્યાં સુધી તે સ્ટેબલ ન થાય ત્યાં સુધી કેટલા બધા જોખમ તોળાતા રહે છે.

ઓછામાં ઓછું બે વર્ષનું અંતર હોવું જોઈએ

WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત પ્રમાણે બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 24 મહિનાનું અંતર હોવું જ જોઈએ. કારણ કે આ 24 મહિનાના ગાળામાં મહિલાનું શરીર પૂનઃ પહેલા જેવું સ્વસ્થ બની જાય છે. આ અંતર માતા તેમજ બાળક માટે ખુબ જ આદર્શ છે.

સામાન્ય રીતે બે બાળકો વચ્ચે બે વર્ષનું અંતર તદ્દ્ન યોગ્ય છે. તેમની ઉંમર વચ્ચેનો આ નાનકડો ગેપ તેમને એકબીજા સાથે હળી મળીને રહેવા તેમજ રમવા માટે ઉત્તમ છે, તેમ છતાં તેઓ પોતપોતાનું અલગ વ્યક્તિત્ત્વ તેમજ અલગ રસ તેમજ ઓળખ પણ ધરાવે છે. ઓછા અંતરના કારણે બે બાળકો વચ્ચે હરિફાઈની વૃત્તિ પણ રહ્યા કરશે.

ત્રણ વર્ષથી વધારે અંતર

કેટલાક હેલ્થ એક્સપર્ટનું એવું માનવું છે કે બીજા સંતાન વચ્ચે ત્રણથી વધારે સમયનું અંતર હોય તો પ્રેગ્નન્સી અને બીજા બાળકના જન્મમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જો કે આ તારણ દરેક કેસ માટે લાગુ પડતું નથી. જો બન્ને બાળક વચ્ચે ત્રણ વર્ષ કરતા વધારે અંતર હોય તો તેમના વચ્ચે હરિફાઈની વૃત્તિ ઓછી રહે છે.

સામાન્ય રીતે માતાપિતા બાળકો વચ્ચે ઓછું અંતર રાખવાનું પસંદ કરતા હોય છે કારણ કે તેઓ એક જ મહેનતમાં બે બાળકોને મોટા કરવા માગતા હોય છે. જ્યારે બે બાળકો વચ્ચે અંતર વધારે હોય છે તેવા સંજોગોમાં માતાપિતાએ જે બધું પ્રથમ સંતાન માટે કર્યું હતું તે જ બધું ફરી નવેસરથી બીજા સંતાન માટે કરવું પડે છે એટલે કે તેમની મહેનત બેવડાઈ જાય છે.

જ્યારે ઓછા અંતરમાં આ સમસ્યા ઓછી હોય છે.
પણ છેવટે તો તમારે તમારા ગાયનેકોલોજીસ્ટને મળીને જ તે બાબતે સલાહ લેવી જોઈએ. કારણ કે તે જ તમને યોગ્ય સલાહ આપી શકે છે. અને જો તમને તમારા પહેલા સંતાન વખતે જે ડોક્ટરે પ્રસુતિ કરાવી હોય તેમનો સારો અનુભવ હોય તો બીજા સંતાન માટેની સલાહ પણ તમારે તેમની પાસેથી જ લેવી જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ