ઈશ્વર સાથે જ છે…..

વીણા ફઈ યાત્રા કરીને ઘરે આવે તે મહેશને ખૂબ ગમતું. કારણ ફઈના આવવાથી બા એટલી તો રાજી થતી કે એની બધી જ બીમારીઓ થોડી વાર માટે ગાયબ થઈ જતી. એના ચહેરા પર આનંદ તરવરી ઉઠતો. મહેશ ફઈબાને પરાણે મોડી રાત સુધી રોકી રાખતો . સૌ સાથે જમતા-જમતા યાત્રાની વાતો સાંભળતા.

ફઈબા ‘ઘર થી ઘર’ સુધીની વાતો એવી રીતે કરે ને કે સાંભળનારને એ સ્થળે હોવાનો અહેસાસ થયા વિના ન રહે. એમાંય બા તો ભારે હોંશ અને પૂરા ભક્તિભાવ સાથે સાંભળે, યાત્રાની પ્રસાદી ભાવુક બની માથે ચડાવે અને આરોગે ત્યારે એની આંખો ભરાઈ આવે. પરંતુ એની આંખો એ આછાં આંસુ પી પણ જાણે , એ વાત મહેશથી ક્યારેય છાની ન રહે…..

બાને તો પોતાની નાની – મોટી ઈચ્છાઓને મનમાં જ ધરબી રાખવાની ટેવ વર્ષોથી હતી. બાપુજીની ટૂંકી આવકમાં કરકસરથી ઘર ચલાવવું અને બે પૈસા ક્યાંથી બચાવવા તેની મથામણમાં જ રહેતી.

એક વખત બાપુજીએ સહપરિવાર હરિદ્વાર જઇ ગંગાસ્નાન કરવાનું વિચાર્યું ને બાને વાત કરી. પણ એણે કમને ‘ના’ પાડી દીધી. કહ્યું કે, ‘યાત્રાના ખર્ચમાં તો બાળકોની આખા વર્ષની સ્કૂલની ફી નીકળી જાય.’ ત્યાર પછી ઘરમાં ક્યારેય ક્યાંય પ્રવાસે જવાની વાત જ થઈ ન હતી.

સંતાનોની ઈચ્છાઓ પૂરી કરવામાં એણે કયારેય કરકસરને આડે આવવા દીધી ન હતી. બાને મન ઘર જ મંદિર, પરિવાર એના દેવ અને ઘરકામ એ જ ભક્તિ – પૂજા. મંદિરે તો સમય મળ્યે જ જતી. બાકી ઘરમાં જ દીવા કરી પ્રભુને નમન કરી લેતી. એના સ્વભાવમાં અભાવને ક્યાંય સ્થાન ન હતું. એ માગણીથી નહીં લાગણીથી જીવતી…….

…….બાપુજી નાની ઉંમરે દેવલોક પામ્યા. ત્રણેય પુત્રો રમેશ, મહેશ અને રાકેશનો અભ્યાસ પૂરો કરાવવામાં તેણે દિવસરાત એક કર્યા. પ્રાયમરી સ્કૂલમાં નોકરી સ્વીકારી, ટ્યુશન કર્યા અને ત્રણેય પુત્રોને સમાજમાં માન-સન્માનથી રહેવાને લાયક બનાવ્યા. ત્રણેયને સારી નોકરી મળી. ધીરે ધીરે ઘરનું મકાન અને ત્રણેયના લગ્ન થયા. સદનસીબે પુત્રવધૂઓ પણ સારી મળી. સયુંકત પરિવારમાં સૌ આનંદથી રહેતા… ને એમાં પણ જ્યારે ફઈબા આવે ત્યારે ઘરનો આ આનંદ બેવડાઇ જતો.

આ વખતે ફઈબા દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યા હતા અને હવે ઉત્તર ભારત જવાના હતા. આ વાત જાણી બાએ ભારપૂર્વક કહ્યું, ‘વીણાબહેન, હરિદ્વાર જાઓ તો મારા માટે ગંગાજીની લોટી જરૂર લેતા આવજો.’ આ શબ્દોમાં બાની ગંગાસ્નાન કરવાની ઈચ્છા વર્તાતી હતી, તે વચેટ પુત્ર મહેશ સમજી ગયો હતો. સાથે એ વાતનો વસવસો પણ હતો કે, હવે આ ઉંમરે બાની ઈચ્છા પૂરી થઈ શકે તેમ નથી.

વાત પણ સાચી હતી. અનેક બીમારીથી ઘેરાયેલા બાને મોટી યાત્રાએ લઈ જવા એ જોખમ વહોરવા જેવું હતું. જો કંઈ થઈ જાય તો બે – પાંચ વર્ષો એના સુખી જીવનના છે તે’ય ઓછા થઈ જાય. તો બીજી બાજુ મન એમ પણ વિચારતું હતું કે ઈશ્વરે આપણને અનેક મુશ્કેલીઓમાં ઉગારી, સુખ – સંપન્ન બનાવ્યા છે તો શું આ કાર્યમાં સાથ નહીં આપે? આ વિચારે તેને પ્રવાસ માટે હિંમત આપી.

લાંબી મજલમાં ઘરડું શરીર અને સામાન બંને સાથે સંભાળવા કઠિન લાગતા, સાથે ત્રીજું કોઈ અંગત હોય તો ટેકો રહે તે હેતુથી તેણે વાત મૂકી….

….પણ નાના ભાઈએ તો ધંધાનું બહાનું ધરી ચોખ્ખી ‘ના’ જ કહી દીધી.

મોટાભાઈને તો બોલવાનો મોકો જ ન મળ્યો…. ભાભીએ સ્વભાવ મુજબ કટુ વાણી ઉચ્ચારી, ‘ન કરે નારાયણ ને બાને કંઈ થઈ જાય તો સમાજને શું જવાબ આપવો? હવે આ ઉંમરે ગંગાસ્નાન કરવા ન જવાય, ઘેર બેઠાં માળા જપાય…! તમારા ભાઈ સાથે નહીં જ આવે.’

તો કાકા અને મામાના જવાબે પણ નિરાશાની હદ વળોટી. ‘તું તારી બાને ત્યાં જ મૂકીને આવીશ. હવે આવી હાલતમાં એને આવડી મોટી યાત્રા ન કરાવાય.’

પ્રવાસમાં સાથે આવનારનો બધો જ ખર્ચ ઉઠાવવા મહેશ તૈયાર હતો, પણ અપયશની બીકે કોઈ આવવા તૈયાર ન થયું…. છેવટે, તેણે જ હિંમત કરી, વાતવાતમાં બાને પૂછ્યું, ‘બા, આપણે હરિદ્વારની યાત્રા કરી આવીએ તો ??? ‘
બાની ઊંડા ખાડા પડી ગયેલી બીમાર આંખો ઘડીભર તો દીકરાને એકીટશે તાકી રહી. એ કંઈ જ બોલી ન શકી.

‘બા, હું તમને કહું છું.’

‘પણ, આ હાલતમાં મને કેવી રીતે લઇ જઈશ?’

‘એ બધું થઈ રહેશે. મને ઈશ્વર પર પૂરો ભરોસો છે. સારા કાર્યમાં એ જરૂર સાથ આપશે. તને કંઈ નહીં થાય.’

‘હું પાછી ન આવું એની કોઈ ચિંતા મને નથી. પણ પાછળથી તને કોઈ કંઈ કહે તો મારો આત્મા ડંખે !’

‘તારી બધી દવાઓ સાથે લઇ લેશું. હું તને કંઈ નહીં થવા દઉં. મને મારી આત્મશ્રદ્ધા અને પ્રભુ પર પૂરો વિશ્વાસ છે.’ મહેશે માને હિંમતપૂર્વક કહ્યું .

દીકરાના પ્રેમાગ્રહને વશ થઈ બા માની ગઈ. સૌએ મહેશને વારંવાર વાર્યો. પણ તે ટિકિટ લઈને જ આવ્યો.

યાત્રાએ જવાનો દિવસ આવી ગયો. સગાં – સંબંધી, પડોશીઓ બાને શુભેચ્છા સાથે સાકર – પડો દેવા આવ્યા. સાથે મહેશને બાની ધ્યાન રાખવાની સલાહ પણ….

માની ઈચ્છા પૂરી કરવા દીકરો યાત્રા કરાવવા ચાલી નીકળ્યો. સ્ટેશન પર મૂકવા આવેલ પરિવારજનોએ ઊંચક જીવે અને ભીની આંખે બાને વિદાય આપી……ઘરેથી નીકળ્યા ત્યારથી જ મહેશ બાનું ઝીણવટભર્યું ધ્યાન રાખતો. બંને ખભ્ભે થેલા અને એક હાથે બાનો હાથ ઝાલતો. જરૂર પડ્યે બંને હાથથી ટેકો પણ આપતો. બાના ખાવા – પીવા – દવાનો સમય સાચવવાની જવાબદારી પૂરી સભાનતા અને પ્રેમપૂર્વક નિભાવતો. ટ્રેનમાં પણ તે આખી રાત જાગતો રહ્યો.

બીજે દિવસે સાંજે હરિદ્વાર પહોંચ્યા ત્યારે સ્ટેશન પર ઉતરતાં જ બાને પળવાર માટે હરીના ધામના દ્વારે આવ્યાની અનુભૂતિ થઈ.

તે રાત્રે હોટલમાં થાક ઉતારી, સવારે મહેશ માને ગંગાકિનારે લઇ ગયો.ત્યાંના મંદિરો, ગંગાનો ધસમસતો પ્રવાહ, વિશાળ પર્વતો જોઈને અને ડગલે ને પગલે ગુંજતા ભક્તિસભર ગીતો અને પૂજા – પાઠના મંત્રોચ્ચારણો સાંભળીને બાના પગમાં નવું જોમ આવ્યું. અંતરમાં આનંદ છવાઈ ગયો. ત્યાંની પાવન હવાએ બાના શરીરમાં સ્ફૂર્તિ – શક્તિનો સંચાર કર્યો. બીમારી જાણે અદ્રશ્ય થઈ ગઈ.

મહેશે તેને હળવે હળવે પગથિયાં પરથી ગંગામાં ઉતારી, બંને હાથથી પકડી ગંગાસ્નાન કરાવ્યું. બાએ કૃશ: થઈ ગયેલા ધ્રુજતા હાથે ખોબો વાળી પવિત્ર ગંગાજળને લઈ, માથે ચડાવ્યું અને પછી સૂર્યદેવને અંજલિ આપી, તે સમયે અનુભવેલી ધન્યતા બાની આંખોમાંથી આંસુરૂપે ટપકી રહી. સાંજે ગંગાજીની આરતી વેળાએ પણ પ્રવાહમાં વહેતા સેંકડો ટમટમતા દીવડાઓના દર્શન કરી બાને કોઈ અલૌકિક દિવ્યતાનો અનુભવ થયો.

બા ખૂબ ખુશ હતી. ઘર – માંદગી બધું જ ભુલાઇ ગયું હતું. બે દિવસ આરામ લઇ ઋષિકેશ જવા બાએ સામેથી જ હિંમત દર્શાવી. કોણ જાણે કેમ, અહીં આવ્યા પછી બાના તનમનમાં નવી ઉર્જા આવી ગઈ હતી. જાણે આ સત્કાર્યમાં ઈશ્વર પણ સાથે હોય એવું મહેશને સતત લાગતું હતું. કોઈ જ વેળા ચુકાતી ન હતી કે કોઈ જ કાર્ય અટકતું ન હતું. તે સતત પ્રભુને પ્રાર્થતો, ‘હે ઈશ્વર, મારી બાને યાત્રા હેમખેમ પૂરી કરાવી, સુખરુપ ઘરે પહોંચાડજે.’

તો બીજી બાજુ બા પણ દરેક દેવ મંદિરે પુત્રની માતૃભક્તિની લાજ રાખવા ઈશ્વરને પ્રાર્થના કરતી…..ને ખરેખર બંનેની ચિંતા પ્રભુએ કરી. યાત્રા નિર્વિધ્ને આગળ વધતી ગઈ. ઋષિકેશમાં રામઝૂલા, લક્ષ્મણઝૂલા જોવાનું તો શક્ય બન્યું પણ કઠિન યાત્રા બદ્રી-કેદારનાથ પણ જઇ શકાયું. રસ્તામાં ચઢાણ-ઉતરાણ વખતે મહેશ માનું ઝીણવટભર્યું ધ્યાન રાખતો…. બાનું ધ્યાન પ્રભુભક્તિમાં અને મહેશનું માતૃભક્તિમાં……

ધીરેધીરે યાત્રા પૂર્ણ થઈ. બંન્ને જ્યારે હેમખેમ ઘરે આવી પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યોનો જીવ હેઠો બેઠો. પુત્રવધૂઓ તુરત જ દોડી આવી, બાને પગે લાગી. બાળકો પણ પ્રસાદીની માગણી સાથે દાદીમાને વ્હાલથી વળગી પડ્યા. મહેશે પણ નિરાંતનો શ્વાસ લીધો.

થોડી વાર બાદ પત્ની રીટાએ ત્યાંના મંદિરો, વાતાવરણ, પ્રવાસ વિશે ઘણું પૂછ્યુ. પણ મહેશ એટલું જ બોલ્યો, ‘ એ બધું તું બાને પૂછી લેજે. મારુ ધ્યાન તો કેવળ બામાં જ હતું. દર્શન તો ક્યાંક કર્યા ને ક્યાંક નહિ !!!’

‘અરે ! ત્યાં સુધી ગયાં ને દર્શન વિના જ પાછા ફર્યા ? આમ કંઈ યાત્રા ફળે ?’ રીટા ધીમું હસી ચાલી ગઈ…..

મહેશ પણ આછું હસતા હસતા તેને જોઈ સ્વગત જ બોલ્યો, ‘મારી યાત્રા તો તે જ ક્ષણે ફળી ગઈ હતી, જે ક્ષણે બાની વર્ષોની ગંગાસ્નાન કરવાની ઇચ્છા પૂરી કરાવી હેમખેમ ઘરે લાવ્યો. મંદિરોમાં દેવદર્શન ભલે ન થઈ શક્યા પણ ઈશ્વરના સાથની અનુભૂતિ તો ડગલે ને પગલે થઈ હતી………

લેખક : શીલા જોબનપુત્રા (રાજકોટ)