જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમ અગન પ્રકરણ -3 અચાનક શિવ આવીરીતે રિએક્ટ કરશે તમે વિચાર્યું પણ નહિ હોય…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2 પર ક્લિક કરે.

પ્રકરણ -3

વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી જાય છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે કે તમે જે વિશે વિચારવા ના ઇચ્છતાં હોય એનો જ વિચાર વારંવાર આવે..પોતાની ઈશિતા સાથે ની મિત્રતા ની શરૂઆત તથા નિધિ તરફ નાં સાગર નાં ખેંચાણ વિશે વિચારતાં વિચારતાં શિવ ને દેવ દ્વારા નિધિ જોડે કરવામાં આવેલાં ઉદ્ધત વર્તનની યાદ આવી.

એ દિવસે નિધિ,ઈશિતા,શિવ અને સાગર જેવાં કેન્ટીનની નજીક પહોંચ્યાં એ સાથે જ દેવ પોતાની બાઈક એમની આગળ આવીને રોકે છે..બાઇકમાં નીચે ઊતરી દેવ સીધો નિધિ ની સામે આવીને ઉભો રહે છે અને એની તરફ ગુસ્સામાં જોઈને બોલે છે. “શું થયું..મને મૂકીને ખુશ છે ને..પણ હું તારો પીછો એટલી સરળતાથી નથી મુકવાનો..તારી પાછળ જે સમય અને પૈસા બગાડયાં છે એને તો આ દેવ વસુલ કરીને જ રહેશે..”

image source

“જો દેવ,તમારી બંને વચ્ચે જે કંઈપણ હતું એ બધું ઓવર થઈ ગયું..હવે તું તારાં રસ્તે અને નિધિ એનાં..so please આગળથી નિધિ ની નજીક આવવાની કોશિશ ના કરતો..”નિધિ નો ડરી ગયેલો ચહેરો જોઈ ઈશિતા આક્રમક મૂડમાં દેવ ને ઉદ્દેશીને બોલી. “એય..તું તારું કામ કર..હું નિધિ જોડે વાત કરું છું એમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી..અને જો તું મારી સાથે રિલેશનમાં રહેવાં માંગતી હોય તો પછી આ નિધિ ને જવાં દઉં..”ઈશિતા ની તરફ જોઈ લુચ્ચાઈભર્યું હસતાં દેવ બોલ્યો.

હજુ તો દેવ ની વાત પૂરી નહોતી થઈ ત્યાં એનાં ચહેરા પર એક જોરદાર મુક્કો વાગ્યો અને દેવનાં હોઠમાંથી લોહી નીકળી ગયું..પોતાની જાતને થોડી સ્વસ્થ કરી દેવે નજર ઉઠાવીને જોયું તો એને મુક્કો મારનાર શિવ હતો..શિવ ની તરફ ખુન્નસથી જોઈને દેવ ગાળો ભાંડતો શિવ ને મારવા આગળ વધ્યો.દેવ શિવ ની નજીક પહોંચે એ પહેલાં તો સાગરે પોતાનું શરીર નમાવી પોતાનું માથું દેવનાં પેટ ઉપર અથડાવ્યું..સાગર શરીરમાં હૃષ્ટપુષ્ટ હતો..એનાં મજબૂત બાંધો ધરાવતાં દેહ ની ટકકરથી દેવ જમીન પર ફસડાઈ પડ્યો.

એને પેટમાં એ હદે વાગ્યું હતું કે એ બેવડ થઈને પેટ ઉપર હાથ મૂકી જમીન પર જ બે મિનિટ તો પડી રહ્યો..થોડીવાર બાદ એને થોડું સારું થયું એટલે એ કહારતો કહારતો ઉભો થયો અને વેદનાયુક્ત અવાજમાં સાગર અને શિવ ને ઉદ્દેશીને બોલ્યો. “હું તમને બે ને નહીં છોડું..”

એની વાત સાંભળી સાગર પાછો એની તરફ આગળ વધ્યો અને દેવનો કોલર પકડી એને આગળ-પાછળ કરવાં લાગ્યો..સુકલકડી બાંધો ધરાવતો દેવ તો કોઈ નાનો છોડ પવનની લહેરખી થી ડોલવા લાગે એમ ડોલવા લાગ્યો..એ ઇચ્છવાં છતાં પોતાની જાતને સાગરની પકડથી છોડાવવામાં અસમર્થ હતો. પોતાનાં બીજાં હાથની ખુલ્લી હથેળીનો દેવનાં ચહેરા પર ધક્કો મારતાં સાગર ગુસ્સામાં બોલ્યો.

“એ ચાર પૈસાની ચરકળ..બહુ હવામાં ઉછળવાની કોશિશ કરીશ નહીં..નહીં તો તને હવામાં થી જ એ રીતે નીચે ફેંકીશ ને કે તારાં હાડકાં એ હદે ભાંગી જશે કે કોઈ હાડવૈદ્ય તારો કેસ હાથમાં નહીં લે..આજ પછી મારાં કે મારાં મિત્રો ની નજીક પણ આવ્યો છે તો મારાથી ભૂંડું કોઈ નથી..નિધિ તારી પ્રોપર્ટી નથી..એ વાત યાદ રાખજે..”

સાગર નું આવું આક્રમક વલણ જોઈને તો દેવ નાં હાંજા ગગડી ગયાં હતાં..કેન્ટીનમાં મોજુદ બધાં ની નજર આ હોબાળો સાંભળ્યાં બાદ એ તરફ થઈ ગઈ હતી.દેવ ચૂપચાપ પોતાની બાઈક તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં સાગર એને ઉદ્દેશીને જોરથી બોલ્યો. “એ દેવ,હજુ બે મિનિટ ઉભો રહે..” દેવે સાગરની વાત સાંભળી એની તરફ નજર કરી..દેવ ધીરેથી નિધિ ની નજીક ગયો અને ઘૂંટણનાં બળે એની સામે બેસતાં પોતાનો હાથ નિધિ તરફ લંબાવીને બોલ્યો.

“નિધિ,હું તને એમ કહેવા ઈચ્છું છું કે આ દેવ જેવાં છોકરાં તને હેરાન ના કરે એ માટે હું તારો બોડીગાર્ડ બનવા તૈયાર છું..મારી જોડે હાલ બાઈક તો નથી પણ તને મન થશે ત્યાં તને લઈ જઈશ..તારી નાની મોટી દરેક પસંદ-ના પસંદ નો ખ્યાલ રાખીશ..હું તને પ્રેમ કરું છું..પણ હું એમ નથી કહેતો કે તું પણ મને પ્રેમ કર.. બસ મને તારો મિત્ર બનાવી લઈશ તો પણ હું એટલામાં ખુશ છું..ફ્રેન્ડ..?”

image source

સાગર આવું કંઈપણ કરશે એવી તો ત્યાં ઉપસ્થિત કોઈને આશા જ નહોતી..નિધિ તો જાણે મોટો શૉક લાગ્યો હોય એમ ક્યારેક સાગર ને તો ક્યારેક ઈશિતા ને તો ક્યારેક પોતાની આજુબાજુ મોજુદ લોકોની તરફ જોવાં લાગી..સાગર હજુ પોતાની જમણાં હાથની હથેળી ખુલ્લી રાખીને નિધિ ની સામે ઘૂંટણભેર બેઠો હતો..સાગર નાં આ પ્રસ્તાવનાં જવાબમાં નિધિ થોડું વિચાર્યા બાદ બોલી.

“ના..હું તારી મિત્ર નહીં બની શકું..sorry..” નિધિ નો આ જવાબ સાંભળી સાગર તો હારેલાં યોદ્ધાની માફક હતાશ ચહેરે ઉભો થયો અને નજર ઝુકાવી પોતાનો ચહેરો બીજી દિશામાં ઘુમાવી લીધો.પોતે ઉતાવળ કરી દીધી નિધિ ની સમક્ષ પોતાનાં દિલની વાત રાખવામાં એનો મનોમન અફસોસ સાગરને થઈ રહ્યો હતો..એનાં આ હાલત ઉપર મરીઝ સાહેબનો એક શેર યાદ આવે કે.

“એ ના કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’ કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં નિધિ દ્વારા સાગર ની ફ્રેન્ડશીપ ની પ્રપોઝલ નો પણ અસ્વીકાર થતાં દેવનાં ચહેરા પર સ્મિત ફરકી ગયું..સાગર તો પોતાનાં બંને હોઠ બીડાવી ધીરેથી શિવ ની તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં નિધિ મોટાં સાદે બોલી. “સાગર,હજુ મારી વાત પૂરી નથી થઈ..” નિધિ ની વાત સાંભળી સાગર એની તરફ જોતાં મહાપરાણે બોલ્યો.

“બોલ..” “સાગર,મને તારી ફ્રેન્ડશીપ નથી જોઈતી પણ તારી લવશીપ જોઈએ છે..” “શું કહ્યું..?”સાગર તો નિધિ એ કહેલી વાત પર વિશ્વાસ જ નહોતો કરી રહ્યો. “I love you..do you love me?”નિધિ સાગરની નજીક જઈને એની જેમ જ ઘૂંટણભેર બેસતાં બોલી. સાગરે નિધિને ઉભી કરી એને ગળે લગાવતાં કહ્યું.. “I love you too.. i love you forever..”

આ બધું જોઈ દેવ તો વીલા મોંઢે ત્યાંથી પોતાની બાઈક પર બેસી નીકળી ગયો..આ તરફ નિધિ અને સાગરનું પ્રેમ-પ્રકરણ શરૂ થઈ ગયું હતું તો ઈશિતા અને શિવ એકબીજાની તરફ જોઈ હસી રહ્યાં હતાં..ઈશિતા એ શિવ તરફ જોઈને અંગૂઠો બતાવી થમ્સઅપ ની સાઈન બતાવી. હકીકતમાં આ બધું પ્લાનિંગ શિવ અને ઈશિતા નું હતું..શિવે ઘણી વખત એક વસ્તુ માર્ક કરી હતી કે જ્યારે જ્યારે દેવ નિધિ ની જોડે હોતો ત્યારે સાગર નું મન વિચલિત થઈ જતું અને એ થોડો ગુસ્સામાં આવી જતો..બીજી વસ્તુ એ હતી કે શિવે સાગર ને ઘણીવાર નિધિની તરફ ચોરીછુપીથી જોતાં જોયો હતો..શિવ જાણી ચુક્યો હતો કે સાગર નિધિ ને મનોમન પ્રેમ કરે છે.

image source

જ્યારે શિવે નિધિ ને આજે કોલેજમાં જોઈ એ સાથે જ દેવ ને એને નિધિ સાથે કરેલાં વ્યવહારની સજા આપવાનું અને સાગર અને નિધિ વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થાય એ માટે એક યુક્તિ આજમાવી..સાગર જ્યારે એમની જ ક્લાસનાં એક છોકરાં સાથે કોલેજ ગેટ જોડે મુલાકાત થતાં વાતોમાં વ્યસ્ત હતો ત્યારે ઈશિતા ને શિવે ટૂંકમાં સાગર નિધિને પસંદ કરે છે એ જણાવી દીધું..અને પછી પોતે દેવને મેસેજ કરી જણાવ્યું કે નિધિ આજે કોલેજ આવી છે તો એ નિધિથી દૂર રહે.

શિવ જાણતો હતો કે મેસેજ ની અસર થશે અને દેવ ગુસ્સે થઈ નિધિ ને હેરાન કરવા જરૂર આવશે..અને આ સમયે સાગર દેવ ને જોરદાર જવાબ આપી નિધિ ની લાગણી જીતી લેશે.. બધું શિવની યોજના મુજબ જ થયું અને દેવ ત્યાં ગુસ્સામાં આવ્યો અને સાગરે એને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો..અહીં સુધી તો બધું ઠીક હતું પણ સાગર અને નિધિ વચ્ચે આમ લવશીપ થઈ જશે એતો ઈશિતા અને શિવ માટે સુખદ આંચકા સમાન હતું.

ત્યાં હાજર બીજાં સ્ટુડન્ટ્સ એ પણ નિધિ અને સાગર ની આ લવશીપને તાળીઓ અને ચિચિયારીઓથી વધાવી લીધી..નિધિ અને સાગર ને શિવ તથા ઈશિતા એ અભિનંદન પાઠવ્યાં અને પછી બધાં આવીને કેન્ટીનમાં બેઠાં.. શિવે જ્યારે સાગર ને પોતાની યોજના વિશે જણાવ્યું ત્યારે એને શિવને ગળે લગાવીને એનાં કાનમાં કહ્યું.

“શિવલા..તું મારો ખરો ભેરૂબંધ છે..જે કહ્યાં વગર મારાં મનની વાત સમજી ગયો..અને એક હું છું જે તારાં મનની વાત જાણતો હોવાં છતાં કંઈપણ કરી નથી શકતો..”સાગરનો ઈશારો ઈશિતા તરફ હતો એ સમજતાં શિવ ને વાર ના થઈ. “જો ભાઈ..હું તો આટલામાં ખુશ છું..હાલ પૂરતું તો જે છે એમાં મજા છે..હજુ સમય નથી આવ્યો ઈશિતા ને દિલની વાત કહેવાનો..પણ ચોક્કસ હું યોગ્ય સમય આવતાં એની આગળ દિલની વાત રાખી દઈશ..”ઈશિતા કે નિધિ ને સંભળાય નહીં એ રીતે શિવ બોલ્યો.

આજે સાગર અને નિધિ વચ્ચેનાં સંબંધ ને એક નામ મળી ગયું હતું..એ નામ હતું પ્રેમ..હવે ઈશિતા અને શિવ વચ્ચેની મિત્રતા કઈ રીતે આગળ વધી એ વિશે શિવ વધુ વિચારે એ પહેલાં એનાં મોબાઈલ ની રિંગ વાગી. શિવે જોયું તો સ્ક્રીન પર મમ્મી લખ્યું હતું..શિવે આનંદની લાગણી સાથે કોલ રિસીવ કરતાં કહ્યું. “જય શ્રી કૃષ્ણ,મમ્મી..બોલ કેમ કોલ કર્યો..?” “બસ દીકરા..તારી યાદ આવતી હતી તો તારો અવાજ સાંભળવાં તને કોલ લગાવ્યો..”સામેથી શિવની માતા કુસુમબેન નો લાગણીસભર અવાજ આવ્યો.

“બસ મમ્મી હું મજામાં છું..તું બોલ તારી તબિયત કેમ છે..?”શિવે પૂછ્યું. “બસ દીકરા સારું છે..આતો તારો ભાવતો દૂધીનો હલવો બનાવ્યો હતો તો તું સાંભળ્યો..”કુસુમબેન બોલ્યાં. “મમ્મી તું છે ને એ બધો હલવો પેલાં ગબ્બરસિંહ ને ખવડાવી દેજે..એ બહાને એમની વણીમાં થોડી મીઠાશ આવી જાય..”પોતાનાં પિતાજી ને ગબ્બરસિંહ તરીકે સંબોધતાં શિવ હસીને બોલ્યો. “હા હો..બેટા એ પણ તને મનોમન બહુ યાદ કરે છે..પણ ક્યારેય સામે ચાલીને કોલ તો નહીં જ કરે..”કુસુમબેન એ કહ્યું.

“મને ખબર છે એ નાળિયેર જેવાં છે..બહારથી કડક પણ અંદરથી નરમ..”શિવ બોલ્યો. “સારું તો હું ફોન રાખું..તું તારી તબિયત સાચવજે..”આટલું કહી કુસુમબેન એ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. કુસુમબેન જોડે વાત કર્યાં બાદ શિવ ઘણી રાહત અનુભવી રહ્યો હતો..ફોન મુકતાં જ શિવ પાછો ભૂતકાળની એ યાદોમાં સરી પડ્યો જ્યાં એ કુસુમબેન નો કોલ આવ્યાં પહેલાં હતો.

પ્રથમ સેમેસ્ટરની એકઝામ હોવાથી દસ દિવસનું રીડિંગ વેકેશન આપવામાં આવ્યું હતુઁ..આ પહેલાં સબમિશન વખતે શિવ,સાગર,ઈશિતા અને નિધિ એ એકબીજાની સબમિશન પૂરું કરવામાં ખૂબ મદદ કરી હતી..આખરે એક્ઝામ પણ પૂર્ણ થઈ ગઈ..ખાલી મિકેનિક્સ ઓફ સોલિડ નાં પેપર સિવાય બધાં ને બાકીનાં પેપર તો સારાં ગયાં હતાં.

એક્ઝામ પછી તરત જ પંદર દિવસનું બીજું વેકેશન પડ્યું..હવે કોલેજ પંદર દિવસ પછી શરૂ થતી હોવાનાં લીધે એ ચારેય લોકો સાથે એક રેસ્ટોરેન્ટમાં જમીને છૂટાં પડ્યાં.. નિધિ પોતાનાં હાથે સાગરને જમાડી રહી હતી..આ દ્રશ્ય જોઈ ઈશિતા મનોમન કંઈક વિચિત્ર લાગણી અનુભવી રહી હતી..એની નજર રહીરહીને શિવ ઉપર પડતી.

image source

ઈશિતા પોતાની તરફ જોઈ રહી હતી એ જોઈ શિવે પૂછ્યું. “શું થયું..?કેમ આમ જોવે છે…?ભૂખ નથી કે શું..?” શિવ નાં આમ પૂછતાં ઈશિતા ફિક્કું હસીને બોલી. “અરે કંઈ નહીં બસ એમજ..” જ્યારે પણ કોઈ એમ કહે કે કંઈ નહીં બસ એમજ..તો એ બસ એમજ નથી હોતું..એ બોલવા પાછળ કંઈક લાગણી ધરબાયેલી હોય છે..જે હાલ કહેવાનો કે બહાર લાવવાનો વખત ના આવ્યો હોવાથી માણસ બસ એમજ કહીને ચલાવી લેતો હોય છે.

રેસ્ટોરેન્ટમાંથી છૂટાં પડ્યાં બાદ ચારેય દોસ્તારો પોતપોતાનાં ઘર તરફ અગ્રેસર થયાં.. નિધિ અને સાગર તો ફોન દ્વારા એકબીજાનાં સંપર્કમાં રહેવાનાં હતાં પણ ઈશિતા નાં ઘરેથી એને ફોન હજુ મળ્યો નહોતો..એટલે શિવ માટે તો આ પંદર દિવસ ઈશિતા ની યાદોમાં જ પસાર કરવાનાં હતાં એ નક્કી હતું.

પંદર દિવસ પછી જ્યારે બીજું સેમેસ્ટર શરૂ થવાનું હતું એ શિવ અને ઈશિતા ની જીંદગી નું મિત્રતા પછીનો અધ્યાય લખવાનું નિમિત્ત બનવાનું હતું એ પ્રથમ સેમેસ્ટરની એક્ઝામ પછી છૂટી પડતી વખતે ના ઈશિતા ને ખબર હતી કે ના શિવને. આ પંદર દિવસ દરમિયાન કોઈ તરસ્યો પાણી માટે,કોઈ ભમરો ફુલનાં રસ માટે અને કોઈ ચકોર ચાંદ માટે તડપે એમ ઈશિતા નાં દર્શન માટે ઝુરતો રહ્યો.

“બીજું સાજણ શું લખું..?લખું એક ફરિયાદ, ક્યારે આવી મને હેડકી..એ પણ નથી યાદ..”

“ભગવાનનો આ વ્યવહાર પણ કેવો વિચિત્ર છે.., હવા આપી મફતમાં પણ શ્વાસની કિંમત વસુલે છે.”

ખરેખર ઈશિતા ની સાથે વાત કર્યાં વિનાનાં આ પંદર દિવસ શિવ જોડેથી એનાં દરેક શ્વાસની કિંમત વસૂલી રહ્યાં હતાં.આખરે જેમ-તેમ કરી આ પંદર દિવસ પસાર થઈ ગયાં અને બીજાં સેમેસ્ટરની શરૂવાત પણ થઈ ગઈ..શિવ આજે તો બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરી હીરોની માફક તૈયાર થયો હતો..સાગરે પણ બસમાં બેસતાં જ શિવને મેસેજ કરી દીધો હતો.

પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહેતાં શિવ બસમાં સાગરની આગળની સીટમાં આવીને ગોઠવાઈ ગયો..પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા પણ બસમાં ચડી..સાગરનાં આશ્ચર્ય વચ્ચે નિધિ પણ ઈશિતા ની જોડે જ બસમાં ચડી હતી..આ જોઈ સાગર તો સપ્રાઈઝ થઈ ગયો..નિધિ આવીને સાગરની બાજુમાં બેસી ગઈ અને ઈશિતા રોજની જેમ શિવની બાજુમાં.

આટઆટલાં દિવસ જે યુવતીની યાદ શિવને તડપાવી રહી હતી એ યુવતી આજે શિવની બાજુમાં હતી..ઉનાળામાં સખત તપેલી ધરા પર જાણે મેઘા વરસે અને ધરા ને જે શીતળતા નો અનુભવ થાય એથી પણ વધુ આહલાદક અનુભવ હાલ તો શિવને થઈ રહ્યો હતો.એને ઈશિતા ને આ પંદર દિવસ દરમિયાન શું કર્યું એ બધું કહી દીધું પણ એક વાત ના બોલી શક્યો કે બીજું બધું તો ઠીક પણ પોતે ઈશિતા ને આ દિવસોમાં બહુ મિસ કરી હતી.

સામે પક્ષે ઈશિતા પણ હવે આટલાં દિવસ સુધી પોતાનાં બધાં મિત્રોને ખૂબ જ મિસ કરી રહી હતી..એમાં પણ શિવ ની યાદ એને આ વેકેશનમાં વારંવાર આવતી હતી..ઈશિતા નહોતી જાણતી કે પોતે શિવ તરફ આટલી લાગણી કેમ ધરાવે છે..શાયદ આને જ પ્રેમ કહેવાય..જે ક્યારે થઈ જાય એની ખબર અમુક વાર તમને ખુદને પણ નથી હોતી.

જે મિત્રો એન્જીનીયરીંગ નાં સ્ટુડન્ટ્સ હશે એમને તો ખબર જ હશે કે જેવું બીજું સેમિસ્ટર શરૂ થાય એટલે કોલેજમાં એક પછી એક ડે શરૂ થઈ જતાં હોય છે..કેપ ડે, ટ્વીન્સ ડે, બ્લેક એન્ડ વ્હાઈટ ડે, મિસ-મેચ ડે, સિગ્નેચર ડે જેવાં અવનવાં ડે ની બીજાં સેમિસ્ટરનાં શરૂ થતાં ની સાથે જ ઉજવણી થતી હોય છે..આ બધાં ડે ઉજવાય જાય પછી કોલેજમાં એક ફંક્શન નું પણ આયોજન કરવામાં આવતું હોય છે..જ્યાં અલગ-અલગ ફેકલ્ટી અને અલગ-અલગ યરનાં સ્ટુડન્ટ્સ અવનવી કોમ્પીટેશનમાં પાર્ટીશીપેટ કરતાં હોય છે.

image source

કોલેજ હોવાથી અમુક બાબતોની છૂટછાટ પણ વિધાર્થીઓ ને આપવામાં આવે છે..જેમકે ફિલ્મી સોન્ગ ઉપર છોકરાં-છોકરીઓ સાથે ડાન્સ કરી શકે છે..એ પછી ગ્રૂપ ડાન્સ હોય કે પછી કપલ ડાન્સ.ઈશિતા ને પણ ડાન્સ નો ખુબ શોખ હતો એટલે એને ડાન્સમાં ભાગ લેવાનું મન થયું..પણ એ ઈચ્છતી હતી કે એ ડુએટ એટલે કે કપલ ડાન્સ કરે..હવે આ માટે એ શિવ પર કળશ ઢોળવાની હતી એ નક્કી હતું.

જ્યારે ડેયસ ની શરૂઆત થઈ ને બધાં સ્ટુડન્ટ્સ જેમાં ભાગ લેવાનો હોય એ માટે નામ નોંધાવી જાય એવી જાહેરાત દરેક રૂમમાં આવી પ્રિન્સિપાલ કરી ગયાં..નામ નોંધાવાનાં શરૂ થયાં એ દિવસે શિવ,સાગર,ઈશિતા અને નિધિ કેન્ટીનમાં બેઠાં-બેઠાં કોણ કઈ-કઈ કોમ્પીટેશનમાં ભાગ લેશે એની ચર્ચા કરી રહ્યાં હતાં. “સાગર તો શું નક્કી કર્યું તે..તું કંઈ કરવાનો છે કે બસ પ્રેક્ષક બની ફક્ત મજા લેવાનો છે..”ઈશિતા એ સાગર ને ઉદ્દેશીને કહ્યું.

“ઈશિતા,હવે હું પોતે ક્યાં કોઈ નિર્ણય લઉં છું..મારે તો મેડમ કહે એ સર આંખો ઉપર..”નિધિ નો હાથ પોતાનાં હાથમાં લઈ સાગર બોલ્યો. “વાહ મારા મજનુ ભાઈ..તો મજનુ ની લૈલા હવે તું બોલ,કે તું અને સાગર શું કરવાનાં છો..?”નિધિ તરફ જોતાં ઈશિતા એ સવાલ કર્યો. “વધુ કંઈ નક્કી તો નથી કર્યું..પણ અમે સાથે ઓલ્ડ બૉલીવુડ મુવીનાં સોન્ગ ગાવાનું વિચારીએ છીએ..”નિધિ બોલી. “That’s great.. સારો આઈડિયા છે..”શિવ નિધિની વાત સાંભળી બોલ્યો.

“અમારું તો લગભગ આ ફિક્સ છે પણ ઈશિતા તું શું કરવાની છો..?”સાગરે ઈશિતા તરફ જોઈને પૂછ્યું. “મને તો ડાન્સ નો બહુ શોખ છે..એટલે હું તો ડાન્સ જ કરીશ..પણ મારી ઈચ્છા છે કે ડુએટ માં ડાન્સ કરું જો કોઈ સારો પાર્ટનર મળી જાય તો..”ઈશિતા સાગરની વાત નો જવાબ આપતાં બોલી. “અરે મળી ગયો તારો ડાન્સ પાર્ટનર..આ શિવ છે ને તું એને બનાવી લે તારો ડાન્સ પાર્ટનર..”સાગરે જાણીજોઈને શિવનું નામ ઉચ્ચારતાં કહ્યું. “પણ લ્યા મને ક્યાં ડાન્સ..”શિવ આટલું બોલવાં જતો હતો ત્યાં એનાં સાથળ પર હાથ મૂકી સાગરે એને અટકાવતાં કહ્યું.

“હવે જો ભાઈ તને થોડો ઘણો તો ડાન્સ આવડે જ છે..બાકીનો ઈશિતા શીખવાડી દેશે..ઈશિતા,તું શીખવાડી દઈશ ને આને ડાન્સ કરતાં..?” “હા જો એ શીખવા રેડી હશે તો હું પણ રેડી છું એને ટ્રેઈન કરવાં..પણ શિવ તૈયાર થવો જોઈએ ને”ઈશિતા બોલી..એ પણ ઈચ્છતી હતી કે શિવ જ એની જોડે ડુએટ માં ડાન્સ કરે. “અરે એમાં શિવ ને શું પુછવાનું હોય..તું બીજાં કોઈ છોકરાં જોડે ડાન્સ કરે એનાં કરતાં શિવ જોડે કરે એ સારું રહેશે..શિવ ભાઈ ના થોડી પાડવાનાં છે..”નિધિ એ કહ્યું.

“એ શિવલા..તું આની જોડે કપલ માં ડાન્સ કરીશ..?”સાગર જાણે ધમકાવતો હોય એમ શિવની તરફ જોઈને બોલ્યો. “સારું પણ..ઈશિતા એ મને પ્રેક્ટિસ કરાવવી પડશે..”શિવ બોલ્યો.હકીકતમાં ડાન્સ કરવાનાં બહાને ઈશિતા ની વધુ નજીક આવવાનો અને એને વધુ બારીકાઈથી જાણવાનો મોકો મળવાનો હતો એ વિચારીને જ શિવ તો મનોમન નાચવા લાગ્યો હતો. “હા..હું તને એવો ટ્રેઈન કરીશ કે બધાં એમ કહેશે કે આ શિવ નહીં પણ માઈકલ જેક્શન છે..”ઈશિતા ઉલ્લાસભેર બોલી.

આમ ને આમ વાતો કરતાં કરતાં એમને નક્કી કરી લીધું કે નિધિ અને સાગર સિગિંગ કોમ્પીટેશનમાં ભાગ લેશે જ્યારે ઈશિતા અને શિવ ડાન્સ સ્પર્ધામાં..એ મુજબ એમને પોતપોતાનું નામ પણ જઈને લખાવી દીધું..જુદાં-જુદાં ડે પર કોણ કેવાં કપડાં પહેરીને આવશે એ પણ બધાં સાથે મળીને ડિસ્કસ કરી લેતાં હતાં.

ડે ની સાથે સાથે ઈશિતા અને શિવની ડાન્સ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હતી..અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મનાં ગીતો પર ડાન્સ પરફોર્મન્સ કરવાનું ઈશિતા એ વિચાર્યું.અને એ મુજબ એ બંને કુછ યાર નજર નહીં આતા,પ્રેમ કી નૈયા અને તેરા હોને લગા હું એમ ત્રણ ગીતોનાં રિમિક્સ પર ડાન્સ કરવાનાં હતાં.

ઈશિતા એ તો આ મુવીનાં સોન્ગ ઘરે જઈને ડીવીડી પર પચાસ વખત જોઈને એનાં ડાન્સ સ્ટેપ ગોખી નાંખ્યાં હતાં.. એને એકલીને ડાન્સ કરવાનો હોત તો એ આસાનીથી ડાન્સ કરી લેત પણ હવે એની જોડે શિવ પણ ડાન્સ કરવાનો હતો..અને શિવ એવાં છોકરાઓમાં સ્થાન ધરાવતો હતો કે જેમને ફક્ત વરઘોડામાં નાચતાં આવડતું હોય.

સૌ પ્રથમ તો પ્રેમ કી નૈયા સોન્ગ જેનાં ઉપર શિવ સ્ટેજ ઉપર એન્ટ્રી લેવાનો હતો એની ઈશિતા એ શિવને પ્રેક્ટિસ કરાવી.. શિવ અને ઈશિતા જ્યારે પ્રેક્ટિસ કરતાં ત્યારે સાગર અને નિધિ પણ એમને સપોર્ટ કરવાં આવી પહોંચતાં.. સાગરે નિધિ ને જણાવી દીધું હતું કે શિવ તો કોલેજનાં પ્રથમ દિવસથી ઈશિતા ઉપર મરે છે પણ એને પોતાનાં દિલની વાત કહેતાં ડરે છે.

image source

બે દિવસમાં તો ઈશિતા એ શિવ ને પ્રેમ કી નૈયા પાર તું કરા દે રે..આ ગીત પર રણવીર કપુરનાં મુવી માં કરેલાં સ્ટેપ પ્રમાણે ડાન્સ કરતાં શીખવાડી દીધું..હવે તો શિવ એ ગીત ઉપર એ રીતે ડાન્સ કરતો જાણે એ કોઈ પ્રોફેશનલ ડાન્સર ના હોય..આ તો સોલો ડાન્સ હતો એટલે શિવ માટે સરળ રહ્યું પણ આગળ બંને ગીતો પર તો ઈશિતા સાથે ડાન્સ કરવાનો હતો..અને આ માટે ઈશિતાનાં શરીર ને વારંવાર સ્પર્શ કરવો પડે એમ હતો..જે શિવ માટે આકરી કસોટી સમાન હતું.

આમ પણ તમે જેને પૂરાં દિલથી પ્રેમ કરતાં હોય એનો એક જરા અમથો સ્પર્શ પણ તમને ઝાટકો આપવાં કાફી હોય છે..પણ અહીં તો શિવ ને ક્યારેક ઈશિતા નો હાથ પકડવાનો હતો..તો ક્યારેક એની કમર પર હાથ રાખવાનો હતો.. ક્યારેક ઈશિતાનો ચહેરો હાથમાં લેવાનો હતો તો ક્યારેક એને ગળે લગાવવાની હતી. પ્રેક્ટિસ કરતાં કરતાં અમુક વાર તો શિવ પરસેવે રેબઝેબ થઈ જતો.

સાગર તો શિવ ની આવી હાલત પર મનોમન હસી લેતો..પોતે જે યુવતી પાછળ પાગલ થયો હતો આજે એની સાથે આ હદે નજદીકી નો અવસર જ્યારે પ્રાપ્ત થયો ત્યારે પોતાની હાલત કેમ પાતળી થઈ ગઈ એ શિવને સમજાતું નહોતું..એ મહાપરાણે ઈશિતા ની સાથે કદમ થી કદમ મિલાવી ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો.

ડાન્સ પ્રેક્ટિસ માટે જ્યારે ઈશિતા ડાન્સ આઉટફિટ માં શિવ ની સામે આવતી તો એનાં શરીર જોડે ચીપકીને રહેલાં પોશાકમાં એનાં નાજુક અંગોની બનાવટ શિવને ના ઇચ્છવાં છતાં નજરે પડી જતી..અને પછી તો બકરી બરફ ખાઈ ગઈ હોય એવી હાલત શિવની થઈ જતી..ઈશિતા તો ખુલ્લાં મને શિવની સાથે ચીપકીને ડાન્સ કરી લેતી હતી..પણ શિવને તો ઈશિતા નાં દેહ નો સ્પર્શ થતાં જ તમ્મરિયા આવી જતાં.

“એ શિવ તારું ધ્યાન ક્યાં હોય છે..અને આમ હાથ મારી પીઠ ઉપર નહીં કમર ઉપર રાખ..શું છોકરો થઈને પણ આમ શરમાય છે..”ઘણીવાર તો ઈશિતા શિવ ઉપર ગુસ્સે થઈને બોલતી.

ઈશિતા નાં આવું કહેતાં જ શિવ પાછો મન મક્કમ કરી ઈશિતા કહે એમ ડાન્સ પ્રેક્ટિસમાં લાગી જતો..આમ ને આમ એક વિકની અંદર ઈશિતા એ ત્રણેય સોન્ગ ઉપર શિવ ને પરફેક્ટ ડાન્સ કરી દીધો હતો..ધીરે-ધીરે શિવ ઈશિતા ની સાથે ડાન્સ માં કમ્ફર્ટેબલ થઈ રહ્યો હતો..પહેલાં તો ઈશિતા શિવ ને પોતાની આંખમાં આંખ નાંખી ડાન્સ કરવાનું કહેતી ત્યારે તો શિવ ઈશિતા જોડે નજરો મેળવી જ નહોતો શકતો..જે વાંચક મિત્રો ને સાચો પ્રેમ થયો હશે એમને આ પરિસ્થિતિ ની ખબર હશે.

“ઈચ્છે એની એક ઝલક જોવાં મારી નજર હરઘડી, એની સાથે ક્યારેક આંખ મળે તો પણ જીરવાતું નથી..”

આખરે બધાં ડેયસ પૂર્ણ થઈ ગયાં અને કોલેજ નાં ફંક્શનનો દિવસ પણ આવી ચુક્યો..કુલ મળીને પાંત્રીસ પફૉર્મન્સ હતાં.. જેમાં સાગર અને નિધિ નો વારો બપોરે ગોઠવેલાં જમણવાર પહેલાં આવી જવાનો હતો..જ્યારે ઈશિતા અને શિવ નો વારો છેક તેત્રીસમાં નંબરે હતો..માટે શિવ અને ઈશિતા એ શરુવાતમાં બધાં પફૉર્મન્સ સાથે બેસી એન્જોય કરવાનું નક્કી કર્યું.

image source

“તો હવે બોલિવુડનાં 80’s અને 90’s નાં ગીતો લઈને આવે છે સાગર અને નિધિ..”ઉદધોષક મિત્ર ની જાહેરાત થતાં જ બધાં એ તાળીઓનાં ગળગળાટ થી એમને વધાવી લીધાં.

જુર્મ મુવીનાં કુમાર શાનુનાં સ્વરમાં ગવાયેલાં ગીતથી પોતાની રજૂઆતની શરૂઆત કરીને સાગર અને નિધિ એ બીજાં ત્રણ ગીતો ની સુંદર રજુઆત કરી સમા બાંધી લીધો..શિવે તો ખુરશી પર ચડી,ચિચિયારીઓ પાડી સાગર અને નિધિ નાં આ સુંદર પફૉર્મન્સ ને વધાવી લીધું. બપોરે જમ્યાં બાદ ફરીવાર એક પછી એક બીજાં પફૉર્મન્સ શરૂ થઈ ગયાં..પચ્ચીસ પફૉર્મન્સ પૂર્ણ થઈ ગયાં ત્યાં સુધી શિવ અને ઈશિતા પણ સાગર અને નિધિ જોડે ઓડિયન્સમાં જ બેઠાં હતાં..ત્યારબાદ ચેન્જ કરવાં માટે એ બંને પોતાને ફાળવવામાં આવેલાં રૂમ તરફ ચાલી નીકળ્યાં

ઈશિતા એ જ શિવ અને પોતે શું પહેરેશે એ ડ્રેસિંગ પણ ઈશિતા એ જ નક્કી કર્યું હતું..ડાહ્યા ડમરાં છોકરાની માફક શિવ પણ ઈશિતાની દરેક વાત સ્વીકારી લેતો…આખરે શિવ અને ઈશિતા ની આગળનું પફૉર્મન્સ ચાલુ થઈ ગયું એટલે એ બંને સ્ટેજની પાછળ જઈને ઉભાં રહી ગયાં. “શિવ કેમ આમ ડિપ્રેશ છે..તારો ચહેરો કેમ ચિંતિત લાગે..?”શિવ ને ડરતો ને ધ્રૂજતો જોઈ ઈશિતા એ સવાલ કર્યો. “ઈશિતા,મને ડર લાગે છે..ક્યાંક મારાં લીધે તારું પફૉર્મન્સ બગડે નહીં..”શિવ ઈશિતા નો સવાલ સાંભળી બોલ્યો.

“શિવ..હું છું ને તારી સાથે..બધું સારું જ થશે..”ઈશિતા એ શિવનો હાથ પોતાનાં હાથમાં લેતાં શિવની આંખોમાં આંખ નાંખીને કહ્યું. ઈશિતા એ વિશ્વાસથી કહેલી આ વાત શિવનાં જોમજોમમાં ઉત્સાહ અને હૃદયમાં આત્મવિશ્વાસ જગાવી ગઈ હતી..એને પોતાની ગરદન હલાવી પોતે પફૉર્મન્સ માટે પૂર્ણરૂપે તૈયાર છે એનું સિગ્નલ આપી દીધું. “હવે તમારી સામે ડુએટ ડાન્સ પફૉર્મન્સ લઈને આવી રહ્યાં છે શિવ અને ઈશિતા..”સ્ટેજ ઉપરથી જાહેરાત થતાં ન સર્વે સ્ટુડન્ટ્સ ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

image source

પોતાને પહેલાં પરફોર્મ કરવાનું હોવાથી શિવ મન ને મક્કમ બનાવી સ્ટેજ ની તરફ આગળ વધ્યો..જતાં જતાં એને ઈશિતા ની તરફ જોયું..ઈશિતા એ આંખો ઝુકાવી એને ડર્યા વગર પરફોર્મ કરવાનો ઈશારો કર્યો.ઈશિતા નો આ સપોર્ટ જોઈ શિવ હવે પૂર્ણ આશ્વસ્થ થઈ સ્ટેજ ઉપર જઈ પહોંચ્યો..!!

આગળ શું થયું એ વિશે શિવ હજુ વધુ વિચારે એ પહેલાં એ અમદાવાદ આવી ગયું..શિવ વડોદરાથી લાવેલાં ડોક્યુમેન્ટ ઓફિસે આપી ઓફિસમાં પોતાનું થોડું કામ પતાવી જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રાતનાં દસ વાગી ગયાં હતાં..હમીર તો શિવ નાં વહેલાં આવી જતાં આશ્ચર્ય પામી ગયો..હમીરે ગરમાગરમ પરોઠા અને ટામેટાનું શાક શિવને બનાવીને જમાડયું.

શિવ જમીને પોતાનાં બેડરૂમમાં ગયો અને પુનઃ એ તસ્વીર અલમારીમાંથી નીકાળી પોતાની જોડે બેડ ઉપર રાખી અને એને જોતાં જોતાં પાછો પોતાનાં અને ઈશિતાનાં એ ડાન્સ પફૉર્મન્સ ની યાદમાં સરી પડ્યો..આ ડાન્સ પફૉર્મન્સ પૂર્ણ થતાં જ શિવની જીંદગી કઈ રીતે પૂર્ણપણે બદલાઈ ચુકી હતી એ વિચારી એ મનોમન ખુશ થઈ રહ્યો હતો..!!

એક બાજુ શિવ ને એ બધું વિચારવું નહોતું અને સુઈ જવું હતું.. પણ આ ઊંઘ છે ને બહુ વિચિત્ર છે..જો આવી જાય તો યાદ આવેલું બધું ભુલાવી દે..પણ જો ના આવી તો ભૂલેલું પણ યાદ કરાવતી જાય..હવે તો એ વાતો ને યાદ કરીને જ છૂટકો હતો.

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version