જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમ અગન પ્રકરણ -4 અને આખરે આજે શિવે ઇશિતાને પ્રપોઝ કરી જ દીધું, પણ પછી એવું તો શું થયું કે આમ…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ -4

“એની ધારણામાં,એની ગણતરીમાં એનાં હિસાબમાં સદાયને માટે કોઈક તો ભૂલ હોય છે. એ આશિક છે સાહેબ, એની બંદગીમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે..”

શિવ સફળતાની બધી જ સીડીઓ ચડીને મંજીલને આંબી ગયો હતો..બધું જ હતું એની જીંદગીમાં પણ આ બધું પણ કોઈકની કમી આગળ ફિક્કું હતું..પોતાની ઈશિતા તરફની મિત્રતા ને કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થવાનું કારણ મળ્યું એ વિશેની મીઠી યાદોને વાગોળતાં શિવ પોતાની કોલેજનાં ફંક્શનનાં ડાન્સ પફૉર્મન્સ સુધી પહોંચી ગયો હતો.

image source

ઈશિતા એ ઘણી મહેનત પછી શિવને ડાન્સ શીખવાડી તૈયાર કર્યો હતો આ પરફોર્મન્સ માટે..જેવી ઉદગોષક મિત્ર એ જાહેરાત કરી કે હવે સ્ટેજ ઉપર આવનાર છે શિવ અને ઈશિતા..તો પોતાની એન્ટ્રી પહેલી હોવાનાં લીધે શિવ સ્ટેજ ઉપર જઈ પહોંચ્યો..અને જેવું મ્યુઝિક સ્ટાર્ટ થયું એ સાથે જ દર્શકો ની બુમો અને ચિચિયારીઓ વચ્ચે શિવ એ પોતાનો ડાન્સ શરૂ કરી દીધો.

ગીત ની સાથે શિવ હવે સ્ટેપ થી સ્ટેપ મિલાવીને નાચી રહ્યો હતો..સાગરે તો શિવ નું આ પફૉર્મન્સ ચાલુ હતું ત્યારે નિધિ ને કાનમાં કીધું. “પ્રેમ ની તો ખબર નથી..પણ શિવ ની મઝધારે ઉભેલી નાવડીને દ્વારકાધીશ કિનારે લાવે તો સારું..” જેવું આ ગીત નું મ્યુઝિક અટક્યું એટલે દર્શકો એ તાળીઓથી શિવને વધાવી લીધો..હજુ તો શિવનાં પફૉર્મન્સમાંથી દર્શકો બહાર આવે એ પહેલાં તો બીજું ગીત શરૂ થઈ ગયું અને સ્ટેજ ઉપર એન્ટ્રી થઈ ઈશિતા ની..ફિલ્મમાં કેટરીના કૈફ અને રણવીર કપૂર પર ફિલ્મવેલા ગીત નો ટ્રેક શરૂ થયો એ સાથે જ ઈશિતા ની સાથે સાથે શિવે ડાન્સ શરૂ કરી દીધો.

આ એવું ગીત હતું જેમાં ઈશિતાનું ગ્લેમર,એની અદાઓ,એનાં નખરાં અને એનાં દરેક ડાન્સ મુવ પ્રેક્ષકો ને રીતસરનાં પાગલ બનાવી રહ્યાં હતાં..હવે દૂર બેસેલાં દર્શકો ની આ દશા હતી તો ઈશિતા ની જોડે ડાન્સ કરનારાં શિવ ની તો હાલત વિશે તો પૂછવું જ શું રહ્યું..?..ડાન્સ પ્રેક્ટિસ માં તો ઠીક હતું પણ આજે તો ઈશિતા રીતસરની કાતીલ અદાઓથી શિવ નો વગર તલવારે શિકાર કરી રહી હતી.

ઈશિતા તો ઠીક પણ આજે તો શિવ એ બધો ડર,બધો ભય,બધી ચિંતાઓ મૂકીને મન મુકીને ઈશિતાની સાથોસાથ કદમથી કદમ મિલાવી થિરકી રહ્યો હતો..વગર પેટ્રોલ અને વગર ચીંગારી એ શિવ અને ઈશિતા સ્ટેજ પર આગ લગાવી ચુક્યાં હતાં. એમનો આ ઈન્ટીમેટ પફૉર્મન્સ જોઈને તો સ્ટેજ ની સામે બેસેલી બધી ઓડિયન્સ મોં માં આંગળા નાંખી ચુકી હતી.

આ ગીત પૂર્ણ થતાં તો બધાં પોતપોતાની જગ્યાએથી ઉભાં થઈને શિવ અને ઈશિતા નો હોંસલો વધારવાં લાગ્યાં.. આ બધાં ની સાથે એ પણ સત્ય હતું કે કોલેજનાં બીજાં છોકરાંઓ માટે શિવ પ્રત્યે ઈર્ષા પેદા થઈ રહી હતી..આટલી હોટ અને બ્યુટીફૂલ છોકરી જોડે શિવ જે રીતે નજદીકી પ્રાપ્ત કરી ચુક્યો હતો એ જોઈ સિંગલ તો ઠીક પણ કમિટેડ છોકરાંઓ પણ મનોમન ઈર્ષાથી સળગી રહ્યાં હતાં.

image source

હવે શરૂ થયું એ ગીત જે ખૂબ જ રોમાન્ટિક હતું અને એમાં ડાન્સ મુવ કરતાં પણ એક્ટિંગ અને રોમાન્સ વધુ જોવાં મળવાંનો હતો..

આતીફ અસલમ નાં અવાજમાં ગવાયેલાં આ રોમાન્ટિક ગીત ની સાથે શિવ અને ઈશિતા એકબીજાની આંખોમાં આંખ નાંખીને કપલ ડાન્સ કરી રહ્યાં હતાં..આ ગીત માં શિવ પણ હજારો લોકો પોતાને જોઈ રહ્યાં છે એ ભૂલીને ફક્ત ઈશિતા ની આંખોમાં ડૂબીને ડાન્સ કરી રહ્યો હતો..હવે તો ઈશિતાનું દિલ પણ એને વારંવાર કહી રહ્યું હતું કે શિવ શાયદ એનાં માટે જ બન્યો હતો..એક એવું રોમાન્ટિક વાતાવરણ ત્યાં સર્જાયું હતું જેની અસરમાંથી થોડો સમય તો કોઈ નીકળી શકે એમ નહોતું.

શિવ નાં મનની વાત કહેતાં આ ગીત નાં પૂર્ણ થવાં છતાં શિવ અને ઈશિતા હજુ એન્ડિંગ પોઝ માં ઉભાં હતાં.. જ્યાં ઈશિતા શિવનાં હાથ ઉપર ઝુકેલી હતી અને શિવ કમરથી એને પકડીને એનો સુંદર ચહેરો પોતાની નજરમાં કેદ કરી રહ્યો હતો..એ બંને ને એમ હતું કે અહીં એમનું પફૉર્મન્સ પૂર્ણ થઈ ગયું..પણ જે વ્યક્તિ મ્યુઝિક સેટ કરતો હતો અને કોઈકનો કોલ આવી ગયો અને અજબ પ્રેમ કી ગજબ કહાની મુવી નું પ્લે લિસ્ટમાં આગળનું ગીત ચાલુ થઈ ગયું.

ઈશિતા અને શિવ બંને હવે એ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યાં હતાં..જ્યાં પરસ્પર પ્રેમ હોવાં છતાં કોઈ સામેથી કંઈપણ કહી નહોતું રહ્યું..પણ કહેવાય છે ને.

શિવ અને ઈશિતા પોતાનો એન્ડિંગ પોઝ મૂકીને સરખાં ઉભાં રહ્યાં ત્યાં નવું ગીત શરૂ થઈ ગયું..અને આ ગીત નાં શબ્દો હતાં.

શિવ અને ઈશિતા જાણતાં હતાં કે આ ગીત તો એમનાં પફૉર્મન્સમાં હતું જ નહીં..પણ ગીત વાગતાં જ શિવ તો લાગણીનાં પુરમાં તણાઈ ગયો..પોતાનાં દિલની વાત રાખવાનો આ સુવર્ણ અવસર હતો એ વિચારી શિવે ઈશિતા નાં હાથ પોતાનાં હાથમાં લઈ લીધાં.. ઈશિતા એ પણ શિવની આ હરકત નો કોઈ વિરોધ ના કર્યો.

શિવે ઈશિતા ની આંખોમાં જોયું..એની નજરો સાથે નજર મિલાવી ને ઈશિતા નાં મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરી જોયો.. બીજી તો શિવને ખબર ના પડી પણ ઈશિતા ની આંખમાં એને પોતાની જાતને જોઈ..ઈશિતા પણ શિવ નો માસુમ ચહેરો એકીટશે જોઈ રહી હતી..અત્યાર સુધી શિવ પોતાની સાથે મિત્રતામાં પણ કોઈ મતલબ ના રાખતો અને દિલથી પોતાની સંભાળ રાખતો એ વિશે વિચારતાં જ ઈશિતા નું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું.

image source

ઓડિયન્સ ને તો હજુ એમ જ હતું કે શિવ અને ઈશિતા પરફોર્મ કરી રહ્યાં છે..પણ નિધિ અને સાગર જાણતાં હતાં કે એ બંને નું આ પફૉર્મન્સ બીજાં લોકો માટે નહીં પણ પોતપોતાનાં માટે હતું..એ બંને તો હવે આગળ શું બનશે એનો બેતાબી પૂર્વક ઇંતજાર કરી રહ્યાં હતાં.

શિવ ની નજર પોતાને એ રીતે જોઈ રહી હતી જાણે એનાં માટે પોતાની પુરી દુનિયા ઈશિતા જ હતી..આંખોની અને મૌન ની આ ભાષા ઈશિતા થોડી તો સમજી ચુકી હતી..શિવ પણ પોતાને ચાહતો હતો એ મનમાં આવતાં જ ઈશિતા ની આંખો શરમથી ઝૂકી ગઈ..અત્યાર સુધી બેખૌફ બની શિવ ને ડાન્સ દરમિયાન પોતાની તરફ જોવાં વારંવાર બોલતી ઈશિતા ની નજર આજે ઝૂકી ગઈ.

દોસ્તો આ ઝુકેલી નજર એ વાત નો ઈશારો હતી કે ઈશિતા નાં હૃદયમાં પણ શિવ પ્રત્યે પ્રેમનાં બીજ અંકુરિત થઈ ચુક્યાં હતાં..શિવે પણ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની બધી જ હિંમત ને એકઠી કરી..ઓડિયન્સમાં બેસેલાં નિધિ અને સાગર તરફ શિવે જોયું અને પછી સ્ટેજ પર એમનાં પફૉર્મન્સ દરમિયાન રાખવામાં આવેલાં ફુલોમાંથી એક ફુલ ઉઠાવી ઈશિતા ની સામે ઘૂંટણભેર બેસી ને કહ્યું.

“Ishita, i love you..”

image source

આ જ દરમિયાન મ્યુઝિક બંધ થઈ ગયું..ઈશિતા એ શિવ આવું કંઈ કરશે એની અપેક્ષા નહોતી રાખી..પણ હવે જો શિવે પોતાનાં દિલની વાત રાખી જ દીધી હતી તો એનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે ને કેમકે આજે નહીં તો કાલે પોતે સામે ચાલીને શિવ ને પ્રપોઝ કરવાની હતી. “I love you too, shiv”શિવનાં હાથમાંથી ગુલાબ લઈને ઈશિતા શરમથી લાલ લાલ થઈ જતાં બોલી.

ઈશિતા નો જવાબ સાંભળી શિવ ઉભો થયો અને એને ઈશિતા ને પોતાની બાહોમાં સમાવી દીધી.ઓડિયન્સ હજુ સુધી એ જ વિચારમાં હતી કે આ બધું એક એક્ટ નો ભાગ છે અને એમને જોરદાર તાળીઓ અને ચિચિયારીઓથી વાતાવરણને ભરી દીધું.. સાગર અને નિધિ તો આ દ્રશ્ય જોઈ હરખભેર એકબીજાની સામે જોતાં ભગવાનનો આભાર માની રહ્યાં હતાં પોતાનાં બંને મિત્રો વચ્ચેનાં આ સુંદર મિલન માટે.

ઈશિતા અને શિવ ઓડિયન્સનું માથું ઝુકાવી અભિવાદન કરી સ્ટેજ નાં પાછળનાં ભાગમાંથી ઉતરી નીચે આવ્યાં એ દરમિયાન તો સાગર અને નિધિ પોતાની ખુરશીઓ ખાલી કરી એમને મુબારક વાત દેવાં પહોંચી ચુક્યાં હતાં. “આખરે તે ઈશિતા ને તારાં દિલની વાત કહી જ દીધી..”ઈશિતા અને શિવ ચેન્જ રૂમ પહોંચ્યા ત્યાં તો સાગરે શિવને ગળે લગાડીને કીધું.

“અને એ પણ બધી ઓડિયન્સ ની સામે..અને ઈશિતા તે પણ આનો પ્રપોઝ સ્વીકારી લીધો..”ઈશિતા નાં ખભા જોડે ખભો અથડાવી નિધિ બોલી. “આજકાલ આવાં સીધાં છોકરાં મળે જ ક્યાં છે..હવે કોઈકને તો હા પાડવાની જ હતી તો આ બબુચક શું ખોટો..”શિવની ઝુલ્ફોમાં હાથ ફેરવી ઈશિતા બોલી. “કંઈ સીધો નથી આ શિવલો..પહેલાં દિવસથી જ તને જોતો હતો..”સાગર બોલ્યો.

સાગર ની વાત સાંભળી શિવ ગુસ્સે થઈ એની તરફ મોટી આંખો કરી જોવાં લાગ્યો..આ જોઈ નિધિ અને ઈશિતા બંને હસી પડ્યાં. “ચલો ત્યારે હવે તમે બંને ચેન્જ કરી લો..પછી વિજેતાઓનાં નામ જાહેર થશે..”નિધિ એ કહ્યું. થોડીવારમાં એ ચારેય દોસ્તારોનું ટોળું ઓડિયન્સમાં ગોઠવાઈ ગયું હતું..સિગિંગ ડુએટ માં સાગર અને નિધિ વિજેતા બન્યાં જ્યારે ડુએટ ડાન્સ માં તો પ્રેક્ષકો એ જ વિજેતા નું નામ જાહેર કર્યાં પહેલાં જ પોતાની બુમો વડે શિવ અને ઈશિતા ને વિજયી ઘોષિત કરી દીધાં હતાં.

image source

આજે શિવ અને ઈશિતા નો પ્રેમ પરિપૂર્ણ બન્યો હતો..એમની વચ્ચેની મિત્રતા હવે પ્રેમમાં પરિવર્તિત થઈ ચૂકી હતી..આ બધી મીઠી યાદોને સ્મરણ કરતાં-કરતાં શિવ પોતાની ઈશિતાની તસ્વીર ને જોડે રાખીને સુઈ ગયો.

શ્રી ઈન્ફ્રાટેક જેવી સફળત્તમ કંપનીનો માલિક શિવ પટેલ આજે પણ પોતાની ભૂતકાળની મીઠી યાદોનું સ્મરણ કરતાં થાકતો નહોતો.પોતાનાં પ્રથમ અને આખરી પ્રેમ ઈશિતા જોડે ની મુલાકાત,ઓળખાણ,મિત્રતા અને પછી પ્રેમ ની દાસ્તાન વાગોળ્યા બાદ શિવ સુઈ ગયો. સવારે જ્યારે શિવની આંખ ખુલી ત્યારે એ થોડી નાદુરસ્તી અનુભવી રહ્યો હતો..શિવ નું માથું ભારે ભારે થઈ ગયું હતું..આજે શિવ ને ઉઠતાં જ વિચાર થયો કે આજે એને કામ ઉપરથી બ્રેક લેવો જોઈએ..એ સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી નાસ્તો કરવાં માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો.. હમીરે બનાવેલી આમલેટ શિવ ખાતો હતો ત્યાં એનાં ફોનની રિંગ વાગી.

image source

શિવે ફોનની સ્ક્રીન ભણી જોયું તો સ્ક્રીન પણ જય નું નામ દેખાયું..ફોન રિસીવ કરતાં જ શિવ બોલ્યો. “બોલ ભાઈ,કેમ આજે સવાર સવારમાં કોલ કરવાનું કારણ..?” “અરે ભાઈ એ તો તને યાદ કરાવવા માટે કોલ કર્યો હતો કે આજે CNBC નો વાર્ષિક એવોર્ડ સમારંભ યોજવાનો છે ઇન્કમટેક્સ ખાતે આવેલી હોટલ હયાતમાં તો તને પણ એવોર્ડ મળવાનો છે..તો તારે ત્યાં જવાનું છે..”જય બોલ્યો. “અરે હા,હું તો ભૂલી જ ગયો હતો..સારું કર્યું તે યાદ કરાવ્યું..ક્યારે જવાનું છે..?”જય ની વાત સાંભળી શિવ બોલ્યો.

“ભાઈ સાંજે સાત વાગ્યાનું ફંક્શન છે..તું ઓફિસે આવવાનો છે તો પછી આપણે જોડે જ જઈશું..”જય બોલ્યો. શિવ આજે ઓફિસ જવા ઈચ્છતો નહોતો પણ ના છૂટકે એને જય ની વાત માનવી પડી..અને એને કહ્યું. “Ok, પણ હું થોડો મોડો આવીશ..બપોરે જમ્યાં બાદ..”શિવ બોલ્યો. રોજ સમય કરતાં વહેલો આવનાર શિવ આજે મોડું આવવાનું જણાવી રહ્યો હતો એ સાંભળ્યાં બાદ જયે ચિંતિત સ્વરે કહ્યું.

“ભાઈ બધું ઠીક તો છે ને..?તારો અવાજ પણ ઢીલો ઢીલો જણાય છે..” “ના ભાઈ બધું સારું જ છે..આતો માથું થોડું ભારે લાગતું હતું એટલે બપોરે જમીને જ આવું..”શિવ બોલ્યો. “સારું ત્યારે..હું ફોન રાખું ત્યારે..જય ગોગા..”આટલું બોલી જયે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

નાસ્તો કરીને શિવ પોતાનાં બેડરૂમમાં ગયો અને લેપટોપ પર થોડું કામ કરવાં લાગ્યો.દુનિયાભરમાં ટેકનોલોજીની દુનિયામાં શું અપડેટ આવતી હતી એનાંથી શિવ પોતાની જાતને હંમેશા માહિતગાર રાખતો.દોઢેક કલાક બાદ શિવ ને કંટાળો આવ્યાં લાગ્યો..પોતાની ખરાબ તબિયત આજે શિવને બરાબરની પજવી રહી હતી..એની આંખોમાંથી પણ સતત પાણી નીકળી રહ્યું હતું.

image source

શિવને અચાનક કંઈક યાદ આવ્યું અને એને પોતાનાં whatsup નંબર પરથી કોઈકને મેસેજ કર્યો..અને સામેથી રીપ્લાય આવતાં જ શિવે પોતાનાં HP OMEN લેપટોપમાં સ્કાયપ એકાઉન્ટ ઓપન કર્યું અને સાગરને વીડિયો કોલ કર્યો..શિવે whatsup પર સાગરને જ મેસેજ કર્યો હતો કે એ ફ્રી હોય તો સ્કાયપ પર આવે. “Hi શિવ..કેમ છો..?”સ્કાયપ પર ઓનલાઈન આવતાં જ સાગર બોલ્યો.

“બસ ભાઈ અહીં ઈન્ડિયામાં જલસા છે..તું બોલ કેનેડા માં કેવું છે..?સાગર કોલેજ બાદ IELTS એક્ઝામ આપીને કેનેડાનાં ટોરેન્ટો જઈને વસી ગયો હતો..ત્રણ મહિના પહેલાં જ એ ત્યાંનો P.R થઈ ગયો હતો. “બસ ભાઈ આપણે પણ હવે ચકાચક છે..જોબ પણ સારી એવી સેટ થઈ ગઈ છે..”સાગર બોલ્યો. “ક્યાં ગઈ નિધિ..દેખાતી નથી આજુબાજુ..નહીં તો તારો પીછો મુકતી જ નથી..”શિવે કહ્યું..નિધિ અને સાગર નાં લગ્ન થઈ ગયાં હતાં અને એ બંને અત્યારે સાથે જ કેનેડામાં વસી ગયાં હતાં.

“આ રહી હું..”શિવનો અવાજ સાંભળી નિધિ બધું કામ પડતું મૂકી કોમ્પ્યુટર સ્ક્રીન સામે ગોઠવાઈ ગઈ. “મસ્ત લાગે છે..હજુ પણ ફિગર મેઇન્ટેઈન રાખ્યું છે..”શિવે નિધિનાં વધી ગયેલાં શરીર પર કટાક્ષ કરતાં કહ્યું. “શિવલા,હવે તું પણ આની જેમ બોલવા લાગ્યો..મને ખબર છે મારું શરીર હવે થોડું વધી ગયું છે..”નિધિ ગુસ્સો કરતાં મોં મચકોડી બોલી. “આને થોડું ના કહેવાય..પહેલાં માલ લાગતી હતી અને હવે માલગાડી..”સાગર આંખ મારતાં બોલ્યો.

સાગરનાં આમ બોલતાં નિધિ એ એને રીતસરનો ધીબી જ નાંખ્યો..એ બંને વચ્ચેનો આ પ્રેમ જોઈ શિવ મનોમન એક તરફ તો ખુશ થઈ રહ્યો હતો અને બીજી તરફ એનું મન ભરાઈ આવ્યું હતું. “ભાઈ હવે તું બોલ..કેવું ચાલે છે..અંકલ આંટી કેમ છે..?”સાગરે પૂછ્યું. “બસ ભાઈ બધાં મજામાં..”શિવ ટૂંકમાં જવાબ આપતાં બોલ્યો. ત્યારબાદ થોડી અહીં તહીં ની વાતો બાદ નિધિ એ કહ્યું.

image source

“શિવલા,હવે તો તું બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે..અને ટોટલી સેટ પણ થઈ ગયો છે તો તે લગ્ન માટે કોઈ છોકરી જોઈ કે નહીં..?” નિધિનો પુછાયેલો આ અવાજ સાંભળી શિવ થોડો વિહ્વળ બની ગયો..એનાં માનસપટલ પર બે દિવસથી ઉભરી આવેલી ઈશિતા ની યાદો અને હવે નિધિ એ પુછેલાં આ પ્રશ્ન એ એને અંદર સુધી ઝકઝોરી મુક્યો હતો..આમ છતાં વર્ષોથી ઘણું બધું સહન કરતો આવતો હોવાંનાં લીધે શિવે પોતાનાં ઇમોશન ઉપર કાબુ મેળવી નકલી સ્મિત સાથે નિધિનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

“બસ કોઈ તારાં જેવી મસ્ત મળી જાય એટલે વિચારું..” “તો તો ભાઈ તું લગન જ ના કરતો..આ લગ્ન પહેલાં જેવી હતી એવી નથી રહી..મને રોજ ધમકાવે છે અને ડરાવીને રાખે છે..”સાગર મજાક કરતાં બોલ્યો. “શિવલા,હું તને એવી લાગું છું..?”નિધિ શિવની તરફ જોતાં બોલી. “ના હો..એ સાગરીયા તું હવે નિધિ ને હેરાન ના કર..”શિવ નિધિનો પક્ષ લેતાં બોલ્યો એ બાબતથી નિધિ ખુશ થઈ ગઈ.

“સારું ત્યારે ચલ હવે તું તારું કામ કર..અમે બંને હવે જમી લઈએ..”સાગર બોલ્યો. “સારું ભાઈ..આવજે..”આટલું કહી શિવે વીડિયો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. સ્કાયપ કોલ ડિસ્કનેક્ટ થતાં જ ટોરેન્ટોમાં પોતાનાં ઘરે હાજર સાગર નિધિ પર થોડો ગુસ્સો કરીને બોલ્યો. “નિધિ,યાર તને કેટલી વાર કહ્યું કે તું શિવ જોડે એનાં લગ્ન ની વાત નહીં કરે..એ હજુ ઈશિતાને નથી ભુલ્યો અને શાયદ ભૂલશે પણ નહીં..” “તો શું કરું..આમ જ શિવ ને એકલો અને વિરહમાં ઝુરતો જોઈ રહું..હું જાણું છું કે આજે પણ શિવનાં માટે ઈશિતા જ બધું છે..છતાં આજે નહીં તો કાલે શિવને બધું ભૂલી આગળ વધવું જ પડશે..”નિધિ રડમસ સ્વરે સાગરનાં ખભે પોતાનું માથું રાખી બોલી.

નિધિનાં માથે પોતાનો હાથ મૂકી નિઃસાસો નાંખતાં સાગર બોલ્યો. “હે ભગવાન જો કિસ્મતમાં કોઈ મળવાનું ના લખાયું હોય તો મહેરબાની કરીને એમને મેળવવાનો તને કોઈ હક નથી..કોઈ હક નથી..”

**********

સાગર અને નિધિ જોડે વાત કરી મન હળવું થવાનાં બદલે શિવ નું મન વધુ ભારે થઈ ગયું હતું..હમીરે બનાવેલું જમવાનું પણ એ મહાપરાણે ખાઈ શક્યો..શિવનો જીવ આજે મૂંઝાઈ રહ્યો હતો..કોઈ અજાણ્યું કારણ એને સતત પરેશાન કરી રહ્યું હતું..બપોરે જમીને ઓફિસ જવાનાં બદલે શિવ થોડો આરામ કરવાનું મન બનાવીને આંખો બંધ કરીને સોફામાં બેસી રહ્યો.

લગભગ ત્રણ વાગે શિવ સોફામાંથી બેઠો થયો અને પોતાનો ચહેરો પાણી વડે ધોઈને ઓફીસ જવા માટે નીકળ્યો.. હમીરનાં ના કહેવા છતાં પણ શિવ ઓફિસ જવા માટે નીકળ્યો હતો.

શિવ ઓફિસે પહોંચીને ગઈકાલે બરોડાથી લાવેલાં ક્લાયન્ટ માટે જે સિક્યુરિટી સોફ્ટવેર બનાવવાનું હતું એનું કામ ક્યાં પહોંચ્યું હતું એ ચેક કરવાં પોતાનાં સ્ટાફ ને મળી આવ્યો..શિવ પોતાનાં સ્ટાફ જોડે કઈ રીતે કામ કઢાવવું એ વિશે જાણતો હતો..ઓફિસનો સ્ટાફ કામ કરવાં માટે ફ્રેશ રહે અને કામ ઉપર પૂરતું ધ્યાન આપે એ હેતુથી શિવે પોતાનાં સ્ટાફ ને ઘણી વસ્તુઓની છૂટ આપી રાખી હતી..જેમકે જેને આરામ કરવો હોય એ ઓફિસમાં જ આવેલાં અલગ બનાવેલાં રૂમમાં જઈ અમુક સમય આરામ પણ કરી શકે છે.. જમવાનું પણ ઓફિસ તરફથી પૂરું પાડવામાં આવતું.

image source

“ચલ ભાઈ હવે છ વાગી ગયાં..”છ વાગતાં જ જયે શિવને ઉદ્દેશીને કહ્યું. “બસ ભાઈ પાંચ મિનિટ..આ રૂતુલને કોડિંગ સમજાવી દઉં પછી નીકળીએ..”પોતાનાં ઓફિસનાં સ્ટાફમાં સામેલ રૂતુલ નામનાં છોકરાને સોફ્ટવેર કોડિંગ સમજાવતાં શિવ બોલ્યો. “સારું..હું પાર્કિંગમાં તારો વેઈટ કરું છું..તું જલ્દી પહોંચી જજે..”જય આટલું બોલી ત્યાંથી નીકળી ગયો.

થોડીવારમાં રૂતુલને બધું સમજાવી શિવ CNBC ફંક્શનમાં ભાગ લેવાં માટે નીચે પાર્કિંગમાં આવ્યો..જ્યાં જય એની રાહ જોઇને ઉભો હતો. “હાલ મારાં ભાઈ..બેસી જા..”શિવને ઉદ્દેશીને જય બોલ્યો. શિવ જય ની જોડે કારમાં ગોઠવાયો એ સાથે જ જયે પોતાની કારનાં એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને ભગાવી મુકી હોટલ હયાત તરફ.શિવ અને જય જ્યારે હોટલ હયાત પહોંચ્યા ત્યારે પોણા સાત વાગી ગયાં હતાં..અમદાવાદ અને ગુજરાતનાં અગ્રણી બિઝનેસમેન નો અત્યારે હોટલ હયાતનાં હોલમાં જમાવડો થયો હતો.

બરાબર સાત વાગે ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું હતું..એક પછી એક અલગ-અલગ ઈન્ડસ્ટ્રીનાં અનુસંધાનને લગતાં એવોર્ડ આપવામાં આવી રહ્યાં હતાં..આખરે હવે આઈ.ટી ઈન્ડસ્ટ્રી ને લગતી કંપનીઓએ એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો..એ મુજબ સ્ટેજ ઉપરથી હોસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી. “તો સતત ત્રીજા વર્ષે મોસ્ટ ગ્રોસિંગ આઈ.ટી કંપનીનો એવોર્ડ જાય છે શ્રી ઈન્ફ્રાટેક નાં ફાળે.. અને શ્રી ઈન્ફ્રાટેક તરફથી સ્ટેજ ઉપર એવોર્ડ લેવાં આવશે mr.શિવ પટેલ..”

પોતાનું નામ જાહેર થતાંની સાથે જ શિવ પોતાનાં સ્થાનેથી ઉભો થઈને સ્ટેજ તરફ આગળ વધ્યો..સ્ટેજ ઉપર પહોંચી એવોર્ડ સ્વીકાર્યા બાદ શિવે ત્યાં હાજર બધાં લોકોનું માથું નમાવી અભિવાદન કર્યું અને પછી પોતે બેઠો હતો એ તરફ આગળ વધ્યો ત્યાં ઉદધોષક દ્વારા શિવને બે-ચાર વાક્યો પોતાની અને પોતાની કંપનીની સફળતા વિશે બોલવા માટે વિનંતી કરવામાં આવી..આમ થતાં શિવ પાછો સ્ટેજ ની મધ્યમાં આવ્યો અને પોડિયમ જોડે ઉભો રહી બોલવાનું શરૂ કર્યું.

“સૌ પ્રથમ તો CNBC ની ટીમ નો ખુબ ખુબ આભાર જે દર વર્ષે આ પ્રકારનાં એવોર્ડ આપી નવાં ઉભરતાં બિઝનેસમેન ને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે..” “હું વાત કરું મારી કંપનીની સફળતા ની..તો એની પાછળ એક જ વસ્તુ છે અને એ છે સખત પરિક્ષમ..સફળતા માટે પરસેવે ભીંજાવું જરૂરી છે તો જ તમારાં કપડામાંથી સમય જતાં અત્તર ની સુવાસ આવે..” “વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં.. બસ દરેક કામને એ અલગ રીતે કરે છે..જે મેં કર્યું અને એથી જ મારી કંપની શ્રી ઈન્ફ્રાટેક આજે સફળતાનાં શિખરે છે..thanks..”

image source

આટલું કહી શિવે પોતાની વાત પૂર્ણ કરી એ સાથે જ હોલમાં તાળીઓનો ગળગળાટ થઈ ગયો.શિવ ચહેરા પર સ્મિત સાથે એવોર્ડ હાથમાં લઈ પોતાની જગ્યા તરફ પુનઃ અગ્રેસર થયો..હજુ શિવ સ્ટેજનાં પગથિયાં ઉતરી રહ્યો હતો ત્યાં એનું માથું ભમવા લાગ્યું..ઉપર રાખેલું ઝુમ્મર શિવને ગોળ-ગોળ ફરતું લાગ્યું..એનાં હાથમાંથી એવોર્ડ નીચે પડી ગયો..શિવ ની આંખો આગળ અંધારું થઈ ગયું..એ માથાં ઉપર હાથ મૂકી પોતાની જાતને સ્વસ્થ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો..ત્યાં એ ચક્કર ખાઈને નીચે ફર્શ ઉપર ગબડી પડ્યો.

“શિવ..”શિવ નાં નીચે પડતાં જ જય મોટેથી સાદ પાડી શિવ તરફ ધસી ગયો.

“હૈયું મારુ રડી રહ્યું..હું તો દિલથી આપું તને સાદ

તારાં વિનાની આ જીંદગી થઈ બેઠી છે બરબાદ..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version