જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમ અગન પ્રકરણ – 6 અચાનક થયેલા હુમલાથી શિવ પર થયી બહુ ઘાતક અસર…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4, પ્રકરણ – 5 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 6

“તરી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે, હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર…”

શિવની મેન્ટલ કન્ડિશન અને નાદુરસ્ત તબિયતનાં લીધે ડૉકટરે એને કોઈ કુદરતી સ્થળે જઈ થોડો દિવસ આરામ કરવાની સલાહ આપી..જે મુજબ શિવે શિમલા જવાનું નક્કી કર્યું..શિમલા જતી ફ્લાઈટમાં બેસવાની સાથે શિવની અત્યારે જે હાલત થઈ હતી એ માટે જવાબદાર ભૂતકાળની યાદો પુનઃ આતંકવાદી બનીને શિવનાં હૃદયનાં કાશ્મીર ને રંઝાડવા આવી પહોંચી.

image source

ઈશિતા દ્વારા પોતાને શ્રી નું નામ આપવું..શિવનાં અને શ્રી નાં પ્રથમ ચુંબનની પળ, એમને વિતાવેલી દરેક સુંદર ક્ષણને યાદ કરતાં કરતાં હવે શિવ એ કારણ ને યાદ કરી રહ્યો હતો જેનાં લીધે એની શ્રી એનાંથી વેગળી થઈ ચૂકી હતી. કોલેજનું છેલ્લું સેમિસ્ટર હોવાથી એ દિવસો દરમિયાન શિવ અમદાવાદ હતો..લાસ્ટ સેમ નાં પ્રોજેકટ સબમિટ માટે અને ટ્રેઈનિંગ માટે શિવે અમદાવાદની એક કંપની પસંદ કરી હતી..અને એટલે એ એક મહિના જેટલો સમય અમદાવાદમાં જ રહેવાનો હતો..પોતાનાં કુટુંબથી દૂર..પોતાનાં મિત્રોથી દૂર..પોતાની શ્રીથી દૂર.

ઈશિતા,સાગર અને નિધિ એ જૂનાગઢમાં જ રહીને પોતાનો પ્રોજેકટ પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું..ટ્રેઈનિંગમાં જવાનાં બદલે એમને ટ્રેઈનિંગ નું સર્ટિફિકેટ મળી જાય એવી ગોઠવણ કરી રાખી હોવાથી એ ત્રણેય જૂનાગઢમાં જ રોકાઈ જવાનાં હતાં. શિવ અમદાવાદ તો પહોંચી ગયો હતો પણ એનું દિલ જૂનાગઢમાં હતું..એની શ્રી જોડે..દિવસે શિવ ટ્રેઈનિંગ માં વ્યસ્ત રહેતો અને રાતે એની પ્રિયતમા શ્રી ની સાથે ચેટિંગમાં..આ એ સમય હતો જ્યારે નવાં નવાં એન્ડ્રોઇડ ફોન માર્કેટમાં આવી ચુક્યાં હતાં અને ફેસબુક એકાઉન્ટ એ બેન્ક એકાઉન્ટ કરતાં વધુ જરૂરી બની ગયું હતું..પણ હજુ તો શિવ અને શ્રી તો ટેક્સ્ટ મેસેજથી જ ચેટ કરતાં હતાં કારણકે હજુ બંનેમાંથી કોઈની જોડે એન્ડ્રોઇડ ફોન હતો નહીં.

શિવ જેવો રાતે જમીને ફ્રી થતો એ સાથે જ શ્રી સાથે વાતોમાં લાગી જતો..જ્યારે શ્રી સવાલ કરતી કે તે જમી લીધું શિવ..?..ત્યારે જ શિવને પોતાનાં અન્ન નો ઓડકાર આવતો..હજુ તો માંડ પંદર દિવસ વીત્યાં હતાં અને એ હદે બંને એક બીજાને miss કરી રહ્યાં હતાં જાણે કે વર્ષોથી બંને વિખૂટાં ના હોય..આમ પણ જેટલો પ્રેમ મજબૂત એટલું જ અલગ રહેવાનું દુઃખ વધુ. શિવની ટ્રેઈનિંગ પુરી થવામાં હવે પાંચ દિવસ બાકી હતાં..શ્રી એ પોતે શિવને મળવા બસ-સ્ટેન્ડ ઉપર આવશે એ વિશે જાણ કરી તો શિવ પણ મનોમન વહેલી તકે જૂનાગઢ પહોંચી પોતાની શ્રીની બાહોમાં સમાઈ જવાં ઉતાવળો બન્યો હતો.

image source

એક દિવસ શિવ સાંજે જમીને પોતે જ્યાં રોકાયો હતો એ રૂમ પર પથારીમાં આડો પડ્યો અને શ્રી ને મેસેજ કર્યો. “Hi..શ્રી..જમી લીધું..?” દસેક મિનિટ સુધી શિવ શ્રીનાં મેસેજની રાહ જોઈ ફોન હાથમાં લઈ બેસી રહ્યો..પણ શ્રીનો કોઈ રીપ્લાય ના આવ્યો..આમ ને આમ કલાક વીતી ગયો પણ શ્રી નો રીપ્લાય ના આવ્યો તે ના જ આવ્યો..આવું પ્રથમ વખત થઈ રહ્યું હતું કે શ્રી એનાં મેસેજનો કોઈ જવાબ ના આપે..જો શ્રી વ્યસ્ત હોય તો પણ એ જાણ કરવાં તો એક મેસેજ શિવને કરી જ દેતી..પણ આજે કેમ એનો મેસેજ ના આવ્યો આ વાત શિવને પજવી રહી હતી.

શિવે આખરે ના રહેવાતાં શ્રી ને કોલ લગાવ્યો..અને આ કોલ એની જીંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી..માન્યું કે જ્યારે પ્રેમ હદથી વધારે હોય ત્યારે ઘડીભરનો વિલંબ પણ તમે સહન ના કરી શકો પણ ઉતાવળમાં લીધેલું પગલું તમારી જીંદગી ખેદાન-મેદાન કરી નાંખે છે એ સમજવું જ રહ્યું.

જે વાંચકો ને શેક્સપિયરની મહાનત્તમ કૃતિ રોમિયો-જુલિયેટ નો ક્લાઈમેક્સ ખબર ના હોય તો ટૂંકમાં જણાવું.. જેની ઉપરથી તમને અંદાજો આવી જશે કે પ્રેમમાં વગર વિચારે ભરેલું ઉતાવળું પગલું કેટલું જોખમી પુરવાર થઇ શકે છે. રોમિયો અને જુલિયેટ ની કથા બ્રિટનની છે એ તો આપ સૌ જાણતાં જ હશો..જુલિયેટ અને રોમિયો વચ્ચે નો સામાજિક ભેદ એમનાં મિલનને અશક્ય બનાવતો હતો.છતાં બંને એકબીજાને છેલ્લાં શ્વાસ સુધી સાથ નિભાવવાનું વચન આપી ચુક્યાં હતાં.

એ કથાનાં અંતમાં જ્યારે જુલિયેટ નાં એની મરજી વિરુદ્ધ લગ્ન થાય છે ત્યારે એ એક યુક્તિ મુજબ એક વૈદ્ય દ્વારા આપવામાં આવેલી બેહોશ થઈ જવાની દવા ખાઈ લે છે..જેથી બધાં ને એવું લાગે એ મરી ગઈ છે અને એને દફનાવી આવે..જ્યાંથી રોમિયો એને કબરમાંથી બહાર નીકાળી જાય..આ બધાં વિશે રોમિયો ને ખબર પહોંચાડવા વાળો વ્યક્તિ એની સુધી પહોંચે એ પહેલાં રોમિયો ને ખબર મળી કે જુલિયેટ મૃત્યુ પામી છે..તો ખરેખર એ મૃત્યુ પામી છે કે નહીં એ જાણ્યાં વગર એનાં મૃતદેહ ની જોડેજ રોમિયોએ ઝેર પી ને આત્મહત્યા કરી લીધી.

image source

બેહોશ જુલિયેટ ભાનમાં આવી ત્યારે એને પોતાની જોડે પડેલાં રોમિયો ને જોયો..જેનાં હાથમાં ઝેરની શીશી હતી.જુલિયેટ આખી પરિસ્થિતિ સમજી ગઈ..હવે રોમિયો વગર જીવવું તો શક્ય હતું નહીં એનાં માટે તો જુલિયેટે પોતાની કટાર પોતાનાં પેટમાં ઘુસેડી આત્મહત્યા કરી લીધી..અને રોમિયો ની જોડે એનો મૃતદેહ પણ જમીન પર ફસડાઈ પડ્યો..રોમિયો નાં એક ઉતાવળાં નિર્ણયે એક સુંદર પ્રેમકહાનીનાં સુખદ અંજામ ને દુઃખદ બનાવી દીધો. શિવ દ્વારા શ્રી ને કરવામાં આવેલો કોલ પણ એક એવો ઉતાવળો નિર્ણય હતો જેનું પરિણામ શિવે જીવનભર ભોગવવાંનું હતું.

શિવે શ્રી ને કોલ લગાવ્યો..પહેલી વખતમાં તો શ્રી એ કોલ રિસીવ ના કર્યો..પણ બીજો કોલ શિવે કર્યો એ સાથે જ બીજી જ રીંગે સામે છેડેથી કોલ રિસીવ થયો. “Hello, શ્રી..અરે કેમ મેસેજ નો જવાબ નથી આપતી..તને ખબર તો છે હું તારાં વગર કેટલું એકલું મહેસુસ કરું છું..”કોલ પીકઅપ થતાં જ શિવ એકશ્વાસે હૈયાવરાળ ઠાલવતાં બોલ્યો. શિવનાં આમ બોલવા પર સામેથી કોઈ પ્રતિભાવ મળવાનાં બદલે ફોન કટ થઈ ગયો..શિવ ને આ વસ્તુ વિચિત્ર લાગી.પણ એને વધુ વિચાર્યા વગર શ્રીને ફરીવાર કોલ લગાવ્યો..પણ આ વખતે સામેથી ફોન સ્વીચઓફ હોવાની કેસેટ સંભળાઈ. “પહેલાં મેસેજ નો કોઈ જવાબ નહીં..પછી કોલ પર કંઈપણ ના બોલવું અને હવે ફોન સ્વીચઓફ..લાગે છે કોઈ પ્રોબ્લેમમાં હશે મારી શ્રી..”બે-ત્રણ પ્રયાસ પછી પણ શ્રીનો ફોન સ્વીચઓફ જ આવતાં શિવ મનોમન બબડયો.

પસાર થતી દરેક ક્ષણ શિવની ચિંતા વધારી રહી હતી..બેચેન બની એ પોતાનાં રૂમમાં આમથી તેમ આંટાફેરા મારવાં લાગ્યો..હવે આગળ પોતે શું કરશે એ શિવને સમજાઈ નહોતું રહ્યું..અને આવાં સમયે દરેક વ્યક્તિને સૌથી પહેલી યાદ આવે પોતાનાં ખાસ દોસ્તની..શિવ માટે સાગર એનો દોસ્ત નહીં ભાઈ હતો..શિવે પોતાનો મનનો ઉચાટ સાગરની જોડે વહેંચવા એને કોલ લગાવ્યો. “Hello,સાગર..હું શિવ બોલું..”સાગર દ્વારા કોલ રિસીવ થતાં જ શિવ બોલ્યો. “અરે મારામાં તારો નંબર સેવ છે..બોલ બોલ..”હસીને સાગર બોલ્યો. “અરે ભાઈ એક વાત કહેવી હતી..”શિવ બોલ્યો. “તો બક ને..એમાં વાટ શેની જોવે છે..”સાગર બોલ્યો.

“ભાઈ મેં પહેલાં ઈશિતા ને મેસેજ કર્યો તો એને કલાક સુધી કોઈ રીપ્લાય ના આપ્યો..આવું પહેલી વખત થયું હતું કે ઈશિતા મારાં મેસેજનો જવાબ ના આપે..બહુ રાહ જોયાં છતાં એનો મેસેજ ના આવતાં મેં એને કોલ કર્યો..પહેલી વખત તો એને કોલ રિસીવ ના કર્યો પણ બીજી વખત કોલ કર્યો ત્યારે એને ફોન તો રિસીવ કર્યો પણ એ કંઈ ના બોલી..જ્યારે ત્રીજી વખત મેં કોલ કર્યો તો એનો ફોન સ્વીચઓફ થઈ ગયો..ત્યારનો દસ વખત પ્રયાસ કરી ચુક્યો છે પણ એનો ફોન બંધ જ આવે છે..”શિવ ઉતાવળાં ઉતાવળાં બધું બોલી ગયો.

“અરે ભાઈ કોઈ કામમાં હશે એ..તું નકામો આટલો બધો લોડ ના લઈશ..એની ફોનની બેટરી ઉતરી ગઈ હશે.. ભાઈ એ તને કાલે મેસેજ કરશે..હવે mr.મજનુ શાંતિથી સુઈ જા..”સાગરે આટલું કહી કોલ કટ કરી દીધો. સાગરની જોડે વાત કરીને શિવને થોડી ધરપત તો જરૂર થઈ છતાં મનને શાંતિ ના મળી..ઘણો સમય પડખાં બદલ્યા શિવને મહાપરાણે ઊંઘ આવી.

image source

“કુછ હોશ નહીં રહતા,કુછ ધ્યાન નહીં રહતા.. ઈન્સાન મોહબ્બતમેં ઈન્સાન નહીં રહતા..”

સવાર પડી ચુકી હતી..શિવ નાં ઘણાં પ્રયત્નો છતાં પણ શિવનો પોતાની શ્રી સાથે સંપર્ક ના થઇ શક્યો.. શિવને આખો દિવસ આ વાતનાં લીધે ટ્રેઈનિંગ માં પણ મન ના લાગ્યું. રાતે શિવે સાગરને કોલ કરી ગમે તે કરી ઈશિતા વિશે માહિતી મેળવવાં કહ્યું..કે કયાં કારણથી એનો ફોન સ્વીચઓફ આવી રહ્યો હતો .સાગરે જણાવ્યું કે પોતે એની માસીનાં ઘરે કેશોદ આવ્યો છે અને ચાર-પાંચ દિવસ પછી જ જૂનાગઢ જવાનો છેતો પોતાને તો ઈશિતા વિશે કોઈ જાણકારી નહીં જ મળે.

શિવે સાગર ની વાત સાંભળી કહ્યું જો એ જૂનાગઢની બહાર છે તો નિધિ ને બોલે કે ઈશિતા નાં ઘરે જઈ હકીકતમાં શું થયું છે શ્રી જોડે એની તપાસ કરે..તો એનાં જવાબમાં સાગરે જણાવ્યું કે નિધિ પણ એક વિકથી જામનગર ગઈ છે પોતાના મામા નાં ઘરે..અને એ પણ બીજાં એક અઠવાડિયા સુધી જૂનાગઢ નહોતી જ આવવાની.

સાગર ની વાત સાંભળ્યાં બાદ હવે જ્યાં સુધી ઈશિતા સામેથી સંપર્ક ના કરે ત્યાં સુધી રાહ જોયાં વીનાં કોઈ છૂટકો શિવ જોડે વધ્યો નહોતો.પોતે ત્રણ દિવસ પછી સાંજે છ વાગે જૂનાગઢ બસ સ્ટેશનમાં આવવાનો છે એવો એક મેસેજ શ્રીને કરી દીધો. પાંચ દિવસ સુધી શિવની ઉપર ના શ્રીનો કોલ આવ્યો..ના કોઈ મેસેજ..૫ દિવસ,૧૨૦ કલાક,..૭૨૦૦ મિનિટ,..૪,૩૨,૦૦૦ સેકંડ..દરેક સેકંડ શિવે પોતાની શ્રી ને યાદ કરી હતી..આખરે શ્રી ને શું થયું હશે એ વિચારી શિવ નું મન બેચેન થઈ ગયું હતું.

“આ પ્રેમની રમત પણ કમાલ છે, હાર હોય કે જીત એક સરખી ધમાલ છે, નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે, હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….”

શિવ માટે હવે પોતે ક્યારે જૂનાગઢ પહોંચે અને ક્યારે એ જઈને જાણે કે પોતાની શ્રી જોડે આખરે થયું શું હતું..આ સવાલોનાં જવાબ શોધવા શિવ પોતાનું સઘળું કામ અને ટ્રેઈનિંગ પૂર્ણ કરી સર્ટિફિકેટ મળતાં જ બપોરે બાર વાગે ગીતા મંદિરથી અમદાવાદ થી જૂનાગઢ જતી બસમાં ગોઠવાઈ ગયો. ભૂતકાળમાં શિવની બસ જ્યાં અમદાવાદથી જૂનાગઢ આગળ વધી રહી હતી..તો વર્તમાનમાં શિવ આ વિશે વિચારતાં વિચારતાં ફ્લાઈટમાં સુઈ ગયો..અમદાવાદથી શિમલા જતી ફ્લાઈટ નો દિલ્હી બે કલાક જેટલો હોલ્ટ હતો..ફ્લાઈટ દિલ્હીમાં જેવી લેન્ડ થઈ એ સાથે જ શિવની આંખો ખુલી ગઈ..ઘણાં દિવસે આજે શિવને સળંગ ઊંઘ આવી હતી.

image source

નવી દિલ્હીનાં ઈન્દીરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઈ..એટલે શિવ હમીર ની સાથે વેઈટિંગ રૂમમાં બેઠો..બે કલાક સુધી શિવ મોબાઈલમાં સમય પસાર કરવાં pub-g રમતો રહ્યો..આખરે દિલ્હી થી શિમલા જતી ફ્લાઈટ નું એનાઉન્સમેન્ટ થયું એટલે બીજાં પ્રવાસીઓની સાથે શિવ અને હમીર પણ જઈને પ્લેનમાં ગોઠવાયાં. દિલ્હીથી શિમલાનો રૂટ માંડ બે કલાક જેટલો હતો..પણ આ બે કલાક દરમિયાન શિવ પોતાનાં એ ભૂતકાળને યાદ કરવાં લાગ્યો જે એની જીંદગી ને ધરમૂળથી ફેરવી નાંખનાર સાબિત થયો..એની શ્રીનું પોતાનાંથી અલગ થવાનું કારણ શિવનાં એ ભૂતકાળમાં મોજુદ હતું.

“એના ભીતરમાં આગ લાગી છે, એટલે ઘરમાં આગ લાગી છે ! એને ઠારી શકાય એમ નથી, છેક બિસ્તરમાં આગ લાગી છે !” “તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે… તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!”

શિવ જ્યારથી અમદાવાદથી નીકળ્યો હતો ત્યારથી એનું મન બેચેન હતું પોતાની શ્રી ને મળવાં માટે..એને શ્રી ને મળવું હતું..એને મનભરીને જોવી હતી..એને ગળે લગાવવી હતી..આજ ઈચ્છા સાથે શિવ જૂનાગઢ આવી પહોંચ્યો. બસમાંથી ઉતરતાંની સાથે શિવે ચોતરફ નજર ઘુમાવીને પોતાની શ્રી ને શોધવાનો પ્રયત્ન કર્યો.. પણ શિવને એ ક્યાંય નજરે ના પડી..એટલામાં શિવનાં મોબાઈલની રિંગ વાગી..શિવે બેતાબીપૂર્વક ફોન ખિસ્સામાંથી નીકાળી સ્ક્રીન તરફ નજર કરી.. શિવનો ફિક્કો પડેલો ચહેરો એ જોઈ હરખાઈ ગયો કે એની ઉપર કોલ કરનાર શ્રી હતી..જૂનાગઢમાં પગ મુકતાં ની સાથે જ શિવ માટે ખુશીનાં સમાચાર આવ્યાં હતાં શ્રીનાં કોલ સ્વરૂપે.

image source

“Hello.. શ્રી..ક્યાં છે..હું જૂનાગઢ આવી ગયો છું..”ફોન રિસીવ કરતાં જ શિવ મોટેમોટેથી બોલવા લાગ્યો. શિવ ને સામેથી શ્રીનાં પ્રતિભાવની આશા હતી..પણ શ્રી નો કોલ કટ થઈ ગયો..શિવે શ્રી નો કોલ કટ થતાં જ એનો નંબર ડાયલ કર્યો..શિવને કોલ કરતાં જ શ્રીનાં મોબાઈલની રિંગ સંભળાઈ..આ રિંગ પોતાની શ્રી ની જ હતી જે એને પોતાનાં માટે ખાસ સેટ કરી હતી..રિંગ સાંભળતાં જ શિવ સાન-ભાન ભૂલી ફોનની રિંગ ક્યાંથી વાગી રહી હતી એનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“આ રહ્યો ઈશિતા નો ફોન..”શિવને એક ભારે અવાજ કાને પડ્યો. શિવે અવાજની તરફ નજર ફેરવી જોયું તો ત્યાં એક છવ્વીસ-સત્તાવીસ વર્ષનો યુવક ઉભો હતો..જેની જોડે એનાં સમવયસ્ક યુવકો પણ હતાં.. શિવ એ યુવકને જોતાં જ ઓળખી ગયો..એ બીજું કોઈ નહીં પણ ઈશિતાનો મોટોભાઈ સહદેવ હતો..ઈશિતા એ શિવને પોતાનાં ભાઈનો ફોટો બતાવેલો હતો એટલે શિવ સહદેવ ને ઓળખી ગયો હતો.

સહદેવ એક અઠવાડિયા પહેલાં જ દુબઈથી પાછો આવ્યો હતો..સહદેવ જે દિવસે આવ્યો એ દિવસે ઘરે આવવાનાં બદલે પોતાનાં લુખ્ખા દોસ્તારો જોડે સમય પસાર કરવાં પહોંચી ગયો..જ્યાં એને જાણવા મળ્યું કે પોતાની નાની બહેન ઈશિતા ને એક અન્ય જ્ઞાતિનાં યુવક જોડે અફેયર છે..એ છોકરાંનું નામ શિવ છે અને એ ઈશિતાની કોલેજમાં અભ્યાસ કરે છે એ પણ એને પોતાનાં મિત્રો જોડેથી જાણવાં મળ્યું.

આ ઉપરાંત સહદેવ ને એનાં મિત્રોએ એ પણ કહ્યું કે ઈશિતા અને શિવને એ લોકોએ ઘણીવાર ફરતાં જોયાં છે..આ બધું સાંભળ્યાં પછી તો સહદેવ ઉકળી ગયો..બીજાં દિવસે એ જ્યારે ઘરે આવ્યો ત્યારે એને ઈશિતા ને આ વિષયમાં કડકાઈ સાથે પૂછ્યું..સહદેવનાં લાખ પુછવા છતાં ઈશિતા એ આ વાત ખોટી હોવાનું રટણ ચાલુ રાખ્યું..ઈશિતા ની વાત પોતે માની ગયો હોવાનું નાટક કરીને સહદેવે થોડો સમય એ વાત પડતી મૂકી..ઈશિતા સહદેવ ની હાજરીમાં પોતાનાં મોબાઈલને સ્પર્શ કરી શકે એમ નહોતી.

ઈશિતા ઘણાં પ્રયત્નો છતાં પોતાનો મોબાઈલ હાથમાં લઈ શિવને સહદેવનાં આમ અચાનક આગમનની અને એને એમનાં રિલેશન વિશે ખબર પડી ગઈ હોવાની ખબર ના આપી શકી..સાંજે જ્યારે ઈશિતાનું આખું ફેમિલી જોડે જમવા બેઠું હતું એ જ સમયે શિવે ઈશિતા ને મેસેજ કર્યો. વર્ષો બાદ સહદેવ ઘરે આવ્યો હોવાથી જમ્યા બાદ પણ બધાં સાથે બેસી મોડે સુધી વાતો કરતાં રહ્યાં.. આ તરફ કલાક સુધી રાહ જોવાં છતાં ઈશિતા નો રીપ્લાય ના આવતાં શિવે રઘવાઈને ઈશિતાનાં મોબાઈલ પર કોલ કર્યો..ઈશિતા નાં ફોનની રિંગ જેવી વાગી એ સાથે જ ઈશિતા નાં ચહેરા નાં ભાવ બદલાઈ ગયાં.. એનો ડરી ગયેલો ચહેરો જોઈ સહદેવ સમજી ચુક્યો હતો કે દાળમાં કંઈક કાળું છે.

ઈશિતા દોડીને પોતાનાં રૂમ તરફ આગળ વધી રહી હતી ત્યાં સહદેવ એનો રસ્તો રોકીને ઉભો રહી ગયો..અને ગુસ્સામાં બોલ્યો. “કોનો ફોન છે..કે આટલી ઉતાવળી બનીને દોડે છે..?” “એની કોઈ ફ્રેન્ડ નો હશે..જવાં દે ને..”ઈશિતા નું ઉપરાણું ખેંચતા એનાં મમ્મી વચ્ચે બોલ્યાં. “મમ્મી તું વચ્ચે ના બોલ..હું જઈને જોવું કે કોલ કોનો છે..ઈશી તું અહીં જ બેસ..”આક્રમક મૂડમાં સહદેવ બોલ્યો. સહદેવનાં ગુસ્સાથી ઘરે બધાં વાકેફ હતાં એટલે કોઈ કંઈ ના બોલ્યું..એનાં પિતા ગજેન્દ્રસિંહ પણ ચૂપચાપ બેઠાં બેઠાં કાચી પાંત્રીસ નો મસાલો ખાવામાં મશગુલ હતાં.

image source

સહદેવ ઈશિતાનાં રૂમમાં આવ્યો ત્યાં સુધી તો શિવનો કોલ કટ થઈ ગયો હતો..સહદેવે ઈશિતાનો ફોન હાથમાં લઈ સ્ક્રીન તરફ નજર કરી તો એમાં લખેલું હતું..શિવ..આ જોઈ સહદેવ સમજી ગયો કે એનાં મિત્રો ખોટું નહોતાં બોલી રહ્યાં.. આવેશમાં આવી સહદેવ શિવને કોલ કરવાં જતો હતો ત્યાં શિવનો પુનઃ કોલ આવ્યો.

સહદેવ ગુસ્સામાં આવી શિવને ખરીખોટી સંભળાવવા જતો હતો ત્યાં એને એક વિચાર આવતાં એને પોતાનો ગુસ્સો કાબુમાં કર્યો અને પોતાનાં શબ્દોને રોકી લીધાં.. સહદેવે શિવનો કોલ રિસીવ કર્યો અને ચુપચાપ શિવની બધી વાત સાંભળી..શિવની વાત સાંભળ્યાં બાદ સહદેવે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો..અને તુરંત ફોન સ્વીચઓફ કરી પોતાનાં ખિસ્સામાં સેરવી દીધો. ઈશિતાનાં રૂમમાંથી બહાર આવીને સહદેવે ગુસ્સામાં પોતાની બહેન ઈશિતા ને ત્રણ-ચાર લપડાક લગાવી દીધી..ઈશિતા પોતાનાં ભાઈનાં ગુસ્સાનું કારણ સમજી ચુકી હતી..હવે બધું સત્ય કહી દેવું જોઈએ એમ વિચારી ઈશિતા એ પોતાનાં માતા-પિતા અને મોટાંભાઈ સહદેવ સમક્ષ પોતાનાં અને શિવ નાં વચ્ચે જે કંઈપણ હતું એ બધું જણાવી દીધું.

“અમે આ બધું કરવા તને મોકલી હતી કોલેજ..તું કોલેજમાં જઈને પોતાનાં ઘરનું નામ બદનામ કરે એ માટે અમે તને ભણાવી ગણાવીને મોટી કરી હતી..”હવે તો ઈશિતા નાં પિતાજી પણ ગુસ્સે થઈને ઈશિતા પર ભડકતા બોલ્યાં. “પણ પિતાજી તમે એકવાર શિવને મળી તો લો..એ બહુ સારો છોકરો છે..”ઈશિતા રડતાં રડતાં બોલી. “ચૂપ કર તું..એ સારો છે ખોટો છે એ બધું અમે નક્કી કરીશું.. આમપણ તારું ભણવાનું પતિ જ ગયું છે..આવતાં મહિને જ ક્યાંક સારો છોકરો જોઈ તારાં વિવાહ ગોઠવી દઈશું..”ઈશિતાનાં પિતાજી ગુસ્સે થઈને બોલ્યાં.

“પિતાજી આ હવે પોતાનાં રૂમમાંથી ત્યાં સુધી નિકળવી ના જોઈએ..એ શિવને તો હું જોઈ લઈશ..”આવેશમાં આવી સહદેવ બોલ્યો. એ દિવસ પછી ઈશિતા ને પોતના રૂમમાં કેદ કરીને રાખવામાં આવી..બહાર કોઈની સાથે એ વાત ના કરે એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું..એને જમવાનું પણ રૂમમાં જઈને આપવામાં આવતું..ઈશિતા ને પોતાની આ હાલતનાં દુઃખ કરતાં વધુ ચિંતા શિવની હતી..કેમકે ઈશિતા જાણતી હતી કે સહદેવ ગુસ્સામાં શિવ સાથે કંઈપણ કરી શકે છે..ઈશિતા નો મોબાઈલ હવે સહદેવ જોડે જ હતો..અને સહદેવ ફોનને સ્વીચઓફ જ રાખતો હતો..જે દિવસે પોતાનાં જૂનાગઢ આવવાની વાત જણાવતો મેસેજ ઈશિતાને કર્યો એ દિવસે સાંજે જ સહદેવે ઈશિતાનો ફોન ચાલુ કર્યો હતો.

શિવનાં મોકલેલા મેસેજ પરથી એ ક્યારે જૂનાગઢ પાછો આવવનો હતો એની માહિતી સહદેવને મળી ચુકી હતી..અને એટલે જ એ અત્યારે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડમાં મોજુદ હતો. “સહદેવ ભાઈ..તમે..હું તમને બધું..”શિવ ડરતો ગભરાતો શિવ તરફ આગળ વધતાં બોલી રહ્યો હતો ત્યાં સહદેવ નાં એક મિત્ર એ હાથમાં રહેલી હોકી સ્ટીક શિવનાં માથામાં ફટકારી દીધી..અચાનક થયેલાં હુમલાનો શિવ પ્રતિકાર કરે એ પહેલાં તો માથામાં થયેલાં જોરદાર ઘા નાં લીધે એ જમીનદોસ્ત થઈને નીચે પડ્યો..શિવ નાં કપાળ ઉપર લોહી વહી રહ્યું હતું.

image source

“તું મારી નાનકી ને તારા ચક્કરમાં ફસાવી પોતાની જાતને મોટી સ્માર્ટ સમજતો હતો..તારી હિંમત જ કઈરીતે થઈ ઈશિતા ની તરફ નજર ઉઠાવીને જોવાની..”શિવની નજીક પહોંચી એનાં પેટ ઉપર જોરદાર લાત મારતાં ગુસ્સામાં સહદેવ બોલ્યો. આટલું કહી સહદેવે પોતાનાં એક મિત્રની તરફ જોયું..એને પોતાનાં હાથમાં રહેલી લાકડી સહદેવ તરફ ફેંકી.. સહદેવે એ લાકડી હાથમાં લઈ શિવનાં બંને પગ પર જોરથી ફટકારી દીધી..સહદેવ નો પ્રહાર એટલો જોરદાર હતો કે શિવની જોરથી ચીસ નીકળી ગઈ..શિવ નાં બંને પગનું હાડકું આ પ્રહારમાં તૂટી ગયું હતું..સહદેવ ને હજુ શિવની આવી હાલત થઈ હોવાં છતાં મન નહોતું ભરાયું એટલે એને પોતાની એક લાત શિવનાં ચહેરા પર ઝીંકી દીધી.

“આહ..”નાં ઉદગાર સાથે શિવ બેહોશ થઈ ગયો..આ દરમિયાન ઘણાં લોકો આ બધું બની રહ્યું હતું એ તરફ આગળ વધી રહ્યાં હતાં.. એ લોકોનાં ટોળામાં એક પોલીસ ઇન્સ્પેકટર પણ હતો..ટોળાંને ત્યાં આવતું જોઈ સહદેવ અને એનાં મિત્રો શિવને ત્યાં જ પડતો મૂકી રફુચક્કર થઈ ગયાં. લોકોનાં ટોળાં એ ત્યાં પહોંચીને જોયું તો શિવ ગંભીર હાલતમાં જમીન ઉપર પડ્યો હતો..એમાંથી કોઈક એ 108 ને કોલ કરી ત્યાં બોલાવી લીધી.. શિવને જલ્દીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.શિવનાં મોબાઈલમાંથી પોલીસ ઓફિસર દ્વારા એનાં પાપા લખેલાં નંબર પર કોલ કરવામાં આવ્યો..શિવ જોડે જે કંઈપણ થયું છે એ વિશે હસમુખભાઈ ને માહિતગાર કરવામાં આવ્યાં.

થોડીવારમાં શિવનાં મમ્મી કુસુમબેન અને પિતા હસમુખભાઈ શિવને જ્યાં એડમિટ કરાયો હતો ત્યાં જઈ પહોંચ્યા..શિવ ને માથામાં ચૌદ ટાંકા આવ્યાં હતાં અને બંને પગે ફ્રેક્ચર હોવાની વાત ડૉકટરે કરી.શિવને બે મહિના સુધી પથારીમાં રહેવું પડશે એવી ડૉકટરે સલાહ આપી. પોલીસ દ્વારા શિવ પર હુમલો કરનાર કોણ હતું એ વિશે શિવને સવાલો કરવામાં આવ્યાં પણ શિવે મગનું નામ મરી ના પાડ્યું.. શિવે સહદેવ અને એનાં મિત્રોનું નામ છુપાવતાં પોલીસને એવી માહિતી આપી કે એ હુમલાખોરોને પોતે ઓળખતો નથી..કે એને ક્યારેય એમને જોયાં પણ છે.

image source

સાગર ને જ્યારે શિવ પર જીવલેણ હુમલો થયો હોવાની વાત માલુમ પડી ત્યારે એ તાબડતોડ કેશોદથી જૂનાગઢ આવી પહોંચ્યો..હસમુખભાઈ અને કુસુમબેનની ગેરહાજરીમાં શિવે સાગરને બધી હકીકત જણાવી દીધી..સાગરે ઈશિતાનાં ઘરે કેવું વાતાવરણ છે એની તપાસ કરવાનું કામ જામનગરથી પાછી ફરેલી નિધિ ને સોંપ્યું..નિધિ માલુમ કરીને લાવી કે ઈશિતા ની સગાઈ થઈ ગઈ છે અને કોલેજ પુરી થયાં પહેલાં તો એનાં લગ્ન નક્કી થઈ ગયાં છે.

શિવ ઈચ્છવા છતાં હવે કંઈપણ કરી શકે એમ નહોતો..અને બીજી તરફ ઈશિતા ને એમ કહી લગ્ન માટે મનાવી લેવામાં આવી કે જો એ ઘરવાળા ની મરજી મુજબ લગ્ન નહીં કરે તો શિવ પોતાનાં જાનથી હાથ ધોઈ બેસશે..પોતાનાં ભાઈ અને પિતાજીનાં ગુસ્સાથી વાકેફ ઈશિતા એ શિવની સલામતી માટે લગ્ન માટે હામી ભરી દીધી..ઈશિતા ની હા પડતાં જ એનાં લગ્ન વડોદરા નિવાસી કોઈ બિઝનેસમેન સાથે ગોઠવી દેવાયાં..જેની ઉંમર ઈશિતાથી સાત વર્ષ વધુ હતી.

શિવ પર હુમલો થયાનાં એક મહિના બાદ ઈશિતા નાં લગ્ન કરી દેવામાં આવ્યાં.. શિવ પોતાનાં ઘરે પથારીમાં પડ્યો પોતાની લાચારી ઉપર રડી રહ્યો હતો..એનું હૃદય આજે લોહીનાં આંસુ રડી રહ્યું હતું એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહોતી..પોતાનાં પિતાનાં ઘરેથી વિદાય લેતી પોતાની શ્રી ને યાદ કરી શિવ મનોમન જાણે કહી રહ્યો હતો. “લોકો ને લાગે છે કે કેટલાં ધામધૂમથી એની જાન જાય છે.. એમને કેમ કરી સમજાવું એનાં દિવાનાની અહીં જાન જાય છે..”

નિધિ અને સાગર ઈચ્છવા છતાં ઈશિતા અને શિવ ની કોઈ જાતની મદદ ના કરી શક્યાં..ઈશિતાને જે વસ્તુનો ડર હતો આખરે એ થઈને જ રહી.. નાત-જાતનાં ભેદભાવ નાં નામે આજે એક બીજી પ્રેમકહાની કુરબાન થઈ ગઈ..શિવ શારીરિક રીતે તો હજુ સ્વસ્થ નહોતો થયો ત્યાં પોતાની શ્રીનાં લગ્ન થયાં બાદ તો શિવ તૂટી ગયો હતો.શિવ ઈશિતા ની વિદાય અને એ પછી જે કંઈપણ થશે..એ વિશે વિચારતો ત્યારે એ હચમચી જતો..જે ઈશિતા જોડે આટલાં વર્ષોનાં સંબંધ પછી પણ પોતે એક ચુંબનથી આગળ નહોતો વધ્યો એને કોઈ વ્યક્તિ સ્પર્શ કરશે એ વિચારી શિવનાં મનમાં એક આગ ઉભરી આવતી, એક પ્રેમ અગન ઉભરી આવતી. શિવ નાં મનમાં શું ચાલી રહ્યું હતું એ વિશે કુમાર વિશ્વાસની આ પંક્તિઓ સરસ નિરૂપણ કરી રહી હતી.

શિવ ઉપર હુમલો કયા કારણથી થયો હતો એની હસમુખભાઈ ને હુમલો થયાંનાં બે મહિના પછી ખબર પડી… આ સમય એવો હતો કે શિવ શારીરિક રીતે લગભગ ઠીક થઈ ગયો હતો..હવે હસમુખભાઈ એ એક નિર્ણય લીધો..જે સાચો હતો કે ખોટો એ સમય જ બતાવવાનું હતું..પણ એક બાપ તરીકે હસમુખભાઈને એ નિર્ણય લેવો ઉચિત લાગ્યો.

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version